Advertisement
Author: નોબત સમાચાર

લિવ-ઇન રિલેશનશિપનો કાયદેસર દરજ્જો અને તેના નફા-નુકસાન

                                                                                                                                                                                                      

આજની પેઢી, આજે સમય બદલાઈ રહૃાો છે... આપણું સમાજ, આપણા સંબંધો, અને સંબંધોને લઈને માન્યતાઓ હવે પરંપરાગત બંધારણોમાં બંધાઈ રહી નથી. લગ્ન વગર સહજીવન એટલે કે લિવ-ઇન રિલેશનશિપ જેવો વિચાર આજે કોઈ નવા શહેરના કોફી શોપની વાત નથી રહી. હવે તે કોર્ટરૂમ સુધી આવી પહોંચી છે, અને કાયદાઓએ પણ તેનું અવલોકન કરવાનું શરૂ કર્યું છે.

પરંતુ પ્રશ્ન ઉદભવે છે શું લિવ-ઇન રિલેશનશિપ કાયદેસર છે? આવી સ્થિતિમાં રહેતી સ્ત્રીઓને કાયદો શું રક્ષા આપે છે? બાળકોનો શું હક છે? શું આવા સંબંધોમાંથી કોઈ નફો છે કે માત્ર નુકસાન?

આ લેખમાં આપણે લિવ-ઇન રિલેશનશિપનો કાયદેસર પરિપ્રેક્ષ્ય, તેના નફા અને નુકસાનને સમજીશું  કાયદાની ભાષામાં પણ અને લાગણીની ભાષામાં પણ.

લિવ-ઇન સંબંધ શું છે?

લિવ-ઇન સંબંધનો અર્થ એ થયો કે લગ્ન કર્યા વગર પુખ્ત વયના પુરૂષ અને સ્ત્રી એકસાથે પતિ-પત્ની સમાન જીવન જીવે. આવી સ્થિતિમાં લગ્નના ધાર્મિક કે કાયદેસર બંધારણોનો દાખલો ન હોવા છતાં, કાયદો એવા જીવનસાથીને કેટલી મર્યાદા સુધી માન્યતા આપે છે, તે મુદ્દો મહત્ત્વનો બને છે.

શું લિવ-ઇન સંબંધ કાયદેસર છે? ભારતના બંધારણ હેઠળ કલમ ૨૧ નાગરિકોને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર આપે છે. એટલે, બે પુખ્ત વ્યક્તિઓ તેમના સંમતિથી લગ્ન વિના સાથે રહે છે તો તેને કાયદેસર હક મળવો જોઈએ એવું અનેક વખત ઉચ્ચતમ અને વિવિધ હાઈકોર્ટોએ પોતાના ચુકાદાઓમાં સ્પષ્ટ કરેલું છે.

ઇન્દ્રા શર્મા વર્સેસ વીકેવી શર્મા (૨૦૧૩) અને ડી. વેલુસ્વામી વર્સેસ પટચયામ્મલ (૨૦૧૦) જેવા ચુકાદાઓમાં સ્પષ્ટ રીતે માન્યતા આપી છે કે જો સંબંધ લાંબા સમયથી ચાલતો હોય, બંને જણા એકબીજાને જીવનસાથી તરીકે રજૂ કરે અને તેમનું જીવન લગ્ન જેવી સ્થિતિમાં પસાર થાય, તો એ કાયદેસર માન્યતાને પામે છે.

લિવ-ઇન સંબંધોમાં

મળતી કાયદેસર સુરક્ષા

૧. ઘરેલુ હિંસા સામે રક્ષાઃ- લાંબાગાળાના સહજીવનમાં રહેલી મહિલાને ઘરેલુ હિંસા પ્રતિબંધ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ કાયદેસર સુરક્ષા મળે છે. પુરૂષ તરફથી થતી શારીરિક, માનસિક કે આર્થિક હિંસા સામે મહિલા ફરિયાદ કરી શકે છે અને કોર્ટ રક્ષણ આપી શકે છે.

૨. ભરણપોષણ અથવા ગુજરાનઃ- જો પુરૂષ સંબંધ તોડી નાખે અને મહિલાને તેના ભવિષ્ય માટે સહારો રહેતો ન હોય, તો મહિલા કોર્ટમાં ભરણપોષણની માગણી કરી શકે છે. જો સંબંધ પૂરતા પુરાવા સાથે 'લગ્નસમાન' સાબિત થાય, તો મહિલાને કાયદેસર રીતે આર્થિક મદદ મળતી રહી શકે છે.

૩. સંતાનોના અધિકારઃ- લિવ-ઇન સંબંધમાંથી જન્મેલા સંતાનોને કાયદો ''કાયદેસર સંતાન'' તરીકે ઓળખ આપે છે. તેથી તેમને પિતાની સંપૂર્ણ મિલકતમાં વારસો મળવાનો અધિકાર હોય છે.

સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ અનુસાર, આવા સંતાનોને તેમના પિતાના વારસામાં અધિકાર મળે છે, પણ એ અધિકાર મર્યાદિત સ્વરૂપમાં હોય છે.

અહમ મુદ્દાઓ

(૦) આવા સંતાનોને પિતાની વ્યક્તિગત કમાણી કે વ્યક્તિગત મિલકતમાં વારસાનો અધિકાર મળતો હોય છે. (૦) પરંતુ તેઓને કોઈપણ પૂર્વજોની પૂર્વજોતથી મળેલી વારસાની મિલકતમાં (અનુવંશિક મિલકત અર્થાત પિતામહ, પ્રપિતામહ વગેરે પાસેથી મળેલી મિલકતમાં) હક આપમેળે મળતો નથી. (૦) એટલે કે, લિવ-ઇન સંબંધમાંથી જન્મેલા સંતાનને ફક્ત તેમના પિતા દ્વારા મેળવેલી મિલકતમાં જ હક હોય છે અનુવંશિક મિલકતમાં નહિ.

હિંદુ કાયદાના પરિપ્રેક્ષ્યમાં ખાસ નોંધનીય બાબત

જો લિવ-ઇન રિલેશનશિપ એવા સમયે હોય જયારે પુરૂષ પહેલેથી જ વિવાહિત હોય (અર્થાત આ સંબંધ દ્વિવિવાહની સ્થિતિમાં હોય), તો આવા સંદર્ભમાં આપમેળે લગ્ન સમાન કાયદેસર માન્યતા મળતી નથી. પરિણામે, આવી સ્થિતિમાં જન્મેલા સંતાનો માટે વારસાનો પ્રશ્ન વધુ જટિલ બની જાય છે.

હિંદુ વારસો અધિનિયમ, ૧૯૫૬ હેઠળ લગ્ન વિના સંબંધો કે અનૈતિક સંબંધોમાંથી જન્મેલા સંતાનોને પિતાની અનુવંશિક મિલકતમાં અધિકાર આપવો કાયદો સ્પષ્ટ રીતે નકારે છે.

પણ જો પિતા તેમના જીવનકાળ દરમિયાન પોતાના સંવૈચ્છિક અધિકારથી (જેમ કે વસીયત, હકપત્ર કે પાવર ઓફ એટર્ની દ્વારા) એવી મિલકત સંતાનને આપી દે, તો તે હક માન્ય ગણાશે. પણ એ હક વારસાના આધારે નહીં, પિતાની ઈચ્છાના આધારે મળે છે.

૪. નૈતિક કલંકથી રક્ષાઃ- અદાલતોએ સ્પષ્ટપણે કહૃાું છે કે પુખ્ત વયના બે વ્યક્તિઓ વચ્ચેનો લિવ-ઇન સંબંધ અનૈતિક નથી. એવું માનવું કે આવા સંબંધો સામાજિક પાપ છે એ માનસિકતા હવે કાયદાની દૃષ્ટિએ અસ્વીકાર્ય છે.

લિવ-ઇન સંબંધોમાં આવતાં જોખમો-કાયદાની મર્યાદાઓ

૧. વારસામાં અધિકાર મળતો નથીઃ- લિવ-ઇન પાર્ટનર આપમેળે પતિ કે પત્નીની મિલકતમાં વારસો નથી મેળવી શકતો. જો સંબંધમાં પુરાવા ન હોય તો, મૃત્યુ પછી લાભ મેળવવો અઘરો બને છે.

૨. વિમો કે પેન્શનનો લાભ ન મળવોઃ- સંબંધમાં લગ્નની કાયદેસર નોંધ ન હોવાને લીધે વિમો, પેન્શન કે અન્ય સરકારી લાભોમાં મહિલાને વિધવા તરીકે ઓળખ મળતી નથી.

૩. દસ્તાવેજોનો અભાવઃ- લિવ-ઇન સંબંધો સામાન્ય રીતે કોઈ કાયદેસર દસ્તાવેજ વગરનાં હોય છે. એથી, સંબંધ તૂટી જાય ત્યારે સ્ત્રી માટે પોતાનું હક સાબિત કરવો કઠિન બને છે.

૪. સામાજિક અસ્વીકારઃ- ભલે કાયદા મુજબ પુખ્ત વ્યક્તિઓ વચ્ચેનો લિવ-ઇન સંબંધ માન્ય હોય, પરંતુ હકીકત એવી છે કે ભારતના મોટાભાગના સમાજો અને જાતિપ્રધાન સમુદાયોમાં આવા સંબંધો હજુ પણ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી ગણાતા.

વિશેષ કરીને પરંપરાગત અને કુટુંબ કેન્દ્રિત સમાજોમાં લિવ-ઇન રિલેશનશિપને એવાં જીવનચર્યાના વિકલ્પ તરીકે જોવામાં આવતું નથી જેને સંપૂર્ણ નૈતિક માન્યતા મળે.

ફળસ્વરૂપે, આવી સ્થિતિમાં રહેનાર મહિલાઓને અનેક વખત તિરસ્કાર, સામાજિક ભેદભાવ અને અંતર્મુખ શરમ અનુભવી પડતી હોય છે  ખાસ કરીને જયાં તેઓને ''પત્ની'' તરીકે ઓળખ આપવામાં કટોકટી થાય.

લિવ-ઇન અને લગ્ન

મુખ્ય તફાવતો ટૂંકમાં

મુદ્દાઓ જેમકે કાયદેસર માન્યતા લિવ-ઇન સંબંધમાં પરિસ્થિતિ આધારિત હોય,         કાયદેસર લગ્નમાં પુરાવા આધારિત સ્પષ્ટ ઓળખ, વારસામાં અધિકાર લિવ-ઇન સંબંધમાં આપમેળે મળતો નથી            કાયદેસર લગ્નમાં આપમેળે મળતો અધિકાર છે. ઘરેલુ હિંસા સામે રક્ષા લિવ-ઇન સંબંધમાં મળે, જો સંબંધ મજબૂત રીતે સાબિત થાય તો,           કાયદેસર લગ્નમાં મળતી રહે છે. વીમો/પેન્શન વગેરેનો લાભ લિવ-ઇન સંબંધમાં નથી મળતો જ્યારે કાયદેસર લગ્નમાં મળતો રહે છે.

સંતાનોનો અધિકાર લિવ-ઇન સંબંધમાં         મળે       છે. જ્યારે કાયદેસર લગ્નમાં પૂરેપૂરો હક મળે છે.

અંતે પસંદગી તમારી, જવાબદારી પણ તમારી

લિવ-ઇન સંબંધ કોઈ ગુનો નથી. પરંતુ એવું જીવનચર્યાનો માર્ગ છે જ્યાં કાયદાની માન્યતા મેળવવી હોય તો સમજૂતી, દસ્તાવેજીકરણ અને સતર્કતા જરૂરી છે.

વિશેષ કરીને મહિલાઓ માટે, આવાં સંબંધોમાં પ્રવેશતા પહેલા પોતાનું કાયદેસર સશક્તિકરણ અવશ્ય કરવું જોઈએઃ (-) બંને પક્ષે લખીત સંમતિનો કરાર કરવો. (-) મિલકત કે ખર્ચ અંગે સ્પષ્ટતા રાખવી. (-) કુટુંબના સભ્યો તથા નજીકના સંબંધીઓ સાથે પારદર્શકતા રાખવી. (-) ક્યાંય સંકટ આવે તો કાયદાકીય સલાહ અવશ્ય લેવી.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh