Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે અને સમાજ ખોખલો થઈ રહૃાો છે!
'પ્રદુષણ.. '
૨૧ મી સદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો અને બદનામ શબ્દ છે. નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ! એ કહેવત પ્રદુષણને પણ બરાબર ફિટ બેસે તેવી છે. ગમે તે કહો.. પ્રદુષણ એ પ્રદુષણ જ છે. માનસિક, શારીરિક, સામાજિક, વૈચારિક, હવા, પાણી, ખોરાક, નૈતિકતા, સંબંધો તમામમાં પ્રદુષણ ઘૂસી ગયું છે. લોભ, લાલચ, સ્વાર્થ, હિત, અજ્ઞાન, ભયને કારણે પ્રદુષણ જન્મે છે. સામાજિક અને વૈચારિક પ્રદુષણને નાથવા માટે ધર્મ છે પરંતુ આપણે તેને કેટલું માન આપીએ છીએ તે યક્ષ પ્રશ્ન છે.
પરિસ્થિતિ કથળી રહી છે. ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે અને સમાજ ખોખલો થઈ રહૃાો છે. રોબોટ માણસો જેવા દીર્ઘદૃષ્ટા બની રહૃાા છે અને માણસો રોબોટની જેમ મશીન જેવા બની રહૃાા છે! મશીનો ઉપર જેટલા સંશોધનો થઈ રહૃાા છે તેટલા માનવતા ઉપર થતાં નથી. સંશોધનોનો ઉપયોગ માનવના ઉદ્ધાર માટે થવો જોઈએ તેને બદલે છેતરવા માટે વધુ થઈ રહૃાો છે. મને લાગે છે કે, આજનું વિજ્ઞાન કાગળના ફૂલ જેવુ છે, દેખાવમાં આકર્ષક છે, પરંતુ નરો દેખાડો જ છે. કોમળતા અને સુગંધ ગાયબ છે. લોહીમાં રક્તકણોને બદલે કલોરેસ્ટોલ અને સ્યુગર વધુ છે. સુપર કોમ્પ્યુટર જેવા મગજમાં લોભ, લાલચ, સ્વાર્થ, ગુસ્સો, આક્રોશ વધુ ભર્યા છે.
આ બધા પ્રદુષણ જ છે! ભૌતિક અને સામાજિક દુનિયામાં સોફ્ટ અને હાર્ડ કચરાને રિસાયકલ કરવાના મોટા પાયે દેખાડા ચાલી રહૃાા છે. વાસ્તવમાં નબળી જગ્યાએ કચરો ઠાલવી મોટા લોકોના આંગણ સાફ સુથરા રાખવામાં આવે છે, આવી રીતે જ આખી દુનિયામાં સ્વચ્છતા ઝુંબેશ ઉજવવામાં આવે છે. દુનિયામાં પરમાણુ કચરાને સૌથી જોખમી કચરો માનવામાં આવે છે. હવે વિચારો કે, આજકાલ પરમાણુ કચરાનો ક્યાં નિકાલ કરવામાં આવે છે? ચૂપચાપ, ગિફ્ટ પેક કરી વિકાસના નામે ગરીબ દેશોમાં ઠાલવામાં આવે છે!
વૈચારિક પ્રદુષણ
આ સૌથી ગંભીર પ્રકારનું પ્રદુષણ છે. નાના, મધ્યમ અને મોટા પ્રદુષણોનું જન્મદાતા છે. 'મારૂ શું?' અને 'મારે શું?' એ બે બહુ ખતરનાક વિચારો છે. વર્તમાન સામાજિક અને આર્થિક પ્રદુષણ અહીથી જ જન્મે છે. 'મુખમેં રામ, બગલમેં છુરી' અને 'રામ નામ જપના, પરાયા માલ અપના' કહેવતો તેના ઉત્તમ ઉદાહરણો છે. ધનિકો વધુ ધનિક બની રહૃાા છે અને 'માં' કાર્ડ અને અમૃતમ યોજનાનો લાભ લેનાર પણ વધી રહ્યા છે. સમાચાર માધ્યમોમાં દાન, સખાવત, સહાયના સમાચારો વધી રહૃાા છે છતાં ગરીબી હટતી નથી. સરકારના 'ગરીબ કલ્યાણ મેળા'થી કેટલાની ગરીબી દૂર થઈ તેના આંકડા બહાર આવતા નથી. બ્યુટી પાર્લરમાં સર્જાયેલી સુંદરતા લાંબો સમય ટકતી નથી. તકલાદી વિચારો ખખડધજ સમાજ બનાવે છે. ભણવામાં ખર્ચ વધ્યો છે અને નોકરીઓમાં આવક ઘટી છે, તે નરી વાસ્તવિકતા છે. વાસ્તવમાં શિક્ષણમાં ખર્ચ ઘટવો જોઈએ અને નોકરીમાં આવક વધવી જોઈએ! એક તરફ ધર્મની ધજાઓ લઈને ફરીએ છીએ, પરંતુ ભગવાન કૃષ્ણને ભાવતા દૂધ અને માખણ અકુદરતી પ્રદુષણથી મૂક્ત રહૃાા નથી! માતાજીના મંદિરના પ્રસાદોમાં ભેળસેળ કરવા આવે છે. કાળું અને ધોળું નાણું હવે જૂન થઈ ગયા, પીળું અને કલર કલરનું નાણું બજારમાં ફરતું થઈ ગયું છે. આવક સંતડવા માટેના નિષ્ણાતો જંગી ફી લઈ કાળા-ધોળાની સલાહો આપે છે. બધા પાપોનું મૂળ આ વૈચારિક પ્રદુષણ જ છે. કથા, ભજનો પણ તેને ધોઈ શકતા નથી! બીજાને પાડી દેવાના પ્રપંચો કરતા માણસો મંદિરમાં જઈ શું કામના કરે છે, તે ખબર જ પડતી નથી!
ધર્મસ્થાનો અને કોર્ટો, બંનેમાં ભારે ધસારો છે. ભગવાન અને ન્યાયાધીશો બન્ને પાસે અરજીઓના ઢગલાઓ થાય છે. બધાને પોતાની તરફેણમાં ચુકાદો જોઈએ છીએ! કપડાં સ્વચ્છ થઈ રહૃાા છે અને મન મેલા થઈ રહૃાા છે! વસ્ત્રો ડિઝાઇનર થઈ રહયા છે અને સંસ્કાર અસ્તવ્યસ્ત થઈ રહ્યા છે!
આર્થિક પ્રદુષણ
ઊધઈ કરતાં પણ વધુ ગંભીર રીતે સમાજના માળખાને કોતરી રહૃાું હોય તો એ આર્થિક પ્રદુષણ છે. આર્થિક અસમાનતા ચરમસીમા ઉપર જઈ રહી છે. આજે ધનીકો નિર્ધન ઉપર રાજ કરી રહૃાા છે. પગારદાર લોકો જ સાચો આવકવેરો ભરી રહૃાા છે. ૧૪૦ કરોડ લોકો પૈકી ૧૦ કે ૧૨ કરોડ લોકો જ આવકવેરો ભરતા હોય તે બહુ ગંભીર બાબત છે. આર્થિક અસમાનતા ને જો નજરંદાઝ કરવામાં આવે તે વ્યાજબી અને સમાજના હિતમાં નથી. કેન્દ્ર સરકારે નોટબંધી કરી તેના કોઈ પોઝિટિવ પરિણામો દેખાયા નથી. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કર્યા પછી પણ કાળા નાણાની લિન્ક મળતી નથી!
દેશના સંચાલનમાં ચૂંટણી સમયે કાળા નાણાં ની લેતીદેતી લોકશાહી માટે પણ ગંભીર બાબત છે. ચૂંટણી લડાવી અતિ ખર્ચાળ બાબત બની ગઈ છે. લોકશાહીમાં તમામ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ શું સામાન્ય માણસ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડી શકે ખરો? ચૂંટણી જંગ હવે ધનિકોનો જંગ બની ગયો છે!
લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવ્યા પછી માંડ હજારો રૂપિયાના પગારની નોકરી મળે છે. એકતરફ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મફત સાઇકલ આપવામાં આવે છે અને બીજીતરફ લકઝરી ગાડીઓ બેફામ દોડે છે અને અકસ્માત સર્જે છે. શિક્ષણ અને આરોગ્ય સારવાર મોંઘી બની છે, માં કાર્ડમાં ખોટી સારવાર થતો હોવાનો ભય વધી રહૃાો છે.
સામાજિક પ્રદુષણ
દેશમાં સામાજિક વાડાઓ મજબૂત બની રહૃાા છે. નાતજાતના વાડાઓ તોડી શકે તેવા કોઈ આગેવાન ક્ષિતિજે દેખાતા નથી. તાજેતરમાં કિંજલ દવે નામની ગુજરાતી ગાઈકાને લગ્નના મુદ્દે સામાજિક બહિષ્કાર કરવાનો મુદ્દો ચગ્યો હતો. દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જ્ઞાતિઓ અને સમાજોના આધારે ચૂંટણી લડવામાં આવે છે.
સમાજમાં દેખાડો એ સૌથી મોટું પ્રદુષણ છે. કેટલાક સમજોએ લગ્ન પ્રસંગ સાદાઈથી કરવાના ઠરાવ પસાર કર્યા છે. એક ઠરાવ એવો પણ છે કે, લગ્નમાં સનરૂફ વાળી કારનો ઉપયોગ ન કરવો! દેશમાં આર્થિક અસમાનતા ને કારણે સામાજિક અસમાનતા પણ વધી છે. એક તરફ લગ્નમાં કરોડો અને અબજોનો ખર્ચ કરવામાં આવે છે તો બીજી તરફ સમૂહ લગ્નો પણ કરવામાં આવી રહૃાા છે!
પ્રદુષણ
વર્તમાન સમયમાં 'પ્રદુષણ' શબ્દને માત્ર પર્યાવરણ સાથે જ જોડવામાં આવે છે. જે બહુ કુંઠિત જોડાણ કહી શકાય. હવે પ્રદુષણની વ્યાપક વ્યાખ્યા કરવાનો સમય થઈ ગયો છે. સામાન્ય રીતે પ્રદુષણની જે રીતે વ્યાખ્યા કરવામાં આવે છે તે નીચે મુજબ છે.
(૧) વાયુ પ્રદુષણઃ હાનિકારક વાયુઓ (સીઓ૨, એસઓ૨, એનઓએકસ), ધુમાડો અને કણો દ્વારા વાતાવરણનું દૂષણ.
(૨) જળ પ્રદુષણઃ રસાયણો, ગટર અને માઇક્રોપ્લાસ્ટિક જેવા પ્રદૂષકોનું નદીઓ, તળાવો અને મહાસાગરોમાં વિસર્જન.
(૩) માટી પ્રદુષણઃ ઝેરી રસાયણો, જંતુનાશકો અથવા ભારે ધાતુઓને કારણે જમીનનું અધોગતિ જે ફળદ્રુપતા ઘટાડે છે અને ખાદ્ય શ્રૃંખલામાં પ્રવેશ કરે છે.
(૪) ધ્વનિ પ્રદુષણઃ ટ્રાફિક, બાંધકામ અથવા ઉદ્યોગોમાંથી અતિશય અથવા વિક્ષેપકારક અવાજ જે માનવ સ્વાસ્થ્ય અને વન્યજીવનને અસર કરે છે.
(૫) પ્રકાશ પ્રદુષણઃ અતિશય કૃત્રિમ પ્રકાશ જે કુદરતી પ્રકાશ ચક્ર અને ખગોળીય અવલોકનોમાં દખલ કરે છે.
(૬) થર્મલ પ્રદુષણઃ કુદરતી જળસ્ત્રોતના તાપમાનમાં અચાનક ફેરફાર, જે ઘણીવાર ઔદ્યોગિક ઠંડક પ્રક્રિયાઓને કારણે થાય છે.
ઉપરોક્ત દર્શાવેલ ૬ પ્રકારના પ્રદૂષનો મોટાભાગે આરોગ્ય ઉપર અસરો કરે છે. સ્વાસ્થ્ય નબળું પડે છે, સારવાર મોંઘી બને છે, મૃત્યુ દર વધે છે, બાળ મૃત્યુ દર વધે છે. ઉપરોક્ત પ્રદૂષનો નાથવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક નિયમો બનાવ્યા છે.
જેની બહુ જૂજ નોંધ લેવામાં આવે છે તે સામાજિક અસરોની છે. સામાજિક પ્રદુષણ એ હાનિકારક વર્તણૂકો, ખોટી માહિતી, પ્રણાલીગત અન્યાય (જેમ કે ભ્રષ્ટાચાર, ભેદભાવ, અસમાનતા) અને નકારાત્મક વલણો દ્વારા સામાજિક પર્યાવરણ અધોગતિ છે, જે સમુદાયની સુખાકારી, વિશ્વાસ અને એકતાને ખતમ કરે છે, જેમ કે ભૌતિક પ્રદૂષકો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તે અદૃશ્ય દૂષકોનો ઉલ્લેખ કરે છે-જેમ કે ખોટી માહિતી, પૂર્વગ્રહ, સ્વાર્થ અથવા સામાજિક નિષ્ફળતાઓ-જે સ્વસ્થ સંબંધોને વિક્ષેપિત કરે છે, સામૂહિક પ્રગતિને અવરોધે છે અને સામાજિક તકલીફ ઊભી કરે છે.
ઉકેલ
સામાજિક પ્રદુષણો નાથવા માટે શું કરવું જોઈએ? આ બહુ ગંભીર મુદ્દો છે. અસમાનતા અને દેખાડો દૂર કરવા માટે સઘન પ્રયાસો નહીં કરવામાં આવે તો સમાજ ખોખલો બનશે. સામાજિક પ્રદુષણ નાથવા માટે હાલમાં લોક જાગૃતિ અને શિક્ષણ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જ્ઞાનનો વ્યાપ વધે તેમ તેમ દૃષ્ટિ સ્પષ્ટ બને, વિચારો શુદ્ધ બને, લાભાલાભની ખબર પડે. દેવું કરીને ઘી ન પીવાય. લોન લઈને લગ્ન ન કરાય. દેખાદેખીમાં હેલિકોપ્ટરમાં જઈ લગ્ન ન કરાય. જેમની પાસે વધુ નાણાં છે તેમણે પણ સંયમ રાખવો જોઈએ.
જો કે, આ તો 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવુ છે.
સમાજમાં ફેલાયેલા વિવિધ પ્રકારના પ્રદુષણોનો હાલમાં કોઈ રામબાણ ઈલાજ દેખાતો નથી. એક રાવણ હોય તો વધ થાય, પરંતુ અહી તો ઠેર ઠેર રાવણો રખડી રહૃાા છે. મારી સલાહ છે કે, દેખાદેખી, ઈર્ષા, આંધળું અનુકરણ ન કરવું. જો કે બેફામ ધન કમાતા લોકો આવી કોઈ સલાહ સાંભળતા નથી અને માનતા પણ નથી. બોલચાલની ભાષા ઉપર કાબૂ રાખવો, બીજાના વિચારો અને વર્તન ઉપર અતિક્રમણ ન કરવું.
'નોબત'ના વાચકો અને ચાહકો દુન્યવી પ્રદુષણથી મૂક્ત રહે તેવી અભ્યર્થના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial