Advertisement

મુન્દ્રા-વાડીનાર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૃ થશે રો-રો ફેરી સર્વિસઃ સ્થાનિક ઉદ્યોગોને થશે ફાયદો

જામનગરથી મુન્દ્રાનું અંતર ૨૭૦ કિમીના બદલે માત્ર ૫૩ કિમી થઈ જશેઃ

રાજકોટ તા.૨૧ઃ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુન્દ્રાથી વાડીનાર સુધીની રો-રો ફેરી સર્વિસ આવતા મહિને શરુ થવાની તૈયારીમાં છે. આ ગુજરાતની બીજી રો-રો ફેરી સર્વિસ હશે. ૫૩ કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગની આ સર્વિસ શરુ થવાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગો, જામનગરના બ્રાસ ઉદ્યોગો તેમજ રાજકોટના ઉદ્યોગોને ઘણો લાભ થઈ શકે છે. અત્યંત વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ કાર્ગો વેસલને સર્વિસ શરુ કરવા માટે મોટાભાગની માન્યતાઓ મળી ચુકી છે. વાડીનારની માલિકી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પાસે છે. એક મહિના પહેલા બોર્ડ મિટિંગમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને રો-રો જેટીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અદાણી એક ખાનગી ફેરી ઓપરેટર સાથે મળીને કાર્ગો વેસલનું સંચાલન કરશે. ડીપીટીના ચેરમેન એસ.કે.મેહતાએ જણાવ્યું કે, અમને તમામ માન્યતાઓ આપવામાં આવી છે અને સંચાલનની મંજૂરી પણ પ્રાપ્ત કરવામાં આવી છે.

મુન્દ્રા અને વાડીનાર બન્ને પાસે કાર્ગો જેટી છે. આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં આ સર્વિસની શરુઆત થઈ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડિરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ તરફથી એક માન્યતા પ્રાપ્ત કરવાની બાકી છે, જે આગામી ૧૦ દિવસમાં મળી શકી છે. આ રો-રો વેસલમાં ૨૪ ટ્રકને લઈ જવાની ક્ષમતા હશે. સિરામિક, એન્જિનિયરિંગ, બ્રાસ, કેમિકલ અને ડિટર્જન્ટના એક્સપોર્ટ કાર્ગોને આ સર્વિસથી ઘણો લાભ થશે. એક અંદાજા પ્રમાણે મુન્દ્રા, મોરબી, રાજકોટ અને જામનગરથી દરરોજ લગભગ ૫૦૦ જેટલી ટ્રક અવરજવર કરે છે. મુન્દ્રાથી જામનગર પહોંચવા ૨૭૦ કિમી મુસાફરી કરવી પડે છે, પરંતુ જો રો-રો સર્વિસનો ઉપયોગ કરવામાં આવશે તો ૫૩ કિમી મુસાફરી કરવી પડશે.

રો-રો સર્વિસને કારણે રોડ પરનો ટ્રાફિક પણ ઓછો થશે તેમજ વાહનોને કારણે થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંચાલકીય સમિતિના સભ્ય આશિષ જોશી જણાવે છે કે, આ સર્વિસને કારણે ખર્ચમાં શું વધ-ઘટ થશે તેની અમને હજી જાણ નથી. મોરબી કેન્દ્રમાં છે, અને તેઓ કાર્ગોને રોડ માર્ગથી લઈ જવાનું પસંદ કરે કારણકે વાડીનાર અને મોરબી વચ્ચેનું અંતર ૧૫૦ કિમી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit