કાલાવડમાં દર્દીઓના સ્વાસ્થ્ય જોખમાય તેવી દવા આપતા તબીબ સામે હેલ્થ ઓફિસરે નોંધાવ્યો ગુન્હો

જામનગર તા. ર૬ઃ હાલની કોરોનાનો વ્યાપ વધે તેવી સેવાતી ભીતિના વાતાવરણ વચ્ચે ગઈકાલે કાલાવડના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા તબીબોની ટુકડીએ કાલાવડમાંથી એક તબીબને પકડી પાડ્યો છે. આ તબીબ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ સર્જાય તેવી દવાઓ આપતો હોવાનું બહાર આવતા તેની સામે ગુન્હો નોંધાયો છે.

કાલાવડ શહેરમાં આવેલા સીએસસી સામે એક ડોકટર દ્વારા હાલમાં જ્યારે કોરોના વાઈરસની પ્રસરવાની ભીતિ ફેલાઈ રહી છે ત્યારે જ ગેરકાયદેસર રીતે પ્રેક્ટીસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાની ચોંકાવનારી વિગત મળતા કાલાવડના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. કૌશીક ડી. દાણીધારીયા તથા તેઓની ટુકડીએ પોલીસને સાથે રાખી ગઈકાલે સાંજે ત્યાં આવેલા ગેટ વેલ હેલ્થ સેન્ટર નામના ક્લીનીકમાં દરોડો પાડ્યો હતો.

આ ખાનગી દવાખાનામાં મૂળ રાજકોટના ભગવતી પરામાં રહેતો અને હાલમાંં કાલાવડના પંજેતન નગરમાં વસવાટ કરતો આવદ નેકમહમદ મસ્કતી (ઉ.વ. ૩૦) નામનો કહેવાતો ડોકટર મળી આવ્યો હતો. ડો. દાણીધારીયા સહિતની આરોગ્યની ટુકડીએ તે તબીબના પ્રમાણપત્રો વિગેરે ચકાસતા આ તબીબ દર્દીઓના સ્વાસ્થ્ય જોખમાય તેવી દવા આપતો હોવાનું જાહેર થયું છે. આ શખ્સ સામે ડો. દાણીધારીયાએ ખુદ ફરિયાદી બની કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૬૭ તથા મેડિકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ ૩૦ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એ.જે. પટેલે ગુન્હો નોંધી ડો. આવદ મસ્કતીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

close
Nobat Subscription