Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૫૫ ફિલ્મોમાં કામ કર્યુંઃ મનોજ કુમારને પ્રથમ સફળતા હરિયાલી ઔર રસ્તા ફિલ્મથી મળી
એન્જિનિયરિંગની ડિગ્રી લઈ બેકાર ફરતા ભારત નામના યુવાનની જિંદગીમાં આવતી સમસ્યાઓ મનોજ કુમારે ફિલ્મ રોટી કપડા ઔર મકાનમાં અદભૂત રીતે વર્ણવી! બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ જેવા ગીતની રચના કરી આખા સમાજની હાલત વર્ણવી દીધી! મનોજ કુમાર ભારતીય ફિલ્મોના વર્સેટાઈલ નિર્માતા, નિર્દેશક અને અભિનેતા રહ્યા. તેનો દેશપ્રેમ માત્ર ટિકિટ બારી સુધી સીમિત ન હતો, તે દર્શકોના દિલ દિમાગમાં સ્થાન ધરાવતા હતા. ભારતીય સિનેમા જ ગતમાં ટોચના પાંચ કલાકારોની નામાવલી તૈયાર કરવામાં આવે તો તેમાં મનોજ કુમારનું નામ અવસ્ય લખવું પડે. મનોજજી ઉપર મહાનિબંધ લખો તો પીએચ. ડી.ની ડિગ્રી મેળવી શકાય. નિર્માતા દિગ્દર્શક તરીકે દેશભક્તિ તેમનો પ્રિય વિષય હતો. વર્તમાન સમયમાં તો ૧૦ માંથી ૮ નિર્માતા યેનકેન પ્રકારે દેશભક્તિને વાર્તામાં ગોઠવી દે છે. મનોજ કુમાર આ પૈકીના ન હતા. તે વ્યવસાઈક રીતે ધંધાદારી હતા, પરંતુ કલાકાર તરીકે દિલથી દેશપ્રેમી રહ્યા. તે સમયના દર્શકો પણ તેની ફિલ્મો માન મરતબા સાથે જોતા હતા. ફિલ્મ રોટી કપડા ઔર મકાન તેના વિષય અને માવજત માટે આજે પણ લોકો યાદ કરે છે. શોરમાં અકસ્માતે વાચા ગુમાવી બેઠેલા પુત્રના પિતાની વ્યથા મનોજ કુમારે અદ્ભુત રીતે નિભાવી. પુત્રના મૌનને કારણે પિતાને દુનિયાના બધા અવાજ કોલાહલ જ લાગે છે.
મનોજ કુમાર મસાલા ફિલ્મ બનાવતા હતા. રોટી કપડા ઔર મકાનમાં જિન્નત અમાન અને શોરમાં જયા ભાદુરી ઉપરના ગીતો વરસાદમાં શુટ કરી પોતાના રસિક મિજાજનો પરિચય કારાવ્યો. બીજી તરફ પુરબ ઔર પશ્ચિમનું જય જગદીશ હરે આજે પણ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ગાવામાં આવે છે.
આજના નિર્માતાઓ સરકારને પસંદ પડે તેવા વિષયો અને દૃષ્ટિકોણ ધરાવતી વાર્તાઓ લખે છે. મનોજ કુમાર આવી માટીના માનવી ન હતા. હળવી ભાષામાં એમ પણ લખી શકાય કે તે અફઘાન ત્રાસવાદી નેતા ઓસામા બિન લાદેન સાથે શાબ્દિક અનુસંધાન ધરાવતા હતા. મનોજ કુમારનો જન્મ પાકિસ્તાનના અબોટાબાદમાં થયો હતો અને લાદેનનું મૃત્યુ પણ અબોટાબાદમાં જ થયું હતું!
મનોજ કુમાર
મનોજ કુમારનું મૂળ નામ હરિકૃષ્ણગિરિ ગોસ્વામી; જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૭ ના અને મૃત્યુ ૪ એપ્રિલ ૨૦૨૫ના દિવશે. એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક, ગીતકાર અને સંપાદક હતા જેમણે હિન્દી સિનેમામાં કામ કર્યું હતું. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૫૫ ફિલ્મોમાં કામ કર્યું. તેમને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી સફળ અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. દેશભક્તિ ફિલ્મોના વલણની શરૃઆત કરવા માટે જાણીતા થતાં તેમને ભારત કુમાર ઉપનામ આપવામાં આવ્યું હતું. ભારતીય સિનેમા અને કલામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૫માં સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સાત ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત કરનાર પણ હતા.
મનોજ કુમારનો જન્મ બ્રિટિશ ભારત (હાલના ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાન)ના ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતના એબોટાબાદ શહેરમાં એક પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું જન્મ નામ હરિકૃષ્ણગિરી ગોસ્વામી. જ્યારે તેઓ ૧૦ વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર ભાગલાને કારણે જંડિયાલા શેરખાનથી દિલ્હી સ્થળાંતરિત થયો હતો. મનોજ કુમારે ફિલ્મોમાં નસીબ અજમાવતા પહેલા હિન્દુ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ અભિનેતા દિલીપ કુમાર, અશોક કુમાર અને કામિની કૌશલના પ્રશંસક હતા અને શબનમમાં દિલીપ કુમારના પાત્ર પરથી પોતાનું નામ મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું.
કારકિર્દી
મનોજ કુમારનો કલાકાર તરીકેનો પ્રથમ તબક્કો ૧૯૫૭, ૧૯૬૪ ગણી શકાય. ફેશન (૧૯૫૭) માં બહુ ઓછી નોંધાયેલી ફિલ્મથી શરૃઆત કરી અને ત્યારબાદ સહારા (૧૯૫૮), ચાંદ (૧૯૫૯) અને હનીમૂન (૧૯૬૦) જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કર્યા પછી, તેમણે કાંચ કી ગુડિયા (૧૯૬૧) માં તેમની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી. ત્યારબાદ પિયા મિલન કી આસ (૧૯૬૧), સુહાગ સિંદૂર (૧૯૬૧), રેશમી રૃમાલ (૧૯૬૧) પણ સફળ રહી, પરંતુ આમાંથી મોટાભાગની ફિલ્મોની લાંબી નોંધ લેવાઈ નહીં. પહેલી મોટી વ્યાપારી સફળતા ૧૯૬૨ મા વિજય ભટ્ટની માલા સિંહા સામેની હરિયાળી ઔર રાસ્તા સાથે મળી. હરિયાળી ઔર રાસ્તા પછી શાદી (૧૯૬૨), ડૉ. વિદ્યા (૧૯૬૨) અને ગ્રહસ્તી (૧૯૬૩)ની સફળતા મળી, જે ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી રહી.
રાજ ખોસલાની રહસ્યમય થ્રિલર ફિલ્મ ''વો કૌન થી?'' (૧૯૬૪)મા મનોજ કુમારને મુખ્ય ભૂમિકામાં બીજી એક મોટી સફળતા મળી. આ ફિલ્મ સુપરહિટ બની, જેનું શ્રેય મદન મોહનને પણ મળ્યું. ''લગ જા ગલે'' અને ''નૈના બરસે રિ મઝીમ'' જેવા મદન મોહન દ્વારા રચિત મધુર ગીતો લોકપ્રિય થયા. આ બંને ગીત લતા મંગેશકરે ગાયા હતા.
લોકપ્રિયતા
૧૯૬૫નું વર્ષ કુમાર માટે ખૂબ જ મહત્ત્વનું રહ્યું, કારણ કે તેનાથી તેમના સ્ટારડમનો ઉદય થયો. તેમની પહેલી દેશભક્તિ ફિલ્મ શહીદ હતી, જે સ્વતંત્રતા ક્રાંતિકારી ભગત સિંહના જીવન પર આધારિત હતી. તેને વિવેચકો તેમજ ભારતના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, અને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ પછી રોમેન્ટિક ડ્રામા ''હિમાલય કી ગોદ મેં'' આવ્યું, જે બ્લોકબસ્ટર હતું જેણે તેમને એક બેંકેબલ સ્ટાર બનાવ્યા. વર્ષના અંત પહેલા, તેમણે રહસ્યમય થ્રિલર ''ગુમનામ'' સાથે બીજી હિટ ફિલ્મ આપી. ૧૯૬૬માં સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો, જ્યારે તેઓ આશા પારેખ સાથે દો બદન માટે ખોસલા સાથે ફરી જોડાયા. આ ફિલ્મ ખોસલાનું દિગ્દર્શન, કુમારના અભિનય અને ગીતકાર શકીલ બદાયુની દ્વારા લખાયેલા ગીતો માટે યાદ કરવામાં આવે છે, જેમાં મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ''રહા ગર્દિશોં મેં'' અને લતા મંગેશકર દ્વારા ગવાયેલ ''લો આ ગઈ ઉનકી યાદ''નો સમાવેશ થાય છે. તે વર્ષે તેમણે શક્તિ સામંતની સાવન કી ઘટામાં શર્મિલા ટાગોર સાથે અભિનય કરીને બીજી હિટ ફિલ્મ આપી.
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને લોકપ્રિય સૂત્ર ''જય જવાન જય કિ સાન'' પર આધારિત ફિલ્મ બનાવવા સૂચન કર્યું. તેનું પરિણામ તેમના દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ, દેશભક્તિ આધારિત ફિલ્મ ૧૯૬૭ મા ''ઉપકાર'' બનાવી. ઉપકાર બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચ પર રહ્યું અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બન્યું. તેનું સંગીત ૧૯૬૦ના દાયકાનું છઠ્ઠું સૌથી વધુ વેચાતું હિન્દી ફિલ્મ આલ્બમ હતું. ઉપકારનું એક ગીત, ''મેરે દેશ કી ધરતી'' આજે પણ દર વર્ષે ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અચૂક વગાડવામાં આવે છે. આ ફિલ્મે કુમારને બીજા શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તેમજ તેમનો પ્રથમ ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કાર અપાવ્યો. તેમની ફિલ્મ, પથ્થર કે સનમ પણ ખૂબ જ સફળ રહી, પરંતુ સાધના સાથેની અનિતા ફિલ્મ ફ્લોપ ગઈ. ૧૯૬૮ માં, તેમણે રાજ કુમાર અને વહીદા રહેમાન સાથે નીલકમલમાં અભિનય કર્યો. તે જ વર્ષે, તેઓ દિલીપ કુમાર અને વહીદા રહેમાન સાથે આદમી કરી. નીલકમલ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ, ૧૯૬૮ની તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. ૧૯૬૯ માં રાજેશ ખન્નાનો ઉદય થયો, જેમણે આરાધના અને દો રાસ્તે એમ એક પછી એક બે બ્લોકબસ્ટર ફિલ્મો આપીને દેશભરમાં ધૂમ મચાવી. તે વર્ષે મનોજ કુમારની એકમાત્ર મોહન સેહગલની ફિલ્મ સાજન હતી જેમાં આશા પારેખ હતાં. આ ફિલ્મ હિટ રહી હતી, અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટોચના દસમા ક્રમે હતી.
૧૯૭૦માં કુમાર ''પૂરબ ઔર પશ્ચિમ'' જેવી યાદગાર ફિલ્મ બનાવી, તે બ્લોકબસ્ટર સાબિત થઈ. લંડનમાં ૫૦ અઠવાડિયાથી વધુ ચાલી હતી. પૂરબ ઔર પશ્ચિમે ૨૩ વર્ષ સુધી આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો, તેનો રેકોર્ડ ૧૯૯૪માં ''હમ આપકે હૈ કૌન'' ફિલ્મે તેને તોડી નાખ્યો. ૧૯૭૦માં તેમની અન્ય રિલીઝ ''યાદગાર'', ''પહેચાન'' અને ''મેરા નામ જોકર'' હતી. પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી, જ્યારે પહેચાન હિટ ફિલ્મ સાબિત થઈ, પરંતુ રાજ કપૂરની મેરા નામ જોકર (જેમાં તેમણે સહાયક ભૂમિકા ભજવી હતી) રિલીઝ સમયે મોટી ફ્લોપ રહી, પરંતુ સમય જતાં તેની વ્યાપક નોંધ લેવામાં આવી. ૧૯૭૧માં બલિદાન, બે-ઈમાનમાં અભિનય કર્યો અને શોરમાં દિગ્દર્શન અને અભિનય કર્યો. આ ફિલ્મોને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. યાદગાર ગીત ''એક પ્યાર કા નગ્મા હૈ'' હતું, જે લતા મંગેશકર અને મુકેશ દ્વારા ગવાયેલ યુગલગીતને અદ્ભુત લોકપ્રિયતા મળી. કુમારે બે-ઈમાન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પહેલો અને એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો, તેમજ શોર ફિલ્મ માટે શ્રેષ્ઠ સંપાદનનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. ૧૯૭૦ની ફિલ્મ રોટી કપડાં ઔર મકાન કેમ ભૂલી શકાય! ૧૯૭૫ની સન્યાસી, ૧૯૭૬ની દસ નંબરી અને ૧૯૮૧ની ક્રાંતિ આજે પણ ફિલ્મ ચાહકો માટે નજરાના સમાન છે. ૧૯૯૯ની જયહિન્દ તેમની છેલ્લી ફિલ્મ હતી.
પરિવાર
મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામી પણ લગ્ન પહેલાં ફિલ્મ લાઇનમાં આવ્યા હતા, જો કે તેની કારકિર્દી નોંધનીય રહી નથી. તેમનો પુત્ર કુણાલ ગોસ્વામી પણ ફ્લોપ અભિનેતાનું બિરૃદ ધરાવે છે. બીજો પુત્ર વિશાલે પણ ત્રણ ફિલ્મો ક્લાર્ક, જયહિન્દ અને કલયુગ કી રામાયણ જેવી ફ્લોપ ફિલ્મો આપી ખોવાઈ ગયો.
વિવિધતા
મનોજ કુમારને માત્ર દેશપ્રેમી કલાકારનું બિરૃદ આપવું પણ અન્યાય કહેવાય. તેમણે વોહ કૌન થી (૧૯૬૪), ગુમનામ (૧૯૬૫), પથ્થર કે સનમ અને અનિતા (૧૯૬૭), સાવન કી ઘટા અને દોબદન (૧૯૬૬), હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨), મેરા નામ જોકર અને પહેચાન (૧૯૭૦), સન્યાસી (૧૯૭૫), દસ નંબરી (૧૯૭૬), શિરડી કે સાઈ બાબા (૧૯૭૭) જેવી અનેક ફિલ્મો કરી જેમાં દેશ ભક્તિ વિષય ન હતો. તેમણે તમામ પ્રકારના પત્રો ભજવ્યા, પોતાના દ્વારા નિર્મિત ફિલ્મોમાં મોટા ભાગે પોતાના પાત્રનું નામ ભારત જ રાખતા હતા.
ભારતીય હિન્દી ફિલ્મ જગતના પ્રતિભાશાળી કલાકાર મનોજ કુમારને 'નોબત'ના વાચકો અને ચાહકો તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial