Advertisement
Author: નોબત સમાચાર

'અ૫માન-તિરસ્કાર.. યાદ રાખવા કે ભૂલવા?'

અપમાન... તિરસ્કાર... ધુત્કાર... જ્યારે થાય છે ત્યારે તેની આગ આખી જિંદગી સળગાવી દે છે. તેની રાખ-તેના તણખા જીવનભર આપણને દઝાડતા રહે છે. ઈતિહાસ સાક્ષી છે કે અપમાનનો બદલો લેવા કેટકેટલા યુદ્ધ ખેલાયા છે.. કેટકેટલા રાજ્યો અપમાનનો બદલો લેવામાં નાશ પામ્યા છે. ગુરૂદ્રોણનું અપમાન તેમના મિત્ર દ્રુપદે કરેલું તેનો બદલો લેવા દ્રોણે પોતાના શિષ્યો પાસે ગુરૂ દક્ષિણામાં દ્રુપદની હાર માંગી લીધી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થયું. દ્રૌપદીએ પોતાના અપમાનને બદલે દુર્યાેધનની જોધ ચીરવાનું વચન પતિ પાસે માંગી લીધુ અને ત્યાં સુધી વાળ ન બાંધવાની પ્રતિજ્ઞા લીધી અને તેમાંથી રચાયું મહાભારત... લક્ષ્મણે કરેલા સુપર્ણખાના અપમાનના બદલામાં રામાયણ સર્જાયું. ધનનનંદે કરેલુ ચાણક્યનું અપમાન, રાવણની સભામાં હનુમાનજીનું અપમાન.. આવા કેટકેટલાય અપમાન આખા વંશના નાશ માટે કારણભૂત બન્યા છે. અપમાન શબ્દ જ ભયાનક છે. હજારો વર્ષથી આ શબ્દ માણસ જાતને સળગાવતો આવ્યો છે. એક અપમાનનો બદલો લેવા માણસ પોતાની જાતને હોમીને પણ સામેવાળાને પાઠ ભણાવે છે. એવા પણ અનેક દાખલા છે. આવા કિસ્સાઓ ઈતિહાસથી લઈઙ્મો આજ સુધી બનતા આવ્યા છે.

કેટકેટલી મારામારીના કિસ્સા, ખૂનના કિસ્સા આવા અપમાનને કારણે થતાં હોય છે, આજે તો જાણે અપમાનની વ્યાખ્યા જ બદલી ગઈ છે. કોઈ થોડીવાર સામે જોવે અથવા સામેથી પસાર થઈ જાય અને બોલાવે નહી તો પણ અપમાન લાગે. કોઈના વખાણ કરીએ એટલે બીજાને અપમાન લાગે, એકાદ-બે શબ્દ કહીએ તો પણ અપમાન કર્યું એમ કહીને મોટો ઈદ્બયુ બનાવે. આજકાલના પોલીસના ચોપડે નોંધાયેલા મોટાભાગના કિસ્સામાં અપમાન કારણભૂત હોય છે.

આપણે બધા જ અપમાન વિશે ખૂબ સેન્સિટિવ-સંવેદનશીલ હોઈએ છીએ. આપણે અનેકવાર અભિપ્રાયો સાંભળ્યા છે. કોઈક કહે છે કે બધું ભૂલી જવું જોઈએ, તો કોઈક કહે છે કે માફ કરી દેવું પણ ભૂલવું નહીં.. બદલો લેવાય.. આવા અનેક અભિપ્રાય અપમાન વિશે બધાના મગજમાં હોય છે. બધાના પોતપોતાના અભિપ્રાય, પોતપોતાની માન્યતા.. જો કે સલાહ આપવી સહેલી છે કે અપમાન યાદ ન રખાય, માફ કરી દેવાય કે પછી બદલો લેવાય, પણ જ્યારે પોતાની સાથે આવું કંઈ થાય ત્યારે આપણું વર્તન અલગ હોય છે. આપણી સલાહ અને આપણા વર્તન વચ્ચે તફાવત હોય જ છે અને રહેવાનો જ.. બીજાને સલાહ આપતી વખતેના વાક્યો અને પોતાની જાતને સમજાવવાના વાક્યો જુદા જુદા જ હોય છે. કારણ કે દર્શકને પોતાની પીડા, પોતાનું દુઃખ કે પોતાનું અપમાન હંમેશાં મોટા અને પોતે કોઈનું અપમાન કરે ત્યારે ગામ ગજાવે છે અને પોતે કોઈનું અપમાન કરે ત્યારે તે અપમાનના વર્તનના કારણે તેની પાસે તૈયાર જ હોય છે. અપમાન આપણું અને અપમાન બીજાનું. દરેક સમયે દરેકની મનોસ્થિતિ જુદી જુદી જ હોય છે, આપણે જ્યારે કોઈનું અપમાન કરીએ છીએ ત્યારે આપણે વધારે વિચારતા જ નથી. તે સમયે મન-મગજમાં આવેલો ગુસ્સો, વિચારો કે ઉભરો સામેવાળા પર ઠાલવી દઈએ છીએ, પછી ક્યારેક પસ્તાવો પણ થાય છે. પણ પછી કંઈ કરી શકતા નથી.

અપમાનનો બદલો લેવો, યાદ રાખવું તેના માટે એકથી વધારે અભિપ્રાય હોય શકે છે, પણ આપણા મનની શાંતિ માટે, માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ વર્તન, તિરસ્કાર, અપમાન માફ કરી દેવા વધુ યોગ્ય છે. 'તેણે જે કર્યું એ તેનો સ્વભાવ છે' અથવા 'મારાથી તેના જેવું ન થવાય' અથવા 'હશે.. જે થયું તો જવા દો..' એવું વિચારીએ અને આસપાસના લોકો, કુટુંબીજનોના અપમાન ભૂલી જઈએ તો આપણા મનમાં કંઈક શાંતિ થાય છે. માફ કરી દેવાનો અર્થ એ નથી કે પાછા હતા તેવા થઈ જઈએ પણ તે પ્રસંગને મનના ખૂણામાં ઢાંકી દેવો જોઈએ. સતત યાદ ન કરીએ, પણ સાવ ભૂલી પણ ન જઈએ. જો એ અપમાન ભૂલીને ફરીથી તે વ્યક્તિ સાથે નોર્મલ વર્તન કરીએ તો શક્ય છે કે ફરીથી આવા અપમાનને સહન કરવું પડે. જો કે અપમાન કરનારને આપણે માફ કરી દઈએ તો પણ ઈશ્વર માફ કરતા જ નથી. તેના વર્તનનો બદલો તેને ક્યારેક તો મળે જ છે અને એ સમયે આપણે હાશકારાની લાગણી તો થાય જ છે, મનના ખૂણામાં દબાઈને રાખેલી અપમાનની લાગણી પર મલમ લાગ્યો હોય તેવું તો થાય જ છે.

અપમાનની કડવાશ થૂંકી શકાય તેની સાથે જોડાયેલા દુઃખની પીડાની લાગણી પંપાળવી જરૂરી નથી. મનમાં વેર-બદલાની ભાવનાનો બોજ લઈને ફરવું પણ ભારરૂપ છે. એમ વિચારી લેવાનું કે, 'ચલો જીવનનું એક નવું લેશન મળ્યું, નવો પાઠ શીખવા મળ્યો.' ત્યારે પછીની જિંદગીમાં આવા એક પણ કામ નહી કરીએ અથવા એવા એક પણ સંબંધ નહી રાખીએ કે જેથી અપમાન સહન કરવું પડે, અપમાનને માફ કરી ન શકો તો એમ પણ વિચારી લઈએ કે આપણે બધા ક્યાંકને ક્યાંક ખોટા છીએ, કયાંક અધૂરા છીએ, ક્યાંક આપણાથી પણ આવું વર્તન થઈ જ જાય છે... તો એમ વિચારીને પણ અપમાનમાં સતત બળવા કરતા જીવનને શાંતિ આપીએ એ વધુ જરૂરી છે.

- દિપા સોની, જામનગર.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh