Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમની ઋતુ વસંત

વ્હાલમ મારી તો ઋતુ પ્રેમની વસંત

રોમ રોમ ઉભરે વ્હાલ એ  ઋતુ વસંત

માનવ જ નહિ હર જીવના હૃદયમાં

ઉભરે લાગણીઓ, એ ઋતુ છે  વસંત

હોય અણગમો ને ગમવા માંડે કોઈ,

એ રોમાંચ ઉભરે અંગ અંગ વસંત

સંત વેલેન્ટાઈનને પણ આવ્યો હતો,

હૃદયે વિચાર એ ઋતુ જ હતી વસંત

એટલે જ કહે છે ,રાજા ઋતુઓનો કે,

રાણી રોમાંચની બસ ઋતુ એક વસંત

બસ ગઈકાલ શુક્રવાર જ ઉજવાઈ ઘેલછાની પરાકાષ્ઠા *વેલેન્ટાઈન ડે*  માન છે જેમના માટે અને વંદન સહ સન્માન છે જેમને એ હતા સંત વેલેન્ટાઈન , એમના બાબતે વાર્તા  અનેક છે, પણ વાત તો એક જ છે કે પ્રેમ હૃદયમાં ઉમટ્યો હોય તો વ્યક્ત કરો, વ્યક્ત થવા દ્યો. ભરી ના રાખો લાગણી વ્યક્ત કરો.  એ વાત સૈનિકો માટે હોય કે એમના પોતાના માટે કે જે રાજાની દીકરી ને પ્રેમ કરતા હતા. વગેરે કંઈક વાતો છે. વાત સાચી લાગણી વ્યક્ત કરવાની છે. દેખાડો કે  ક્ષણિક આવેગની અભિવ્યક્તિની નહિ. બાકી હૃદયનો પ્રેમ એક વ્યક્તિ સામે વ્યક્ત થાય. ઠેર ઠેર નહીં, બાકી આ દિવસે અનેક યુવાઓ ગુલાબ નહીં ગુલાબો લઈને નીકળી પડે, જે આવે એને ગુલાબ આપી કહે 'હેપી વેલેન્ટાઈન ડે'  કોઈ પ્રેમથી સ્મિત સહ સ્વીકારે તો કદાચ કહી પણ દ્યે *જા ને વાંદરા* કાંઈ પણ થઇ શકે છે. બાકી સાચા પ્રેમી તો એક જ હોય કે જેમના હાથમાં એક જ ગુલાબ હોય , કદાચ   ગુલાબ ન પણ હોય ,હૃદયમાં પ્રેમનો ઉદ્યાન છલકતો હોય અને  એમાં ઝૂલીને એકમેકને કહે *વસંત ની  શુભેચ્છા.*

હું અંગત રીતે સંત વેલેન્ટાઈનનો વિરોધી નથી પણ દુઃખ એ વાતનું ચોક્કસ થાય કે યુગો પહેલાથી આપણા કવિઓ કહેતા આવ્યા છે કે અને લખતા આવ્યા છે કે પ્રેમની ઋતુ વસંત , આ વસંત પ્રારંભ થાય અને હવામાં એક નોખી લહેર હોય, વૃક્ષો પર નવી કૂંપળો ફૂટે, પણ આવે. કેસુડો ખીલે, આંબાના વૃક્ષ મોર આવે, અને આ બધું જોઈ પંખીઓનો કલરવ અદ્ભુત હોય... આ વસંતને ઋતુઓનો રાજા એમ જ નથી કહેવાયું.  આ આપણી સંસ્કૃતિ છે. એ બધું ભૂલીને વેલેન્ટાઈન ડે ઘેલછા, એ તો ઠીક કેટલા પ્રકારના ડે , પ્રોમિસ ડે , રોઝ ડે વગેરે કાંઈક ઘેલછા . અને આ બધી ક્ષણિક હોય. એકાદ દિવસના ગાંડપણ હોય. જેના હૃદયમાં સાચે જ પ્રેમની વસંત ખીલી હોય એવા એકાદ બે જ હોય અને એવા પ્રેમીઓને આ વેલેન્ટાઈન ડે ની કોઈ જ જરૂર જ નથી. એ લોકો પ્રેમ વ્યક્ત કરે એ વસંત પંચમી. આ સમયે કવિ શ્રી તુષાર શુક્લ ના એક લોકપ્રિય ગીતની પંક્તિ યાદ આવે. *

કવિ શ્રી તુષાર શુક્લ તેમની કવિતામાં પણ વસંતનો ઉલ્લેખ આ રીતે કરે છે, *....સામા સામી બારીઓમાં બેઠી વસંત કહ્યું ફૂલો એ આંખ મિચકારી...* આ પ્રેમની ઋતુ બેઠી. આટલી સરસ આપણી સંસ્કૃતિ અને ભૂલી વિદેશી ઘેલછા વેલેન્ટાઈન ડે * અરે એ તો વિચારો કે વેલેન્ટાઈન ને આ વિચાર વસંત ઋતુમાં જ આવ્યો. સાચું કહેજો કેટલાએ પોતાના પ્રિયજનને વસંતપંચમીની શુભેચ્છાઓ આપી હશે? એ વસંતપંચમીની એક સરસ વાત. એ વસંત પંચમીની સવાર હતી.એ સવારે વાસંતી સવારે પાંચ વાગે ઉઠીને નાહી ધોઈ   તુલસી પૂજા કરી આંગણે રંગોળી પૂરતી હતી એણે માત્ર રંગ જ હાથમાં લીધા અને ક્ષણ ભર વિચાર્યું કે શું ચિત્ર દોરું? અને આપોઆપ કળા કરતો મોર દોરાઈ ગયો. હજી તો આકાર આપતી હતી હવામાં મીઠી લહેર ઉમટી , આસપાસ ખીલતા ફૂલોની મહેક પ્રસરી અને પંખી કલરવ કરવા માંડ્યા. વાસંતી વિચારે કે આ મોર હજી કળા કરે ત્યાં તો મૌસમ છલકવા મંડી. કેવી મીઠી મઘમઘતી, સુગંધમય લહેર આવી. વાસંતી એની સખીની સામે જોઈ આંખોથી પૂછતી હતી કે આ શું? આ લહેર શેની આવી? સખી કહે વાસંતી આ વસંતના આગમનની  લહેર છે.

વાસંતી કહે કે વસંત બેઠીને પાંચ દિવસ થયા અને હવે છેક વસંતના આગમનની લહેર? સખી કહે કે તું આજે કેટલી વહેલી ઉઠી? તુલસી પૂજા કરી. આ રંગોળી પુરવા બેઠી સાંકેતિક થનગનતો  ટહુકતો મોર દોર્યો , એ થનગનાટ તારા હૈયાના છે . તારા વસંતના આગમનના એંધાણ નો છે. આ લહેર તારા પોતાના બાળસખા અને હવે મનના માણીગર વસંતના આગમનની છે. ઊભી થા અને જો..... આ સાંભળી વાસંતી બધું છોડી ઊભી થઇ દોડી ડેલીની બહાર , ને સામે દેખાયા વ્હાલમજી વસંત કુમાર. બ્રિગેડિયર વસંત કુમાર.  બસ પછી તો પંખીઓ પણ જાણે ગેલમાં આવી ગયા , કોયલ ટહુકવા માંડી, ચકલીઓ ચીંચીં મોર કળા કરી થનગનવા માંડયા હવાના સુસવાટામાં ગીત હતું, ખીલી રે ભાઈ વસંત ખીલી.

આ વસંત અને વાસંતી બાળપણના પ્રેમી. આમ કહી શકાય કે જન્મ્યા ત્યારથી, હા આ બન્ને જન્મ્યા હતા એક જ દિવસે સાથે વસંત પંચમીના દિવસે એટલે જ એમના નામ હતા વસંત અને વાસંતી , રહે એક જ શેરીમાં, ભણ્યા સાથે, ઉછર્યા સાથે, સ્કૂલે જાય આવે સાથે. બેય ને નાનપણથી એકમેક પ્રત્યે લગાવ પણ એટલો જ. યૌવનના ઉંબરે પગ મુક્યો અને સામસામી બારીઓમાં બેઠી વસંત. એમના સખા સખી મંડળે તો કહ્યું કે આ તો થવાનું જ હતું. પ્રેમીઓ કેટલા સાચા હતા કે  તેમના માતા પિતાને પણ અંદર થી હતું કે આ એક થવાના છે, એ લોકો પણ તૈયાર જ હતા. એમને જીવનસાથી બનાવી જ નાખ્યા, એમણે એકબીજામાં પ્રેમના અંકુર ફૂટયાની વાત પણ ખેતર માં વસંત પંચમીએ કરી હતી અને  એમના લગ્ન પણ વસંતપંચમીએ થયા. વસંત આર્મીમાં જોડાઈ ડ્યુટી પર ગયો એ વસંતપંચમી જ હતી અને આજે એ નિવૃત્ત થઇ ઘેર આવે છે અને  એમની દીકરીની સગાઇ છે એ પણ વસંત પંચમી જ છે.

આટલા વર્ષે આ બન્ને નો પ્રેમ એમ જ અકબંધ છે. જાણે નવા સવા પ્રેમીઓ હોય. દીકરીના લક્ષ થશે, એ સાસરે વિદાય થશે એ પછી સાચ્ચે વસંત વાસંતીના જીવનમાં ફરી વસંત ખીલે. બસ સૌને પ્રેમની ઋતુ વસંત ની શુભેચ્છા સાથે વિનંતી કે વિદેશી દિવસો મનાવો પણ આપણી સંસ્કૃતિના ભૂલો. વિદેશીઓ   સંસ્કૃતિને ભક્તિભાવથી અનુસરે છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh