Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(ગયા શનિવારથી આગળ...)
વિજ્યા એ વિજયના હાથમાં હાથ મુક્યો અને એ જ સમયે એકમેકને વચન આપ્યું કે હવે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ હાથ અને આ સાથ નહીં છોડીયે... વિજયે કહ્યું કે ચાલો પહેલા મોઢું મીઠું કરીએ.... એમ કહી આગળ એક રેસ્ટોરન્ટમાં જઈ ચ્હા પીધી.. એ પછી વિજયે કહ્યું કે *ચાલ વિજુ ઘેર જઈએ... આમ તો એ ઘર બહુ મોટું છે પણ એમાં એક રૂમ આપણો છે, અત્યારે તો ચાલશે એક રૂમ બરાબર ને? હું જેમના ઘરમાં રહુ છું ને , એ યુગલ બહુ જ પ્રેમાળ છે, એમને કોઈ સંતાન નથી, એ મને દીકરો માને છે અને મારે માતા-પિતા નથી એટલે હું એમને માતાપિતા માનું છું... શરૂઆતમાં ભાડું આપી દેતો હતો પણ એ નોકરી ગઈ પછી આવક બંધ થતા એ લોકોએ કહ્યું કે તું ભાડું આપવાનું રહેવા દે...દીકરો થઈને રહે છે ને ? હવે શાંતિથી રહે... સવાર સાંજ અમારી સાથે ભોજન લેજે... અને એમ જ કરૃં છું... આ નવી નોકરી થી એ લોકો ખૂબ રાજી થયા, ઈલા માં કહેતા હતા કે હવે સારી કન્યા જોઈ પરણી જા, સંસાર માંડ ,મને પણ એક વહુ મળે, ઘર સાચવે, અને તું મળી ગઈ મુકેશ બાપુજી અને ઈલા માં બહુ રાજી થાશે...* વિજયા સ્મિત સભર ચહેરા સાથે સતત વિજયની સામે જ જોયા કરતી હતી... વિજયે કહે શું જોયા કરે છે.... વિજયા હસી ને કહે કે તે કેટલી સહજતાથી મને *વિજુ* કહ્યું મને બહુ જ ગમ્યું.... તે મને તારી ગણી લીધી હવે આપણે બંને એકબીજા માટે *વિજુ*....એમ કહી હસતા હસતા ઘેર ગયા... ઘેર પહોંચ્યા અને ઈલા માં એ બારણું ખોલ્યું.... જોઈ જ રહ્યા , સમજી તો ગયા જ... તરત આવકાર આપ્યો અને બૂમ પાડી કે મુકેશ... જુઓ કોણ આવ્યું? મુકેશભાઈ દોડતા બહાર આવ્યા .. બન્ને સોફા પર બેઠા અને સામે બે ખુરસીમાં આ બે બેઠા ... મુકેશભાઈએ પૂછ્યું કોણ છે આ ? વિજયે વિગતે વાત કરી... એકલી છે ચ્હા ની ઝૂંપડી હતી ,અમે કેમ મળ્યા ,સંજોગો શું હતા? સત્તા વાળાએ એની ઝૂંપડી તોડી નાખી વગેરે વગેરે,અમે એકબીજાને પસંદ કરીએ છીએ... હવે લગ્ન કરવાનું વિચાર્યું છે , તમે વડીલ છો મારા માતા પિતા સમાન ...તમે મંજૂરી આપો તો....., મુકેશભાઈ ઈલા બહેને એકબીજાની સામે જોયું પછી કહ્યું કે વિજયા અહીં અમારી પાસે આવીને બેસ.... વિજયા મુકેશભાઈ ઈલા બહેનની વચ્ચે બેઠી....પછી ઈલા બહેને ક હ્યું કે આમ નહિ ચાલે.. અમે આ દીકરીના માં બાપ બનીયે , આ અમારી દીકરી છે તને એ પસંદ હોય તો તું સામે બેસી એનો હાથ માંગ... આ સાંભળી વિજ્યાની આંખોમાં અશ્રુધારા વહેવા માંડી... ઈલા બહેન કહે , અરે દીકરી હજી એ હાથ માંગશે... તું રડ નહીં.... કન્યા વિદાય નથી આ....વિજયા રોતરોતા કહે *તમે મને દીકરી બનાવી* ત્યાં મુકેશભાઈ બોલ્યા કે, તારી વાત બરાબર પણ આ વિજય તરફથી કોણ? ઈલા કહે બોલાવી લ્યો સામેવાળા દલપતભાઈ - દયા બેન ને...એમને દીકરી જ છે દીકરો નથી....અત્યાર પૂરતી એ પોતાના દીકરાના સંબંધની વાત કરે.. દલપતભાઈ દયા બેન આવી ગયા , એમને બધું સમજાવી દીધું એ બન્ને સહમત થયા, વહેવાર ની વાત ચાલી..નક્કી થઈ ગયું.... મુકેશભાઈ ઇલાબહેન કહ્યું કે સાદાઈથી લગ્ન કરીશું પણ બધો ખર્ચ અમે કરશું.... અને સાદાઈથી છતાં ધામધૂમથી લગ્ન થયા... જાનૈયા અને માંડવા વાળા બધા એ શેરીના રહેવાસીઓ... લગ્ન પછી આખી શેરીમાં સૌ કન્યા વિદાય માં હીબકે ચડ્યા... અને ઇલાબહેને મુકેશભાઈએ વરકન્યાને ઘરમાં પ્રવેશ કરાવ્યો ... વિધિ બધી જ.... કોડી રમવાનું વગેરે... એ પછી મુકેશભાઈ ઇલાબહેને બીજો રૂમ પણ આપી દીધો... મુકેશભાઈ ઇલાબહેન કહે કે હવે ઘર કેવું હર્યુંભર્યું લાગે છે... આપણે વિચારતા હતા કે આપણે કોઈ સંતાન નથી... આમ સાવ એકલા ચાલ્યા જશું? પણ ના હવે દીકરો વહુ કહો કે દીકરી જમાઈ કહો, બધું આવી ગયું... અને જુઓ તો ખરા બેયનો પ્રેમ કેવો છે? એક મેકની સામે જુવે એ નજર જ કહી દે કે ભીતરનો સાચો પ્રેમ છે...
વિજયાએ ઘર સાંભળી લીધું, હવે તો સાચા અર્થમાં એ ઈલા માં ને કોઈ જ કામ કરવા દેતી નહોતી... હા, બેઠા બેઠા કોઈ કામ કરવાનું હોય તો કરવા દે પણ રસોઈ વગેરે કે બીજું ઘરનું કોઈ કામ નહિ... એક કન્યા ઘરકામ કરવા આવતી હતી... એ કચરા પોતા વાસણ બધું જ કામ કરે... એ વિજયા નો હાથ વાટકો બની ગઈ હતી.
વિજય વિજયા એકમેકમાં એકદમ પરોવાયેલા જ રહેતા.... પહેલા દિવસથી જ નાસ્તો જમવાનું સાથે જ અને એક જ થાળીમાં, મુકેશભાઈ ઇલાબહેન આ જોઈ બહુ રાજી થતા. વિજય ઓફિસ જાય એટલે વિજયા છેક બહાર સુધી મુકવા જાય અને દેખાતો બંધ થાય ત્યાં સુધી હાથ હલાવતી ઊભી રહે... અને સાંજે એના સમયે બારણા સામે જોયા કરે ... હમણાં વિજુ આવશે... એ આવી જાય પછી ચ્હા નાસ્તો કરી સાથે ચાલવા જાય... અને કલાક ચાલી પાછા આવે... આ નિત્યક્રમ બની ગયો હતો... સમય ક્યાં જાય કોને ખબર પડે... વિજુ યુગલને લગ્નના બે વર્ષ થયા વિજયાએ દીકરાને જન્મ આપ્યો... હવે તો દાદા દાદીને પણ મજા આવી ગઈ... એમ કરતા કરતા ત્રણ બાળકો થઇ ગયા બે દીકરા અને એક દીકરી... એ બાળકોને દાદા દાદીના સંસ્કાર સાથે માં બાપના સંસ્કાર મળવા લાગ્યા ... અને તેમનું ઘડતર અદભુત થયું.... નમ્રતા વિવેક આદર સત્કાર માટે નું સન્માન બધું જ એ બાળકો કરતા.... એ સાથે એ પણ જોતા કે માં બાપ પોતે એકબીજાનું અને આપણું બધાનું ઉપરાંત દાદા દાદી નું કેટલું બધું સાચવે છે અને મમ્મી પપ્પા જુદા પડતા જ નથી સતત બધે સાથે જ હોય....
વાત સાચી જ છે... નોકરી સિવાય એ બન્ને વિજય વિજયા નોખા પડે જ નહિ સારા નરસા દરેક પ્રસંગે એ બન્ને સાથે જ જાય... અને રોજ સાંજે સાથે ચાલવા જવાનો ક્રમ તો ખરો જ... સમય બહુ ઝડપથી નીકળવા લાગ્યો.... બાળકો મોટા થવા લાગ્યા બીજી તરફ મુકેશભાઈ અને ઈલા બહેનની ઉંમરને કારણે તબિયત લથડવા લાગી હતી પણ એમની સેવા આ આખું પરિવાર સતત કરતું હતું, બાળકોને તો એવો ખ્યાલ જ નહીં કે આ એમના સગા દાદા દાદી નથી... પપ્પા ના જ માં બાપ છે એ જ ખ્યાલ , વિજુ યુગલે સંતાનોને ક્યારેય લાગવા દીધું નથી... મુકેશભાઈ અને લીલાબેને તેમનું પાછલું જીવન હરિયાળું હર્યુંભર્યું બનાવનાર વિજુ યુગલ ના નામે એમનું આ ઘર કરી નાખ્યું , વકીલને બોલાવી વીલ બનાવી નાખ્યું.... બેંકમાં જે પૈસા , થાપણો હતી એ ત્રણેય બાળકોના નામે અને આખું ટેનામેન્ટ વિજયના નામે.... કરી, સંતુષ્ટ પ્રેમાળ યુગલે ઈશ્વર ઘેર એક પછી એક વિદાય લીધી...
વિજય વિજ્યાના બાળકો પણ મોટા થવા લાગ્યા નોકરીએ લાગ્યા અને એમના લગ્ન થયા , બે વહુઓ ઘરમાં આવી ગઈ... દીકરી સાસરે ગઈ... એમના ત્રણેય સંતાનો સુખી, એ બેય દીકરાઓ અને એમની વહુ ને પહેલી પ્રાથમિકતા મમ્મી પપ્પા નું ધ્યાન રાખવું... નાના હતા સ્કૂલે જતા ત્યારથી અત્યારે ઓફિસ જવા માંડ્યા ત્યાં સુધી જતા અને આવતા માં બાપ ના ચરણ સ્પર્શ કરવાના... સાંજે સાથે જ જમવાનું.... મુખ્ય ખુરસીમાં મમ્મી પપ્પા બેઠા હોય એમની તો એક જ થાળી હોય.... આજે પણ પહેલો કોળિયો એકબીજાને ખવડાવે પછી જ આગળ.... આજે પણ બધે સાથે જ જાય.... સાંજે ચાલવા પણ જાય સાથે જ... શેરીના સૌ હજી જોવા ઉભા રહે કે જુવો... વિજુ યુગલ નીકળ્યું.... બે દીકરાઓ અને વહુઓ મમ્મી પપ્પા નું બહુ જ ધ્યાન રાખે... જે જોઈતું હોય એ આપી દે.... એક જ વાર કહેવું પડે અને વસ્તુ હાજર... ઘણીવાર તો બાળકો મમ્મી પપ્પાની નજર... હાવભાવ હલન ચલન પરથી સમજી જાય કે આ જોઈએ છે પણ બોલતા નથી.... દીકરા વહુ એ આપી દે... અથવા જે કરવું હોય એ કરી દે....
વિજય નિવૃત્ત થઇ ગયો ...હવે બન્ને પ્રેમીઓ સતત આખો દિવસ સાથે જ... આમેય નોખા નહોતા પડ્યા એકલા બહાર પણ નહોતા ગયા અને હવે વધુ સાથે... સાંજ પડે બેય ચાલવા નીકળી પડે... કલાક ફરી પાછા આવે.... એ શેરી વિસ્તારના સૌ આ યુગલને જોયા કરે.. દાખલા લે કે આ પ્રેમ કહેવાય... કોઈ દિવસ વાસણ ખખડયા નથી.....
બંનેની ઉંમર થઈ લગભગ પંચોતેર.... હવે વિજયને ચાલવાની તકલીફ થવા લાગી હતી , અંદર કોઈ શારીરિક બીમારી ઘર કરી ગઈ હતી... એ અસાધ્ય લાગવા માંડી.. વિજયા હવે પથારીવશ થઈ ગઈ.... ઘરના બધા એમની સેવામાં હતા... વિજય તો વિજયા પાસેથી ખસે જ નહિ... વિજયા કહે કે તમે ચાલવા જાવ ને ભલે એકલા... વિજય કાંઈ ન બોલે... એક દિવસ દીકરાઓ સરસ વીલ ચેર લઇ આવ્યા અને કહ્યું કે પપ્પા મમ્મીને આમ બેસાડી તમે ચાલવા જાવ.... બસ આ સરસ... વિજય રોજ પત્ની વિજયાને વીલ ચેર માં બેસાડી નીકળી પડે... હવે રોજ બધા જોતા હતા કે પત્ની બીમાર છે તોય એને વિલચેરમાં બેસાડી વિજયભાઈ એમને લઈ ચાલવા જાય...
આ બહુ વખત ચાલ્યું.... એક દિવસ અચાનક વહેલી સવારે વિજ્યા ઉઠી જ નહિ.... વિજયે બહુ ઢંઢોળી પણ કોઈ પ્રતિસાદ નહીં... ડોકટરે આવીને મૃત જાહેર કરી તોય વિજય સ્વીકારે નહીં... એ કહે કે આ ડોકટરો ખોટું બોલે છે.... વિજુ મને એકલો મૂકીને જાય જ નહિ.... વિજય સ્વીકારતો જ નહોતો..... સ્મશાને જય અગ્નિદાહ દેવાયો તો પણ નહિ.... સંતાનો કાંઈ ન બોલે પપ્પા જે કરતા હોય એ કરવા દે... વિજય સવારે ઉઠી નિયમ પ્રમાણે બોલે કે વિજુ ઊભી થા ચ્હા પી લઈએ.... જમવાના સમયે સાથે બેઠી હોય એમ બે ખુરસી રાખે.... દીકરા વહુ આંખમાં આંસુ સાથે જોયા કરે.... અને હવે તો એ વિલચેર લઇ ચાલવા જાય.... જેમ વિજય સાથે પહેલા વાતો કરતા ચાલતા એમ જ જાય... લોકો જોયા કરે પણ મશ્કરી ન કરે... સહાનુભૂતિ નજરે જોવે... એકાદ વડીલ તો બોલે વિજુબેન મજામાં? વિજય ખુશ થાય અને મનમાં બોલે કે હું કહું છું ને વિજુ છે જ.... એ મને છોડીને જાય જ નહિ....
બસ આ અઠવાડિયું ચાલ્યું અને એક વહેલી સવારે મોટી વહુ નિયમ મુજબ ઉઠીને પપ્પાને પગે લાગવા આવી તો જોયું કે પપ્પા વિલચેરમાં માથું મૂકી મમ્મી પાસે ઈશ્વર ઘેર પહોંચી ગયા છે... થોડી ક્ષણોમાં ઘરના સૌ અને એ પછી આખી શેરી ઉમટી પડી, બધાએ જોયું કે વિજયભાઈ વિલચેરમાં માથું ઢાળી જાને સુઈ ગયા છે.... સર્વત્ર આ ચર્ચા ચાલી.... પ્રેમ આને કહેવાય.... આમાં જે ફોટો છે એ ક્રોપ કરી પાછળ ફ્લેટની બારી સ્કૂટરો ડીલીટ કરી નાખશો.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial