Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીરા.. ૩૫ વર્ષની સ્ત્રી.. એક સવારે આળસ આવતી હતી. સવારે છ વાગ્યે એલાર્મ વાગ્યું.. વિચાર્યું કે આજે તો રજાનો દિવસ છે. દીકરાને, દીકરીને સ્કૂલમાં રજા છે, પતિને પણ રજા છે.. તો એલાર્મ બંધ કરીને સૂઈ ગઈ. સાત વાગ્યે ઉઠી.. ત્યાં તેની મમ્મીનો ફોન આવ્યો ઉંઘરેટા અવાજ સાંભળીને મમ્મી ખીજાઈ ગઈ, 'હજી સૂતી છો? ઘરની સ્ત્રીને આટલા મોડા સુધી સુવાય જ નહી... તું કુશળ ગૃહિણી નથી.'
વિણા.. સવારે ઉઠી.. હજી બધા સુતા હતા.. આજે રજાનો દિવસ હતો, તો શાંતિ હતી નહીં તો સવારમાં ટિફિન, લંચબોક્સ તૈયાર કરવાના, બાળકોને સ્કૂલે મોકલવાના.. કેટલા કામ હોય. આજે નિરાંત હતી, તો ચાનો કપ લઈને છાપુ લઈને બાલકનીમાં બેઠી. પંદર-વીસ મિનિટ બેઠી ત્યાં તો બાજુની બાલકનીમાંથી પાડોશી માસીએ બુમ પાડી.. 'વિણા.. આજે કંઈ કામ નથી? કેમ નિરાંતે બેઠી છો? હજી ડસ્ટબીન પણ બહાર નથી મૂક્યું. સવારમાં પહેલું કામ વાસી કચરો વાળવાનું હોય.. તું સીધી ચા લઈને બેસી ગઈ.. લાગે છે તું કુશળ ગૃહિણી નથી...'
નીતા.. સવારે સાડા છ વાગ્યે ઉઠી ગઈ રજાનો દિવસ હતો તો પતિ-બંને બાળકો ઘરે હતા. રોજ તો સવારમાં કામની ધમાલ હોય. રજાના દિવસે થોડું વધારાનું કામ કરવું હતું. પતિ-બાળકોની મદદથી તે કર્યું. પછી બધાની પસંદનો નાસ્તો બનાવ્યો, રસોઈની તૈયારી કરી, થોડીવાર બધા સાથે ધીંગા મસ્તી કરી.. ત્યાં અગિયાર વાગી ગયા. સાસુનો વીડિયો કોલ આવ્યો તો નીતાને જોઈને કહ્યું, 'હજી સુધી નાઈટ ડ્રેસમાં છો? હજી નાહવા નથી ગઈ?' નીતાએ સવારથી અત્યાર સુધીના કામ ગણાવ્યા. તો વધારે ઠપકો, 'નાહ્યા વગર રસોડામાં ગઈ? તારામાં સારી ગૃહિણીના લક્ષણ જ નથી, છોડ.. તું નહી સમજે.. હજુ દીવાબત્તી પણ નહી કર્યા હોય ને...'
આ ત્રણ કાલ્પનિક પ્રસંગ સાંભળતા એમ થયું ને કે આ તો મારી-તમારી-આપણી વાત. દરેક સ્ત્રીઓએ આ બધુ કયારેયને ક્યારેક સાંભળ્યું જ હશે ને... ટાઈમસર કામ ન થાય તો તે સારી ગૃહિણી ન કહેવાય? થોડા મોડા સુધી સૂતી રહે, શાંતિથી ચા-નાસ્તો કરે, છાપુ વાંચે, પતિ-બાળકો સાથે આનંદથી વાતો કરે, થોડી મજાક કરવા, સમય પસાર કરે, તેમાં કામમાં મોડું થઈ જાય એટલે સારી ગૃહિણી ન કહેવાય? બધું સમયસર કરવું જરૂરી છે? કામનું ટાઈમટેબલ આડું અવળું થઈ જાય એટલે ખરાબ ગૃહિણી? એટલે તેને ઘર સાચવતા નથી આવડતું એમ કહેવાય? શું આટલો નાનો માપદંડ છે એક સારી ગૃહિણીને માપવાનો?
દરેક સ્ત્રી જાણે છે કે ઘર, પતિ, બાળકો સંભાળવા કેટલું અઘરૂ છે? સવારમાં નાસ્તાનું તો છોડો, સવારમાં ક્યારેક ચા પીવાનો પણ સમય ન મળે, ઉઠતા દસેક મિનિટ મોડું થઈ જાય તો કેટલી હડબડાટી થઈ જાય એ દરેક જાણે જ છે. સવારનું કામ, બાળકોને તૈયાર કરવા, તેમની સ્કૂલ બેગ, લંચબોક્સ તૈયાર કરવા, પતિનું ટિફિન બનાવવું, સાથે સફાઈ, સવારમાં કેટલું કામ.. તેમાં પોતાના માટે બે-ચાર મિનિટ પણ ન મળે. ક્યારેક નાના બાળકો રડતા હોય તો એક દિવસ પોતા ન કરે તો ન ચાલે? ક્યારેક કલાક મોડી ઉઠે તો ન ચાલે? પણ ના... પંચાત કરવા વાળાને અને સ્ત્રીની કુશળતાને એક વ્યાખ્યામાં બાંધી દેનારને આ બધું સમજાતું જ નથી...
આવી બધી વાતોથી સ્ત્રીનંુ મન દુઃખી થાય છે. સમયસર કામ ન કરવાથી તે બિનકુશળ? ઘણીવાર સાસુ, વડીલો કહેતા હોય છે કે વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય અને લક્ષ્મીએ મોડે સુધી સુવાય નહીં. અરે મોડે સુધી ઘરનું કામ કરતી હોય, રાતે મોડી સુતી હોય તો પણ સવારે વહેલા જ ઉઠવાનું? ઘણાં ઘરમાં તો વહુએ સવારે છ વાગ્યા પહેલાં ઉઠવું પડે એ નિયમ હોય, ઉઠીને પહેલાં ન્હાવાનંુ... પછી જ બીજા કામ.. ઘણી વખત સ્ત્રીઓને પિયરમાં ઉઠીને તરત ચા પીવાની આદત હોય, પણ સાસરે આવ્યા પછી આવી આદત ભૂલવી પડે. પહેલા વાસી કચરા, પછી ન્હાવાનું પછી જ રસોડામાં જવાનું પછી જ ચા પીવાની.. આવું ન કરે તો સારી સુશીલ ગૃહિણી ન કહેવાય?
ઘણી વખત સ્ત્રી નોકરી કરતી હોય, ત્યારે ઘરમાં બધું સમયસમ ન પણ થતું હોય, ઘર ક્યારેક અસ્ત વ્યસ્થ પણ હોય, ત્યારે પણ ઘરના સભ્યો તો ઠીક, આજુબાજુવાળા પણ એમ કહેતા હોય કે સાવ કુવડ છે, ઘર વ્યવસ્થિત નથી રાખતી.. અરે, ઘર વ્યવસ્થિત રાખવું પહેલી જરૂરિયાત છે કે નોકરી કરવી એ મહત્ત્વનું છે? પણ બધાને કોણ સમજાવે અને બિચારી સ્ત્રીઓ કુશળ ગૃહિણી બનવાના ચક્કરમાં કામ કરતી જ રહે છે.
આની સામે કદાચ કોઈ ઘર ન ગોઠવે, સવારે સહેજ મોડા ઉઠે, પણ પતિ બાળકો સાથે હસી મજાક કરે, તેમની સાથે સમય વિતાવે, તેને ભાવતી વસ્તુ ખવડાવે તો તે કુશળ નથી? ઘરકામ કરવાને બદલે બાળકોને ભણાવે, તેના હોમવર્કમાં મદદ કરે તો તે કુશળ નથી? સાસુને સત્સંગમાં-મંદિરે લઈ જાય તો તે કુશળ નથી? પતિ સાથે સવારે બેસીને ચા પીવે, સાંજે તે ઘર આવે ત્યારે થોડીવાર તેની સાથે વાતો કરે તો તે કુશળ નથી?
સ્ત્રીની પ્રાથમિક જવાબદારી શું? ઘરકામ કરવું કે બધાને ખુશ રાખવા? ઘરની સફાઈ કરવામાં બાળકોનું હોમવર્ક કરી જશે તો ચાલશે? વાસી કચરા મહત્ત્વના કે બાળકોનું લંચબોક્સ? નિયમથી ચાલવું જરૂરી છે? હજી પણ ઘણાં ઘરમાં વડીલો આ બધી વાત સમજતા નથી નાહ્યા વગર રસોડામાં ન જવાય, કામ સમયસર થવું જોઈએ, નાહીને તરત પાઠ પૂજા કરવી પડે. એવા કેટલાય નિયમ બનાવેલા હોય છે. આ બધા નિયમ સાચા હશે.. પણ હવેની ફાસ્ટ લાઈફમાં દરેક નિયમ પાળી શકાય એ શક્ય નથી.
આ બધી ચર્ચા ઉપર મારી એક સખી કહે છે કે, ભલે હું કુશળ ગૃહિણી નથી.. સાસુને, વડીલોને, આડોશ પાડોશમાં હું કુશળ ગૃહિણી નથી લાગતી.. તો ભલે એમ રહ્યું.. કરણ કે હું તેમની વ્યાખ્યામાં ફીટ નથી બેસતી. હું ઉઠીને તરત રસોડામાં જઉં છું. બાળકો માટે લંચબોક્સ માટે ગરમ નાસ્તો બનાવું છું, પતિ માટે ટિફિન તૈયાર કરૃં છું. બાળકો સ્કૂલે જાય પછી પતિ સાથે થોડી વાતો કરૃં છું. તે ઓફિસ જાય પછી જ ઘરનું કામ કરૃં છું. અગિયાર વાગ્યા સુધી નાઈટ ડ્રેસમાં હોઉં છું. મેં મારા ઘરના ભગવાનને પણ કહ્યું જ છે કે હું વહેલી સવારમાં પૂજા નહીં કરી શકું. ભલે બધા મને કુવડ કહે.. પણ હું આવી જ છંંુ. મારા બાળકો માટે, પતિ માટે રસોઈ બનાવવી ગમે છે. જ્યારે તેઓ હસતા ચહેરે ઘરની બહાર જાય છે ત્યારે મને લાગે છે કે હું કુશળ છું. યારે તે બધા મારી રસોઈના વખાણ કરે છે. જ્યારે હું તેમના માટે ભાવતી વાનગી બનાવું છંુ ત્યારે તેમના ચહેરા પર જે આનંદ આવે છે તે જોઈને લાગે છે કે ભલે હું કુશળ ગૃહિણી નથી. ઘરકામની ચિંતા કર્યા વગર બાળકોને ભણાવવામાં સમય આપુ છું અને તેનાથી તેમને સ્કૂલમાં વધારે માર્કસ આવે છે ત્યારે લાગે છે કે ભલે વડીલોની નજરમાં હું કુશળ નથી, પણ મારા પરિવારના લોકો મારાથી ખુશ છે, તો હું જેવી છું તેવી સારી જ છું. સમયસર ઉટવું, આખો દિવસ રોબર્ટની જેમ ટાઈમ ટેબલ મુજબ કામ કરવું એ બધા માપદંડ હોય તો મારે કુશળ નથી બનવું...
તમે પણ કહેજો... વાત સાચી છે ને...
- દિપા સોની : જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial