રેલવે તંત્ર પાસે રીફન્ડ ચૂકવવાના નાણા નથી...!ઃ રીફન્ડ ચૂકવવામાં ઠાગાઠૈયાં

જામનગર તા. ર૩ઃ ભારતમાં લોકડાઉન જાહેર થવાના પગલે લોકડાઉન ત્રણ સુધીના સમયગાળામાં દેશભરમાં પેસેન્જર રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અનેક લોકોએ રેલવેના નિયમો પ્રમાણે ડિસેમ્બર-જાન્યુઆરી કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી રેલવે યાત્રા માટે એડવાન્સમાં ટિકિટો ખરીદ કરી લીધી હતી. આ લોકો જો લોકડાઉનના નિયમો પ્રમાણે રેલવે વ્યવહાર બંધ ન થાય તો રેલ યાત્રા કરવાના જ હતાં. પણ આ તો સરકાર અને રેલવે તંત્રના કારણે રેલવે બંધ થઈ અને યાત્રા અશક્ય બની હતી. આથી એડવાન્સ બુકીંગ કરેલા યાત્રીકોને તેમની ટિકિટના પૂરેપૂરા નાણાનું રીફન્ડ મળવાપાત્ર હોવું જોઈએ. જામનગરના ચંદારાણા પરિવારે જામનગરથી નાગપુર ત્રણ વ્યક્તિને આવવા-જવા માટે રીટર્ન ટિકિટ તા. ર૦-૧-ર૦ર૦ ના દિવસે એડવાન્સમાં ખરીદ કરી હતી. જામનગરથી નાગપુર જવા માટેની તેમની યાત્રાની તારીખ ર૯-૪-ર૦ર૦ અને નાગપુરથી જામનગર પરત આવવા માટેની ટિકિટ તા. ૧૦-પ-ર૦ર૦ ની હતી. આ રિટર્ન ટિકિટ ખરીદ કરવા તેમણે રૃા. ૧૮૭પ-૧૮૭પ લેખે રૃપિયા ૩૭પ૦ ચૂકવ્યા હતાં.

લોકડાઉનમાં રેલવે વ્યવહાર બંધ રહ્યો હોવાથી આ લોકો પણ તેમની યાત્રા કરી શક્યા નથી. તેથી આ ટિકિટના રીફન્ડ માટે રેલવે સ્ટેશને તેમજ બુકીંગ એજન્ટ પાસે ધક્કા ખાઈ રહ્યાં છે, પણ રેલવે તંત્ર તરફથી એવો જવાબ મળે છે કે, હમણા અમારી પાસે રીફન્ડ ચૂકવવાના નાણા નથી... ક્યારે આવશે તે નક્કી નથી તેથી બે-ચાર દિવસે ધક્કા ખાવા પડી રહ્યાં હોવા છતાં આજસુધી રીફન્ડ મળ્યું નથી.

લોકડાઉન બે વખતે પણ કેટલીક ટ્રેનોની જાહેરાત થઈ, બુકીંગ ચાલુ થયા, પરંતુ ટ્રેનો રદ્દ થઈ હતી. તે વખતના બુકીંગના પૈસા માટે રીફંડ હજુ ચૂકવાયું નથી.

આ તો અખબારમાં આપેલો એક માત્ર કિસ્સો છે. બાકી અસંખ્ય લોકોએ એડવાન્સમાં ખરીદેલી ટિકિટના રીફન્ડ હજી સુધી ચૂકવાયા નથી તેવું જાણવા મળે છે. રેલવે તંત્રએ લોકડાઉન-૩ સુધી તમામ પેસેન્જર ટ્રેનો (ખાસ શ્રમિક ટ્રેનો સિવાય) બંધ રાખી હતી. હમણાં જ રેલ વ્યવહાર પૂર્વવત કરવાના પ્રથમ ચરણરૃપે દેશમાં ર૦૦ ટ્રેનો શરૃ કરવાની જાહેરાત થઈ છે અને તેના બુકીંગ શરૃ થઈ ગયા છે. હવે જો લોકડાઉન-૪ માં શરૃ થનાર ટ્રેનો પણ કોઈપણ ગંભીર સ્થિતિ સર્જાય તો ફરીથી બંધ કરવાની જાહેરાત કરવી પડે તો ફરીથી રીફન્ડનો પ્રશ્ન ઉભો થશે...! સરકાર - રેલવે વિભાગ ટ્રેનો શરૃ કરવાની - બંધ કરવાની - ટિકિટો બુક કરવાની જાહેરાતો પ્રજાના હિત માટે કરે તેની સામે કોઈને વાંધો ન જ હોય શકે, પણ સાથે-સાથે લોકડાઉનના કારણે જ રેલ વ્યવહાર બંધ રાખવાની ફરજ પડે ત્યારે તે ટ્રેન માટે એડવાન્સમાં ખરીદેલી ટિકિટોના રીફન્ડ કેટલા દિવસમાં અને કેટલું મળશે તેની સ્પષ્ટ જાહેરાત તથા ચોક્કસ ગાઈડ લાઈન્સ પણ જાહેર કરવાની જરૃર છે.

અત્યારે તો કેટલાંક ટીક્કાકારોના મતે રેલવે વિભાગને તો ટ્રેનો શરૃ થવાની જાહેરાત સાથે જ એડવાન્સ બુકીંગમાં નાણાં ઉઘરાવી અને રેલ વ્યવહાર બંધની જાહેરાતથી નાણાં પરત નહીં દેવાની પ્રક્રિયામાં મોટી રકમના નાણાં ઉઘરાવી લેવાનો મોકો મળી ગયો છે. દેશની જનતાને લોકડાઉનમાં રેલવે મુસાફરી કદાચ ન કરવી પડે તો વાંધો નહીં, પણ તેમણે સરકારે જ જાહેર કરાયેલી ટ્રેનોમાં એડવાન્સમાં ખર્ચેલો નાણાથી કાં તો મુસાફરી કરવા મળે અથવા રીફન્ડ મળે તેવું ઈચ્છી રહ્યાં છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit