Advertisement

ભસ્મની મહિમા

યજ્ઞ કરતા શેષ વધેલી ભસ્મનો અનેક ઘણો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે  ભસ્મ ધારણ કરીને ઘરેથી નીકળેલા મનુષ્યોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બ્રાહ્મણો સંધ્યાવંદનમાં ભસ્મનો ઉપયોગ કરે છે. દરેક ધાર્મિકક્રિયામાં સર્વપ્રથમ ભસ્મ ધારણ કરવાની હોય છે. આ ઉપરથી જ ભસ્મનું મહત્વ સમજાય છે. ભસ્મ ધારણ કરતી વખતે તેનો શાસ્ત્રોક્ત મંત્ર જપવો અનિવાર્ય ગણાવ્યો છે. કપાળ, બન્ને હાથ, હૃદય, બન્ને ગોઠણ પર ભસ્મનું ત્રિપુંડ કરવાનું રહે છે. આ ત્રિપુંડની ત્રણ રેખાને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના સાક્ષાત પ્રતિક સમા ગણવામાં આવ્યા છે.

આ અંગેની એક કથા દેવી ભાગવત મહાપૂરાણમાં આવે છે કે, એકવાર મહાન મુનિ દુર્વાસાજી ફરતા ફરતા સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાંથી પાછા ફરી નરકલોકમાં ગયા, દુર્વાસામુનિના મસ્તક પરના વિશાળ ભાલપ્રદેશ (કપાળ) પર દિવ્ય ત્રિપુંડ શોભતું હતું. તેમના શરીર પર પણ દિવ્ય એવી ભસ્મ ધારણ કરેલી હતી. દેવીની પ્રસાદીરૃપે આ ભસ્મના કારણે તેમના તેજમાં પણ વધારો થયેલો જોવા મળતો હતો. તેઓ યમરાજીને મળ્યા અને તેમના ખબર - અંતર પૂછ્યા. ત્યાર પછી આખીય યમપુરી ફરી વળ્યા. છેલ્લે તેઓ કુંભીપાક નરકમાં પહોંચ્યા. ત્યાં ભયાનક યાતનાઓને ભોગવી રહેલા જીવો દુર્વાસા મુનિને શરીરે લગાડેલી ભસ્મ તેમના પર ઉડવાથી તે સૌ પોતાના કષ્ટમાંથી મુક્ત થવા લાગ્યા. તેમને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થવા લાગી. આ બધું જોઈ અને ત્યાં હાજર રહેલા યમદુતો પણ વિમાસણમાં પડી ગયા. દુર્વાસામુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ ઘટના વિશે યમદુતોએ યમરાજાને પૂછયું ત્યારે યમરાજાએ જવાબ આપ્યો,

"આ બધી જ શક્તિનો પ્રતાપ છે. ભસ્મમાં દેવી શક્તિ રહેલી છે. તે ભસ્મ દુર્વાસામુનિએ ધારણ કરેલી. તેમાંથી ઉડેલી ભસ્મની કણોથી જીવાત્માઓ નરકના કષ્ટોમાંથી મુક્ત થઈ અને સ્વર્ગના સુખને પામ્યા છે."

આ પ્રસંગ ઉપરથી એવો બોધ મળે છે કે , દેવીની યજ્ઞની પ્રસાદીરૃપ ભસ્મના કણ માત્રથી પણ સ્વર્ગના આનંદની પ્રાપ્તિ થાય છે. માટે શિવ-શક્તિના પ્રસાદી રૃપ ભસ્મ મનુષ્યએ અવશ્ય ધારણ કરવી જોઇએ.

આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેનો મંત્ર...

" દેહિ સૌભાગ્યમારોગ્યં

દેહી મેપરમંસુખમ,

રૃપં દેહિ જયં દેહિ

યશો દેહિ દ્વિષો નહિ."

આ મંત્રથી આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

 - કનકચંદ્ર છગનલાલ વ્યાસAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit