ખંભાળિયા તા. ૧૩ઃ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી મહિને યોજાનાર હોવા છતાં ન.પા.ના ચીફ ઓફિસરની ખુરશી પર કોઈ કાયમી/રેગ્યુલર ચીફ ઓફિસર નથી. ન.પા.ના ચીફ ઓફિસરનું પદ જાણે શ્રાપિત હોય તેમ કોઈ ટકતું નથી. થોડા સમય પહેલા ચીફ ઓફિસર તરીકે એ.કે. ગઢવીની નિયુક્તિ થઈ હતી. તેમની બદલી થઈ ગઈ, તેમના સ્થાને મૂકાયેલા ઓફિસર રજા ઉપર ઉતરી ગયા છે. તેમના ઈન્ચાર્જ તરીકે સિક્કાના ચીફ ઓફિસરને મૂકાયા, પણ બે વહીવટદાર નિયુક્ત થયા છે. તેથી તેઓ ઈન્ચાર્જ વહીવટદાર બન્યા છે. હવે તેમનો ચાર્જ દ્વારકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાને સોંપાયો છે. આમ ઈન્ચાર્જના થીગડા મારવામાં આવી રહ્યા હોય, લોકોમાં ટીકા થઈ રહી છે.
જિલ્લા ભાજપ પ્રમુખની માંગણી
ખંભાળિયા ન.પા.ના ચીફ ઓફિસરની જગ્યા ઉપર કાયમી ચીફ ઓફિસરની સત્વરે નિમણૂક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે જિલ્લા પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાને રૃબરૃ રજૂઆત કરી હતી. આ અગાઉ નાગરિક સમિતિના આગેવાનોએ પણ રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણૂક કરવા આવેદન આપીને રજૂઆત કરી હતી.
ગુણવત્તાવાળા કામ કરવા તાકીદ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે હાલ ન.પા. દ્વારા ચાલી રહેલા રસ્તાના કામો સહિતના વિકાસ કામો ગુણવત્તાવાળા થાય તે માટે વહીવટદાર તથા કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી છે. ખંભાળિયા ન.પા.માં ચૂંટાયેલી બોડીના સભ્યમાં અત્યંત નબળા કામો થયા હોવાની ફરિયાદો પછી હવે વહીવટદારના શાસનમાં સારી ગુણવત્તાના કામો થાય તેવી માંગણી ઊઠવા પામી છે.