જામનગરની જેલમાં કાચા કામના કેદીએ સિપાહી સાથે કરી ઝપાઝપી

જામનગર તા. ૧૪ઃ જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના એક કેદીએ ગઈકાલે જેલ સિપાહીની બેરેકમાં જવાની સૂચનાને અવગણી તેમની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી ફરજમાં રૃકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરની જિલ્લા જેલમાં સિ૫ાહી તરીકે નોકરી કરતા મૂળ આરંભડાના હરીશભાઈ સુરાભાઈ ચાસીયા ગઈકાલે બપોરે જેલમાં પોતાની જેલસહાયક તરીકેની ફરજ પર હાજર હતાં ત્યારે તેઓએ ૧૨ વાગ્યે નિયમ મુજબ બેરેકની બહાર રહેલા તમામ કેદીઓને પોતપોતાની બેરેકમાં ચાલ્યા જવા માટે સૂચના આપી હતી.

આ વેળાએ કાચા કામના કેદી તરીકે જિલ્લા જેલમાં રહેલા સુનિલ વિપુલભાઈ ધવડ ઉર્ફે ધમા નામના આરોપીએ બેરેકમાં નથી જવું તેમ કહી ગાળાગાળી શરૃ કર્યા પછી હરીશભાઈ તથા તેમની સાથે રહેલા અન્ય જેલ કર્મચારીઓને ભાંડ્યા હતાં તેમજ હરીશભાઈ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૃકાવટ પણ કરી હતી. આ બાબતની ગઈકાલે રાત્રે હરીશભાઈ ચાસીયાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાચા કામના કેદી સુનિલ ઉર્ફે ધમા સામે આઈપીસી ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

close
Nobat Subscription