Advertisement

૧૩ ઓક્ટોબર-વિશ્વ આપદા નિવારણ દિવસઃ કુદરતી આફતો સામે જાગૃતિ ફેલાવવાનો દિવસ

દર વર્ષે તા. ૧૩ મી ઓક્ટોબરે વિશ્વ આપદા નિવારણ દિવસ મનાવાય છે. તાજેતરમાં જ દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને વાવાઝોડાઓએ તારાજી સર્જી હતી. આકાશી વીજળીથી હાલારમાં હજુ પણ માનવી અને પશુઓના જીવ જઈ રહ્યા છે. કુદરતી આફતોને અટકાવી તો શકાતી હોતી નથી, પરંતુ તેની સામે જાગૃત રહીને શક્ય તેટલું ઓછું નુક્સાન થાય અને જિંદગીઓ બચી જાય, તેવા ઉપાયો તો થઈ જ શકે છે. આ માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પ્રતિવર્ષ કુદરતી આફતોના નિવારણનો દિવસ દર વર્ષે ૧૩ મી ઓક્ટોબરે મનાવાય છે.

આ દિવસને ઈન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડીઝાસ્ટર રિડક્શન પણ કહેવાય છે. કુદરતી આફતો અંગે જાગૃતિ ફેલાવવા અને આપદા નિવારણના વિવિધ ઉપાયોના માર્ગદર્શન તથા માહિતી સાથે લોકોને સાવચેત કરવાની પ્રવૃત્તિઓ વ્યાખ્યાનો, સેમિનારો, પ્રેઝન્ટેશન સહિતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાય છે. વાવાઝોડા, ભારે વરસાદ, અનાવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, દુષ્કાળ, ભારે પૂર, હિમસ્ખલન, ભૂકંપ, સુનામી વગેરે કુદરતી આફતોના વિવિધ પ્રકારો છે.

ઈતિહાસ

રાષ્ટ્રીય આપદા નિવારણ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ દિવસની ઉજવણીની શરૃઆત વર્ષ ર૦૦૯ થી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓક્ટોબરના બીજા બુધવારે ઉજવવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ પછી તેમાં ર૧ ડિસેમ્બર ર૦૦૯ ના ઠરાવથી આ દિવસ દર વર્ષે ૧૩ મી ઓક્ટોબરે મનાવવાનું નક્કી થયું હતું.

ઈન્ટરનેશનલ એસોસિએશન

ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર પ્રિપેરનેશ એન્ડ રિસ્પોન્સની સ્થાપના વર્ષ ૧૯૬ર માં થઈ હતી. આ એક એનજીઓ છે, જેમાં વિશ્વભરના સ્વયંસેવકો, પ્રોફેશનલો તથા સંગઠનો સામેલ છે, જેઓ કુદરતી આફતો નિવારવાના ક્ષેત્રે કાર્યરત છે. આ એસોસિએશન નેટવર્કીંગ, સંસાધનોનું વિતરણ તથા આપદા નિવારણ સામે લડવા માટેનું પ્લેટફોર્મ પૂરૃં પાડે છે. આ સંસ્થાને પાંચ દાયકાથી વધુ સમયગાળાનો અનુભવ છે. આ સંસ્થા કુદરતી આફતોના ક્ષેત્રે રક્ષાપ્રણાલિઓ, અદ્યતન સાધનો તથા વોર્નિંગ સિસ્ટમને અદ્યતન કરતા રહેવા માટે સતત ક્રિયાશીલ રહે છે.

પ્રશિક્ષણ

કુદરતી આફતો સામે લડવા માટે માત્ર શાળા-કોલેજો જ નહીં, પરંતુ નાનામાં નાના નામ-કસબાથી લઈને મેટ્રો સિટીઝ સુધી પ્રશિક્ષણ, માર્ગદર્શન, તાલીમ અને જનજાગૃતિની વ્યાપક પ્રવૃત્તિઓ થતી જ રહે છે, જેને આજના દિવસે વેગીલી બનાવવામાં આવે છે.

નવીનીકરણ

પર્યાવરણમાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનો, ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મિંગ વગેરેના કારણે હવે આપદા નિવારણ અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ પરિવર્તિત કરીને અદ્યતન અને નવા પડકારોને અનુરૃપ લોકશિક્ષણ અને રાહત-બચાવની કામગીરી તથા પૂર્વાનુમાનો, પૂર્વ-તૈયારીઓ અને આ માટે વૈશ્વિક સંકલન, સંયોજન અને સમતુલન માટે આજના દિવસે વધુ ધ્યાન કેન્દ્રિત થવું જરૃરી છે. આ માટે નવીનીકરણ, આધુનિકરણ, અદ્યતન ટેકનોલોજી તથા સ્પેસ ટેકનોલોજીના વૈશ્વિક અને સંકલિત પ્રયાસો થવા પણ જરૃરી છે. આ પ્રકારના પ્રયાસોની આડે આંતરરાષ્ટ્રીય રાજકારણ, કટ્ટરતા, આતંકવાદ અને સંકુચિત તથા સામ્રાજ્યવાદી માનસિક્તા ધરાવતા રાષ્ટ્રોની આડોડાઈના પડકારો આવી રહ્યા છે અને સમૃદ્ધ તથા વિકસિત રાષ્ટ્રો સ્વયં અંકુશોનું પાલન કરતા હોતા નથી કે આ માટે થયેલા વૈશ્વિક કરારો, સમજુતિઓ, યુએનએ કે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો કે નિયમનોનું વાસ્તવિક પાલન કરતા હોતા નથી, જ્યારે ગરીબ દેશો આ પ્રવાહમાં મજબૂરીવશ ભળી શકતા હોતા નથી. આ પ્રકારના પડકારોને પહોંચી વળવા માટે હવે વિશ્વની મહાસત્તા હોવાનો દાવો કરતા દેશો કે શક્તિશાળી દેશો જ નહીં, પરંતુ વિશ્વના નાના-મોટા તમામ દેશોએ નિર્ધાર કરવો જ પડશે, અન્યથા ગ્લોબલ વોર્મીંગ-ક્લાઈમેટ ચેઈન્જના કારણે આવી રહેલી વિષમ કુદરતી આફતો સામે બાથ ભીડી શકાશે નહીં, જેથી વિનાશ નોતરાશે.

સોશ્યલ મીડિયા-મીડિયા-ઈન્ટરનેટની ભૂમિકા

આ ઉદ્દેશ્ય માટે સોશ્યલ મીડિયા, મીડિયા, અખબારો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. જો વિશ્વકક્ષાએ આ તમામ માધ્યમો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વૈશ્વિક જનમત ઊભો કરે, તો વિશ્વના કેટલાક દેશોની સ્વાર્થી માનસિક્તાને પણ બદલી શકાય છે.

વિનોદ કોટેચા

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit