જામજોધપુરમાં બાઈક સાથે ખુંટીયો અથડાઈ પડતા વૃદ્ધનો લેવાયો ભોગ

જામનગર તા. ૪ઃ ચોમાસાના પગરણ થઈ રહ્યા છે ત્યારે જ થોડા દિવસોથી સમગ્ર જામનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં જ ગોકુલ નગર વિસ્તારમાં ખુંટીયાએ વાહન સાથે અથડાઈ અકસ્માત સર્જ્યો હતો. તે પછી ચાર દિવસ પહેલાં જામજોધપુરમાં વધુ એક ખુંટીયાએ અકસ્માત સર્જતા એક વૃદ્ધે જિંદગી ગુમાવી છે.

જામનગર શહેર તથા જિલ્લામાં થોડા દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ અનહ્દ બન્યો છે.અખબારોના પાને આ સમાચાર વારંવાર ચમકતા હોવા છતાં નીંભર બની ગયેલા તંત્રવાહકોને નાગરિકોની લેસમાત્ર ચિંતા ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જાહેર માર્ગો પર અને સાંકડી શેરીઓમાં અડીંગો જમાવીને બેસી જતા ઢોર નાના-મોટા અકસ્માત સર્જતા રહે છે.

જામજોધપુરના રીંગ રોડ પર આવેલા ઈલોરા ટાવરમાં વસવાટ કરતા રમેશચંદ્ર ભાણજીભાઈ અમૃતીયા નામના ૬૨ વર્ષના પટેલ વૃદ્ધ ગયા મંગળવારે રાત્રે નવેક વાગ્યે પોતાના મોટર સાયકલમાં જામજોધપુરથી ગીંગણી ગામમાં રહેતા પોતાના નાનાભાઈ સમીર અમૃતીયાને ત્યાં જવા માટે નીકળ્યા હતાં. આ વૃદ્ધ શહેરના મધર ટેરેસા સ્કૂલ રોડ પરથી પસાર થયા ત્યારે અચાનક જ રોડ પર એક દોડતો ખુંટીયો આડો ઉતરતા રમેશચંદ્રનું વાહન તેની સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પરથી પછડાયેલા રમેશચંદ્રને માથા તથા જમણા પગમાં ઈજા થઈ હતી. સારવાર માટે ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સમીરભાઈ ભાણજીભાઈ અમૃતીયાએ પોલીસને જાણ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit