Advertisement
Author: નોબત સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી આપણે ઉત્તમ ચોકીદારીના પાઠ હવે ભણવા જ પડશે!

અમેરિકા ભારત જેવા મોટા દેશ સામે પણ સમયાંતરે ખાંડાં ખખડાવે છે!: ટ્રમ્પને યુક્રેન અને ચીનની જેમ વળતો જવાબ આપણે આપવો જોઈએ!

ભારતના બે મોટા રાજ્યો જેટલી જ વસ્તી ધરાવતું અમેરિકા આટલી બધી દાદાગીરી શેના આધારે કરી શકે છે? ભારત  જેવા ૧૫૦ કરોડની વસ્તી ધરાવતા દેશથી લઈ સૌરાષ્ટ્ર કરતાં ઓછી વસ્તી ધરાવતા દેશ યુક્રેન સાથે વારંવાર અણછાજતું વર્તન કરે છે અને દુનિયા તે સહન પણ કરે છે! અમેરિકાના એલોન મસ્કની કાર કંપ ની ટેસ્લા અને ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં જંગી રાહતો આપવી પડી છે. દુનિયામાં અનેક દેશોનો વિરોધ હોવા  છતાં ડોલર એક જ સર્વ માન્ય ચલણ છે. યુરોપના દેશોએ અલગ સંગઠન બનાવી યુરો નામનું આંતરરાષ્ટ્રીય ચલણ વહેતું  મૂક્યું, પરંતુ અમેરિકાની દાદાગીરી અને રાજકારણને કારણે તે ચાલ્યું જ નહીં! માત્ર ૩૬ કરોડની વસ્તી ધરાવતો આ દેશ  કોના જોરે કુદકા મારી રહ્યો છે?

ચોકીદાર

અમેરિકાના નવનિર્વાચીત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકા ફર્સ્ટનું સૂત્ર આપ્યું અને અમેરિકન મતદારોને તે શિરાની જેમ  ગળે ઉતરી ગયું. અત્યાર સુધી અમેરિકાએ દુનિયામાં સ્વાર્થ કે સેવા માટે અમેરિકાની તિજોરી ખૂલી મૂકી દીધી હતી. ટ્રમ્પ  દાદાએ ફરી તેને મજબૂત તાળાં મારવાની શરૂઆત કરી છે. ભારતની ચૂંટણીમાં પણ એક સમયે મૈં ભી ચોકીદાર સૂત્ર બહુ  ચાલ્યું, અને પરંપરાગત રીતે જીત્યા પછી ભુલાઈ ગયું! આપણે પણ હવે ટ્રમ્પ દાદા પાસેથી નિષ્ઠાવાન ચોકીદારીના પાઠ  ભણવા પડશે.

ટેકનોલોજી

અમેરિકાની આ સૌથી મોટી તાકાત છે. વિશ્વની સૌથી વધુ વપરાતી ટેકનોલોજીમાં અમેરિકાની કંપનીઓની મોનોપોલી છે. ચીન ભલે ઉત્પાદક દેશ કહેવાય, પરંતુ અમેરિકા આજે પણ ટેકનોલીજીનો દેશ છે. આપણો દેશ ૨૧મી સદીમાં હજુ  રેલવેના ડબ્બાઓ આધુનિક કરી રહ્યું છે ત્યારે અમેરિકાની એક નાની કંપની ફેરલી એરોસ્પેસ કંપનીનું બ્લૂ ઘોસ્ટ નામનું અવકાશયાન ચંદ્ર ઉપર ફેબ્રુઆરીના અંતમાં ઉતારવામાં આવ્યું છે. અમેરિકાની નાની કંપનીઓ પણ ચંદ્ર અને મંગળ સુધી પગ ફેલાવી રહી છે. અમેરિકાની ચિપ (સેમિકંડક્ટર) ઉત્પાદક કંપની એનવીડિયાનો મોટો દબદબો છે. તેના માલિક વિશ્વના ધનિકોમાં પ્રથમ નંબરે છે! એન્જિઑગ્રાફીના વાચકો માટે  આજે અહી અમેરિકાની તાકાત સમાન મોટી કંપનીઓ અને ટેકનોલોજી ઉપર પ્રકાશ પાડવો છે. દુનિયાની ૯૦ ટકા મોટી  કંપનીઓ અમેરિકાની છે અથવા અમેરિકનોની માલિકીની છે. આલ્ફાબેટ (ગૂગલ વગેરે), મેટા (ફેસબુક, વૉટ્સઅપ વગેરે), વૉલમાર્ટ, વિઝા અને માસ્ટર કાર્ડ, જે. પી. મોર્ગન, સિટિ બેન્ક, માઈક્રોસોફ્ટ, એપલ, ટેસ્લા, એમેઝોન, બોઈંગ, એરબસ, નેટફલીક્ષ, મનોરંજન માટેનું ડિઝની લેન્ડ, જોન્સન એન્ડ જોન્સન, કોકાકોલા, પેપ્સી, સ્ટારબકસ, ઉબેર,  ફાઇઝર, આઈ. બી. એમ., મેક ડોનાલ્ડ, નેસ્લે, મોર્ગન સ્ટેન્લી, સ્કાઇ ટીવી વિગેરે. દુનિયામાં અમેરિકન કંપનીઓની મોનોપોલી છે. આપણે પણ તેની ચુંગાલમાં છીએ. સવાર પડે એટલે વૉટ્સઅપ ખોલવું જ પડે, એન્જિઑગ્રાફી લખવા માટે માઈક્રોસોફ્ટ વાપરવું જ પડે, તેને નોબતમાં મોકલવી હોય તો જીમેલ વાપરવુંજ પડે!

એનવીડિયા

એનવીડિયા કોર્પોરેશન એક અમેરિકન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન અને ટેકનોલોજી કંપની છે જેનું મુખ્ય મથક કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં છે અને ડેલવેરમાં સ્થાપિત છે. ૧૯૯૩ માં જેન્સન હુઆંગ (પ્રેસિડેન્ટ અને સીઈઓ), ક્રિસ માલાચોસ્કી અને કર્ટિસ પ્રીમ દ્વારા સ્થાપિત, તે એક સોફ્ટવેર કંપની છે જે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જી૫ીયુએસ), ડેટા સાયન્સ અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઈએસ) અને મોબાઇલ કમ્પ્યુટિંગ અને ઓટોમોટિવ માર્કેટ માટે સિસ્ટમ ઓન અ ચિપ યુનિટ્સ (એસઓસીએસ) ડિઝાઇન અને સપ્લાય કરે છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) હાર્ડવેર અને સોફ્ટવેરનો પણ અગ્રણી સપ્લાયર છે.

કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ એજ-ટુ-ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે અને સુપરકોમ્પ્યુટર્સ અને વર્કસ્ટેશનમાં આર્કિટેક્ચર,  એન્જિનિયરિંગ અને બાંધકામ, મીડિયા અને મનોરંજન, ઓટોમોટિવ, વૈજ્ઞાનિક સંશોધન અને ઉત્પાદન ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં એપ્લિકેશનો માટે થાય છે, ૨૦૨૩ ના બીજા ક્વાર્ટરમાં ૮૦.૨% ના બજાર હિસ્સા સાથે, એનવીડિયા ડિસ્ક્રીટ  ડેસ્કટોપ જીપીયુના વૈશ્વિક વેચાણમાં મોટા માર્જિનથી આગળ છે. કંપનીએ શીલ્ડ પોર્ટેબલ (હેન્ડહેલ્ડ ગેમ કન્સોલ), શીલ્ડ  ટેબ્લેટ (ગેમિંગ ટેબ્લેટ), અને શીલ્ડ ટીવી (ડિજિટલ મીડિયા પ્લેયર), તેમજ તેની ક્લાઉડ ગેમિંગ સેવા જીફોર્સ નાઉની રજૂઆત સાથે ગેમિંગ ઉદ્યોગમાં તેની હાજરીનો વિસ્તાર કર્યો.

વિશ્વની તમામ સ્માર્ટ પ્રોડક્ટ માટે આ કંપનીનો સહકાર જરૂરી છે. ન્યુરાલિંકના ઇલોન મસ્ક માણસના મગજમાં જે ચિપ ફીટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તે ચિપ આ કંપની તૈયાર કરી છે!

માઈક્રોસોફ્ટ

દુનિયામાં પ્રથમ સોફ્ટવેર ક્રાંતિ લાવનાર આ અમેરિકન કંપની છે. અભણ માણસ પણ આજે કોમ્પ્યુટર ચલાવી શકે છે. દુનિયાની તમામ ભાષાઓને સપોર્ટ કરે છે. એક જમાનામાં કોમ્પ્યુટર માટે એરકન્ડિશન મશીન ફરજિયાત હતું, આજે તે કચ્છના રણમાં પણ કાર્યરત રહી શકે છે. અમેરિકાનું આ ગેમ ચેન્જર મશીન છે.

ગૂગલ

દુનિયામાં આધુનિકતા માટેની સૌથી મોટી ક્રાંતિ લાવનાર ગૂગલ અમેરિકન કંપની છે. અક્ષર જ્ઞાન વગરનો માણસ પણ આ અંગ્રેજી કમાન્ડ વાળો સોફ્ટવેર વાપરી શકે છે. અભણ ડ્રાઈવર પણ ગૂગલ મેપ સરળતાથી ઉપયોગ કરી શકે છે! અ મેરિકન ટેકનોલોજી યુઝર ફ્રેન્ડલી હોવાથી દુનિયામાં છવાઈ ગઈ છે. ભારત પાસે આજે પણ જીમેઈલનો પર્યાયી નથી! ગૂગલની તમામ કંપનીઓ આજે આલ્ફાબેટ નામની કંપની હેઠળ ચાલે છે.

મેટા

સોશિયલ મીડિયા એપ્લિકેશનની આજે દુનિયાભરમાં મોનોપોલી છે. મેટની માલિકીની ફેસબુક ઉપર ભારત અને ચીનની વસ્તી કરતાં વધુ વપરાશકર્તાઓ ઍક્ટિવ છે. આજે એમ કહેવાય છે કે, ફેસબુક અને વૉટ્સઅપ ની પેરન્ટ કંપની મેટા  દુનિયાનો સૌથી શક્તિશાળી આભાસી દેશ છે, જેના સભ્યો એકત્ર થાય તો મહાસત્તાને પણ ઉથલાવી દે!

ઓપરેટિંગ સિસ્ટમ

દુનિયામાં કોમ્પ્યુટર, મોબાઈલ ક્ષેત્રે વપરાતી ૯૯ ટકા ઓપરેટિંગ સિસ્ટમ અમેરિકાની બનાવટ છે. માઈક્રોસોફ્ટ,  એન્ડ્રોઇડ અને એપલ તમામ અમેરિકન છે. આ ઉપરાંત સંદેશાવ્યવહાર માટે નવી કંપની સ્ટારલિંક ચારેતરફ ફેલાઈ રહી  છે. દુનિયાના ૧૦૦ દેશોમાં તે મોબાઈલ ટાવર વગર આકાશમાં તરતા સેટેલાઇટથી સુપરફાસ્ટ ઇન્ટરનેટ પૂરૃં પાડે છે.

વિમાની કંપની

દુનિયામાં ઉડતા ૯૦ ટકા વિમાનો અમેરિકન કંપની એરબસ અને બોઈગ બનાવે છે! આ બે કંપની જ દુનિયાના ૫૦ ટકા જેટલું બજેટ અને નાણાકીય વ્યવહારો કરે છે. આ બન્ને વિવિધ પ્રકારના હેલિકોપ્ટર, સેનાના લડાયક વિમાનો, કાર્ગો  વિમાનો પણ બનાવે છે. એવિએશન ક્ષેત્રે અન્ય કંપનીઓ પણ આ બન્નેની ટેકનોલોજી અને સંશોધનો વાપરે છે.

બેન્કિંગ

આર્થિક વ્યવહારો માટે પણ આ દેશ ટોચ ઉપર છે. ભારતમાં જેની એક પણ બ્રાન્ચ નથી તેવી અમેરિકાની સિટી બેન્ક માટે  મુંબઇમાં ગોરેગાંવમાં ૩ હજારથી વધુ લોકો નોકરી કરે છે. ભારતમાં મોટાભાગના ઓનલાઇન આર્થિક વ્યવહારો માટે દાયકાઓથી માસ્ટર અને વિઝા કાર્ડ ચલણમાં છે. ભારતે પોતાનું રૂપે કાર્ડ બનાવ્યું, પરંતુ અમેરિકન કંપનીઓની દાદા ગીરીને કારણે ભારતે તેનું માર્કેટિંગ સીમિત કરી દીધું છે. જે. પી. મોર્ગન, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, ગોલ્ડમેન સાચસ મુખ્ય છે. વિશ્વમાં થતાં તમામ ડોલરના વ્યવહારો અમેરિકન બેન્કો આધારિત હોય છે! અમરીકનું અર્થતંત્ર એટલું વિશાળ અને વ્યાપક છે કે દુનિયાના તમામ દેશે તેને એસેસ આપવું પડે છે.

લાંબા અંતરની રોકડની લેણદેણ માટે અમેરિકાની વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો દબદબો છે. આપણે આંગડિયા પ ેઢીના યુગમાં છીએ ત્યારે આ કંપનીની સ્થાપન ૧૮૫૧ માં ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. આજે પણ તે મોખરાની રોકડ  લેણદેણ કંપની છે! દુનિયાભરમાં ઓનલાઇન ચૂકવણી માટે ગેટવે તરીકે સૌથી વધુ વપરાતી સિસ્ટમ પેપલ એલોન મસ્કની  છે.

અમેરિકા

ઐતિહાસિક કથા અનુસાર અમેરિકાની શોધ ક્રિસ્ટોફર કોલંબસ નામના નાવિકે કરી હતી. મસાલા અને તેજાના માટે  દરિયો ખેડવા માટે નિકળેલો કોલંબસ માર્ગ ભૂલી જતા ૧૪૯૨માં અમેરિકા પહોંચી ગયો. તે ત્યાં લાંબો સમય રોકાયો  અને આ દેશનું મહત્ત્વ દુનિયા સમક્ષ મૂક્યું! કોલંબસે જે દરિયાઈ માર્ગ ઉપર પ્રવાસ કર્યો હતો તેને આજે પણ સ્પાઇસ રૂટ કહેવામાં આવે છે.  યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ), જેને યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અથવા અમેરિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ૫૦ રાજ્યોનું સંઘીય પ્રજાસત્તાક છે અને વોશિંગ્ટન, ડી.સી. તેની રાજધાની છે. ૪૮ સંલગ્ન રાજ્યો ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદ ધરાવે છે, ઉત્તરપશ્ચિમમાં અલાસ્કાનો અફાટ બરફ આચ્છાદિત પ્રદેશ અને પેસિફિક મહાસાગરમાં હવાઈનો દ્વીપસમૂહ છે.

વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક, યુ.એસ. આર્થિક સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા, નવીનતા, માનવ અધિકારો અને ઉચ્ચ શિક્ષણમાં સૌથી ઊંચા ક્રમે છે. લગભગ ૧૮૯૦ થી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર રહ્યું છે. તે કોઈપણ દેશ કરતાં સૌથી વધુ સંપત્તિ ધરાવે છે અને ઓઈસીડી દેશોમાં માથાદીઠ સૌથી વધુ ઘરગથ્થુ આવક ધરાવે છે, જોકે યુ.એસ.માં સંપત્તિની અસમાનતા મોટાભાગના અન્ય વિકસિત દેશો કરતા વધારે છે. યુ.એસ. બહુવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોનું સભ્ય છે અને વૈશ્વિક રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને લશ્કરી બાબતોમાં અગ્રણી ભૂમિકા ભજવે છે.

અમેરિકા આધુનિક વિચારસરણી માટે પણ વિવાદ અને ચર્ચામાં રહે છે. ભારતમાં જેટલી સરળતાથી સાબુ ખરીદી શકાય તેટલી સરળતાથી અહી બંદૂક ખરીદી શકાય છે. વિશ્વની તમામ બ્રાન્ડનો દારૂ મળે છે. સેક્સ અહી સામાન્ય બાબત છે. લોકો બચતોમાં બહુ માનતા નથી અને વિક એન્ડમાં સપ્તાહની આવક વાપરી નાખે છે. લગ્નજીવન બહુ ટકાઉ હોતા નથી. ટેસ્લાના માલિક એલોન મસ્કને ચાર પત્ની અને ૧૪ બાળકો છે! વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાલમાં ત્રીજી પત્ની  છે.

અમેરિકામાં આવેલું હોલીવુડ સૌથી સફળ ફિલ્મોના નિર્માણ માટે જાણીતું છે. તેની ફિલ્મો દુનિયાભરમાં જોવાય છે. દુનિયાના સૌથી આધુનિક ભવ્ય શહેરોમાં તેનું લાસ વેગાસ પ્રથમ ક્રમે છે. અહી ટ્રમ્પના જુગરખાના ધમધમે છે. ટ્રમ્પનું વ્યક્તિગત ખાનગી નિવસ્થાન માર-એ-લાગો દુનિયાનું સૌથી મોંઘું અને વિશાળ આવાસ છે!

અમેરિકાને દુનિયામાં યુદ્ધ ભડકાવનારો દેશ માનવામાં આવે છે. ફર્સ્ટ પોસ્ટના પત્રકાર પલકી શર્મા લખે છે કે, બીજા દેશોમાં હસ્તક્ષેપ અમેરિકાની જૂની ટેવ છે. અમેરિકાએ અત્યાર સુધીમાં ૨૯ દેશો ઉપર હુમલા કર્યા છે. જો કે, ટ્વીન ટાવર ઉપરનો હુમલો, તે અમેરિકા ઉપરનો સૌથી મોટો હુમલો હતો. અમેરિકાની ધરતી ઉપર હજુ સુધી કોઈ યુદ્ધ ખેલાયું જ નથી!

અમેરિકા ભારત સાથે ભલે હાઉડી-હાઉડી રમે, પરંતુ નિયમિત રીતે અહી પોતાની તાકાતનું પ્રદર્શન કરતું રહે છે. તાજેતરમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીય લોકોને હાથકડી અને પગમાં બેડી પહેરાવી ધકેલી દીધા હતા અને ભારત વિરોધ પણ નોંધાવવામાં નિષ્ફળ રહ્યું!

'નોબત'ના વાચકો અને ચાહકોએ મહાસત્તા અમેરિકાનો પ્રવાસ જીવનમાં અચૂક એકવાર કરવો જોઈએ.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh