ખંભાળીયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ સાની ડેમ જામરાવલ પાસે આવેલો છે. તેના દરવાજા જર્જરીત થઈ ગયા હોય ગમે ત્યારે તૂટે તેવી સ્થિતિ બે વર્ષથી રહી હતી. ડેમ થોડો ભરીને સિંચાઈમાં ઉપયોગમાં લેવાતો હતો. તે સાની ડેમ નવો બનાવવાનું શરૃ કરાતા ગ્રામજનો, ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
૧૯૮૭માં બનેલો આ ડેમ જે તે વખતે નબળું કામ થયું હતું તથા બે-ત્રણ દરવાજા કાયમી લીક થતા હતાં. વારંવાર ફરિયાદો પણ આવતી હતી. ૨૪ ફૂટ ઉંડા તથા વિશાળ જળરાશિ સાથે ૧૩૭૮ એમસીએફટીની ક્ષમતાના આ ડેમ એક વખત છલકાય તો બે વર્ષ સિંચાઈ તથા પા.પુ. યોજનામાં પાણી ચાલે તેવી ક્ષમતા હતી. અગાઉના સમયમાં નર્મદાનો વિકલ્પ ન હતો ત્યારે સાનીનું પાણી છેક દ્વારકા-ઓખા પહોંચતું હતું.
આ ડેમ દ્વારકા પંથકના ૮૯ ગામોની પા.પુ. યોજના તથા નવ ગામની સિંચાઈ યોજનાનો આધાર છે. સાની ડેમ ૨૦ કરોડના ખર્ચે નવું રૃપરંગ ધારણ કરશે ત્યારે ગુણવત્તાવાળું કામ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.