બેંકીંગ ક્ષેત્રને કોરી ખાતા ભ્રષ્ટ ઉંદરડાઓને પૂરી શકે તેવા મજબૂત કાનૂની પીંજરાની જરૃર

એનપીએ ઉધઈ જેવું છે, પણ ઘણાં લોકોને આ 'ઉધઈ' બહું જ વહાલી લાગે છે!

પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચૂનો લગાવીને ભાગી ગયેલો મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ગાયબ થઈ ગયો, અને ક્યુબામાં હોવાના અહેવાલો આવ્યા, તે પછી તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ, હવે ડોમિનિકાથી પરત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ પ્રકારના ભ્રષ્ટાચારી ભોરીંગોને નાથવાની દિશામાં જેટલી મોટી મોટી વાતો થઈ હતી, તેનું કાંઈ જ થયું નથી. તાજેતરના જ અહેવાલ છે હજુ પણ સાડાચાર ટકા જેટલું એનપીએ બેંકીંગ સેક્ટરને કોરીને ખાઈ રહ્યું છે.

એક તરફ મેહુલ ચોકસીને ફરીથી ભારત લાવવાના પ્રયાસો તેજ થયા છે, તો બીજી તરફ લંડનની જેલમાં રહેલા નિરવ મોદીની ભારતને સોંપણી એટલે કે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. આ પેચીદગીભરી અને લાંબી કાર્યવાહી પછી નિરવ મોદીને પરત લાવ્યા પછી પણ ભારતમાં લાંબી કાનૂની લડાઈ ચાલવાની છે. વિજય માલ્યાની સામે તો કાર્યવાહી પણ અત્યારે ક્યા સ્ટેજે પહોંચી છે તેની સ્પષ્ટ જાણકારી મળી રહી નથી. એવામાં ભારતમાં ઈકોનોમી અને બેંકીંગ ક્ષેત્રને કોરી ખાતા 'ઉંદરડાઓ'ને પૂરી શકે તેવા મજબૂત કાનૂની પીંજરાની જરૃર છે. મોદી સરકારે જે કાંઈ કડક કાયદા બનાવ્યા છે, તેની અસરો ધાર્યા મુજબ કે ગાઈ વગાડીને કરેલી જાહેરાતો મુજબ થઈ રહી નથી. તે પણ એક નક્કર હકીકત છે.

થોડા અઠવાડિયા પહેલા ભારતની બેંકોમાં અંદાજે પાંચ લાખ કરોડના કૌભાંડો અથવા છેતરપિંડી થઈ હોવાના અહેવાલો મીડિયા અને અખબારોમાં પ્રમુખતાથી ચમક્યા હતાં.

આરબીઆઈના આંકડાઓનો સંદર્ભ આપીને થઈ રહેલી ચર્ચાઓ મુજબ માર્ચ મહિના સુધીમાં દેશની નેવું જેટલી બેંકો તથા ફાઈનાન્સ ઈન્ટિટ્યુશન્સમાં ૪પ હજારથી વધુ છેતરપિંડી કે ગેરરીતિ અથવા ગોલમાલના કેસ નોંધાયા છે. એકંદરે પાંચ લાખ કરોડ રૃપિયા જેવી છેતરપિંડી કોઈ નાનીસુની ન કહેવાય, તેમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સૌથી વધુ ફ્રોડના કેસો નોંધાયા હોય, તો તે ચિંતાજનક છે. તે પહેલા પણ એસબીઆઈ સાથે રૃપિયા ૭૮ હજાર કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ, તો પીએનબી સાથે લગભગ ૪૦ હજાર કરોડની કુલ છેતરપિંડી થઈ છે. બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોને પણ ઠગોએ ત્રીસ-ત્રીસ હજાર કરોડનો ચૂનો લગાડ્યો છે. ખાનગી બેંકો પણ છેતરપિંડીથી બચી શકી નથી. છેલ્લા ૬ વર્ષમાં બેંકોમાં રૃપિયા ૪ લાખ કરોડ જેટલી બેંકલોન ફ્રોડની વિગતો પણ બહાર આવી છે. કોઈ આરટીઆઈના જવાબમાં આ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા પછી છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ચર્ચા માત્ર રાજકીય વર્તુળો જ નહીં, પરંતુ બેંકીંગ સેક્ટર, ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્ર અને કાનૂનના જાણકારો તેમજ અર્થશાસ્ત્રીઓમાં પણ થઈ રહી છે.

જો કે, વર્ષ ર૦ર૦-ર૧ માં આશ્ચર્યજનક રીતે દેશની એફડીઆઈમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો અને ઈક્વિટિમાં એફડીઆઈ ૧૯ ટકા વધી ગઈ. સીધા વિદેશી રોકાણમાં પણ દસ ટકાનો વધારો થયો. અર્થશાસ્ત્રીઓ તથા વિશ્લેષકો આમ થવાના ભિન્ન ભિન્ન કારણો બતાવી રહ્યા છે.

સૌથી મોટો પડકાર તો એનપીએને કંટ્રોલ કરવાનો છે. રાષ્ટ્રીયકૃત બેંકો પણ સીધા કેન્દ્ર સરકારના સંપૂર્ણ નિયંત્રણમાં ભલે ન હોય, તો પણ એપીએનો વ્યાપ વધતો અટકાવવા સરકારી હસ્તક્ષેપ ઘણો જ જરૃરી છે, તો બીજી તરફ આરબીઆઈએ પણ કોઈપણ પ્રકારના દબાણ વગર જે જરૃરી જણાય તે કડક કદમ ઊઠાવવા જ પડે.

એનપીએ ઉધઈની જેમ બેંકીંગ ગ્રોથને ખાઈ જતું હોય છે, પરંતુ આ 'ઉધઈ' ઘણાં લોકોમાં કદાચ એટલી બધી વહાલી છે કે તેમાં બેંકીંગ ક્ષેત્ર અને દેશની ઈકોનોમીના ભોગે પણ આ 'ઉધઈ'નો વિકાસ કરવામાં રચ્યા પચ્યા રહેતા હોય તેમ જણાય છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit