Advertisement

વરસાદ અનરાધાર..... સંકટમાં સૌરાષ્ટ્ર-હાલાર... નવી નીતિ ઘડે નવી સરકાર...

કુદરત જ્યારે રિઝે છે, ત્યારે દુષ્કાળના ડાકલા વાગતા હોય, ત્યાં મેઘવૃષ્ટિ કરીને નદી-નાળા છલકાવી દેતી હોય છે, અને વધારે પડતી કુદરત રિઝે ત્યારે અતિવૃષ્ટિ થતા સાર્વત્રિક જળબંબાકાર થઈ જતુ હોય છે જેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત ગઈકાલથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે.

એક જ રાતમાં જામનગરની પીવાનું પાણી પૂરૃં પાડતો રણજીતસાગર ડેમ છલકાઈ જાય અને બીજા જળાશયો પણ ઓવરફલો થાય કે મહદ્અંશે ભરાઈ જાય, તે ખુશીની વાત કહેવાય અને આવતા વર્ષ માટે પીવાના પાણીની ચિન્તા ટળી હોવાનો દાવો પણ કરી શકાય, પરંતુ પૂરગ્રસ્ત પરિસ્થિતિના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો તથા સંખ્યાબંધ ગામો બેટમાં ફેરવાઈ જાય, અને અનેક સ્થળે લોકોને બચાવવા એરલિફટ કરવા પડે, તે સ્થિતિ ઘણી જ ગંભીર કહેવાય. આ માટે કુદરતના કહેરની સાથે સાથે માનવીએ ઊભો કરેલી ક્ષતિગ્રસ્ત વ્યવસ્થાનો તેમ જ જુદા જુદા સ્થળે વરસાદી પાણીના કુદરતી વહેણને રોકતા સિમેન્ટના જંગલો પણ જવાબદાર છે. જો કે, એક સાથે ધોધમાર વરસાદ પડે, ત્યારે તો ગમે તેટલી સુદૃઢ વ્યવસ્થાઓ હોય, તો પણ ખોરવાઈ શકે છે, પરંતુ પ્રવર્તમાન વ્યવસ્થાઓમાં રહેલ ખામીઓ, પ્રિ-મોન્સુન કામગીરીની પોકળતા અને વગર વિચાર્યે થયેલા નિર્માણોના કારણે પણ રહેણાંક વિસ્તારો જળમગ્ન થાય છે અને માર્ગો ધોરીમાર્ગો ડુબી જતા વાહન-વ્યવહાર ઠપ્પ થાય છે, તો પણ ઓપન સિક્રેટ જ છે.

મોટા શહેરોમાં પ્રિ-મોન્સુન કામગીરી માટે તગડા બીલો પાસ થતા હશે પરંતુ તે મુજબનું કામ થતું હોતું નથી. તેથી પણ અનેક સ્થળે માનવસર્જિત સમસ્યાઓ સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં પણ વીજપુરવઠો અવિરત ચાલુ રહે, તેવી અદ્યતન ટેકનોલોજી કાં તો આપણે ત્યાં પૂરેપૂરી વિકસી નથી, અથવ ઈચ્છાશક્તિનો અભાવ કે 'ગોબાચારી' થતી હશે, તેમ માની શકાય.

રાજ્યના નવા મુખ્યમંત્રીએ શપથવિધિ પહેલાં જ જામનગરમાં અતિવૃષ્ટિના કારણે ઊભા થયેલી પૂરની સ્થિતિ તથા ઠેર-ઠેર જલભરાવની વિકટ સમસ્યા પર લક્ષ્ય આપ્યુ અને હવાઈ નિરીક્ષણ સહિતની તત્પરતાઓ દેખાડીને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ પર લક્ષ્ય આપ્યુ, તેથી તેમની પ્રારંભિક છાપ તો સારી પડી છે, પરંતુ હજુ પ્રધાનમંડળ રચાવાનું બાકી છે અને હજુ પણ વધુ વરસાદ પડે તેવી શકયતા વચ્ચે રોગચાળા-મહામારીના પડકારો પણ છે, ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ખરી કસોટી થવાની છે. ઘણાં લોકો નવા મુખ્યમંત્રીના પ્રારંભિક વલણને આવકારીને એવું પણ કહેતા સંભળાય છે કે, 'ગુજરાતીઓ આરંભે શૂરા' તેવી કહેવત તેઓ ખોટી પાડી શકે તો સારૃ...

ગઈકાલથી જે રીતે એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડ તથા એરફોર્સ દ્વારા સ્થાનિક તંત્રો તથા સ્થાનિક લોકો સાથે મળીને રાહત-બચાવની કામગીરી જીવના જોખમે કરવામાં આવી રહી છે, તે પ્રશંસનિય છે, તો બીજી તરફ કેટલાં નિવેદનિયા નેતાઓની લીંબડજશ ખાટવાની પ્રવૃત્તિની ટીકા પણ થઈ રહી છે. જો કે, પ્રજાની પીડા ઓછી કરવા પરિશ્રમ કરી રહેલા તેમજ રાજ્યની શાસન વ્યવસ્થા બદલી રહી છે, તેવા સંજોગોમાં પણ પોતાની ફરજો પ્રજાની વચ્ચે જઈને બજાવી રહેલા નેતાઓને બીરદાવવા પણ પડે.

જામનગર શહેર અને જિલ્લા સહિત હાલારમાં અનેક ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા, તો ઘણાં સ્થળે લોકો ફસાઈ ગયા, તે જોતા આવું થવાના કારણોમાં ઉંડા ઉતરીને જો કોઈ કૃત્રિમ અથવા માનવસર્જીત કારણો હોય, તો તેને હટાવવાના પ્રયાસો થવા જ જોઈએ આ જ રીતે નવી રાજ્ય સરકારે પણ હવે નવી ફલડ પ્રિવેન્ટીવ પોલિસી નક્કી કરવાની પહેલ કરવી જોઈએ, જેમાં સમગ્ર ગુજરાતમાં જયાં જયાં ભારે વરસાદ પછી જલભરાવ થયો હોય, નદીઓમાં પૂર આવતા ભારે નુકસાન થયું હોય, તે ઉપરાંત જયાં નજીકમાં કોઈ નદી-વોંકરા કે ઝરણાં વહેતા ન હોય, ત્યાં પણ ભારે જળભરાવ થઈને દિવસો સુધી તેનો નિકાલ ન થતો હોય, તેવા સ્થળોએ અલગ તારવીને તેના ભાટે પ્રિવેન્ટીવ અને તત્કાળ એકશન લઈ શકાય, તેવું મિકેનિઝમ ઊભું કરવાના પ્રબંધો કરાયા હોય.

ભારે વરસાદ અને પૂરથી ખેતીક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર અને વ્યાપારક્ષેત્રને પણ નુકસાન તો થયું જ હશે, જેનો સર્વે થવો જોઈએ, કેટલાક લોકો તો લીલા દુષ્કાળની સંભાવના પણ દર્શાવવા લાગ્યા છે.

તદુપરાંત ઘણાં ગામોના ઘરોમાં પાણી ઘુસ્યા, સ્થળાંતર કરાયા, શહેરોના જ નીચાણવાળા વિસ્તારોમાં પણ આવી સ્થિતિ ઊભી થઈ, તેના અસરગ્રસ્તોના પુનઃ સ્થાપન માટે કોઈ સરળ, ઝડપી અને સચોટ વ્યવસ્થા ઊભી કરવી જરૃરી છે. ચીલાચાલુ ઢબે સર્વેક્ષણ, કેશડોલ્સ અને પછી સહાયની સિસ્ટમ હવે બહાર આવવું જરૃરી છે અને તેમાં જનરલ જનપ્રામાણિકતા પણ એટલી જ જરૃરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit