યુવાન અને બે પરિણીતા લાપત્તા

જામનગર તા. ૧૫ઃ જામનગરના ધરારનગરમાં રહેતા એક યુવાન બહેન સાથે બોલાચાલી થયા પછી ઘેરથી કયાંક ચાલ્યા ગયાની પોલીસમાં જાણ કરાઈ છે જ્યારે સોમવારે કાલાવડની પરિણીતા પોતાની બાળકી સાથે ગુમ થઈ છે. તેમજ પડાણામાં રહેતા એક યુવાનના પત્ની દોઢ મહિના પહેલા પિયર જવા નીકળ્યા પછી પિયર નહીં પહોંચતા પોલીસમાં ગુમ નોંધ જાહેર કરવામાં આવી છે.

જામનગર ધરારનગર-૧ માં રહેતા અને સુથારી કામ કરતા કાસમભાઈ ઈબ્રાહીમભાઈ સંધીનો ૨૦ વર્ષનો પુત્ર ઈમરાન ગઈ તા. ૧૧ના દિને સવારે પોતાની નાની બહેન સાથે બોલાચાલી થયા પછી ઘરેથી નીકળી ગયો હતો. આ યુવાન ગઈકાલ સુધી પરત નહીં ફરતા કાસમભાઈએ પોલીસને જાણ કરી છે. પાતળો બાંધો, શ્યામવર્ણો વાન અને પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈવાળા આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ કે.કે. નારીયા-૯૭૭૩૪ ૩૯૧૫૩નો સંપર્ક કરવો.

કાલાવડની શીતલા કોલોનીમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ ઝીંઝુવાડીયા નામના કોળી યુવક સોમવારે સવારે પાંચેક વાગ્યે ટ્રકમાં મજુરીકામે ગયા પછી બપોરે જ્યારે પરત ફર્યા ત્યારે તેમના પત્ની જયશ્રીબેન (ઉ.વ. ૨૫) અને તેમની પુત્રી ઉર્વીશા ઘરે ન હતાં. આજુબાજુમાં તેમજ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરવા જતા માતા-પુત્રીનો પત્તો નહીં મળતા સંજયભાઈએ ગઈકાલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની-પુત્રી ગુમ થયાની જાણ કરી છે. આ પરિણીતા પાંચ ફૂટની ઉંચાઈ અને ઘઉંવર્ણો વાન, ગોળ મોઢુ, મોટુ કપાળ ધરાવે છે. તેમના જમણા હાથમાં અંગ્રેજીમાં એસ ત્રોફાવેલો છે. પોલીસે માતા-પુત્રીના વર્ણના મેળવી તપાસ શરૃ કરી છે.

લાલપુર તાલુકાના પડાણા ગામના તલાવડી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ રાજેશભાઈ ખેતીયા નામના વિપ્ર યુવાનના લગ્ન મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ ગામના વિદ્યાબેન (ઉ.વ. ૩૦) સાથે થયા પછી આ પરિણીતાએ પિયર જવા માટે મંજુરી માગતા ગઈ તા. ૨ ડિસેમ્બરની બપોરે વિપુલભાઈ પત્નીને મુંબઈ મોકલવા માટે કાનાલુસ રેલવે સ્ટેશન પર આવ્યા હતાં જ્યાંથી તેઓએ સાડા ત્રણેક વાગ્યે સૌરાષ્ટ્ર મેઈલમાં વિદ્યાબેનને બેસાડ્યા હતાં. તે પછી તા. ૧૬ સુધી આ પરિણીતા પોતાના પિયર નહીં પહોંચતા વિપુલભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી છે. આ મહિલા રૃપાળો વાન, મધ્યમ બાંધો અને જમણા ગાલે તલ ધરાવે છે. તેઓના જમણા હાથમાં વૃંદાવની લખેલું છે. એએસઆઈ વી.બી. રાઠોડે તપાસ શરૃ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit