Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસને હડસેલવા માટે ભાજપે કેજરીવાલના ખભે બંદૂક રાખી છેઃ દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન થશેઃ
પ્રાચીનકાળથી દિલ્હી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. દિલ્હી દેશનું હૃદય છે. વર્તમાન ભારતની રાજધાની છે. ઐતિહાસિક અને આધુનિક દૃષ્ટિએ આ શહેર કાયમ ધમધમતું રહે છે. હાલમાં પણ ધમધમી રહ્યું છે, કારણ કે ત્યાં ૫ ફેબ્રુઆરીના દિવસે સ્થાનિક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન છે. દિલ્હીનો પાયો જ કઈં એવા મુરહતમાં ખોડાયો છે, કે આ શહેર ધરતીકંપ વગર પણ ધ્રૂજતું રહે છે. નવી ભાષામાં કહીએ તો દિલ્હી વાઇબ્રન્ટ સિટી છે. અહી મોદી અને શાહની સત્તાને પડકારતા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે. મોદીજીને પણ કેજરીવાલ તરફે સોફ્ટ કોર્નર છે, તેથી તેને પાડી દેવા માટે એડીચોટીનું જોર લગાવતા નથી. દિલ્હીના મતદારો ગુજરાતના મતદારો જેટલા મોદી મેજીકમાં અભિભૂત થયા નથી. દિલ્હી એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બે વહીવટી તંત્રો છે. દિલ્હીમાં સ્થાનિક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્નેનો સમાંતર વહીવટ ચાલે છે! ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં કુલ ૭૦ બેઠકમાંથી કેજરીવાલે ૬૨ અને મોદીએ માત્ર ૮ બેઠકો જીતી હતી! આ વખતે પણ કેજરીવાલનું શાસન કાયમ રહે તેવા સંજોગો છે.
ઇતિહાસ
દિલ્હી અનેક સામ્રાજ્યોની રાજધાની તરીકે એક મહત્ત્વપૂર્ણ રાજકીય કેન્દ્ર રહ્યું છે. દિલ્હીનો ઇતિહાસ ૮ મી સદીના તોમર રાજપૂત રાજવંશથી શરૂ થાય છે. આ શહેરને અનેક વખત બાંધવામાં આવેલ, નાશ પામેલ અને પુનઃનિર્મિત શહેર પણ માનવામાં આવે છે, કારણ કે ભારતીય ઉપખંડ પર સફળતાપૂર્વક આક્રમણ કરનારા બહારના લોકો રાજધાની લૂંટી લેતા હતા. આક્રમણખોરો શહેરના વ્યૂહાત્મક સ્થાનથી એટલા પ્રભાવિત થતા કે તેને પોતાની રાજધાની બનાવતા.
પ્રાચીન યુગથી મધ્ય યુગ સુધી, દિલ્હી પર તોમર, ચૌહાણ, ગૌતમ જેવા શક્તિશાળી રાજપૂત રાજવંશોનું શાસન હતું. દિલ્હી સલ્તનત એ પાંચ ક્રમિક રાજવંશોની શ્રેણી માટે આપવામાં આવેલ નામ છે, જે ભારતીય ઉપખંડની એક પ્રબળ શક્તિ તરીકે દિલ્હીને તેમની રાજધાની બનાવીને રહ્યા.
સલ્તનતના સમયગાળા દરમિયાન, શહેર સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. દિલ્હી સલ્તનતનો અંત ૧૫૨૬મા થયો, જ્યારે બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં છેલ્લા લોદી સુલતાન, ઇબ્રાહીમ લોદીના દળોને હરાવ્યા અને મુઘલ સામ્રાજ્યની રચના કરી.
મુઘલોએ આ વિસ્તારમાં ત્રણ સદીઓ સુધી શાસન કર્યું. ૧૬મી સદી દરમિયાન, મુઘલ રાજધાની સ્થળાંતરિત થતાં શહેરનો નાશ થયો. પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીની અંદર શાહજહાનાબાદ શહેર અને તેના સીમાચિહ્નો, લાલ કિલ્લો અને જામા મસ્જિદનું નિર્માણ કર્યું. તેમના અનુગામી ઔરંગઝેબના મૃત્યુ પછી, મુઘલ સામ્રાજ્ય શ્રેણીબદ્ધ બળવાઓથી હચમચી ઉઠ્યું. તેમણે મરાઠાઓ, શીખો અને બંગાળ, અવધ અને હૈદરાબાદ જેવા ભૂતપૂર્વ મુઘલ પ્રાંતોના ઘણાં ભાગ ગુમાવ્યા. નાદર શાહ દ્વારા દિલ્હીને લૂંટી લેવામાં આવ્યું. રાજપૂતોએ દિલ્હીની દક્ષિણમાં મુઘલ ગઢના ઘણાં મહત્ત્વપૂર્ણ શહેરો કબજે કર્યા. ૧૭૫૭માં દિલ્હીના યુદ્ધમાં મરાઠાઓએ દિલ્હી પર કબજો કર્યો અને ૧૮૦૩ સુધી તેનું નિયંત્રણ ચાલુ રાખ્યું, જ્યારે બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશરો દ્વારા પરાજિત થયા. ૧૮૦૩માં, દિલ્હી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કબજે કરવામાં આવ્યું.
ભારતમાં બ્રિટિશ કંપનીના શાસન દરમિયાન, મુઘલ સમ્રાટ બહાદુર શાહ (બીજા) ફક્ત એક પ્રતિષ્ઠિત નેતા બની ગયા હતા. ૧૮૫૭ના ભારતીય બળવાએ કંપની શાસનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો અને બહાદુર શાહ બીજાને ભારતના સમ્રાટ જાહેર કર્યા. જોકે, અંગ્રેજોએ ટૂંક સમયમાં દિલ્હી અને તેમના અન્ય પ્રદેશો પર ફરીથી કબજો કર્યો, જેનાથી ટૂંકા ગાળાના બળવાનો અંત આવ્યો. આનાથી ભારતમાં સીધા બ્રિટિશ શાસનની શરૂઆત પણ થઈ. ૧૯૧૧માં, બ્રિટિશ ભારતની રાજધાની કોલકાતાથી નવી દિલ્હી ખસેડવામાં આવી, જે એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ દિલ્હીનું છેલ્લું શહેર હતું.
ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળ્યા પછી, નવી દિલ્હી નવા રચાયેલા ભારતીય પ્રજાસત્તાકની રાજધાની બની.
ભૂતકાળ
દિલ્હીમાં હાલની વહીવટી વ્યવસ્થા બ્રિટિશ ભારત (૧૮૫૮-૧૯૪૭) થી શરૂ થઈ છે. ૧૯૧૧ ના દિલ્હી દરબાર દરમિયાન, ભારતની રાજધાની કોલકાતાથી નવી દિલ્હી ખસેડવામાં આવી હતી. બાદમાં નવેમ્બર ૧૯૫૬ માં દિલ્હીનો દરજ્જો વધારીને કેન્દ્રશાસિત પ્રદેશ કરવામાં આવ્યો. ૧૯૯૧ ના ૬૯મા બંધારણીય (સુધારા) અધિનિયમ અમલમાં આવ્યા પછી, દિલ્હીનું ઔપચારિક નામ બદલીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અથવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી રાખવામાં આવ્યું.
૧૯૭૦ ના દાયકા દરમિયાન, દિલ્હીમાં ફક્ત ચાર વહીવટી જિલ્લાઓ હતા, ઉત્તર, દક્ષિણ, મધ્ય અને નવી દિલ્હી. જાન્યુઆરી ૧૯૯૭ અને સપ્ટેમ્બર ૨૦૧૨ ની વચ્ચે, નવ વહીવટી જિલ્લાઓ અને ૨૭ પેટાવિભાગો હતા. સપ્ટેમ્બર ૨૦૧૨માં, શહેરના નકશામાં બે નવા વહીવટી જિલ્લાઓ, જેમ કે દક્ષિણ-પૂર્વ દિલ્હી અને શાહદરા ઉમેરવામાં આવ્યા.
૧૯૭૮ માં, દિલ્હી પોલીસ કાયદો જાહેર કરવામાં આવ્યો, જેના દ્વારા દિલ્હી પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ આવ્યું. ત્યારથી ડેપ્યુટી કમિશનર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની લગભગ બધી સત્તાઓ દિલ્હી પોલીસ કમિશનરને સોંપવામાં આવી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) એપ્રિલ ૧૯૫૮ માં અસ્તિત્વમાં આવ્યું. જાન્યુઆરી ૨૦૧૨ માં, એમસીડીને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમસીડીમાં વિભાજીત કરવામાં આવ્યું. ૨૦૨૨ માં, ૩ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરીથી નવી સ્થાપિત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મર્જ કરવામાં આવ્યા જેનું નેતૃત્વ મ્યુનિસિપલ કમિશનર કરે છે.
હાલમાં દિલ્હીમાં ૧૧ જિલ્લા છે, જેમાં નોર્થ-વેસ્ટ જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે અને સૌથી નાનો જિલ્લો ન્યુ દિલ્હી છે. દિલ્હીની અંદાજિત વસ્તી ૩ કરોડની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અહી ૧.૫૫ કરોડ મતદારો છે, જેમાં ૮૩ લાખ ૫૦ હજાર પુરુષો અને ૭૧ લાખ ૭૩ હજાર મહિલા મતદારો છે. ૧૩,૦૩૩ મતદાન મથકો છે.
છેલ્લી ચૂંટણી
દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણી ૨૦૨૦માં થઈ હતી. સમગ્ર દેશમાં મોદી વેવ હોવા છતાં તેની અસર અહી જોવા નથી મળી. ૨૦૨૦માં દિલ્હીમાં કેજરીવાલને ૬૨ અને મોદીને ૮ બેઠક મળી હતી. એન.ડી.એ.ના બેનર હેઠળ ભાજપની આગેવાનીમાં જનતા દળ, લોક જનશક્તિ પાર્ટીએ જોડાણ કર્યું હતું. યુ.પી.એ.માં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ હતા. આમ આદમી પાર્ટી એકલે હાથે ચૂંટણી લડી હતી. ત્યારે આપને ૫૩.૫૭ ટકા મત મળ્યા, એન.ડી.એ.ને માત્ર ૩૯.૭૭ ટકા મત મળ્યા હતા. યુ.પી.એ.ને ૪.૩૦ ટકા જ મત મળ્યા હતા. જો કે ત્યાર પછી ત્યાં રાજકીય ટક્કર વધી અને મનિષ સીસોદિયા અને કેજરીવાલ જેલમાં જઈ આવ્યા, કેજરીવાલે જામીન ઉપર મુક્ત થતાં જ રાજીનામું આપી દીધું અને હવે અતિષી મારલેના સિંઘ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪થી મુખ્યમંત્રીની ગાદી સંભાળી રહ્યા છે.
વર્તમાન
હવેની ચૂંટણીમાં ભાજપ જૂના અનુભવો પછી બેકફૂટ ઉપર આવી ગયો છે. જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા ઘટી નથી. ચૂંટણી જીતવા માટે ભાજપ પાસે નક્કર મુદ્દાઓ નથી. કોંગ્રેસ તો લાચાર અવસ્થામાં બારમાં ખેલાડી તરીકે રમે છે. નરેન્દ્ર મોદી જાહેરમાં ગમે તે ભાષણો આપતા હોય, ખાનગીમાં તેને અરવિંદ કેજરીવાલ તરફે લાગણી છે. કારણ કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાજપને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી હતી. ગુજરાતમાં જો ત્રીપાંખિયો જંગ ન થયો હોત તો ભાજપને મોટું નુકસાન થયું હોત. આપે કોંગ્રેસના મતો તોડયા, તેથી ભાજપ જીતી ગયું.
પંજાબમાં ભાજપનો પન્નો ટૂંકો પડે છે તેથી ત્યાં પણ કેજરીવાલને જીતવા દીધાં અને કોંગ્રેસનો કાંટો કાઢી નાખ્યો. મોદીનો મૂળ ટાર્ગેટ કોંગ્રેસને પાડી દેવાનો છે, તેથી જ્યાં તે સત્તામાં હોય ત્યાં 'આપ'ને મેદાનમાં ઉતારી દેવાની. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી!
અહી ભાજપે ત્રણ સંકલ્પ પત્ર જાહેર કરી પોતાના સેવાના ઈરાદાઓ જાહેર કર્યા છે. ગરીબો માટે ઢગલાબંધ જાહેરાતો કરી છે. પરંતુ માત્ર સસ્તો ગેસ સિલિન્ડર આપવાથી કે સસ્તું શિક્ષણ આપવાથી ગરીબી દૂર થતી નથી. અરવિંદ કેજરીવાલે ૧૫ મુદ્દાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને મધ્યમ વર્ગ માટે અનેક જાહેરાતો કરી છે. અરવિંદ કેજરીવાલે બજેટમાં મધ્યમ વર્ગને પ્રાથમિકતા આપવાનું આહ્વાન કર્યું, શિક્ષણ, આરોગ્ય, કરવેરા અને વરિષ્ઠ નાગરિક કલ્યાણમાં નોંધપાત્ર સુધારાઓ કરવાની ખાત્રી આપી છે. શિક્ષણ ખર્ચમાં વધારો કરી બજેટના ૧૦% કરવાની જાહેરાત કરી છે. ખાનગી શાળાઓની ફી પર મર્યાદા લાદવા પણ હૈયા ધારણા આપી છે.
શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કેજરીવાલની સારી કામગીરીની વ્યાપક નોંધ લેવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં નબળા શિક્ષણનો મુદ્દો બહુ ચગ્યો હતો.
કોંગ્રસ
ગુજરાતની જેમ જ દિલ્હીમાં કોંગ્રેસ ખખડી ગઈ છે. એક સમયે શીલા દીક્ષિત અને અજય માકન જેવા ધુરંધરો હતા. ઇન્દિરા ગાંધી દિલ્હીના વહીવટમાં સીધો રસ લેતા હતા. શીલા દીક્ષિત અહી ૧૫ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ અરવિંદ કેજરીવાલનો ઉદય થયો અને કોંગ્રેસનો અસ્ત થયો. આશ્ચર્યની બાબત એ છે કે, અહી ભાજપ ક્યારેય મુખ્ય ભૂમિકામાં આવી શક્યો નથી. દિલ્હીના નેતાઓ વડાપ્રધાન કાર્યાલય અહીથી સૌથી નજીક હોવાથી દેશના બીજા નેતાઓ કરતાં ગાંધી પરિવારની ગુડ બુકમાં વધુ રહેતા હતા. હાલમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સારી રીતે જાણે છે કે, દિલ્હીમાં ચૂંટણી જીતવી તે તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. જ્યાં ભાજપનો ગજ ન વાગતો હોય ત્યાં કોંગ્રસ માટે તો અશક્ય છે.
અંતમાં
૫ ફેબ્રુઆરીએ મતદાન થશે અને ૮ ફેબ્રુઆરીએ મતગણતરી થશે ત્યારે અરવિંદ કેજરીવાલ જીતશે તેવી ધારણા છે. ભાજપ માટે ચમત્કાર જ એક આશા છે. દિલ્હી બહુ અટપટી સામાજિક વ્યવસ્થા ધરાવે છે, આખા દેશના નાના મોટા લોકો અહી પડ્યા પાથર્યા રહે છે. લગભગ તમામ ધનિકો અહી બંગલા, ઓફિસ ધરાવે છે. દિલ્હીને દેશનું પાવર કોરિડોર પણ કહેવામાં આવે છે.
દિલ્હી પ્રજાનું પાવર કોરિડોર બને તેવી અભ્યર્થના.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial