દુકાને ભીડ એકઠી કરનાર બે વેપારી સહિત ત્રણ સામે નોંધાયો જાહેરનામા ભંગનો ગુન્હો

જામનગર તા. ૨૬ઃ જામનગરમાં ગઈકાલે સત્યમ કોલોનીમાં બે દુકાનદારોએ અને યાદવનગરમાં સોડા શોપવાળાએ પોતાની દુકાન ખોલતા ત્રણેય વેપારીઓ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. તે ઉપરાંત કારણ વગર ફરવા નીકળેલા ભાણવડના રાણપરના શખ્સ સામે પણ કાર્યવાહી કરાઈ છે.

જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં એકવીસ દિવસ માટે લોકડાઉન રાખવાની વડાપ્રધાને કરેલી અપીલ પછી લોકોને ઘરની બહાર નહીં નીકળી તેમાં સહયોગ આપવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં લોકો અને કેટલાક વેપારીઓ પોતપોતાની દુકાનો ખોલવાની લાલચમાંથી બહાર આવી શકતા નથી અને તેઓની ખુલેલી દુકાનોમાં લોકોની ખરીદી માટે ભીડ જામતી હોય પોલીસને નાછૂટકે બળ પ્રયોગ કરવો પડી રહ્યો છે. તેવી પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી મહાકાળી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન બપોરે બારેક વાગ્યે ખોલવામાં આવતા તે દુકાને ખરીદી માટે લોકો દોડી ગયા હતાં. આ વેળાએ બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ ત્યાં પહોંચી ભીડને વીખેરી નાખી દુકાનદાર વિપુલ રણછોડભાઈ ચોવટીયા સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

તે ઉપરાંત જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં આવેલી પ્રણામી શાકભાજી સ્ટોર નામની દુકાન મુકેશભાઈ દેવસીભાઈ કપુરીયા નામના વેપારીએ પોતાની દુકાન ખોલતા જ લોકોની ભીડ જામી હતી તેથી તે દુકાનદાર સામે પણ પોલીસે આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી છે.

જામનગરના યાદવનગર નજીકના ક્રિષ્નાચોક પાસે આવેલી ગાંધી શોપ નામની સોડા-બોટલની દુકાન ગઈકાલે બપોરે જીતેન્દ્રભાઈ નાનાલાલ શીલુએ ખોલતા તેની સામે પણ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામમાં પાન-મસાલાની દુકાન ધરાવતા અરસીભાઈ અરજણભાઈ કરંગીયા નામના વેપારીએ કોરોના વાઈરસના કારણે  દુકાનો બંધ રાખવાનું જાહેરનામુ અમલમાં હોવા છતાં ગઈકાલે સાંજે પોતાની દુકાન ખોલી હતી. તેની સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

close
Nobat Subscription