Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચુનિયાના ઘરે પાડોશીઓ એકઠા થઈ અને દબદબાટી બોલાવતા હતા. જુદા જુદા અવાજો આવી રહ્યા હતા.
'છોકરાઓને સંભાળીને રાખતા નથી અને આવી કાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. હું તો એમ કહું છું કે મા બાપે સંસ્કાર આપવા જોઈએ.'
કેમા બાપે કોઈ દિવસ શીખવ્યું જ નથી કે આ કરાય અને આ ન કરાય.
'આ તો પાડોશી છો એટલે જતું કરીએ બાકી આગળ જતાં આ શું નહીં કરે'? 'આવડા મોટા ગુન્હામાંથી છટકી નહીં શકે.' 'અગાઉ પણ બે વાર તમારો છોકરો મારા છોકરાને ભોળવી અને લાભ લઈ ચૂક્યો છે.' બહારના દરવાજે ઊભા ઊભા હું અને ચુનિયો આ સાંભળતા હતા.
મને પણ એમ થયું કે કાંઈ મોટો ગુન્હો કરી અને આ છોકરો આવ્યો છે. એટલે વાત આગળ ન વધે તે માટે ટોળા વચ્ચે હું ઘુસ્યો.
મેં વિગત જાણવા માટે પૂછ્યું કે ''શું વાત છે?'' ત્યાં તો ચુનિયાના પરિવારને પડતો મૂકી લોકો મારી તરફ ઘૂસ્યા કે ચુનિભાઇએ છોકરાને સંસ્કાર આપ્યા નથી કે. 'આજે આ નાનો ગુન્હો કર્યો છે કાલે મોટો કરશે આવા સંસ્કાર હોય?' એકવારની ભૂલ હોય તો બરાબર છે. વારંવાર કરે તે રીઢો ગુન્હેગાર ગણાય.
મેં કીધું ''ફોડ પાડો શું થયું છે?''
ત્યાં તો સુજી ગયેલા મોઢાવાળો એક ગોળ મટોળ વ્યક્તિ સમગ્ર ટોળાનું સુકાન સંભાળી મને કહે ''ચહેરો જોતા એવું લાગે છે કે તમે જ શીખવ્યું હશે''.
મેં કહ્યું 'પણ શું? વિગત તો કહો.'
તો એનો, તેના જેવો જ બર્ગર જેવો છોકરો રડમસ ચહેરે બોલ્યો ''મને ભોળવી અને અમારા વાઇફાઇનો પાસવર્ડ લઈ છેલ્લા એક અઠવાડિયાથી તેના ઘરમાં તમામ લોકો મોબાઈલ અને ટીવી વાપરે છે.''
અમારા વાઇફાઇની સ્પીડ ઘટી ગઈ છે. આ તો કંપનીને ફરિયાદ કરી ત્યારે ખબર પડી કે અમે ઘરના ચાર જણા છીએ. અને બીજા ૬ જણા જેમ બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસી મફતના અનાજની મોજ કરે છે. તેમ અમારા વાઇફાઇની મોજ કરે છે.
ચુનિલાલના છોકરામાં 'ઈ' સંસ્કાર નથી.
લાફા લાફી થાય તે પહેલા માફા માફી કરી પ્રશ્નને થાળે પાડ્યો.
ફરિયાદની નજરે મેં ચુનિયા સામે જોયું એટલે તરત જ તેણે કહ્યું કે ''મેં એને ઘણી વાર સમજાવ્યો છે કે કોઈની પાસેથી પાસવર્ડ માંગવો નહીં. સિફતથી જાણી લઈએ તો ખબર પણ શું પડે? તેના છોકરાને ભલે ભોળવીને પણ મોઢા મોઢ પૂછ્યું તો આપણું નામ આવ્યું ને? વાત વાતમાં જાણી લઈએ તો કોણ ૬ જણા વાપરે છે તે ખબર પડે?'' મને સમજાઈ ગયું કે કૂવામાં હોય તે જ અવેડામાં આવે.
આજકાલ સંસ્કારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
પહેલાના જમાનામાં કોઈનું કુળ કે ગોત્ર પૂછવામાં આવતું કે કોઈની જ્ઞાતિ પૂછવામાં આવે તો તેને થોડું અપમાન જેવું લાગે. પરંતુ હવે નો સમય એવો છે કે કોઈના વાઇફાઇ નો પાસવર્ડ માગવામાં આવે તો તેને અપમાન જેવું લાગે. 'ઈ' સંસ્કાર હાલ સૌથી વધારે ચર્ચામાં છે.
કોઈ મોબાઇલમાં મેસેજ કરતું હોય અને તમે ડોકું કાઢી વાંચવાનો પ્રયત્ન કરો તો તે 'ઈ' અસંસ્કારીતા છે.
કોઈ અજાણ્યો પોતાના મોબાઈલમાં અમૂક પ્રકારના વિડીયો જોતો હોય અને તમે સાથે જોવાનો પ્રયત્ન કરો. અથવા તો તેના ઈયરફોનનો એક છેડો તમારા કાનમાં ભરાવી અને મજા માણવાનો પ્રયત્ન કરો તે 'ઈ' આ સંસ્કારીતા છે.
કોઈનો મોબાઈલ હાથમાં લઈ અને જો લોક હોય અને તેનો પાસવર્ડ માંગો છો તો તે 'ઈ' અસંસ્કારીતા છે. કોઈપણના ઘરે બેસવા જાવ અને કેમ છે કેમ નહીં કરતા પહેલા તમારા મોબાઇલનું ચાર્જર માગો, કે તેમના હાથમાં તમારો મોબાઈલ પકડાવી અને આ ચાર્જિંગમાં મૂકી દો તેવું કહો તે 'ઈ' અ સંસ્કારિતા છે. અને એમાં પણ જો તેના ઘરે વાઇફાઇ હોય અને તેનો પાસવર્ડ માગો તો લોકો તમને બીપીએલ કાર્ડધારક માની લે છે અને તમે કોઈ ઘોર અપરાધ કર્યો હોય તેવી દૃષ્ટિથી તે મારી સામે જુએ. તેમાં તેનો વાંક નથી તે ઈ અ સંસ્કારિતા છે.
તાજેતરમાં જ એક બનેલી ઘટના કહું તો હું મારા એક મિત્રના દીકરા માટે કન્યા જોવા મિત્રના પરિવાર સાથે એક પરિવારને ત્યાં ગયો હતો. મારે કશું બોલવાનું ન હતું પરંતુ સમગ્ર ઘટના ઘટી જાય પછી મારો અભિપ્રાય આપવાનો હતો. છોકરી ભણેલી ગણેલી અને ગુણવાન હતી. અમે ગયા કે તરત જ પરિવારે અમને આવકાર્યા. પરંતુ મેં જોયું કે છોકરો થોડો ડિસ્ટર્બ હતો. તેણે તેના પપ્પાને કાનમાં કશું કહ્યું તરત જ પપ્પાએ કંટાળાના ભાવ સાથે અને એક ઠપકાની નજરથી છોકરાને શાંત બેસાડી દીધો.
મને ઘટના સમજમાં ન આવી પરંતુ બાપ દીકરાનો પ્રશ્ન છે તેમ સમજી હું ચૂપ રહ્યો. છોકરાના માં-બાપ એ થોડી વાત કરી અને છોકરીને બોલાવી. ડાહી ડમરી થઈ અને છોકરીએ જે કાંઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના યોગ્ય પ્રત્યુતર આપ્યા. આ બધી ઘટના દરમિયાન એક સુશીલ અને સાદી છોકરી પાણી, ચા-નાસ્તો વગેરે લઈ અને આવતી જતી હતી. છોકરાની વ્યાકુળતા ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
પછી બંને પરિવારની સહમતિથી છોકરા અને છોકરીને અંદરના રૂમમાં વાતો કરવા માટે કહેવામાં આવ્યું એ દરમિયાન પેલી સુશીલ છોકરી છોકરા પાસે આવી અને કહ્યું કે કોઈ તકલીફ છે? મોબાઇલની બેટરી ડાઉન છે? લાવો ચાર્જિંગમાં મૂકી દઉં. છોકરાના મોઢા પર ચમક આવી ગઈ. તરત જ તે છોકરીના હાથમાં મોબાઈલ મૂકી દીધો. પેલી છોકરીએ મંદ મંદ હાસ્ય સાથે કહ્યું કે ફાસ્ટ ચાર્જર છે એટલે હમણાં જ ચાર્જ થઈ જશે. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો તમામ રાજ્યોમાં ફરી અને સુખરૂપ પાછો આવી ગયો હોય અને રાજાને જેવી ખુશી થાય તેવી ખુશી છોકરાના મોઢા પર ફેલાઈ ગઈ.
અંદરના રૂમમાં બંને વાત કરી. અને બહાર આવ્યો ત્યાં મોબાઈલ પણ ચાર્જ થઈ ગયો હતો અને પેલી છોકરીએ ઘરના વાઇફાઇનો પાસવર્ડ પણ એક કાગળમાં લખી અને છોકરાના હાથમાં મુક્યો. ત્યાં તો છોકરાના કોઠામાં ૩૨ દીવા થયા.
૧૦-૧૫ મિનિટ મોબાઈલ મચેડી છોકરાએ પાંચ દિવસની કબજિયાત પછી છૂટકારો થયો હોય તેવા હાંસકારા સાથે સમગ્ર પરિવારને જયશ્રી કૃષ્ણ કહ્યું અને પેલી છોકરી તરફ હાસ્ય વેરી અને અડધો જુકી બાય કરી અને નીકળ્યો.
વાત હવે શરૂ થઈ ઘરે આવી અને છોકરાએ પોતાનો નિર્ણય જણાવ્યું કે ''આપણે જે છોકરી જોવા ગયા હતા તે સારી જ છે. પરંતુ જે બીજી શાંત અને સુશીલ છોકરી હતી તે મને પસંદ છે. તેનામાં ભારોભાર 'ઈ' સંસ્કાર હતાં. ચહેરાના હાવ ભાવ પરથી જે મુશ્કેલી સમજી જાય તે જ આખી જિંદગી મને સમજી શકશે.'' તેના પપ્પાએ એક થપ્પડ મારી અને કહ્યું કે તે તેના ઘરની આખા દિવસની કામવાળી છે. પરંતુ રાજાને ગમે તે રાણી. છેલ્લા એક અઠવાડિયાથી તેના ઘરમાં આ 'ઈ' સંસ્કારના મુદ્દે ધડબડાટી ચાલે છે.
વિચારવાયુઃ આ પાડોશીઓ સાવ કંજૂસ છે. વાઈફાઈનો પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો અને કહેતા પણ નથી.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial