Advertisement
Author: નોબત સમાચાર

'સમય : મારો... તમારો... અન્યનો'

'જસ્ટ વન મિનિટ...'

'બસ બે મિનિટમાં આવું...'

'તું રાહ જોજે, હું પાંચ મિનિટમાં પહોંચુ છું.'

'ઊભા રહો... મારે બે મિનિટ વાત કરવી છે...'

'મારે બસ તમારો દસ મિનિટનો જ સમય જોઈએ છે.'

'બે મિનિટનું મૌન...'

'કલાકથી રાહ જોઉં છું... તે દસ મિનિટનું કહ્યું હતું.... હજી ન પહોંચ્યા...'

'દસ મિનિટનું કહીને મારી ગાડી લઈ ગયા... ત્રીસ મિનિટ થઈ.. હજી ન આવ્યા...'

'હું આખી જિંદગી તારી રાહ જોઈ શકુ...'

સમય.. મારો.. તમારો.. આપણો.. બધાનો કિંમતી... પણ આપણે તેની સાચી ગણતરી કરતા જ નથી. દરેક વખતે ખોટી જ ગણતરી.. કોઈ મિનિટ.. બે મિનિટમાં આવી શકે? બે-પાંચ મિનિટ માટે લીધેલા સમયમાં વાત કલાક ચાલે એવું પણ બને. કોઈ કામ એક મિનિટમાં પતી શકે? બે મિનિટનું મૌન કયારેય બે મિનિટ ચાલે? અને આખી જિંદગી રાહ જોઈ શકુ.. એ વાત કેટલી મોટી છે.. એ વિચાર કર્યા વગર આપણે ઘણી વખત આવી વાત બોલી લઈએ છીએ. નવાઈની વાત એ છે કે સાંભળવાવાળા પણ આવા વાક્યો સ્વાભાવિકતાથી સ્વીકારી લે છે. સવાલ ઉઠાવતા નથી, વિરોધ નોંધાવતા નથી.. આપણે બધા જ સમયની બાબતમાં એકબીજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છીએ. આપેલા સમય કરતા ૧૫-૨૦ મિનિટ મોડું થાય તો આપણને મોડું લાગતું જ નથી. આપણે બધા એવું જ વિચારીએ છીએ કે મિટિંગનો સમય દસ વાગ્યાનો લખ્યો છે. એટલે સાડા દસે શરૂ થશે. દરેક સ્થળે આપેલા સમય કરતા મોડું જ પહોંચવું એ આપણે સહજતાથી લઈએ છીએ. લગ્ન પ્રસંગમાં તો હસ્તમેળાપનો સમય અગીયાર વાગ્યાનો લખ્યો હોય અને હસ્તમેળાપ બે વાગ્યે થાય તો પણ બધા સહજતાથી એમ જ કહે કે પ્રસંગમાં તો મોડું જ થાય.. નવાઈની વાત છે ને આમ બધા ફરિયાદ કરતા હોય છે કે સમય જ નથી.. ટાઈમ મળતો જ નથી.. અને પાછા આપણે સમય વેડફીએ છીએ.

કોઈ સમયસર પહોંચી જતું હોય, પોતાના કામ સમયસર કરતા હોય, બીજાને પણ સમયસર પહોંચવાનો આગ્રહ કરે તો તેવા લોકોને બધા વેવલા-ચીકણા કહે છે. દસ વાગ્યાની મિટિંગમાં કોઈ સાડા દસે પહોંચે અને તેને એન્ટ્રી આપવામાં ન આવે તો તેને પોતાનું અપમાન લાગે છે. પણ જે તમારી રાહ જોવે છે. તેના સમયની કિંમત નહીં? આપણે બધા સ્વાભાવિક રીતે જ બોલીએ છીએ કે આવતા અઠવાડીયે મળીએ, મંગળવાર-બુધવારે મળીએ, સાત-સાડા સાત વાગ્યે મળીએ... પણ નિશ્ચિત સમય આપણે આપતા જ નથી અને તેમાં જ કેટલાય લોકોનો સમય બગડે છે.. જે સમય પાલનના ચુસ્ત આગ્રહી છે તેનો સમય બીજા લોકોની રાહ જોવામાં બગડે છે, પણ છતાં.. સમય પાલનની, પોતાને સમયસર પહોંચવાની કે બીજાના સમયની કોઈને કદર જ નથી.

ઘણાં મહાનુભાવો સમયની બાબતમાં ચુસ્ત હોય છે. ઘણીવાર દૂરના સ્થળે જવાનું હોય ત્યારે પણ ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં રાખીને નિયત સમયે પહોંચાય તે રીતે નીકળે છે. ગાંધીજી માટે કહેવાતું કે તેઓ દસ-પંદર મિનિટ પણ નિંદર કરી શકતા. પંદર મિનિટનું કહ્યું હોય તો તેમને ઉઠાડવા ન પડે, નિશ્ચિત સમયે તેઓ ઉઠી જ શકતા.. આવા કેટલાય લોકો નિશ્ચિત સમયનું પાલન કરે જ છે.

આપણો સ્વભાવ જ એવો છે કે આપણને રાહ જોતા આવડતી જ નથી. ડોક્ટરના ક્લિનિકમાં, ટ્રાફિકમાં, રેસ્ટોરન્ટમાં, બસ કે રિક્ષાની રાહમાં હોઈએ ત્યારે રાહ જોવી ગમતી જ નથી, અકળાઈ જઈએ છીએ, પણ જેવો આપણો વારો આવે ત્યારે ડોક્ટર સાથે એટલી વાતો કરીએ છીએ કે બહાર બીજા લોકો રાહ જોવે છે તે ભૂલી જઈએ છીએ. ત્યારે એમ વિચારીએ છીએ કે, 'કલાકથી રાહ જોઈ તો હવે ત્રીસેક મિનિટ તો વાત કરવી જોઈએ ને...' ટ્રાફિક હોય ત્યાં પણ ઘણાં લોકો આગળ જવાની ઉતાવળ કરે છે અને પોતાનું વ્હીકલ રોંગ સાઈડમાં કે આગળ લઈ જાય છે. પછી તેના કારણે જ ટ્રાફિક વધતો જાય અને બીજા અનેક લોકો તેમાં ફસાય... પણ ત્યારે તેને જરાય અફસોસ નથી થતો. ટ્રાફિક સિગ્નલ હોય અને એક સાઈડ બંધ હોય ત્યારે પણ સતત હોર્ન વગાડતા હોય છે, ટ્રાફિક હોય ત્યારે પણ ચહેરા પર અકળામણ સાથે ઊંચા થઈને આગળ જોતા હોય અને સતત હોર્ન વગાડતા હોય કે જાણે તેને એકને જ આગળ જવાની ઉતાવળ... પણ આ બધું એવું કેમ નથી સમજતા કે કોઈને રોડ ઉપર ઉભા નથી જ રહેવું... રસ્તો થશે એટલે બધા આગળ નીકળવાના જ છે... પણ એટલી રાહ જોવી ગમતી નથી... તમે લિફ્ટ પાસે ઊભેલા લોકોને જોયા છે? લિફટ ઉપર કે નીચે જતી હોય તેનો એરો બતાવતી હોય તો પણ બહાર ઉભા ઉભા વારંવાર સ્વિચ દબાવ્યા કરે... આટલી ઉતાવળ શેની? પોતાનો સમય જ કિંમતી...?

ફ્લાઈટમાં ગયા છો? તેમાં સમય કરતા બે-ત્રણ કલાક વહેલું જ જવું પડતું હોય છે, તેમાં કોઈ વિરોધ નથી કરતું, મુવી જોવા જઈએ ત્યારે પણ શો ચાલુ થવાની રાહ જોવામાં બધાને વાંધો નથી. મંદિર જઈએ ત્યારે કેટલાય સમય સુધી દર્શનની રાહ જોવામાં વાંધો નથી, લાંબી લાઈન હોય તો પણ શાંતિથી ઉભા રહીએ છીએ, પણ ક્યોક બેંકમાં કે કોઈ બીલ ભરવા માટે લાઈનમાં ઉભવું પડે તો અકળાય જઈએ છીએ. જ્યાં આપણું ચાલતું નથી ત્યાં આપણે શાંતિથી રાહ જોઈએ છીએ. બસમાં કે ટ્રેનમાં કલાકોની મુસાફરી શાંતિથી કરીએ છીએ, પણ પછી ઉતરવાના સમયે કેટલી ઉતાવળ હોય છે? કોઈ પ્રોગ્રામમાં કે મુવીમાં ત્રણ કલાક બેસીએ છીએ પણ છૂટીને પોતાનું વ્હીકલ કાઢવામાં કેટ કેટલી વાર હોર્ન મારીએ છીએ... જોવા જઈએ તો રાહ જોવાના અને અકળાય જવાના આપણા પોતાના કારણો છે જ, આપણી જરૂરિયાત, આપણી માન્યતા, આપણા કારણો હોય ત્યાં રાહ જોવાનો વાંધો નથી પણ આપણે બીજાના સમયની કિંમત નથી કરતા એટલે બધા સવાલ ઉભા થાય છે. આપણો સમય કિંમતી અને બીજાનો સમય વધારાનો એમ વિચારતા હોઈએ છીએ.

ક્યાંક કોઈને મળવા જવાનું હોય અને ત્યાં મેળાવડો હશે એવું લાગે ત્યારે બે-ચાર જણા પાસે ભલામણ પણ કરાવીએ કે 'મને પહેલાં મળી લે' આપણે બધા જ આપણા સમયનું મૂલ્ય કરીએ છીએ. ક્યાંક કોઈ કામ હોય તો મારી પાસે ટાઈમ નથી, ક્યાંક લાઈનમાં ઊભા હોઈએ તો મને મોડું થાય છે, મારો વારો પહેલાં લઈ લો, કોઈ ખોટી ખોટી વાતો કરતા હોય તો, આવી પંચાત કરવાનો મને ટાઈમ નથી એમ સ્વાભાવિકતાથી બોલતા હોઈએ છીએ.. પણ સામે ભાગ્યે જ વિચારીએ છીએ કે બીજાનો સમય પણ કિંમતી છે, બીજાનો સમય ન બગડે એ માટે પ્રયત્ન કરતા કદાચ આપણે શીખ્યા જ નથી. કોઈકને તો બીજાને. રાહ જોવડાવવામાં આનંદ આવે છે, કોઈ તેને અભિમાન સમજે છે, તો કોઈ બીજાની લાચારી સમજે છે. ઘણી વખત જોયું જ છે કે કોઈપણ મિટિંગમાં બધા લોકો આવી ગયા હોય પણ જેણે મિટિંગ લેવાની છે તે જ ન આવ્યા હોય, છતાં કોઈ કંઈ બોલી ન શકે.

સમય.. આપણા બધા પો છે અને નથી પણ... જરૂરિયાતના કાર્ય માટે, જે કામની પ્રાયોરિટી છે તેના માટે છે જ... પણ બગાડવા માટે નથી.. આ વાત આપણા માટે નહી પણ બીજાને પણ એટલી જ લાગુ પડે છે એવું સમજી જઈશું ત્યારે સમય પાલન કરતા થઈ જઈશું.

- દિપા સોની, જામનગર.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh