Advertisement
Author: નોબત સમાચાર

હૃદય કે કોઈ વસ્તુ તૂટે પછી સંધાય નહિ અને સંધાય તો એમાં મજા હોય નહિ...

આજે વહેલી સવારે નયના મનમાં અનેક વિચારો ની મથામણ સાથે આમ તો લોંગ ડ્રાઇવ પર નીકળી હતી, હજી હાઇ-વે એપ્રોચ આવે  ત્યાં જ એક સુંદર હવેલી જેવા મકાનમાં રેસ્ટોરન્ટ જોઈ. *નિરાંત નું ભોજન* નૈનાને આ જોતાં જ મજા પડી ગઈ. કેવું સરસ નામ, ખૂબ કામ કર્યું હોય, અનેક જવાબદારીઓ સાથે દિવસ પૂરો થયો હોય ત્યારે કોઈને જોઈએ નિરાંતની પળ સાથે ભોજન, બસ એવું જ સ્થળ આ. હાઇવે થોડા દૂર ઘટાદાર વૃક્ષો વચ્ચે આ જગ્યા હતી. ત્યાં બે વ્યક્તિ ખુરશી ટેબલ ગોઠવતા હતા. બીજા બે વ્યક્તિ નાસ્તા ગોઠવવાના ટેબલ તૈયાર કરતા હતા, ત્યાં એક પછી એક વસ્તુ મુકતા હતા, એની એક વ્યક્તિ બધાને સૂચના પણ આપતા હતા. બહાર એક માળી વૃક્ષોને પાણી પાતો હતો, એ સાથે જ પંખીઓનો કલરવ તો હતો જ, કોયલ પણ કેવું સરસ ટહુકતી હતી. એ જ જગ્યામાં એને અડીને એક પરસાળ સાથેની જગ્યા હતી ત્યાં કાથીના ખાટલા હતા અને ત્યાં બોર્ડ હતું *વિસામો* વડીલો, અશક્ત લાચારના મન હૃદય માટે વિસામો. ત્યાં પણ બે બહેનો સાફ સફાઈ કરતી  હતી. બીજી બે બહેનો નાસ્તા મુકવા માટે ટેબલ ગોઠવી રહી હતી અને એક પછી એક વસ્તુ લાવી મૂકતી હતી.  નયના આ બધું જોતા આનંદ અનુભવી રહી હતી. કદાચ ઘણાં સમયે એના ચહેરા પર આજે સ્મિત આવ્યું હતું.. બાકી સદાય હસતી નયના ના ચહેરા પરથી સ્મિત વિલાઈ ગયેલું હતું.  એ કાર એક તરફ લઇ એના ગેટ પાસે ઉભી રહી અને કારમાંથી નીચે ઉતરી. ત્યાં બહાર કાંઈક ગોઠવતા વ્યક્તિએ કહ્યું આવો બહેન, થોડી રાહ જોવી પડશે. નાસ્તાના ટેબલ તૈયાર થાય છે. અહીં બગીચામાં બાંકડા પર બેસી શકો છો. નયના ને આ બધું જોઈ ઘણું બધું જાણવાની બહુ ઉત્સુકતા હતી. એણે એ ભાઈને પૂછ્યું કે આ જગ્યા એક જ છે. આ તરફ *નિરાંતનું ભોજન લખ્યું છે અને ત્યાં *વિસામો* લખ્યું છે બન્ને જગ્યાએ ટેબલો ગોઠવાય છે. કંઈ   અલગ છે? પેલા ભાઈ કહે કે આ બાજુ જે છે એ તમારા જેવા લોકો માટે છે કે જે પૈસા ખર્ચીને મન ભાવતું ખાઈ શકે. ગમે તેટલા સુખી હોય પણ મન હૃદયને નિરાંત તો જોઈએ જ અને પેલી બાજુ વરિષ્ઠ લોકો અથવા જરૂરિયાતવાળા, પૈસાની તાણ વાળા કે કદાચ ન પણ હોય પૈસા, કોઈ પાસે પૈસા તો શું ખાવાનું પણ ન માગી શકે એવા હોય  તો કોઈ એકલવાયા હોય એ બધા માટે આ જગ્યા. એ લોકોને જે ખાવું હોય તે ખાય પૈસાનું કોઈ પૂછે નહિ પણ એ લોકો અહીં નાકા પર રાખેલી હાંડીમાં મન થાય કે સ્વમાન જળવાઈ રહે એ માટે યથાશક્તિ કાંઈ આપવાનું મન થાય તો બંધ મુઠી પૈસા નાખી દે. બાકી ન નાખે તોય કાંઈ નહિ. ખાઈ ને નીકળી જાય.

એ આ બધું જોઈ રહી હતી ત્યાં પેલા ભાઈએ કહ્યું કે બહેનજી જાવ આ બાજુ નાસ્તા ગોઠવાઈ ગયા. એ ઉપર જઈ ગોઠવાઈ ગઈ અને સામેના નાના તળાવમાં વિહરતા પંખી જોવા માંડી. પેલા બીજા લોકો જે બધું ગોઠવતા હતા એમાંના એક વ્યક્તિએ કહ્યું કે સામે બધા નાસ્તા છે અને આ ખૂણામાં ચ્હા, કોફી, જ્યુસ છે, જે જેટલું ખાવું હોય છૂટ છે. પૈસા ફિક્સ છે, જે નાસ્તો કરીને આપવાના, નાસ્તામાં સેલ્ફ સર્વિસ છે. લઈને બેસી જાવ એ પછી જો કંઈ જોઈએ તો આ અમારા બે માણસો ઉભા છે એને કહેશો એટલે એ આપી જશે. એ ભાઈ આ બધું સમજાવતો હતો ત્યારે નયના નો ચહેરો કેટલો ખુશખુશાલ હતો, એ બધું જોતા જોતા અને નાસ્તો લેવા  ઉભી થઇ અને એણે રેસ્ટોરન્ટમાં જ અંદરના રૂમમાં  સુમિત ને જોયો, એ સ્તબ્ધ થઈ ગઈ. સુમિત એનો ભૂતપૂર્વ પતિ અહીં વેઈટર? એની આ હાલત? એ નાસ્તો લઇ બેઠી અને જોવા જ લાગી કે સુમિત શું કરે છે? સુમિત ખુરશી ગોઠવતો હતો અને બીજા માણસને કંઈ કહેતો હતો. એ જ સમયે એક પરિવાર નાસ્તા માટે આવ્યું અને બેઠું એટલે સુમિતે એક માણસને કહ્યું કે જોઈ લે આમને શું જોઈએ છે. એમ કહી એ આ તરફ આવવા વળ્યો. નયના ના ધબકારા વધી ગયા. નયના અને સુમિત એક સમયે અપ્રતિમ પ્રેમમાં હતા. નયના સુમિત થી ખુબ જ અંજાયેલી હતી, એક તો એ અત્યંત દેખાવડો અને ઊંચાઈ સાથે શરીર સૌષ્ઠવ પણ સારૃં. એનું સ્મિત કોઈને પણ મોહી લે. એ દિલ નો સાફ કોઈ કપટ નહિ કે ખોટી વાતો નહિ. એ નાનો હતો ત્યારથી નાનાલાલ શેઠને ત્યાં રહેતો. માં બાપ નહોતા, એ એકલો ભટકતો કોઈ આપે તો ખાતો અને કોઈપણ ફૂટપાથ પર સુઈ જતો. એ દરમ્યાન એ નાનાલાલ શેઠને મળી આવ્યો, એ એને પોતાને ઘેર લઈ ગયા. એ એકલા જ હતા. આમ એમનું પરિવાર, માં, બાપ ત્રણ ભાઈઓ, આ જ હવેલીમાં, પહેલા માતા પિતા કાળક્રમે ગુજરી ગયા અને પછી બે મોટા ભાઈઓ,  નાનાલાલ સૌથી નાના એટલે જ એનું નામ નાનાલાલ, બાકી ભાઈઓ અને પિતા નાનકો જ કહેતા. હવે આખી હવેલીમાં નાનાલાલ એકલા, એમાં આ સુમિત મળી આવ્યો. એને રાખ્યો મોટો કર્યો ભણાવ્યો. આ રેસ્ટોરન્ટ નાના પાયે  નાનાલાલ અને ભાઈઓ ચલાવતા. એ પછી કાળક્રમે રેસ્ટોરન્ટ વિકાસ પામી. ઘણું બદલાયું અને આજે જે છે એ બની ગઈ. નાનાલાલ કે એમના સ્વર્ગસ્થ ભાઈઓ એ લગ્ન કર્યા જ નહોતા એટલે સંતાન તો ક્યાંથી હોય? જે કહો તે આ સુમિત.

એ સમયમાં નયના અને સુમિત સાથે ભણતા. સુમિતને નયના બહુ જ ગમતી, એ એને બહુ જ ચાહતો, પ્રેમ કરતો. એના વગર રહી નહોતો શકતો. નયના તો મોટા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટની દીકરી. પૈસા, ગાડી બંગલા  નોકર ચાકર બધું જ અને આ સુમિત આમ અનાથ. નયના ને ધીરે ધીરે સુમિત માટે પ્રેમ થવા માંડ્યો પણ એટલો ભારે નહિ કે જેટલો સુમિત કરતો હતો. સુમિત કહેતો કે હું એક વડીલ સાથે રહુ છું. એમણે મને આશ્રય આપ્યો છે. એ છુપાવતો નહિ. નયના આ બધું ગણતી નહિ. એ જોવા પણ નહોતી ગઈ કે ક્યાં રહે છે. માં બાપ ને નયનાએ કહ્યું કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે. માં બાપે કહ્યું કે પહેલા જોવું પડે કે  એ છોકરો શું છે, એનું ખાનદાન શું? એના પિતાએ તપાસ કરી લીધી અને હા પાડી કહ્યું કે એક શરત, લગ્ન પછી આ ઘરજમાઈ રહેશે. કારણ કે તે સુખસાહ્યબી અહીં ભોગવી છે એ તને એના ઘેર નહીં આપી શકે, એના ઘરે શું? એનું ઘર જ નથી. ઘણી મથામણ પછી નાનજી કાકા એ હા પાડી. નાનજી કાકા એ મહેલ જોવા પણ ગયા, નયના અને એના માં બાપ ને મળ્યા એ પછી એમની ઈચ્છા જરાય નહોતી, એમણે મનમાં નક્કી કરી લીધેલું કે આ લાંબુ નહિ ચાલે. આર્યસમાજમાં લગ્ન થયા એ પછી કન્યા વિદાયની જગ્યાએ કુંવર વિદાઈ થઇ. એ સમયે નાનજી કાકા એ કહ્યું હતું કે કાંઈ પણ થાય અને તારે પાછા આવવું પડે તો દરવાજા તારા માટે ખુલ્લા છે.

સુમિત સાવ સરળ, રાંક, વિવેકી આજ્ઞાંકિત અને નમ્ર, નયના થોડી ઘમંડી, રૂઆબ વાળી, એકની એક ફટવી મારેલી અને જિદ્દી આ બે વચ્ચે આસમાન જમીનનો ફરક. પણ સુમિત બેશુમાર પ્રેમ કરતો હતો. નયના નો સ્વભાવ, એના માતા પિતાનું ઘમંડ જોહુકમી ને કારણે આ લગ્નજીવન એક વર્ષ માંડ ટક્યું અને અંતે  નયના એ જ બહુ જ ખરાબ રીતે હડધૂત કરી સુમિતને કાઢી મુક્યો અને કહ્યું કે ડાઇવોર્સ પેપર મળી જશે સહી કરી આપજે.

ડાયવોર્સ થઈ ગયા. એ સમયે નયના ને તો એટલો ફરક ન પડ્યો પણ સુમિત ભાંગી પડ્યો. નાનાલાલ કાકા ને તો આ ઘટના ઘટવાની હતી એનો અંદાજ હતો જ. સુમિત આવ્યો એટલે એમણે એને સાચવી લીધો.

આ ઘટના ને દસ  વર્ષ વીતી ગયા અને આજે નયના અને સુમિત મળશે. આ દરમિયાન નાનાલાલ કાકાએ આ બધું સુમિતના નામે કરી નાખ્યું હતું અને અત્યારે એ ઘણી ઉંમરે ખાલી કેશ કાઉન્ટર પર બેસે. સુમિતે બહુ જ ડેવલપ કરી દીધી આ રેસ્ટોરન્ટ. સવારે નાસ્તા માટે આઠ થી દસ ભીડ હોય બધા ચાલવા નીકળે પછી અહીં નાસ્તા કરે અને અગિયાર પછી  થાળી ભોજન. એમ જ બપોરે ત્રણ થી છ ચ્હા નાસ્તા અને સાત પછી  જમવાનું.

નાસ્તા શરૂ થયા થોડીવાર પછી સુમિત આ વિભાગમાં થઇ બાજુના વિભાગ *વિસામો*ની ગોઠવણ જોવા ગયો. નયનાએ એક વેઈટર ને બોલાવી પૂછ્યું કે આ સુમિત છે ? પેલાએ કહ્યું  હા સુમિત સર છે, નયના કહે સુમિત સર? તમારા સર? પેલો કહે હા મેમ આ *નિરાંત* અને *વિસામો* ના માલિક છે. નયના સ્તબ્ધ થઈ ગઈ. સુમિતનું તો ધ્યાન હતું જ નહિ. એ ત્યાંથી આવી પાછો અંદર ગયો. કાઉન્ટર પર બેઠેલા નાનાલાલે કહ્યું કે બેટા સુમિત ત્યાં પેલા બહેન બેઠા છે એ જોયા? સુમિત કહે હા કોઈ કસ્ટમર છે. નાનાલાલ કહે જોઈ આવ નજીક જઈને. એ ક્યારના તને જ જોયા કરે છે. સુમિત એ તરફ જઈ ને અટકી ગયો.. જોઈ જ રહ્યો. મન બોલ્યું આ તો નયના . નયના સુમિત તરફ જોઈ ઊભી થઇ ગઈ. રોવા લાગી. એ દરમિયાન જ નયનાનો પતિ નાસ્તો કરવા આવી ગયો. સુમિતનું હૃદય ભરાઈ ગયું નજીક આવી નયના ને ગળે વળગાડી શાંત કરી. એ પછી ઘણી વાત થઇ નયના એ કહ્યું કે મારા લગ્ન થઇ ગયા છે. આ મારા પતિ સુબોધ. તારૃં શું? સુમિતે કહ્યું પ્રેમ એક જ વાર થાય.

હું બીજી કોઈ કન્યાને ન્યાય ન આપી શકું. એ જ વખતે નયનનો પતિ બોલ્યો. કોઈ પણ ન્યાય ન આપી શકે. એને પૂછો એના સ્વભાવ અને બધી બાબતમાં ઘણો બદલાવ આવી ગયો છે પણ  હજી એ સુમિતને ભૂલી નથી. અમે લગ્ન કર્યા છે એક ઘરમાં રહીએ છીએ પણ એકમેકના મન હૃદયમાં નહિ. આ લગ્નજીવનનો કોઈ અર્થ નથી. હું છૂટો થવા તૈયાર છું બોલો ફરી એક થવું છે ? એ પછી સુમિતે એક વાક્ય નયના ને કહ્યું. કોઈ વસ્તુ તૂટે પછી સંધાય નહિ અને સાંધામાં વાંધા જ હોય. અહીં આવો માત્ર ગ્રાહક તરીકે જ આવજો. આ સાહેબ તો રોજ નાસ્તો અહીં જ કરે છે આજે ખબર પડી આટલા સરસ વ્યક્તિ તમારા પતિ છે. એને સાચવો. એમ કહી એ ચાલ્યો ગયો.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh