Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવાર સવારમાં ગામમાં દોડાદોડી મચી ગઈ હતી. ગામના ચોરે ટોળા, તળાવની પાળે ટોળા, જ્યાં જુવો ત્યાં વાતો એક જ ગામનો ઉતાર મહા જાલિમ ભુવો મરી ગયો. કેવી રીતે મર્યો એ એક મોટો કોયડો હતો. આ ભુવો એટલે કોઈ બાવો કે ફકીર નહિ પણ ગામનો મોટામાં મોટો જમીનદાર જેનું નામ ભૂપત વાલજી જેને ભુવો કહેતા, ગામમાં તો આમ નામ એવા જ હોય ને, પિતાના નામ સાથે એમ જ બોલાય, રમેશ કાનજી, કાનો કુંવરજી, વગેરે. એમઆ ભુપત વાલજી એનું ટૂંકું - ભુપતનું ભુ અને વાલજીનું વા, ભુવા અથવા ભુવો. આવા ટૂંકા નામ ઘણા ના. હતા. કાના કુંવરજી ને કાકુ કહેતા, આ ભુવો મર્યો રાત્રે. કોઈ કહે ઓલા ગાંડા એ માર્યો હશે.ભુવા નું મોઢું કેમ કાળુ હતું? અને આના મર્યા પછી એ ખોવાઈ ગયો છે. ક્યાંય દેખાતો નથી.
તો મૂળ વાત એ હતી કે ભુવો મરી ગયો. સાજો સમો તંદુરસ્ત ભુવો જરાય માંદો નહિ, સાહીંઠ થવા આવ્યો તોય પાંત્રીસ ચાલીસનો લાગે. એના લગ્ન પણ નહોતા થયા. એવા જાલિમને દીકરી કોણ આપે? એ પોતાની જાત ને બહુ મહાન સમજતો હતો. એના પિતા વાલજી લાલજી જેને વાલા એટલે વહાલા કહેતા વહાલા કાકા, અને એ હતા પણ એવા સૌના શુભચિંતક, સદાય હસતા. એમના બાપદાદાના વખતની ઘણી જમીનો હતી. બધી પાસે પાસે. અમુક તો એમણે એકબે સાથી એટલે કે ખેડવાવાળાને આપી દીધી હતી. એ વાત પછી કરીયે. પણ વહાલા કાકા બહુ જ ભલા અને લાગણીશીલ. ગામમાં કોઈને કાંઈ તકલીફ હોય, કોઈ બિમાર હોય તો જઈને ઉભા રહે. વગર માગ્યે રૃપિયા આપીને આવે. કોઈ સામાન્ય પરિવારમાં દીકરી દીકરા ના લગ્ન હોય તો વગર માગ્યે પૈસાની મદદ કરે એમાંય જો દીકરીના લગન હોય તો વધારે. જાન આવીને દીકરીને લઇ વિદાય થાય ત્યાં સુધીમાં કોઈ કચાસ કોઈ વાતમાં ન રહે. એવી વ્યવસ્થા એ પોતે ગોઠવે , કન્યા વિદાઈ વખતે દીકરીના બાપની સાથે ઉભા રહે અને વેવાઈને હાથ જોડીને કહે કે અમારી દીકરીને ખુબ સાચવજો. એને કોઈ વાતે ઓછું ન આવે એ જોજો. કાંઈ હોય તો હું બેઠો છું. આ બધાને ખબર હતી. લોકોના આશીર્વાદ ગણો કે લોકો ની લાગણી ,એ સૌએ ઈશ્વર ને કરેલી પ્રાર્થના ને કારણે વહાલા કાકા ના ખેતરો લહેરાતા હોય અને પાક મબલખ ઉતરેણે એના પગલે પૈસા અઢળક. એને કારણે એ બધા મજૂરો/સાથીઓ ને પૈસા/મજૂરી સરસ આપે અને તહેવાર કે પ્રસંગે બોનસ વગેરે આપે. આ વહાલા કાકા. સૌના પ્રિય પણ ખબર નહિ એમને દીકરો જન્મ્યો એ બહુ જ ખેપાની . કદાચ એકનો એક દીકરો હોય અને લાડ બહુ લડાવતા હોય એમાં ફાટી પડ્યો હોય.પણ આ તો હદ બહાર ફાટી પડ્યો હતો. નાના મોટાનું માન કરે. ગમે તેના અપમાન કરે. અને જેમ મોટો થાય એમજોર વધતું જાય. એના પિતાએ કોઈ દિવસ પૈસાનું વાણી, વર્તન કે કપડામાં આભિમાન કે રોફ દેખાડ્યો નથી. પણ આ તો ગળામાં સોનાની ચેન પહેરે. ખુલ્લી જીપ માં નીકળે અને કંઈક કેટલું. એને ભણવા મુક્યો હતો પણ આઠ ચોપડી પછી ઉઠી ગયો. એના કરતા ત્રણ જ વર્ષ નાની એની બહેન બહુ જ ડાહી સમજુ, ઉદાર અને દયાવાન . એનામાં એના પિતા વહાલા કાકાનું બધું જ આવ્યું હતું. એ ભણવામાં પણ હોંશિયાર . એ ખુબ ભણી અને ભણવા મોટા શહેર પણ ગઈ. એ ભણવા ગઈ પછી ભુવો વધુ ફાટ્યો. એના ખેતરમાં કામકરતા મજૂરો સાથીઓ ને મારે. ધમકાવે. જમ્યા પછી એ લોકો ઝાડ ના છાંયે આરામકરતા હોય અને ભુવો નીકળે અને જુવે તો ન કરવા દે.આટલો ત્રાસ. એ દરમ્યાન વ્હાલા કાકા આઘાતમાં ગુજરી ગયા. આખું ગામ હીબકે ચડયું. ચર્ચા પણ ચાલી કે હવે તો આ સાંઢ ભુરાયો થાશે.
અને એ જ થયું. વહાલા કાકા ની ઉત્તરક્રિયા પત્યા પછી એની બહેન એટલે કે વહાલા કાકા ની દીકરી દેવી ભણવા પાછી ગઈ પછી આ ભુવા એ વહાલા કાકા એ જે બે જણાને જમીન આપી દીધી હતી એમને હેરાન કરવાનું શરુ કર્યું. એક જણ તો સાવ બી ગયેલો એણે શરણ સ્વીકારી લીધું જમીન પાછી આપી દીધી. જ્યારે બીજા પરિવારને તકલીફ પડી ગઈ. જીવો જોરાવર હતો એણે ચોખ્ખી ના પાડી દીધી. જીવો આમ ભલો માણસ એ કોઈનામાં પડે નહિ. એ એની પત્ની અને એક દીકરો સુખેથી જીવે . દીકરો પણ ભણવામાં હોંશિયાર મોટો થઇ એ શહેર ભણવા ગયેલો. દેવી ની જેમજ.એ અને દેવી મિત્રો બની ગયેલા. આ ભુવાએ એક દિવસ જીવાને ખેતર ન લખી આપવાને કારણે ખેતરમાં મારી નાખ્યો. કેવી રીતે એ કોઈને ખબર ન પડે પણ આળ તો એને માથ જ આવ્યું. સાબિત એ થયું કે જીવા ને *એરુ આભડી ગયો * ગામમાં સાપ કરડી જાય એને એ આભડી ગયો કહેવાય. આમ આટલા વરસ માં આવી ઘટના બની નહોતી તો આ થાય કેવી રીતે પણ તપાસમાં જીવાને સાપે ડંસ દીધો હતો એ સાબિત થયું. રિપોર્ટ્સ પણ આવ્યા. અને સાપ હતો એ પણ સાચું. આવ્યો ક્યાંથી એ ખબર ન પડી. ભૂરો નિર્દોષ સાબિત થયો. એ ભલે નિર્દોષ સાબિત થયો પણ ગામના લોકોએ કહી દીધું કે આ માથાભારે ભુવાનું જ કાવતરું છે. જીવાનો દીકરો જય , શહેર ભણતો હતો એ પણ આવ્યો અને એને ખબર પડી ગઈ કે ભુવા એ મારા પિતાને જમીન ન લખી આપવા બાબતે મારી નાખ્યા છે. પાછું ભુવાએ જીવાના ઘેર જઈ જીવાની પત્નીને કહૃાું કે તું સહી કરી આપ નહિ તો એ સાપ હજી ત્યાં જ ફરતો હશે. જીવાની પત્નીએ કહૃાું કે મારા દીકરા સાથે વાત કરી ને પછી સહી કરી આપીશ. એણે દીકરા સાથે વાત કરી અને સહી કરી આપી, દીકરો ગામનું ઘર બંધ કરી માં ને શહેર લઇ ગયો.
આમ ગામમાં આ ભુવાના આતંકથી ત્રાસી ગયેલા. કોઈ ભુવાને વતાવે નહિ. એટલે ગામમાં શાંતિ. એની બહેન તો હવે આઈ પી એસ ની તૈયારીમાં હતી. એ ગામમાં આવવાની નહોતી. એ દરમ્યાન ગામના સ્ટેશને એક માનસિક નબળો છોકરો એકાદી ટ્રેનમાં થી ઉતરીને આવ્યો હતો. એ સ્ટેશન પર બહુ ત્રાસ ગુજારે છે એવું આવ્યું. સ્ટેશન માસ્તર ને તો મારે આવતા જતા લોકો પણ જો એને કાંઈ કરે તો મારે. કપડાના ઠેકાણા નહિ. સ્ટેશન પર સ્ટોલ વાળા એને ખાવા આપે અને એ પડ્યો રહે. એ ગાંડો થોડા દિવસ પછી ગામમાં આવ્યો, ગામમાં કોઈ એને કાંઈ હેરાન ન કરે પણ એ બધાથી દૂર રહે. મોઢું વિચિત્ર રાખે. વાળ પણ વાંકડિયા ઘેઘુર હતા. દાઢી વધેલી કપડાં ફાટેલા . એ ગામમાં ફરતો ફરતો પહોંચ્યો ભુવાના ઘેર , ડેલીની બહાર બેસી રહે. ભુવો જુવે એટલે લાકડી અને લાતો મારે. લોકો કહે કે એ નિર્દોષ ને મારે છે શું? ભુવાની ગેરહાજરીમાં ઘરના નોકરો એને ખાવાનું આપે. એ ગાંડો એકબાજુ પડ્યો રહે. પછી તો ભુવો એને જોઈ કાંઈ કરે નહિ પણ એક રાત્રે એ ગાંડો ઓસરીમાં રાખેલા હિંચકાના કડા પર લાગેલી કાળી કીલ પર આંગળી ફેરવી મોઢે લગાડતો હતો ત્યારે ભુવો આવ્યો અને આ જોઈ એને રોક્યો , એ ગાંડાએ કાળો હાથ ભુવાના મોઢે લગાડ્યો એટલે ભુવાએ એને માર્યો. ગાંડો એક ખુણે બેસી ગયો.
વહેલી સવારે ગામમાં હાહાકાર કે ભુવો મરી ગયો. ગાંડો ખોવાઈ ગયો. બધી તપાસ થઇ પોલીસે બધું જ જોયું. એમાં ભુવાની બહેન નવી નવી આઇપીએસ થયેલી. એને કારણે એ સાથે તો હતી જ. સાહેબો બધા પાસાઓ તપાસતા હતા. પેલા ગાંડા વિષે પણ તાપસ કરી કોઈને ક્યાંય કાંઈ મળ્યું નહિ. દેવી બહુ જ હોંશિયાર હતી. એને ખબર જ હતી કે આ કામ જીવા કાકાના દીકરાનું છે. એ જ ગાંડો. પણ એનો ભાઈ હોવા છતાં પણ એણે કહૃાું કે જે થયું તે ગામના ભલા માટે થયું. કહેવાયું એમકે અચાનક હ્ય્દયરોગનો હુમલો આવ્યો. બાકી દેવી જાણતી હતી દેવીનો ભાઈ ગુજરી ગયો એટલે જીવ કાકા નો એ દીકરો જય શોક સભામાં આવેલો એ અને દેવી સામસામે મળ્યા પણ ખરા. એકલા મળ્યા ત્યારે દેવીએ કહૃાું કે જય, બધા કહે છે એ ગાંડાના વાળ ઘુંઘરાળા ઘેઘુર હતા. તારા વાળ તો પહેલેથી સીધા છે. જય કાંઈ જ બોલ્યા વગર હળવા સ્મિત સાથે ઉભો રહૃાો અને કહૃાું કે મારે શું? દેવી કહે કાંઈ નહિ આ તો સ્કેચ બનાવનાર કાલાકારે મને અડધું ચિત્ર બતાવ્યું પછી મેં અટકાવી ફાડી નાખ્યું. બન્ને એ અરસપરસ સ્મિત આપ્યું અને છુટા પડયા. બાકી ગામના લોકો હજી વિચારે કે ભુવો મર્યો કેવી રીતે?
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial