Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર ભાઈઓ બહેનો કુંભમાં ડુબકી લગાવવી એ અતિ પુણ્યનું કામ છે અને દરેકને એ સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. એવા ઘણાં લોકો છે જે ત્રિવેણી સંગમ સુધી જઈ શકે તેવું નથી તેમના માટે દરેક શહેરમાં ત્રિવેણી સંગમની વ્યવસ્થા કરવામાં આવશે.
હું જાણું છું કે શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સંતો મહંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય ત્યારે દુર્ઘટના ઘટે છે જો મને મત આપી ચૂકશો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી સાધુ સંતોને આપને દ્વાર દર્શન માટે મોકલવામાં આવશે.
હું તમને ખાત્રી આપું છું કે જે કુંભ ૧૪૪ વર્ષે યોજાય છે તે દર વર્ષે યોજાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
લોકો તાળીઓનો ગડગડાટ કરતા હતા. અને નેતાનો જય જય કાર.
પાછી અંદરો અંદર ચર્ચા પણ થતી હતી કે આ બહુ સારી યોજના કહેવાય દર વર્ષે મહા કુંભ થાય તો ભીડ વહેંચાઈ જાય અને આ વર્ષે જે સ્નાન ન કરી શકે તે આવતા વર્ષે સ્નાન કરી શકે.
આ બધું સાંભળ્યા પછી મને એમ થયું કે મારા ખર્ચે આ તમામ લોકોને મહાકુંભમાં લઈ જાવ અને ડૂબકી મરાવી દઉં.
એ નેતાએ તો કુંભમાં ગુમ થઈ જવું જોઈએ. પરંતુ આવું અજ્ઞાન અને અબૂધ લોકો જ દેશનું નામ બદનામ કરે છે.
હાલ તો લોકો મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી જિંદગીભરના પાપ ધોવાઈ રહ્યા છે તેનો આનંદ માણી રહ્યા છે.
ચુનિયો રોજ ટીવી ચાલુ કરી ત્રિવેણી સંગમના દર્શન કરી અને ટીવી સામે જ મોટા ઢોલ કહેતા પીપડું કહેતા ડ્રમમાં પાણી ભરી તેમાં બેસી માત્ર ડોકું બહાર રાખી ટીવી સામુ જોઈ રહે છે. અમારી બાજુવાળા પદુભાઇ જે ૧૫-૨૦ કિલોમીટર ચાલી ત્રણ ચાર ડુબકી મારી અને ત્યાંથી ત્રિવેણી સંગમનું પાણી એક સીસામાં ભરી અને લઈ આવ્યા હતા તેમાંથી આ ચુનિયો બે ચાર ટીપા નાખી ત્રિવેણી સંગમનો માહોલ ઊભો કરે. રોજ કોઈને કોઈ વીઆઈપી જેવો ટીવીમાં ડૂબકી મારે એટલે અહીંયા ચુનિયો પાણીના અડધા ભરેલા ડ્રમ, કહેતા પીપડામાં ડૂબકી મારે. પછી ગામ આખામાં કહેતો ફરે કે કુંભમાં જેટલી સેલિબ્રિટીએ ડૂબકી મારી અને સ્નાન કર્યું તેની સાથે સાથે મેં પણ ડૂબકી મારી અને સ્નાન કર્યું છે. છેલ્લા દસ દિવસથી તો આ સિસ્ટમથી ચુનિયાએ બિઝનેસ ચાલુ કરી દીધો છે. ૧૦ ડ્રમ અને દરેકમાં ૧૦-૧૦ ટીપા પવિત્ર પાણીના નાખી દે. મોટી ટીવી સ્ક્રીન સામે જેવા કોઈ સેલિબ્રિટી ડુબકી મારે એટલે અહીં ૧૦ ડ્રમમાં ઊભેલા ડૂબકી મારે.
જોકે વચ્ચે બે દિવસ માટે એકદમ ડ્રમ કહેતા પીપડામાં પ્રશ્ન થયો હતો. બાજુની સોસાયટીમાં રહેતા ઓઘડ ભાઈ તેમના કમરના ઘેરાવાને કારણે ડ્રમમાં ફસાઈ ગયા હતા. હવે તો જો કે આવા ડ્રમ ફાડ બોડીવાળાઓ માટે ચુનિયાએ બહાર બેસી અને ડોલ અને ડબલા સાથે નાહી શકાય તેવી વ્યવસ્થા કરી દીધી છે.
એક ડ્રમથી શરૂ કરેલું આજે ૫૦ ડ્રમ સ્નાનનો લોકો લાભ લઇ રહ્યા છે. દર અડધી કલાકે જેમ ટ્યુશનની બેચ બદલાય તેમ સ્નાનની બેચ પણ બદલાઈ જાય છે.
મને મળ્યા પછી એવું કહેતો હતો કે ''કુંભ સ્નાનનો છેલ્લો દિવસ આપણે સોસાયટીના સ્વીમિંગ પૂલમાં જ રાખવો છે. અડધો સીસો ત્રિવેણી સંગમનું જળ તેમાં ભેળવી લોકોને આહ્વાન કરવું છે. અને જમણી બાજુથી સ્વીમિંગ પૂલમાં પડી ડૂબકી મારી ડાબી બાજુથી નીકળી જાય. ૨૪ કલાક આ સ્નાન ચાલુ રહેશે. ભલે બધાના પાપ બળી જાય''. મેં કહ્યું ''ચુનિયા આવું બધું કરી અને તું પાપમાં પડે છે. મને કહે ''છેલ્લે હું પણ ડૂબકી મારી લઈશ એટલે હતો એવો ને એવો''.
આ કુંભ મેળો આવવાનો હતો તે પહેલા સટોડીયા સીરીઝનો સરતાજ એવો શૈલેષ મને કહેતો હતો કે મારા જેટલા શેર બજારના ક્લાઈન્ટ છે તે બધાને લઈ અને બાઈ ફ્લાઇટ કુંભ જવું છે બધાને જલસા કરાવવા છે. મેં કહ્યું ત્યાં જલસા નહીં ધર્મ કરવા જવાનું હોય.
મને હમણાં ગઈકાલે ભેગો થયો હતો મેં કહ્યું ''કાં શૈલેષ, બધાને જાત્રા કરાવી આવ્યો''? મને કહે હમણાં ઊંધી સર્કિટ લાગી તેમાં બધા અહીં જ ન્હાઈ રહ્યા છે. જે લોકો અહીં ડુબ્યા તેમણે કુંભમાં ડૂબકી મારવા ની જરૂર નહીં.
ચુનિયાના સાળાએ ઘરમાં ઉપાડો લીધો કે મારે કુંભમાં જવું જ છે. અહીં કોઈ દીકરી દેતું નથી તો કુંભમાંથી શોધી લાવીશ.
જ્યારથી મીડિયામાં પેલી ભૂરી આંખવાળી છોકરી વાયરલ થઈ છે ત્યારથી તેમાં ડૂબકી મારવા વાળાની સંખ્યા વધતી જાય છે.
આ વખતનો કુંભ મેળો ભાતીગળ ઓછો અને હાઈ ટેક વધારે રહ્યો છે. શ્રદ્ધાથી ભક્તિભાવથી જવા વાળાની સંખ્યા જેટલી જ કદાચ રીલ બનાવવા વાળાની સંખ્યા ત્યાં પહોંચે છે.
કુંભના મેળામાં ઘણા ઘણું શોધવા જાય છે. તો ઘણાં લોકો ખોવાઈ જવા પણ જાય છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે બે ભાઈઓ કુંભના મેળામાં ખોવાઈ જતા હોય તેવું ઘણીવાર સાંભળ્યું છે. આ સાંભળેલી વાત પર ઘણાં પરણી પુરૂષો પત્નીને લઈ અને કુંભના મેળામાં જાય છે. કાને સાંભળેલી વાત પર પણ કેટલો વિશ્વાસ ધરાવે છે તે જોવાની વાત છે.
પવલાના બાપા એની બાની આંગળી છોડાવી ભીડમાં ગુમ થઈ ગયા પરંતુ પ્રશાસનનું પોલીસ તંત્ર એટલું સજાગ છે કે ૧૫ કિલોમીટર છેટે પહોંચી ગયા છતાં મોઢાના વર્ણન પરથી ચંદુ બાપાને મંછા માસી ભેગા કરી દીધા. ચંદુ બાપા એ મોટો નીહાકો પણ નાખેલો કે ''આવી તે કાંઈ વ્યવસ્થા હોય? માણસને કુંભમાં સ્નાન કરી માત્ર પાપથી જ નહીં બીજા કંઈકથી પણ છૂટકારો જોઈતો હોય. ગોતી લેવા જરૂરી હોય છે? ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે''. હિન્દી ભાષા પોલીસવાળાએ ચંદુબાપાના દુઃખના આંસુને હર્ષના આંસુ સમજી માસીને સોંપી દીધા.
આ વર્ષે મહા કુંભમાં પુરૂષોની સંખ્યા ખૂબ વધી ગઈ છે જેટલા જાય છે તેટલા પાછા નથી આવતા. બહેનો આ બાબતે ગંભીરતાથી વિચારે.
વિચારવાયુઃ જે લોકો આ કુંભમેળામાં ન જઈ શક્યા હોય તે લોકો ચિંતા ના કરે. હું આવતા કુંભમાં મારા ખર્ચે જરૂર લઈ જઈશ. ત્યાં સુધી પાપ ન કરશો જાળવી જજો.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial