દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ અંગે દેવસ્થાન સમિતિની ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે

દ્વારકા તા. ૧ઃ જગવિખ્યાત યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજી મંદિરના સાનિધ્યમાં આ વરસે કોરોના મહામારીના સંદર્ભમાં જન્માષ્ટમીની ઉજવણી કેવી રીતે કરવી તે અંગે દેવસ્થાન સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાનાર છે.

દર વરસે હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાતો કૃષ્ણજન્મોત્સવ આ વરસે કોરોનાના કારણે પ્રથમ વખત ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો વચ્ચે થાય તેમ જણાય છે.

દેવસ્થાન સમિતિ દ્વારા આગામી અઠવાડિયે જિલ્લા કલેક્ટર, વહીવટદાર, પૂજારીગણ તથા પોલીસ વિભાગ સાથે સંયુક્ત બેઠક યોજાનાર છે.

જો કે, જગતમંદિરના શિખર પર લાઈટીંગની રોશની સાથેનું સુશોભનની તૈયારી ચાલી રહી છે તેમજ પૂજારી પરિવાર દ્વારા મંદિરમાં શ્રીજીનો ઉત્સવ શાસ્ત્રોક્ત વિધિ સાથે પરંપરા પ્રમાણે થાય તે માટે પણ તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. કૃષ્ણ ભગવાનના અલંકારો, વસ્ત્રો, નીજ મંદિરમાં સુશોભન, હિંડોળા વગેરેની તૈયારી ચાલુ છે.

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાના કારણે લોકમેળા-સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે બંધ રહનાર હોવાથી દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવમાં વધુ ભાવિકો આવે તેવી શક્યતા પણ છે. હવે દેવસ્થાન સમિતિ સરકારના નિયમોનું પાલન કરીને વધુને વધુ ભાવિકોને આ ઉત્સવનો-દર્શનનો લાભ મળે તે માટે કેવી વ્યવસ્થા આયોજન કરે છે તે જોવાનું રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit