Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિલ્લોલ કરતા ઘરમાં, આજે સાંજના સમયે દર્શન એકલો જ બેઠો હતો, એ ઓફિસેથી નીકળી ઘર તરફ આવ્યો ત્યારે ખુશખુશાલ હતો. આજે કામ પણ સારું થયું હતું.એણે રસ્તામાંથી પૌત્ર માટે એક બે વસ્તુ પણ લીધી એ જ વિચારે કે આ જોઈને છોટુ કેવો રાજી થઇ જશે. એ જેવો લિફ્ટમાંથી બહાર આવ્યો અને બારણે તાળું જોયું અને એક ક્ષણ તો આંખ ભીંજાઈ ગઈ. એણે ખિસ્સામાં થી ઘરની ચાવી કાઢી અને એક ક્ષણ થંબી ભારે હૈયે બારણું ખોલ્યું. એ ભૂલી ગયો હતો કે એના બાળકો અને ૫ત્ની એને છોડી જુદા રહેવા ગયા છે.બારણું ખોલતા જ દ્રશ્ય તો સામે આવ્યું જ - પૌત્ર છોટુ દોડી ને આવે અને દાદા આવી ગયા કહી વળગી પડતો.આજે એ ન થયું અને એ સ્મિત વિલાઈ ગયું. લાવેલી વસ્તુઓ ભારે હૈયે પૌત્રના પલંગ પર મૂકી અને ચોધાર આંસુએ રોવા લાગ્યો. એ કપડાં બદલી ફ્રેશ થઇ રોજની આદત મુજબ એનો દારૂ અને નાસ્તો લઇ બેસી ગયો. બધા જ દ્રશ્યો એની સામે તરવરતા હતા.
એ અને એના ભાઈ બહેન નાના હતા ત્યારે એમના પિતાજી ની નોકરી પણ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતા હતા. તે કોઈ એક વિભાગના વડા હતા અને એમના સ્વભાવને કારણે એમના હાથ નીચેના સ્ટાફ ના સભ્યો અને સૌ કોઈ ખુશ હતા.એ ઉપરાંત સમાજમાં સારું સન્માનનીય નામ સ્થાન ધરાવતા હતા. બાળકોમાં સંસ્કાર સિંચન સાથે ભણતર બાબતે પણ બહુ જ ધ્યાન પિતાજી આપતા હતા. બાળપણ બહુ સરસ વીત્યું , ત્રણેય ભાઈ બહેન ભણ્યા સરસ અને દર્શનને સારી સરકારી નોકરી મળી ગઈ બહેન ભણતી હતી અને નાનો ભાઈ ભણવા સાથે જુદી પ્રવૃત્તિઓ કરતો હતો. ત્રણેય બાળકોના સ્વભાવ પિતાજી કરતા જુદા પડે. હા નાના ભાઇનું થોડું ખરું કે બધા સાથે પ્રમાણસર સંબંધ રાખે, કોઈ સાથે બગાડે નહિ પણ ન ફાવે એની સાથે અંતર રાખે. ગુસ્સો ન કરે પણ કુનેહથી કામ કરી લે. બહેન પિતા જેટલી જ લાગણીશીલ. દર્શન બધાથી વિપરિત, ધાર્યું કરે, ગુસ્સો નાકના ટેરવા.ગમે તેને ગમે તેમ કહી દે. એના પિતાજી એને ઘણી વાર કહેતા કે આટલો ગુસ્સો નહિ કર , તને જ નડશે , તારી તબિયતને અસર કરશે. ક્યારેક તારા પરિવારમાં તકલીફ કરશે . પણ આ દર્શન માને તો ને? એકાઉન્ટ માં એના જેવું કોઈ નહિ એવી માસ્ટરી. એ ઓફિસમાં પણ આખા દિવસની આવક જાવક નો તાળો ઝડપથી મેળવી ગોઠવી દે. રોકડના હિસાબો ગજબ ત્વરાએ કરી નાખે. કામ માં કે પૈસામાં સહજ પણ ચોરી નહિ. નિયત સાફ પણ સ્વભાવ ગંદો તુમાખી.એના સાહેબ પણ હિસાબમાં ગોટે ચડે તો દર્શનની મદદ લે અને દર્શન કાચી સેકન્ડ માં ગોઠવી દે. એનું જ તો એને અભિમાન. એના લગ્ન થયા પછી પણ પત્ની પર દાદાગીરી કરે, એ પત્ની સાથે દાસી જેવો વહેવાર કરે. એના પિતાજી ગુજરી ગયા પછી. આ દર્શનને એ કંપનીએ પિતાજીની જગ્યા સંભાળવા કહૃાું અને દર્શને સરસ મજાની સરકારી નોકરી છોડી ત્યાં જોડાઈ ગયો. ઘણાંએ સમજાવ્યો કે તું આ ભૂલ કરે છે. આ તો દર્શન અભિમાન તુમાખી થી ભરેલો. એ માણસે પત્ની ને કોઈ દિવસ એમ નથી કહૃાું કે તને બહાર લઇ જાઉં. ચાલ રેસ્ટોરન્ટમાં જઈએ કે ફિલ્મ જોવા જઈએ. એની પત્ની ઈલા ઘરમાં ને ઘરમાં. હવે તો પિતાજી પણ નહોતા એટલે દર્શનનો રોફ વધી ગયો. માં બેઠા હતા પણ એનું તો સાંભળે નહિ. દર્શન એની આવડતના ગુમાનમાં દારૂ પીતો થઈ ગયો. ઘરમાં માં બેઠી હતી એટલે ઘરમાં તો પાઇ નહિ પણ ઓફિસેથી છૂટી પી ને આવે. આ સ્વભાવને કારણે એ કંપનીની નોકરી છૂટી ગઈ. બીજી અલગ અલગ કંપનીમાં નોકરી કરી પણ ક્યાંય ટક્યો નહિ. કારણ આવડતનું અભિમાન અને ગુસ્સો. માં ના ગુજરી ગયા પછી તો ઘરમાં લઈને આવે અને પીવે . હવે તો બાળકો થયા ,બે દીકરાઓ એ લોકો પણ જોતા કે બાપ માં ઉપર કેવો ગુસ્સો રુઆબ કરે છે. પણ માં ઈલા પોતાના બન્ને દીકરાઓને સારા સંસ્કાર અને વહેવાર શીખવતા હતા. બન્ને દીકરા ને માં માટે માન પિતા પર ગુસ્સો. દર્શન રોજ સાંજે આવે ગ્લાસ બનાવી બેસે અને પત્ની પર રાડો શરુ. દર્શનને સ્વભાવને કારણે નોકરી નહોતી એટલે ઈલા ટિફિન કરતી અને પૈસા કમાઈ ઘર ચલાવતી દીકરાઓ ની ફી ભરતી. એ તો નાના ભાઈએ એના એક મિત્ર ને ભલામણ કરી કે મારા મોટાભાઈને નોકરીએ રાખો તારું એકાઉન્ટ સારું સંભાળશે. એ તો બધાને ખબર કે એકાઉન્ટમાં આના જેવું કોઈ માસ્ટર માઈન્ડ નથી. એટલું સારું થયું કે ત્યાં ટકી રહૃાો. એમ કરતા મોટા દીકરાના લગ્ન થયા. મોટા દીકરાએ અને બીજા હિતેચ્છુએ સલાહ પણ આપેલી કે હવે તું સસરા થયો , તારા ઘરમાં પુત્રવધૂ આવી સુધરી જા. થોડો વખત સારું ચાલ્યું અને એક દિવસ સાંજે કાંઈક થયું હશે કે પીતા પીતા પત્ની ઈલાનો ચોટલો ખેંચી તમાચો માર્યો. પુત્રવધૂએ એ જ વખતે સસરાને ખખડાવ્યા કે મમ્મી ને કાંઈ નહિ કહેવાનું. અને હાથ તો નહિ જ ઉપાડવાનો , ફરિયાદ કરી દઈશ તો અંદર થઇ જશો. નાના દીકરાને તો નામથી બોલાવે જ નહિ ગધેડો અને કૂતરો કહે. હવે પૌત્ર નો જન્મ થયો એટલે થોડો સુધર્યો , સાંજે આવીને પૌત્ર સાથે રમે, એને નીચે બગીચામાં રમવા લઇ જાય વગેરે કર્યા કરે. હવે એ પૌત્ર શાલીન દાદાની રાહ જોતો હોય, દાદા આવે એટલે દોડી વળગી પડે બાળક સાથે રમી ને આવે પછી પીવા બેસે. , હવે તો એ નાનું બાળક પણ જોતો હતો કે દાદા દાદી પર રાડો પાડે છે. સવારે એ સ્કૂલે જતો હોય અને દાદા ઉઠીને બૂમ પાડે કે ઈલા મારી ચ્હા લાવો. એ કહે કે દાદુ બૂમો કેમ પાડો છો. દાદુ કાંઈ ન બોલે.
આ બધું દિવસે દિવસે વધવા માંડ્યું. હવે પૌત્ર દૂર રહેવા માંડ્યો દાદુને બોલાવે નહિ. હા એ દાદી પર જુલમ કરે તો ઉભો થઇ કહે દાદુ નહિ. હવે તો મોટો દીકરો બહુ સારી ઊંચા હોદ્દા ની નોકરી પર હતો. એ નમ્રતા થી કહેતો પપ્પા ને કે મુંબઈમાં ઘણા લોકો નોકરીએથી આવી બે પેગ પી જમીને શાંતિથી પરિવાર સાથે મોજ કરી સુઈ જતા હોય છે પણ તમે જે રીતે કરો છો એ સારું નથી લાગતું , હવે અમે મમ્મી ને લઇ બીજે રહેવા ચાલ્યા જઈશું. ત્યારે દર્શન કહે આ મારું ઘર છે. અહીં હું કહીશ એમ જ થશે. પુત્રવધૂએ પણ કહૃાું કે તમારું ઘર હોય તો રાખજો અમે મમ્મી ને લઇ ચાલ્યા જાશું. દર્શન કહેતો કે તમારે જવું હોય તો જાવ ઈલા જો જવાની વાત કરશે તો ઝાપટ મારીશ. આ કૂતરાને(નાનો દીકરો) કાઢો અહીંથી મોટો કહે કે એ મારો ભાઈ છે , હમણાં નોકરી એને નથી , મળી જશે અને નહિ મળે ત્યાં સુધી હું સાચવીશ. તમારે અવાજ કરવાની કોઈ જરૂૂર નથી.
મોટો દીકરો પુત્રવધૂ, પૌત્ર અને નાનો દીકરો એક થઇ ગયેલા. નાનો તો ગાળો ખાઈ પાકી ગયો હતો. એક દિવસ અચાનક સવારે દર્શન ઉઠ્યો અને બોલ્યો ઈલા ચ્હા લાવ અને એણે કોઈક માણસ સામાન પેક કરતા હતા. એણે પૂછ્યું કે આ શું છે? મોટો દીકરો કહે સામાન પેક થાય છે. અહીં અંધેરીમાં મને કંપની એ ફ્લેટ આપ્યો છે અમે ત્યાં રહીશું મમ્મી સાથે. દર્શન બે ઘડી સ્તબ્ધ થઈ ગયો એને એમ લાગ્યું કે આ બધા નાટક કરે છે કાંઈ નથી થવાનું. એ દિવસે સાંજે દર્શન નોકરીએથી આવ્યો ત્યારે જોયું કે બધું ફર્નિચર એમ જ છે, કોઈ ક્યાંય જવાનું નથી. એ રાત્રે પણ એણે ગુસ્સો કર્યો, ગમે તેમ બોલ્યો , સવારે ઉઠાય ત્યારે બધા તૈયાર હતા . ઇલાએ દર્શનને ચ્હા નાસ્તો આપ્યા. દીકરો પુત્રવધૂ પૌત્ર એ આવીને દર્શન ને પગે લાગ્યા અને પુત્રવધૂએ કહૃાું કે સરલાબેન રસોઈ કરવા આવે છે એ આવશે જ. સવાર સાંજ. કાળથી એ વહેલા આવશે તમને ચ્હા બનાવી આપવા. દર્શને ઈલા સામે જોયું અને પૂછ્યું તું પણ જઈશ? ઈલા એ કહૃાું કે મેં બહુ માર ખાધો, બહુ મહેણાં ટોણા સાંભળ્યા હવે શાંતિથી જીવવું છે, મને આ દીકરો વહુ બેટા રાખશે. આ ઘર તમારું છે અહીંથી કોઈ વસ્તુ લીધી નથી. કપડા અને આ વહુ બેટા જે કબાટ વાસણ ફર્નિચર લાવી હતી એ બધું લીધું છે. તબિયત સાચવજો. દર્શનને બોલવાની કોઈ જગ્યા નહોતી. ઈલા ભલે ચાલવા લાગી પણ એની આંખો આંસુથી છલકતી હતી. પુત્રવધૂએ કારમાં બેઠા ત્યારે ભેટી ને કહૃાું કે મમ્મી બધું છોડો હવે જિંદગી જીવો. પપ્પા ને જ્ઞાન આવશે અને એ ઠેકાણે આવશે.
દર્શને આ વિચારોથી બહાર આવ્યો અને સામે પડેલો ગ્લાસ બોટલ અને નાસ્તો અંદર મૂકી આવ્યો અને બેસી રહૃાો , સરલાબેન રસોઈ કરવા આવ્યા ત્યારે જોયું કે દર્શન સાહેબ શાંતિથી બેઠા છે. પીતા નથી. એમણે રસોઈ કરી પૂછ્યું કે સાહેબ પછી જમી લેશો ને , દર્શને કહૃાું કે ના. આપી દ્યો. આંખમાં આંસુ સાથે જમવા લાગ્યો સરલાબેન પણ આંખમાં આંસુ સાથે વિચારતા હતા કે આવું ડહાપણ પહેલા આવ્યું હોત તો? એ પછી શું થયું ખબર નથી.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial