સરકારને 'કેગ'નો ઝટકોઃ રેલવે તંત્રની હાલત દસ વર્ષના તળિયે

નવી દિલ્હી તા. ૩ઃ સતત ઘટી રહેલા જીડીપીનો મોદી સરકાર કોઈ સંતોષકારક જવાબ આપી શકતી નથી, ત્યારે રેલવે તંત્ર દસ વર્ષના તળિયે હોવાના 'કેગ'ના રિપોર્ટથી વધુ એક ઝટકો લાગ્યો છે.

સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવે તંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી-કેગ) ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે.

બૂલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર સરકાર રેલવેની કંગાળ હાલત વિશે બચાવની સ્થિતિમાં મૂકાઈ શકે છે. કેગના રિપોર્ટ મુજબ, ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો ભયજનક રીતે ઘટીને વર્ષ ર૦૧૭-૧૮ ના ૯૮.૪૪ ટકા થઈ ચૂક્યો છે. આસાન શબ્દોમાં સમજીએ તો રેલવે તંત્રે ૧૦૦ રૃપિયા કમાવા માટે ૯૮.૪૪ રૃપિયાનો ખર્ચ કરવો પડે છે. મતલબ કે, નૂરભાડુ, યાત્રીભાડુ, સ્ટોલભાડુ, અન્ય સેવાઓ આપ્યા પછી પણ રેલવેની આવક પૂરી ર ટકા પણ નથી.

સંસદ સમક્ષ રજૂ થયેલા કેગના અહેવાલ અનુસાર રેલવે તંત્રની આવકનો વૃદ્ધિ દર ઘણો ધીમો છે. તેની સરખામણીએ ખર્ચનો વૃદ્ધિ દર ઘણો જ ઊંચો છે. આથી રેલવેની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેને ચેતવણી આપતા કેગ દ્વારા કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. એ મુજબ, કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે તેમજ બજારમાંથી મળતા ફંડનો પૂરો ઉપયોગ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

'કેગ'ના રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ ર૦૦૮-૦૯ માં રેલવેનો ઓપરેટિંગ રેશિયો ૯૦.૪૮ ટકા હતો, જે ર૦૦૯-૧૦ માં ૯પ.ર૮ ટકા, ર૦૧૦-૧૧ માં ૯૪.પ૯ ટકા, ર૦૧૧-૧ર માં ૯પ.૮પ ટકા, ર૦૧ર-૧૩ માં ૯૦.૧૯ ટકા, ર૦૧૩-૧૪ માં ૯૩.૬ ટકા, ર૦૧૪-૧પ માં ૯૧.રપ ટકા, ર૦૧પ-૧૬ માં ૯૦.૪૯ ટકા, ર૦૧૬-૧૭ માં ૯૬.પ ટકા અને ર૦૧૭-૧૮ માં ૯૮.૪૪ ટકા નોંધાયો છે.કેગના રિપોર્ટમાં ભલામણ કરાઈ છે કે રેલવેની આંતરિક મહેસુલી આવક વધારવા માટે ઉપાય કરવા જોઈએ. જેથી કુલ અને વધારાના અંદાજપત્રિય સંશાધનો પર નિર્ભરતા અટકાવી શકાય. આમાં ભલામણ કરાઈ છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રેલવે દ્વારા કરાયેલા મૂડીગત્ ખર્ચમાં કાપ મૂકાયો છે. રેલવેએ ગત્ બે વર્ષમાં આઈબીઆર-આઈએફ હેઠલ એકત્ર કરાયેલા પૈસાને ખર્ચ કરી શકી નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે રેલવે બજારથી મળેલા ભંડોળનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરે.

કેગે ભલામણ કરી છે કે રેલવેએ તેની આંતરિક રેવેન્યુ વધારવા માટે પગલાં લેવાની જરૃર છે. આથી કુલ અને વધારાના અંદાજપત્રિય સંશાધનો પરની નિર્ભરતા અંકુશમાં લઈ શકાય તેમ છે. આ ઉપરાંત ઘસારાપેટે ઓછી જોગવાઈ કરવાથી જુની અસ્ક્યામતના રિન્યૂઅલને લગતા કામોમાં ભરાવો થઈ જાય છે. આ બેકલોગને ખતમ કરવા અને સમયસર રિપલેસમેન્ટની તાકીદની જરૃર છે. તેણે કોઈ યોગ્ય કારણ વગર નવું ભંડોળ ઊભું કરવાથી બચવાની પણ રેલવેને સલાહ આપી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit