હવે ગરીબોને ઝડપથી મફત પ્લોટ મળશે...!

ગાંધીનગર તા. ૧પઃ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જમીન વિહોણા ખેતમજૂરો અને ગ્રામ કારીગરોને ૧૦૦ ચોરસવાર સુધીના મફત પ્લોટ આપવાની યોજનાની વિસંગતતા દૂર કરીને થયેલા સુધારા વધારાના કારણે હવે લક્ષિત લાભાર્થીઓને ઘરથાળના મફત પ્લોટ ઝડપથી મળી જશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માટે મુખ્યમંત્રીએ સંબંધિત તંત્રોને તાકીદ કરી છે. ચાર દાયકાથી ચાલતી યોજના હેઠળ જુદા જુદા સમયે અનેક પરિપત્રો થયા હોવાથી તેના અર્થઘટનોમાં તંત્રો ગોથા ખાતું હતું, અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વંચિત રહી જતા હતાં. આ યોજનાને મકાન બાંધકામ સહાય યોજના સાથે સાંકળીને નવી સૂચનાઓ અપાઈ છે. તેથી હવે બીપીએલ કાર્ડ કે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા ગરીબોને પ૦ થી ૧૦૦ વારનો ઘરથાળનો પ્લોટ મફત મળશે. આ અરજદાર જે-તે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી રહેતો હોય, તે જરૃર છે. ગ્રામ પંચાયતો આ માટે સરકારી ખરાબાની કે સરકાર હસ્તકની જમીન નીમ કરીને ગામતળમાં લઈ શકશે. આવી જમીન ઉપલબ્ધ ન હોય, તો ગ્રામ પંચાયત દીઠ રૃપિયા દસ લાખની મર્યાદામાં ખાનગી જમીન પણ સંપાદિત થઈ શકશે. આ માટેના જમીન સંપાદન માટે જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના પદાધિકારીઓની સમિતિઓ નિર્ણય લેશે. રાજ્ય સરકારે ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને આ કદમ ઉઠાવ્યું હોવાના પ્રત્યાઘાતો મળી રહ્યા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit