દેશમાં સાત દિવસમાં ૩૬ હજારથી વધુ નવા કેસ

નવી દિલ્હી તા. ર૩ઃ દેશમાં લોકડાઉન-૪ માં છૂટછાટો અપાયા પછી કોરોનાના કેસોમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. સાત દિવસમાં ૩૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. પાંચેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

ભારતમાં કોરોના મહામારી વિરૃદ્ધ લોકડાઉનની નીતિ કોરોના સંક્રમણના વધુ પડતા ફેલાવાને રોકવામાં સફળ રહી છે, પરંતુ વિતેલા અઠવાડિયામાં વધેલા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યો છે. દેશના ત્રીજા ભાગના કેસો વિતેલા સાત દિવસમાં સામે આવ્યા છે. લોકડાઉન-૪ માં આપવામાં આવેલી રાહત અને છૂટછાટથી વધેલા કેસો હવે નવા પડકારરૃપે સામે આવી રહ્યા છે. વિતેલા અઠવાડિયાથી સરેરાશ ચારથી પાંચ હજાર કેસો વધી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી અને ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શરૃઆતમાં તબલીગી જમાતીઓથી સંક્રમણનો પહેલો કેસ ૧૭ માર્ચે સામે આવ્યો હતો જે ૧૯ એપ્રિલ આવતા ર૩ રાજ્યોમાં ફેલાઈ ગયું હતું. ૧૯ એપ્રિલના હિસાબથી ભારતભરના કુલ કેસોમાંથી ૩૦ ટકા કેસો તબલીગી જમાતીઓ સાથે સંકળાયેલા હતાં અને વર્તમાન સમયમાં વતન પરત ફરેલા પ્રવાસી મજૂરોમાંથી આશરે ચાર હજાર મજૂરો કોરોનાથી પીડિત મળી આવ્યા છે, જેમાંથી યુપીમાં ૧ર૩૦ અને બિહારમાં ૭૮૮ કેસ છે. યુપી અને બિહારથી આશરે ૧૩ લાખ પ્રવાસી મજૂરો રાજ્યમાં પરત ફર્યા છે. દેશવ્યાપી નવા કેસોનું પ્રમાણ જોઈએ તો ૧૬ મે ના ૩૯૭૦ નવા કેસ સામે આવ્યા, જે પછી ૧૭ મે ના ૪૯૮૭, ૧૮ મે ના પર૪ર નવા કેસ, ૧૯ મે ના ૪૮૬૦ નવા કેસ, ર૦ મે ના પ૭ર૯, ર૧ મે ના પ૬૦૯ નવા કેસ અને રર મે ના ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા હતાં.

રાજ્યસ્તરે વિતેલા અઠવાડિયામાં નવા કેસોના આંકડા પર નજર નાંખીએ તો મહારાષ્ટ્રમાં ૧ર,પ૪ર નવા કેસ સામે આવ્યા. ૧૬ મે એ રાજ્યમાં કુલ ર૯,૧૦૦ કેસ હતાં જે રર મે ના વધીને ૪૧ હજારને પાર પહોંચી ગયા. ગુજરાતમાં વિતેલા સાત દિવસમાં ર૯૭૪ નવા કેસ સામે આવ્યા, ૧૬ મે ના ગુજરાતના કુલ કેસ ૯૯૩૧ હતા જે રર મે સુધી વધીને ૧ર હજારને પાર પહોંચી ગયા હતાં. તમિલનાડુમાં ૧૬ મે ના કુલ કેસનો આંકડો ૧૦,૧૦૮ હતો જે રર મે એ વધીને ૧૩,૯૬૭ છે. દિલ્હીમાં ૧૬ મે એ ૮૮૯પ કેસ હતાં અને રર મે ના કેસ વધીને ૧૧,૬પ૯ પહોંચી ગયા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit