Advertisement
Author: નોબત સમાચાર

અખંડ સૌભાગ્યવતી ભવઃ આર્શીવાદ દીકરી માટે કે જમાઈ માટે?

જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે તે જવાના જ છે. તે અફર છે કોઈ વહેલા તો કોઈ મોડા... પણ દરેકે દુનિયામાંથી વિદાઈ લેવાની જ છે. તે બધાને ખબર જ છે. અનિશ્ચિતતાઓ ભરી આ જિંદગીમાં કશું નિશ્ચિત હોય તો એક મૃત્યુ છે. પહેલા શ્વાસની સાથે જ છેલ્લા શ્વાસની અવધી લખાયેલી જ હોય છે, છતાં આપણે તે શ્વાસોને લંબાવવાના આશીર્વાદ આપીએ છીએ...

દરેક જીવ પછી તે કીડી હોય કે હાથી, ચકલી હોય કે સમડી. દરેકને મોતનો ડર લાગે જ છે અને મોતથી બચવા તે પ્રયત્ન કરતા જ હોય છે. બધા મોતનો ડર ગળે લગાડીને જ જીવતા હોય છે. મરવાની શરતે જ આપણને જીવન મળ્યું છે. એ સ્પષ્ટ બાબત હોવા છતાં દરેકને મોતનો ડર હોય છે. દરેક પાસે મોતથી બચવા અને જીવન જીવવા માટેના અનેક હેતુઓ હોય છે, ઘણી બધી યોજના હોય છે, પણ છતાં મોત આવશે ત્યારે બધી જ યોજના બધા જ હેતુ, બધી જ સમજદારી જેમની તેમ રહી જાય છે અને આ બધાથી બચવા આપણે આશીર્વાદનું કવચ ઓઢવાનું પસંદ કરીએ છીએ.

દરેક સારી બાબતમાં ક્યાંક ખરાબ બાબત વળગેલી હોય છે. જેને આપણે આડઅસર કહીએ છીએ. શ્રદ્ધા સાથે અંધ શ્રદ્ધા પણ આડઅસર જ છે ને... શ્રદ્ધા ન હોય તો અંધશ્રદ્ધાનો જન્મ ક્યાંથી થાત? નિઃસ્વાર્થ પ્રેમ પણ આડઅસરથી મુક્ત નથી. તેને પણ શંકાની આડઅસર હોય જ છે તેવી રીતે મૃત્યુ પણ જીવનની આડઅસર જ છે ને.. જીવન ન હોત તો મૃત્યુ પણ ક્યાંથી હોત?? કોઈપણ સારી બાબત આડઅસર રહીત ન હોય. આશીર્વાદ તો હૈયાના હેતનંુ પ્રાગટ્ય છે, તેમાં વ્હાલ છે, લાગણી છે, ઉમળકો છે, સામેવાળાની ખુશી જ તેમાં મહત્ત્વની હોય છે. પ્રેમની અને વ્હાલની તિવ્રતા જેટલી વધારે એટલા જ વધારે આશીર્વાદ... આશીર્વાદ હંમેશાં ભલા માટે જ અપાતા હોય છે, પણ આપણને ક્યારેક એ ખ્યાલ નથી આવતો કે ક્યારેક આપણે આશીર્વાદ રૂપમાં અભિશાપ આપતા હોઈએ છીએ.

આશીર્વાદ ઘણાં પ્રકારના હોય છે. જુદા જુદા પ્રસંગ મુજબ આશીર્વાદના વાક્યો બદલતા રહે છે. અહીં વાત કરવી છે લગ્ન મંડપની ચોરીમાં ફેરા ફર્યા પછી કન્યાને આપવામાં આવતા 'અખંડ સૌભાગ્યવતી' ના આશીર્વાદની. લગ્નની વિધિ પૂરી થયા પછી અને ક્યાંક લગ્ન મંડપમાં જ કન્યાના કાનમાં તેના માતા-પિતા તરફથી, વડીલો તરફથી 'અખંડ સૌભાગ્યવતી ભવઃ'ના આશીર્વાદ અપાય છે. લગ્ન મંડપમાં કન્યાના માતા-પિતા તરફથી આ આશીર્વાદ અપાતા જ તેમની આંખમાં ઝળઝળીયા આવી જાય છે અને કન્યાની આંખ પણ છલકાઈ જાય છે. લગ્ન પછી પણ વરકન્યા વડીલોને પગે લાગે ત્યારે વડીલો નવવધૂને 'અખંડ સૌભાગ્યવતી'ના આશીર્વાદ આપે છે. હમણાં લગ્ન સિઝન ચાલે છે એટલે બધાને ખ્યાલ હશે જ કે દરેક મંડપમાં આ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદની વિધિ ચાલે જ છે. કંકુ-ચોખા અને ફૂલથી નવવધૂના માથા પર આશીર્વાદ વધાવવામાં આવે છે. પહેલી નજરે આશીર્વાદ દેખાતા આ વાક્યમાં ક્યાંક અભિશાપ નથી ને? કોઈને ક્યારેય એવો વિચાર આવ્યો કે આ આશીર્વાદ દીકરી માટે છે કે જમાઈ માટે? 'અખંડ સૌભાગ્યવતી' આશીર્વાદ આપીએ છીએ ત્યારે આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે દીકરીને જમાઈ પહેલા મરી જવાનો અભિશાપ આપીએ છીએ. કન્યાના માતા, પિતા દીકરીને 'પતિ પહેલા મરી જજે...' એવી ગર્ભિત સૂચના સાથે સાસરે વિદાઈ કરે છે. હવે વિચારો કે આ આશીર્વાદ તો આપણે દીકરીને આપીએ છીએ. પણ તેનું ફળ સીધુ જ જમાઈને મળે છે, વિચારો આ આશીર્વાદ દીકરીના આયુષ્ય માટે છે કે જમાઈના આયુષ્ય માટે?

આપણા હિંદુ ધર્મમાં સ્ત્રીના ચુડી-ચાંદલાનું વધારે મહત્ત્વ છે. સ્ત્રીના મૃત્યુ વખતે પણ ચુડી, ચાંદલો હોય તેમજ ઈચ્છવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતીની જેમ જ બીજા આશીર્વાદ છે કે તારો ચુડી-ચાંદલો અમર રહે.. આ આશીર્વાદ પણ પતિ કરતા વહેલા મરવાનો સંકેત નથી? જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે અખંડ સૌભાગ્યવતી કે ચુડી, ચાંદલો અમર રહે. તેવા આશીર્વાદનો મતલબ એક જ ગણી શકાય ને કે સ્ત્રીએ પતિ કરતા વહેલા મૃત્યુ પામવાનંુ?

જૂના સમયથી આ પ્રથા ચાલી આવે છે તેના વિરોધમાં કોઈએ એક અક્ષર પણ નથી કહ્યો, અહીં પણ વિરોધ કરવાની વાત નથી. કદાચ પહેલાના સમયમાં વિધવા સ્ત્રીઓએ જીવન પસાર કરવામાં વધુ મુસીબત સહન કરવી પડતી એટલે આ આશીર્વાદ આપવામાં આવતા હોય તેવું બને, પણ પત્નીના મૃત્યુ પછી પતિનંુ શું? બાળકોનું શું? એ વિચારાતું નથી. ખરેખર તો પતિ મૃત્યુ પામે તો સ્ત્રી એકલી દરેક મોરચે લડી શકે છે. પોતાનું અને બાળકોનું ધ્યાન રાખી શકે છે, જીવન વિતાવી શકે છે પણ પત્નીના મૃત્યુ પછી પતિનું જીવન અઘરૂ બની જાય છે, તો આ આશીર્વાદ તેમના માટે પણ અભિશાપ ન કહેવાય?

ખરેખર તો પતિ-પત્ની બંને એકબીજા વગર અધૂરા છે, બંને એકબીજાના સાથથી જ ખુશ રહી શકે છે. તો પછી આપણે આશીર્વાદમાં લપેટીને એવો અભિશાપ કેમ આપી શકીએ કે પત્નીનું મૃત્યુ વહેલું થાય? મૃત્યુ પર આપણા કોઈનું ચાલતંુ નથી. ભગવાને જેટલા શ્વાસ લખીને મોકલ્યા હશે તેના કરતા એક શ્વાસ પણ વધારે નથી લઈ શકાતો. જીવન-મૃત્યુ ભગવાનના હાથમાં છે. કોઈના આશીર્વાદ કે અભિશાપથી તેમાં બદલાવ લાવી નથી શકાતો. હા... પુરાણકાળમાં આશીર્વાદ કે શ્રાપ અસરકારક બનતા, પણ હવે તો આ કળિયુગમાં તે એક વાક્યથી વિશેષ કંઈ નથી. ક્યારેક એવું બને કે આશીર્વાદની અસરથી આવતી મુસીબત દૂર થઈ શકે. પણ તેનાથી મૃત્યુને ટાળી શકાય એ અશક્ય છે. છતાં આશીર્વાદ ક્યાંક તો અસરકારક છે જ... સાચા દિલથી આપેલા આશીર્વાદ થોડા ઘણાં અંશે અસર બતાવે જ છે. તો પછી.. નવા જીવનની શરૂઆત કરતા દંપતીને એવા આશીર્વાદ કેમ આપી શકાય કે પતિ કરતા પત્નીનું મૃત્યુ વહેલા થાય.. હજી તો સંસારની કેડી પર પહેલું પગલું ભર્યંુ છે. ત્યારે બંનેને 'હંમેશાં સાથે રહેજો, હંમેશાં ખુશ રહેજો.' એવા આશીર્વાદ ન આપી શકાય? પ્રસન્ન દામ્પત્યજીવન, સુમેળ સંબંધો, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી જળવાઈ રહે, બંને એકબીજાનું માન રાખે, એકબીજાને અનુકૂળ થઈને રહે, જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ ન આપી શકાય?

શુભકામનાઓની આંગળી ઝાલીને જ અશુભ કામનાઓ ચાલતી હોય છે. શ્રદ્ધા પગલે જ અંધશ્રદ્ધા આગળ ચાલે છે. અસર છે ત્યાં આડઅસર છે જ... એ વાત યાદ રાખીને જ કોઈને આશીર્વાદ આપવા જોઈએ ફરીથી કહું છું કે આપણી ધાર્મિક પરંપરા વિરૂદ્ધ જવાની વાત નથી કે એમ પણ નથી કહેતી કે આશીર્વાદની પ્રથા ખોટી છે, હું તો ફક્ત એટલું જ કહું છું કે આશીર્વાદ આપવા જોઈએ, વડીલોના આશીર્વાદ પર બાળકોનો હક્ક છે જ, પણ તેને એવા આશીર્વાદ આપો કે જે આગળ જતા તેમના માટે અભિશાપ ન બને. લગ્ન વખતે સુખેથી જીવવાના આશીર્વાદ આપી જ શકાય ને... મારી વાત સાથે કદાચ જૂની પેઢી સહમત નહીં થાય, પણ આજની પેઢીને મારી વાત કદાચ યોગ્ય લાગશે. જો મારી વાત સાથે સહમત હો તો... મને જણાવજો....

- દિપા સોની, જામનગર.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh