જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણીમાં બપોર સુધી ૮૦% જેવું ભારે મતદાન

જામનગર જિલ્લા સરકારી સંઘના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણીમાં મતદાન

જામનગર તા. ૧૩ઃ સમગ્ર હાલારમાં રાજકીય પ્રભુત્વમાં મહત્ત્વનું પરિબળ ગણાતી એવી જામનગર જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડારેક્ટર્સ માટેની ચૂંટણી અંગે આજે મતદાન યોજાયું છે. જેમાં આ લખાય છે ત્યાં સુધીમાં ૮૦ ટકા જેવું ભારે મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

જિલ્લા સહકારી બેંકના ૧૪ ડાયરેક્ટરની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા બોર્ડના પ્રમુખ અશોકભાઈ લાલ, મેરગભાઈ ચાવડા, પી.એસ. જાડેજા તથા સુંભાણિયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે કાલાવડ બેઠક તેમજ અન્ય ત્રણ વિભાગોમાંથી અર્થાત્ ચાર બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવનાર દિલીપભાઈ નથવાણીનું નિધન થતાં આ ચારેય બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. આમ આજે જિલ્લા સહકારી બેંકની છ બેઠકો માટે મતદાન યોજાયું છે.

જિલ્લા સહકારી બેંકની સાથે સંલગ્ન ખેતીવિષયક ૩૬પ મંડળીઓ છે જેમાંથી ૭પ મંડળીઓ પાસે બેંકના પાછલા લ્હેણા બાકી હોય, નિયમોનુસાર તે મતદાન કરી શકે નહીં. આથી ર૯૦ મંડળીઓનું મતદાન થશે. જ્યારે બીનખેતીવિષયક ૧૦૩ મંડળીઓ, વેંચાણ રૃપાંતરણ કરતી ૩૯ મંડળીઓ તેમજ અન્ય ૮૬ મળી કુલ પ૧૮ મંડળીઓના હોદ્દેદારો મતાધિકાર ધરાવે છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, બેંકના પૂર્વ વાઈસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ ચૂંટણી પ્રક્રિયાને સર્વોચ્ચ અદાલતમાં પડકારતા સર્વોચ્ચ અદાલતે મતદાનની મંજુરી આપી છે, પણ મતગણતરી અને પરિણામ જાહેર કરવા ઉપર હંગામી મનાઈહુકમ ફરમાવ્યો છે. આ ઉપરાંત ૬૮ મંડળીઓના મતાધિકારનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

કોઈપણ રાજકીય પક્ષના બેનર-નિશાન વગર લડાતી સહકારી બેંકની ચૂંટણીમાં સત્તા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી ભારે દોડધામ થઈ હતી.

આજના મતદાન માટે ગુજસીટોક હેઠળ ધરપકડ થયેલા અને જેલમાં રહેલા વશરામ મિયાત્રાને અદાલતે મતદાન માટે મંજુરી આપી છે. પોલીસના જાપ્તા હેઠળ જામનગર આવીને તેણે મતદાન કર્યું હતું.

ડીકેવી કોલેજના મતદાન કેન્દ્ર પર સવારથી જ હાલારના બન્ને જિલ્લાના રાજકીય પક્ષના અગ્રણીઓ, સહકારી અગ્રણીઓ, મતદારો, ખેડૂતો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, અગ્રણી વેપારી જીતુભાઈ લાલ, સહકારી ક્ષેત્રના અગ્રણી હસમુખભાઈ વિરમગામી, ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૯૦ થી ૯પ ટકા મતદાન થાય તેવી શક્યતા છે.

close
Ank Bandh
close
PPE Kit