Advertisement
Author: નોબત સમાચાર

અમૂક સંબંધોમાં માપદંડ પૈસાનું ના હોય હૃદયના સંબંધી હોય ત્યાં બધું જ ગૌણ થઈ જાય...

તુષાર હજી બે દિવસ પહેલા જ યુ.એસ. વિઝીટ થી પરત આવ્યો હતો અને આજે ઓફિસમાં આવ્યો ,સૌને મળ્યો પછી કેબિનમાં જતા જતા ઓફિસમાં નજર કરતો હતો. મનીષ આ જોયા કરતો હતો અને વિચારતો હતો કે તુષાર સર  આજે આવીને તરત કોને શોધી રહૃાા છે? એણે રજની કાકા ને પૂછ્યું કે કાકા સાહેબ આ તુષાર સર કોને શોધી રહૃાા છે? આ કાકા સાહેબ એટલે તુષાર ના પિતાજી મનસુખરામે આ કંપની શરૂ કરી ત્યારથી સહયોગી,  એ સમયે એ અને રમણીક ભાઈ બે વ્યક્તિ હતા  જ હતા અને પછી જેમ જેમ કંપની પ્રગતિ કરતી ગઈ એમ કામ, વ્યવસાય અને એ સાથે  સ્ટાફ વધતો ગયો.રજનીભાઇ અને રમણીકભાઇ   જોડાયા ત્યારે યુવાન હતા, રમણીકભાઇ આમ પ્યુન ઓફિસના અને બહારના કામ કરે. એ અમુક ઉંમરે  બહુ જ બીમાર પડયા એટલે પથારી વશ થયા  અને રજનીકાકા  હવે નિવૃત્તિની આરે છે. એમને પહેલેથી આજ સુધી બધી ખબર હોય એમને પહેલા બધા રજનીકાકા કહેતા અને પછી એ મેનેજર થયા એટલે કાકા સાહેબ. મનીષે જ્યારે પૂછ્યું કે કાકાસાહેબ તુષાર સર કોને શોધી રહૃાા છે? ત્યારે એમણે માત્ર ડોકું હલાવ્યું પણ કોઈ જવાબ આપ્યો નહિ, એ સમજી ગયેલા પણ બોલે નહીં. કાકાસાહેબ દરેકને ઓળખતા હોય, કોઈની નજર  ફરે કે  પગલું ફરે કાકા સાહેબ સમજી જાય. એ બધા ને ઓળખતા હોય. એમની નજર ગજબ હતી. એ મનસુખરામ ને કહી દેતા કે આ માણસને નોકરી રખાય કે ન રખાય. માણસને પારખવાની ગજબ સુજ હતી અને છે એમનામાં.

તુષાર કેબિનમાં બેઠો પછી જીવન ચ્હા લઈને અંદર ગયો. જીવનને જોઈ એક બે ક્ષણ જોઈ રહૃાો એટલે જીવને પૂછ્યું કંઈ જોઈએ છે? તુષાર કહે ના ના કાંઈ નહીં, જીવને બહાર જઈ કાકા સાહેબને કહૃાું કે આજે તુષાર સર આવ્યા ત્યારના વિચારોમાં છે.આવ્યા ત્યારે પેન્ટ્રી માં મને જોયો અને જોતા હતા, એ પછી કેબિનમાં  જતા ચારે તરફ જોતા હતા.  હું ચ્હા લઈને ગયો એ સમયે મારી સામે જોતા હતા. શું વિચારતા હશે? કાકા સાહેબે ખાલી ડોકું હલાવ્યું.. રજનીકાકા ને ખબર હતી કે  તુષાર થાકશે એટલે મને પૂછશે કે *કાકા સાહેબ મનીષા કેમ દેખાતી નથી? , મને ખબર છે એ મનીષા ને શોધે છે. મનીષા , કોઈને ખબર નહોતી કે એ રમણીક કાકા ની દીકરી હતી, માત્ર રજનીભાઇ એટલે કે કાકાસાહેબને જ ખબર હતી. રમણીકભાઇ પથારીવશ થયા ત્યારે પૈસાની તકલીફ તો પડે જ. કમાનાર કોઈ નહીં અને એક દીકરો કિશન અને નાની દીકરી મનીષા. રમણીક કાકા બીમાર પડયા એટલે એમણે કાકા સાહેબને વિનંતી કરી કે  મને પૈસાની તકલીફ પડશે, કિશન કોલેજના  છેલ્લા વર્ષમાં છે ,એને  ગ્રેજ્યુએશન પૂરું કરવું છે પછી નોકરી મળશે. ફી વગેરે નો ખર્ચ થશે, મારે પૈસા નથી જોતા પણ મારી મનીષા ને નોકરીએ રાખો ટેકો થશે. કાકાસાહેબ શેઠ મનસુખરામ ને  ને વાત કરી એટલે નોકરીએ  રાખી એને ,એ બધા કામ કરતી,સવારે વહેલી આવે અને ઓફિસ સાફ કરે પછી સૌ માટે ચ્હા બનાવે એ પછી  રિસેપ્શન પર બેસે, ફાઇલિંગ વગેરે કરે , એ પણ કોલેજના પહેલા વર્ષમાં હતી. કોલેજથી સીધી ઓફિસ આવતી અને ટિફિન એક વાગે  ભાઈ કિશન  આપી જતો.કાકા સાહેબ અને શેઠ મનસુખરામ સિવાય કોઈને ખબર નહિ કે આ  રમણીકભાઈ ની દીકરી છે.

મનીષા સવારે વહેલી ઉઠી જતી , બધા માટે ચ્હા નાસ્તો બનાવે, જમવાનું બનાવે પછી કોલેજ જાય કોલેજ થી સીધી ઓફિસે જાય. રમણીકભાઈ ને એક પિતા તરીકે દીકરીની ચિંતા બહુ જ થાય ,એ ક્યારેક એકલા રોઈ પણ લે. એ દીકરી ને કહે કે બેટા હું લાચાર અપંગ થઈ ગયો. તારી માં તો પહેલે થી બીમાર છે એની સેવા તો તમે બેય ભાઈ બેન કરો છો અને હવે હું માથે પડ્યો , આ સાંભળી દીકરી  પપ્પા ને કહેતી કે પપ્પા તમે આવું બધું ન બોલો અને  જરાય ચિંતા ન કરો , હું અને કિશન ભાઈ બધું કરી લેશું. તમને સાજા પણ કરી દેશું અને ઘર પણ સાંભળશું. ભાઈ ભણી રહે અને બેન્ક ની પરીક્ષા આપી દેશે એટલે   દિનેશ કાકા એને  બેંકમાં નોકરી માટે કરવાના જ છે. બસ એ નોકરીએ લાગી જાય..પછી હું મારું ભણવાનું કરીશ. તમે ચિંતા ન કરો બધું સારું થશે. બન્ને બાળકો માં બાપની સેવા કરતા અને  સાંત્વના આપતા.

મનીષા ઓફિસમાં સરસ ગોઠવાઈ ગયેલી. રૂપાળી નમણી તો હતી જ. સદાય હસતી રહેતી. કોઈને જોતા જ ગમી જાય. રિસેપ્શન પર બેઠી હોય ત્યારે ફોન પર પણ સરસ વાત કરે અને રૂબરૂ આવનાર સાથે પણ વિવેકપૂર્વક સરસ વાત કરે. એ બધાને ગમતી હતી. એ વિશેષ ગમી ગઈ શેઠ મનસુખરામ ના દીકરા તુષાર ને . તુષાર પરદેશ ભણવા ગયેલો , બધાને એમ હતું કે એ હવે પાછો ન આવે પણ ભણવાનું પૂરું થયું એટલે પાછો આવી જ ગયો. એ કહેતો હતો કે મારા પિતાએ નાના પાયે  આ ધંધો સ્થાપ્યો અને એને હું નવા જમાનાની શૈલીમાં આગળ વધારીશ. એનું જ તો હું ભણવા ગયેલો. એ પાછો આવ્યો અને ઓફિસમાં   ઉત્સવ હતો કે નાના શેઠ ભણીને આવી ગયા છે , એમનું સ્વાગત સરસ થવું જોઈએ. આખી ઓફિસ મનીષા એ શણગારી હતી. એણે તો નાના  શેઠને જોયા જ નહોતા. તુષાર પિતાની સાથે ઓફિસમાં દાખલ થયો અને જેવું ગ્લાસ ડોર ખોલ્યું અને એની ઉપર પુષ્પ વર્ષા થઈ બધા એ તાળીઓથી વધાવી લીધા. એ પોતે પણ ભાવવિભોર થઇ સૌને નમસ્તે કરી ઉભો રહૃાો. એની આંખમાં આંસુની ઝલક દેખાતી હતી , સામે જ રજની ભાઈ ઉભા હતા તુષાર એમની પાસે જય કાકા સાહેબ કહી ચરણ સ્પર્શ કર્યા. એમણે આશીર્વાદ આપ્યા તુષાર બધાને મળતા મળતા આગળ વધ્યો છેલ્લે મનીષા હતી એણે નમસ્તે કર્યું , તુષાર જોઈ રહૃાો ત્યાં મનીષ કહે કે સર આ મનીષા રિસેપ્શન પર બેસે છે અને ફાઇલિંગ વગેરે ઘણું સંભાળે છે. આ બધું એણે જ કર્યું છે. આઈડિયા એનો જ હતો. તુષાર ખુશ થયો અને કહૃાું કે આજે બધા સાથે જમશું. એટલે મનીષા બોલી એ પણ આયોજન છે જ ,માત્ર આપને કહેવું હતું. હવે તમે જ કહૃાું એટલે  આનંદ થયો.

બસ એ ક્ષણ થી મનીષા તુષાર ના મન હ્ય્દયમાં ગોઠવાઈ ગઈ. એ સતત એની સંભાળ રાખતો. સવારે એની કેબિનમાં ચ્હા આપવા એ જ જતી. તુષાર પ્રેમથી કેમ છો, પૂછતો હતો. રાજી થઇ જતો એને જોઈને પણ કહે કોને કે હું એના પ્રેમમાં પડ્યો છું. એ પછી તો ક્યારેક પિતાની તબિયતને કારણે મનીષા મોડી આવે કે ન આવી શકે તો  તુષાર આકુળ વ્યાકુળ થઇ જતો પણ કહે કોને.... કાકા સાહેબ બધું જોવે અને સમજે. મનમાં ખુશ પણ થાય કે દીકરી મનીષા બહુ જ સુખી થશે.  એમને આ ખેંચાણ નું પરિણામ ખબર હતી. કાકાસાહેબ ,શેઠ મનસુખરામ ના ખાસ , શેઠ ઓફિસની ગતિવિધિઓ એમને જ પૂછે. કાકાસાહેબ વિગતે સત્ય કહે. વ્યવસાય, નવા આયોજનો વગેરે બધું જ ,એમાં તુષાર વિશે પૂછે એટલે મનીષા પ્રત્યેના ખેંચાણ નું પણ કહે. એ કાકા સાહેબને કહે કે  જોતા રહેજો, ધ્યાન રાખજો.

આમને આમ ચાલતા તુષારને  વ્યવસાય વિકાસ માટે પરદેશ જવાનું થયું. એ ગયો ત્યારે મનીષાને કેબિનમાં બોલાવી કહેલું કે બધું ધ્યાન રાખજો. સાચવી લેજો હું  એક મહિનામાં તો આવી જઈશ. મનીષા વિચારે કે આ બધું મને કેમ કહે છે. પણ એ સ્મિત સાથે જી જી કહી સાંભળતી હતી. પાછું બોલ્યો કે , હું પાછો આવું ત્યાં સુધીમાં બીજે ક્યાંય જતી ન રહેતી. મનીષા કહે હું ક્યાં જવાની. એના ગયા પછી મનીષાએ કાકા સાહેબને કહૃાું કે આ મને આવું બધું કેમ કહેતા હશે? કાકા સાહેબે એના માથે હાથ મૂકી કહૃાું. એને તારા પર માન છે અને ભરોસો છે. , કાકા સાહેબ મનમાં સમજતા હતા કે આવું કેમ કહેતા હશે? એમને ખ્યાલ આવી ગયેલો કે ખેંચાણ  વધી ગયું છે, આજે જ્યારે પરદેશ થી આવીને કાકા સાહેબે એની વ્યાકુળતા જોઈ એટલે થયું કંઈક કરવું પડશે. તુષાર કોઈ કામ સર  કાકા સાહેબની કેબિનમાં આવ્યો અને કહૃાું કે એક ફાઈલ   નથી મળતી, પેલી મનીષા કેમ નથી , એને બધી ખબર હોય છે , એ હોત તો તરત મળી જાત. એ ક્યાં ગઈ છે? કાકા સાહેબ કહે કે એને ફાઇનલ યર ની પરીક્ષા છે એટલે રજા પર છે. પરીક્ષા પછી આવશે. તુષાર કહે , પણ આવશે તો ખરીને? માત્ર રજા પર છે ને ? કાકા સાહેબ કહે કે હા પણ ઓફિસનું કે તમારું કોઈ કામ નહીં અટકે. એ બધું જીવન ને સમજાવીને ગઈ છે, તને કેવી ચા જોશે, ક્યારે શું જોશે, કઈ ફાઈલ ક્યાં , કોને શું કહેવું બધું જ. તુષાર કહે કે હાઆઆઆ , બરાબર પણ અમુક માં તો એ જ .... પછી પોતે જ શરમાઈ નીકળી ગયો, કાકા સાહેબ મનમાં હસ્યા. આ બધું સાંજે ઘરે જઈ શેઠ ને વિગતવાર કહૃાું , કાકા સાહેબ અને શેઠ મનસુખ રામ ને સંબંધ મિત્રતા ના વધુ હતા. ક્યારેક સાંજે બે મિત્રો બેસી પણ જતા.

એ પછીના રવિવારે કાકા સાહેબ ને લઇ મનસુખરામ રમણીકભાઈ ને ઘેર ગયા. હવે રમણીકભાઈ ની તબિયત ઘણી સુધારા પર હતી. એ દિવસે રવિવાર હતો એટલે  દીકરી મનીષા અને કિશન ઘરમાં જ હતા. મનીષા ને કાકા સાહેબે કહી રાખેલું કે હું અને શેઠ તારા પપ્પા ને મળવા આવવાના છીએ. એટલે મનીષા એ સરસ નાસ્તો બનાવી રાખેલો. બધા બેઠા પછી ચા નાસ્તો થયા , કાકા સાહેબે કહૃાું કે બન્ને ભાઈ બહેન અમારી સાથે બેસો. મનીષા અને કિશન બેઠા. મનસુખરામે પૂછ્યું કે  કિશન તમારે બેંકમાં બધું સેટ થઈ ગયું? કિશને કહૃાું હા દિનેશ કાકા એ  સરસ ગોઠવી આપ્યું, કાકા સાહેબ કહે કે હા દિનેશ તો બેન્ક નો જનરલ મેનેજર હતો એટલે તમે બેન્ક ની પરીક્ષા પાસ કરી હોય તો એ વ્યવસ્થા કરે. એ કર્યું જ હોય. એણે તારા પપ્પા સાથે સ્કૂલ સમયની દોસ્તી નિભાવી.  એણે પોતાનું પદ  અને તારા પપ્પા ની પરિસ્થિતિ નો ફરક ન માપ્યો , મિત્રતા નિભાવી. ,એ સમયે શેઠ બોલ્યા કે હવે એમ કહો કે આ કિશન તો નોકરીએ લાગ્યો એના માટે વહુ  લાવશો ને? રમણીકભાઇ કહે કે એ આમ તો નક્કી છે, અમારા કેશવ ભાઈ ની દીકરી સાથે હવે સબંધ કરવાનો છે, શેઠ કહે કે આ દીકરી મનીષા નું શું? રમણીકભાઇ કહે , એનું ગોઠવવું પડશે. કેશવને જ કહૃાું છે કે સારો છોકરો હોય તો કહેજે. શેઠ મનસુખરામ કહે કે તમને વાંધો ન હોય તો હું છોકરો  બતાવું? રમણીકભાઇ કહે શેઠ , મારા પ્રમાણનું હો તો કહો. શેઠ કહે , પૈસા નું પ્રમાણ ન જોવાય , મન મળ્યા હોય ત્યાં બધું સરખું. આમ આપણે  ત્રણેય સરખા હું આ કાકા સાહેબ અને તમે , આ કંપની સાથે શરુ કરી? મેં ક્યારેય અંતર રાખ્યું? હું મારા જ દીકરા માટે તમારી મનીષા નો હાથ માગું છું, એમ કહી હાથ જોડયા , રમણીકભાઇ ઉભા થઇ ગયા અને બોલ્યા શેઠ આ શું? હાથ મારે જોડવાના હોય કે તમે અમને તમારામાં ગણ્યા. મનીષા શરમાઈને અંદર ચાલી ગઈ.

ઘરે જઈ  શેઠ મનસુખરામ પત્નીને કહૃાું કે નક્કી કરી આવ્યા , આવતા રવિવારે સગાઇ કરશું. તુષાર ઘરમાં જ હતો, એ ચમક્યો અને બોલ્યો કે કોનું નક્કી કર્યું? કોની સગાઈ છે? કાકા સાહેબ કહે તારી સગાઈ. તુષાર કહે કે છોકરી કોણ? મને તો પૂછો? એમ થોડું ગમે ત્યાં નક્કી કરાય? મને ય મારી પસંદગી હોય, કાકા સાહેબ કહે  અમને ખબર છે  તારી પસંદગી. એની સાથે જ કર્યું નક્કી. મનીષા સાથે બોલ છે મંજુર? એ માત્ર સ્મિત આપી અંદર ચાલ્યો ગયો. કેટલાક સંબંધો આમ પણ થાય.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh