કોરોનાના દૈત્ય દુનિયાના ર૧,ર૦૦ થી વધુ લોકોને ભરખી ગયોઃ ૪.૭૧ લાખ સંક્રમિત

વોશિંગ્ટન-રોમ-બેજીંગ તા. ર૬ઃ વિશ્વમાં કોરોનાના દૈત્યે સંહાર ચાલુ રહ્યો છે અને આજે સવાર સુધીમાં ર૧,ર૦૦ થી વધુ લોકોને ભરખી ગયા છે. દુનિયાના ૪.૭૧ લાખ લોકોને સંક્રમણ થયું છે અને ૧.૧૪ લાખ સાજા પણ થયા છે.

કોરોના વાઈરસની મહામારી વિશ્વના ૧૯પ દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં ર૧,ર૮૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪ લાખ ૭૧ હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ ૧૪ હજાર લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનથી શરૃ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં ૭પ૦૩ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં અહીં ૬૮૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં પર૧૦ નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ ૭૪,૩૮૬ થયા છે. કોરોના વાઈરસને લઈને થયેલા એર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનમાં થયેલા મોતમાં ૮૦ ટકા લોકો ૬૦ વર્ષથી મોટી ઉંમરના હતાં. ચીનમાં કુલ ૮૧,ર૮પ કેસ નોંધાયા છે, જેમાં ૩ર૮૭ લોકોના મોત થયા છે.

ચીનમાં એક્ટિવ કેસનો આંકડો ચાર હજારની અંદર જતો રહ્યો છે. એટલે કે હાલ ચીનમાં ૩૯૪૭ કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસના સારવારના અનુભવને વિશ્વના તમામ દેશો સાથે શેર કરવાની વાત કરી છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા ર૪ કલાકમાં ૬પ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં મૃત્યુઆંક ૩૬૪૭ પહોંચી ગયો છે. સ્પેનમાં મોતનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબિયત ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતાં. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે. હોંગકોંગમાં બુધવારે ર૪ નવા કેસ નોંધાયા. અહીં કુલ પોઝિટિવ કેસ ૪૧૦ થયા છે. અહીંની સરકારે અન્ય દેશો સાથેની સરહદને બંધ કરી દીધી છે. અહીં ચાર લોકોના મોત થયા છે. બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે અહીં છેલ્લા ર૪ કલાકમાં ૧૪પર નવા કેસ સામે આવ્યા છે. દેશમાં  પોઝિટિવ કેસની સંખ્યા ૯પર૯ થઈ ગઈ છે. અહીં રોજ રપ હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અહીં મૃત્યુઆંક ૪૬પ થયો છે. કોરોનાનો મહામારીના પગલે ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેના હટાવવાનો નિર્ણય કર્યો છે.

close
Nobat Subscription