Advertisement

બેટ-દ્વારકામાં એક મહિનો વીતી ગયા પછી પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો નથી!

સરકારી દવાખાનાનું લોલંલોલઃ

ઓખા તા. ર૯ઃ ૩૧ મી સુધી વેપારીઓને ફરજિયાત વેક્સિનેશનના નિયમ છતાં બેટદ્વારકાના સરકારી દવાખાનામાં એક માસથી વધુ સમયથી પ્રથમ ડોઝનું વેક્સિનેશન બંધ હોવાથી જનાક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે જ્યારે ૩૧ મી જુલાઈ સુધીમાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા જાહેર કરાયું છે, ત્યારે બેદ્વારકામાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ ગત્ ર૬ મી જૂનના ૩૦૦ વ્યક્તિઓને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાયા પછી આજે એક માસથી પણ વધુ સમય થવા છતાં પ્રથમ ડોઝનું વેક્સીનેશન બંધ રહેતા સરકારના આરોગ્ય વિભાગની વેક્સિનેશન અંગેની કાર્યપ્રણાલી અંગે સવાલો ઊઠ્યા છે. આ સાથે બેટદ્વારકાની ૧ર હજારની વસતિ આરોગ્ય તંત્રના વાંકે રામભરોસે હોય તેવું જણાઈ રહ્યું છે, અને જનાક્રોશ જાગ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા પણ વેક્સિનેશનની કામગીરી અંગે ગંભીરતા દાખવતા જિલ્લામાં રસીકરણનો વ્યાપ વધારવા તેમજ સુવ્યવસ્થા ગોઠવવા અંગે ૯ મી જુલાઈના અધિકારીગણ સાથે મિટિંગ યોજી જરૃરી સૂચનો અપાયા હોવા છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આ સૂચના જાણે ઘોળીને પી ગયું હોય તેમ આશરે બાર હજારની વસતિ ધરાવતા બેટદ્વારકાવાસીઓને સતત થતાં અન્યાય માટે આરોગ્ય તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસમાં નાનકડા એવા જિલ્લામાં ર૮,૩૯૧ જેટલા રસીકરણના ડોઝ અપાયાની વાહવાહી લૂંટવા જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે બેટદ્વારકામાં એક માસથી વધુ સમયથી પ્રથમ ડોઝનું રસીકરણ બંધ રાખવા પાછળ શું કારણ છે તેવા પ્રશ્નો ઊઠવા પામ્યા છે. બેટદ્વારકાને નિવાસી ડોક્ટરથી લઈને રસીકરણ સુધી સતત થતાં અન્યાય છતાં આરોગ્ય તંત્રની ઉદાસીનતાથી સરવાળે બેટના પ્રજાજનોને સહન કરવાનો વારો આવ્યો છે.

બેટદ્વારકા એ તીર્થક્ષેત્ર હોય, દરરોજ હજારો ભાવિકોની અવરજવર રહે છે. હાલમાં શિવરાજપુર બીચના વિકાસ તેમજ બેટના વિકાસની જાહેરાતો પછી છેલ્લા બે માસથી ટુરીસ્ટનો સતત ધસારો જોવા મળતો હોય તેવા સંજોગોમાં પણ હજારો બેટવાસીઓના સ્વાસ્થ્યની સતત ઉપેક્ષા થતી હોય તેમ પ્રથમ ડોઝનું વેક્સિનેશન એક માસથી પણ વધુ સમયથી બંધ રખાતા બેટદ્વારકાવાસીઓને સંક્રમણની સંભાવના જોતા આ અંગે જવાબદાર કોણ તે પણ પ્રશ્નો ઊઠ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit