Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોનની ઘંટડી વાગી અને અવાજ વધારે ન આવે એટલે તરલા બહેને દોડીને ફોન ઉપાડી લીધો અને સાવ ધીમેથી બોલ્યા કે *હા બોલો કોણ બોલો છો?* સામેથી અવાજ આવ્યો કે હું બોલું છું મંજુલા , વેવાણ આટલું ધીમે કેમ બોલો છો. તરલા બોલી , અરે વેવાણ સવાર સવારમાં શું છે? આ તમારા લોકોના ફોન આવે અને એના અવાજમાં મારી દીકરી જાગી જાય છે. કાલે રાત્રે અમારા એમને તાવમાં પોતા મુકવામાં બચારી અગિયાર વાગે ઊંઘવા પામી. એટલે થોડું ઊંઘવા તો દેવાય ને એને, સાત વાગ્યામાં ઉઠાડી દેવાની? મંજુલા કહે , વેવાણ મને કાંઈ સમજાતું નથી , અગિયાર વાગે સૂતી અને સાત વાગે ન ઉઠાડાય ? વેવાણ આઠ કલાકની ઊંઘ તો બરાબર કહેવાય. ,આ તમારી કઈ દીકરી ને ઊંઘમાં ખલેલ પહોંચે છે? ભત્રીજી? ઈ જે હોય તે દીકરીઓ એ પિયરમાંથી જ વહેલા ઉઠતા શીખવું જોઈએ, હું મારી મૌલી ને રાત્રે વહેલી સુવડાવી અને સવારે વહેલા ઉઠાડી દેતી હતી. જેથી સાસરે તકલીફ નહિ. ચાલો ઠીક છે , મૌલી તો ઉઠી ગઈ હશે ને એને આપો. તરલા બહેન કહે વેવાણ હું મૌલીની જ વાત કરું છું. એ જ ઊંઘે છે, રાત્રે એના સસરા ને પોતા મુકતા અગિયાર વાગે સૂતી હતી. મંજુલા કહે * એમાં એ ડોબી આટલું બધું ઊંઘે? તરલા બહેન તાડૂક્યા ખબરદાર જો મારી દીકરી માટે આવું બોલ્યા છે તો , એને કાંઈ નહિ કહેવાનું.
હવે આમાં મજાની વાત એ છે કે જે મૌલી છે એ મંજુલા બહેનની દીકરી અને તરલા બહેનની પુત્રવધુ. તરલા બહેન પોતાની પુત્રવધુ નું ઉપરાણું લેતા હતા. એ ના ઉઠી જાય એ માટે મંજુલા બહેનને ઘઘલાવતાં હતા. મૌલી એટલે મંજુલા બહેનની જ દીકરી. આ ઘરની પુત્રવધુ. તરલા બહેન એની પુત્રવધૂ માટે મંજુલા બહેન પર તાડૂક્યા * ખબરદાર જો મારી દીકરી માટે આવું બોલ્યા છો તો* નવાઈ લાગી ને? કોઈ સાસુ પોતાની પુત્રવધૂ માટે આ રીતે વેવાણ સામે તાડૂકે? દીકરી એમની જ અને પાછા કહે *મારી દીકરી* પણ વાત જ એવી છે.
આ તરલા બહેનને બે સંતાનો ,મોટો દીકરો મનીષ અને એનાથી નાની એક દીકરી એનું નામ મૌલી તરલા બહેન અને સુધીર ભાઈને પહેલા સંતાન તરીકે દીકરી જ જોતી હતી. એ બન્ને ઇચ્છતા હતા કે. પહેલા ખોળે લક્ષ્મીનાં પગલાં થાય દીકરી જન્મે, પણ એ ના થયું અને દીકરો જન્મ્યો. એ લોકોએ વિચાર્યું કે કાંઈ નહિ, જેવી ઈશ્વરની ઈચ્છા . બરાબર બે વર્ષે ફરી તરલા બહેન ને સારા દિવસો રહ્યા અને વળી પાછા પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન હવે તો દીકરી આપો. અને દીકરી જ જન્મી સુધીરભાઈ તરલા બહેનને નક્કી જ હતું કે દીકરીનું નામ મૌલી રાખવું. એ લોકોએ એક સંબંધીને ત્યાં એક કન્યા જોયેલી , એકદમ નમણી મિતભાષી અને સુંદર મોહક સ્મિત વાળી અને એનું નામ હતું મૌલી , આ બન્ને ને એમ થયું કે આપણે દીકરી હોય તો આવી જ હોય અને એનું નામ પણ મૌલી જ રાખશું. એટલે જ એમને ત્યાં દીકરી જન્મી એનું નામ મૌલી જ રાખ્યું. આ મૌલી જન્મી ત્યારે નાજુક હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે આનું અમુક વર્ષો સુધી વિશેષ ધ્યાન રાખવું પડશે. એને ગમે ત્યારે ખેંચ આવે એવું બનશે. તરલાબેન સુધીરભાઈ ને આમેય દીકરીનું વધારે હતું એમાં ડોક્ટર એવું કહે એટલે કેવું ધ્યાન રાખે? દીકરા મનીષ ને પુરેપુરો સાચવે પણ વધુ ધ્યાન એમનું મૌલી પર હોય. જીવથી વધારે સાચવે. એને એકલી બહાર મોકલે નહિ.કોક સાથે હોય, એકવાર મૌલીને લઈને તરલા બહેન બગીચામાં ગયા હતા ત્યાં પણ એક રૂપકડી છોકરી હતી એને આ મૌલી સાથે મજા આવતી હતી ,એન ું નામ પણ મૌલી જ હતું. રોજ આ બન્ને રમે એમાં એક દિવસ એ છોકરી પાસે એક સરસ રમકડું હતું. એ મૌલીને ગમી ગયું. એણે માં પાસે જીદ કરી કે મને આ જોઈએ, તરલા બહેને કહ્યું કે પછી લઇ આપીશ પણ એને તો આ જ જોતું હતું. પેલી એના જેવડી જ હતી અને એણે હસતા હસતા એનું એ રમકડું આપી દીધું અને કહ્યું , એને રમવા દ્યો , એને રોવડાવો નહિ , તરલા બહેન તો જોઈ જ રહ્યાં કે આટલી નાની અને સમજણ તો જુઓ. આપી દીધું. તરલા બહેને કહ્યું *બહુ જ ડાહી દીકરી તું ખૂબ સુખી થઈશ. પછી તો મળવાનું થયું નહિ. એને શાળાએ બેસાડી ત્યારે એક કન્યાને નોકરીએ રાખી માત્ર મૌલી નું ધ્યાન રાખવા. એ સ્કૂલે જાય ત્યારે સાથે જાય , મૌલી સ્કૂલમાં ભણતી હોય ત્યારે એ બહા ર બેસી રહે. સુધીરભાઈએ સ્કૂલમાંથી ખાસ મંજૂરી લઈ લીધી હતી એટલે એ છોકરીને બહાર બેસવા દેતા.મનીષ પણ એ જ સ્કૂલમાં હતો એટલે એ પણ બહેનનું પૂરતું ધ્યાન રાખે. સ્કૂલ છૂટે એટલે જે કાર આવતી એમાં એ લોકો ઘેર જાય. આમ મૌલીને કાંઈ નહિ પણ ક્યારેક અચાનક વાઈ,ખેંચ નો હુમલો આવે.
મૌલીને તરલા બહેન વધારે પડતું સાચવતા , એને બહુ કામ ન કરવા દે, મૌલી તેમ છતાં કરે જ. એને માં બાપ વઢે પણ નહિ. સવારે સૂતી હોય તો સુવા દે , એ એના સમયે ઉઠી જાય. મૌલી ભલે આવી બીમાર રહે પણ ,કોઈને ખબર ન પડે. એ સ્વસ્થ જ લાગે. મૌલી ઘરની દીકરી તરીકે બધું જ જોવે. પોતાના ભાઈ નું બધું જ ધ્યાન રાખે. એકલી કાંઈ ખાય પણ નહિ. તરત જ કહે કે ભાઈનો ભાગ ક્યાં? ભાઈ વગર કાંઈ ખાય પણ નહિ. ભાઈ માટે મમ્મી પપ્પા સાથે બોલવાનું પણ થાય. ભાઈને આ જોતું હોય તો અપાવી દેવાનું ,ના કેમ પાડો છો? માં બાપ અમસ્તું પણ દીકરી માટે થઇ બધું કરે જ અને એમાંય આ વિશેષ. કુદરત સામે કોઈ જીત્યું છે? મૌલી દસ વર્ષની થઇ એ સમયે રસ્તા પર મમ્મી ની સાથે જ જતી હતી અને કેવા ચક્કર આવ્યા અને ફૂટપાથ પર થી રસ્તા પર પડી ગઈ અને અકસ્માત થયો. એ જે વાહન સાથે અથડાઈ એ વાહન વાળા પણ ઉભા રહી ગયા , એનો તો કોઈ વાંક હતો જ નહિ. લોકો એ ભાઈ ને મારવા દોડ્યા તોય તરલા બહેને રોક્યા અને કહ્યું કે એમનો કોઈ વાંક નથી મારી દીકરી જ અચાનક પડી. હોસ્પિટલ લઇ ગયા પણ મૌલી બચી નહિ. આ આઘાત તરલા બહેન સુધીરભાઈ ને બહુ ઊંડો ઊંચો લાગ્યો. મહિનાઓ સુધી એ લોકો મૌલીના રૂમમાં બેસી રહેતા, સમય જવા માંડ્યો. મનીષ મોટો થઇ ગયો હવે તો નોકરીએ લાગ્યો. મોટો ઓફિસર થઈ ગયો. માં બાપને હવે એના લગ્નની ચિંતા થાય , જોકે વાંધો ન આવે કારણ કે પરિવાર પ્રતિષ્ઠિત , તરલા બહેન અને સુધીરભાઈને એમ હતું કે જે વહુ આવે એને એને દીકરી જ માની ને સાચવવાની, જ જે આપણે આપણી મૌલીને માટેની ઈચ્છા હતી એ બધું આવનાર દીકરી માટે કરવાનું. કોઈ વડીલે કહ્યું કે તમારી વાત સાચી પણ એવી વહુ આવવી જોઈએ ને કે જે દીકરીની જેમ રહી તમને માં બાપ ને ઠેકાણે ગણી સાચવે. વાત બન્ને પક્ષે હોવી જોઈએ.
મનીષ માટે શોધતા શોધતા સુધીરભાઈના બહેન નયના બહેને સૂચન કર્યું કે એક કન્યા છે, તમારી મૌલીની જ પ્રતિકૃતિ જોઈ લ્યો.નામ પણ મૌલી જ છે.અને જ્ઞાતિના જ પ્રતિષ્ઠિત મંજુલા બહેન અને મહાદેવ ભાઈએ દીકરીને બહુ જ ઊંચા સંસ્કાર આપ્યા છે. એ તમારા માટે યોગ્ય રહેશે. તરલાબેન સુધીરભાઈએ નયના બહેન સાથે મહાદેવ ભાઈના ઘેર જોવા જવાનું ગોઠવ્યું. મંજુલાબહેન મહાદેવભાઇએ બહુ પ્રેમ ઉમળકાથી મીઠો આવકાર આપ્યો. બધા બેઠા અને થોડીવાર પછી એમની પુત્રવધૂ મૌલીને લઈને બહાર આવ્યા. મૌલીએ આવીને તરલા બહેન સુધીરભાઈ ના ચરણ સ્પર્શ કર્યા અને સુંદર સ્મિત આપ્યું. તરલા બહેન સુધીરભાઈ બંનેની આંખો એને જોઈ છલકાઈ ગઈ. તરલા બહેન તો ઉભા થઇ મૌલીને ભેટી બોલ્યા વાહ દીકરી કેવી મજાની છો? દેખાય છે બહુ જ ડાહી દીકરી છે. અમારી મૌલી જેવી જ અને સ્મિત પણ એવું જ. એમ કહી એની બાજુમાં જ બેસાડી , મૌલી તરલા બહેન ને કહે તમને હું વર્ષો પહેલા મળી છું, હું નાની હતી એટલે અત્યારે તમે મને ન ઓળખી શકો પણ હું તો તમને ઓળખું ને? તમે દીકરીને લઇ બગીચામાં આવતા હતા ,હું પણ એની સાથે રમતી. એણે મારા એક રમકડાની જીદ કરી હતી અને મેં આપ્યું હતું. તમે કહેલું *બહુ જ દહીં દીકરી ,સુખી થઈશ* એ વખતે મને કોઈ ડાહી દીકરી કહે તો મને બહુ ગમતું. અને આજે એમ જ તમે કહ્યું ડાહી દીકરી. તરલા બહેન ને બધું યાદ આવી ગયું. મૌલી એ પૂછ્યું કે એ બહેન ન આવી? તરલા બહેન કહે એ તો ઈશ્વર ઘેર ચાલી ગઈ પણ ત ું આવી ગઈને ? એની જ પ્રતિકૃતિ. સુધીરભાઈ તરલા બહેને કહ્યું કે દીકરી પાછી આવી ગઈ.
લગ્ન થયા પુત્રવધૂ તરીકે મૌલી એ બધું જ સાંભળી લીધું. સુધીરભાઈ તરલા બહેન ને એટલા સાચવે કે કોઈને પણ થાય કે પુત્રવધૂ હોય તો આવી. સાસુ ને એક કામ ન કરવા દે. તરલા બહેન એને દીકરી ગણી કામ માં મદદ કરવા જાય તો ના પાડે અને કહે મમ્મી તમે આખી જિંદગી કર્યું હવે શાંતિ. થી બેસો. પુત્રવધૂ એક દીકરી ની જેમ પોતાના માં બાપ ને ઠેકાણે ગણી ધ્યાન રાખે.
તરલા બહેન સુધીરભાઈ પણ એમ જ. તરલા બહેન પણ એમ જ. મૌલીનું ઉપરાણું પણ લે. મૌલી સહેજ ઢીલી લાગે કે વિચારોમાં હોય તો તરત * શું થયું બેટા ? તબિયત સારી ને? થાકી હોય તો આરામ કરી લે. એમાં ને એમાં તો તરલા બહેને વેવાણ નો વારો કાઢી નાખ્યો. ભાગ્યે જ જોવા મળે કે સાસુ માં ની જેમ વહેવાર કરે અને વહુ દીકરી જેમ રહે, ધ્યાન રાખે. એ તો એવું છે નસીબદારને ત્યાં દીકરી જન્મે અને દીકરીનું મૂલ્ય સમજતા હોય, દીકરી જેવી પુત્રવધૂ મળે. આપણે ઇચ્છીએ આવું બધે બને.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial