સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન થતા આઠ જવાનો દટાયાઃ ચારના મૃત્યુ

નવી દિલ્હી તા. ૧૯ઃ સિયાચીન ગ્લેશિયર પાસે ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં સેનાના  આઠ જવાનો દટાયા હતાં, જેમાંથી ૭ ને બહાર કઢાયા હતાં, પરંતુ તેમાંથી ચારના મૃત્યુ થઈ ગયા છે.

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવાતા સિયાચીન ગ્લેશિયરમાં આવેલા બરફના તોફાનમાં ૮ જવાનો દટાઈ ગયા હતાં જેમાંથી ૭ ને બહાર કઢાયા અને તેમને નજીકની સેના હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જો કે, સારવાર દરમિયાન ૪ જવાનોના મોત થયા. આ દૂર્ઘટનામાં ર પોર્ટરોના પણ મોત થયા છે. અહેવાલો મુજબ આ અત્યંત કપરા ગણાતા વિસ્તારમાં આજે બપોરે ૩.૩૦ વાગે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં પેટ્રોલિયમ ટીમના ૮ જવાનો ફસાઈ ગયા હતાં.

જવાનોને બચાવવા માટે સેનાએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૃ કર્યું હતું. બરફનું આ ભીષણ તોફાન નોર્ધન ગ્લેશિયરમાં આવ્યું છે, જ્યાં ઊંચાઈ લગભગ ૧૮,૦૦૦ ફૂટ અને તેનાથી પણ વધુ છે. જે જવાનોએ આ તોફાનનો સામો કરવો પડ્યો છે તેઓ પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ હતાં. તેમાં ૮ જવાનો હતાં. બરફનું તોફાન આવ્યું તો તેઓ ત્યારે નોર્ધન ગ્લેશિયરમાં હાજર હતાં.

સિયાચીન એ વિસ્તાર છે જ્યાં ફક્ત પાક્કા મિત્રો અને કટ્ટર દુશ્મનો જ પહોંચી શકે છે. સિયાચીન દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર મનાય છે. જો તેના નામના અર્થ પર જઈએ તો સિયા એટલે ગુલાબ અને ચીન એટલે ગુલાબોની ઘાટી, પરંતુ ભારતના સૈનિકો માટે તે ગુલાબના કાંટાની જેમ સાબિત થાય છે. સિયાચીનમાં આપણા સૈનિકો માટે સૌથી મોટી દુશ્મન કોઈ ઘૂસણખોર કે આતંકવાદી નહીં, પરંતુ પ્રતિકૂળ હવામાન છે. જે અલગ અલગ દેશોના માણસોમાં કોઈ અંતર નથી રાખતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit