બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ, સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કરાયેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ

નવી દિલ્હી તા. ર૬ઃ બ્રિટનના મહારાણીના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને કોરોના થયો અને તેમને સેલ્ફ આઈસોલેશન પર રાખવામાં આવ્યા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટીવ આવ્યા છતાં તેઓ આઈસોલેશનમાં રહ્યા છે, તેવા અહેવાલોએ પૂરવાર કર્યું કે રાજા હોય કે રંક હોય, કોરોના કોઈને છોડતો નથી. કોઈપણ રોગચાળો કોઈપણ વ્યક્તિનો હોદ્દો, નાત-જાત, ધર્મ કે વર્ગ જોતો નથી, તેથી ફાંકો રાખીને ફરનારાઓએ પોતાને કાંઈ નહીં થાય, તેવું માનીને બેદરકાર ન રહેવું જોઈએ, તેવી સલાહ આપવામાં આવી રહી છે.

એવું કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાનો પ્રકોપ વર્તાયાનો શરૃ થઈ ગયો હોવા છતાં પ્રિન્સ ચાર્લ્સ બે-ત્રણ પાર્ટીઓ અને વીવીઆઈપીની મુલાકાતે-મિટિંગોમાં ગયા અને ત્યાંથી કોરોના લઈને આવી ગયા હશે. આ પ્રકારની બેદરકારી પછી જ્યારે રોગચાળો વળગી જાય, ત્યારે ભાન થાય છે. પ્રિન્સ ચાર્લ્સને કોઈ દવા લાગુ થઈ જાય અને જલદીથી સાજા થઈ જાય, તેવી પ્રાર્થનાઓ પણ થવા લાગી છે.

બીજી તરફ સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેઓ તબિયત સારી નહીં હોવાથી પોતાના ઘરેથી સરકારી કામકાજ કરતા હતાં અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓ આઈસોલેશનમાં છે, અને તેના સંપર્કમાં આવનાર સ્ટાફ અને અન્ય લોકોને ક્વોરેન્ટાઈનમાં રખાયા છે.

અમેરિકામાં પ્રખ્યાત શેફ ફ્લોય્ડ કાર્ડોઝના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેની સારવાર ન્યૂ જર્સીમાં ચાલી રહી હતી. તે પછી તેમની કંપની હંગર ઈન્કને ટાંકીને એવા અહેવાલો આવ્યા હતાં કે તેમનું નિધન થયું છે.

રંક હોય કે રાજા, નેતા હોય કે સેવક, પહેલાવન હોય કે નિર્બળ, અમીર હોય કે ગરીબ- બધાને કોરોના કોઈપણ ભેદભાવ વિના ચપેટમાં લઈ શકે છે. પોતાના ઘરની બહાર અતિ-આવશ્યક કામ માટે બહાર નીકળવું પડે, તો પણ કોઈપણ વ્યક્તિથી પાંચ-છ ફૂટ દૂર રહેવું હિતાવહ છે. કારણ કે કોના શરીરમાં કોરોનાનો વાઈરસ છે, તે આપણને ખબર પડતી નથી, તો ઘણી વખત કોરોનાની ચપેટમાં આવનારને ખુદને પણ કેટલાક દિવસો સુધી ખબર પડતી હોતી નથી.

નેતાઓ અને અભિનેતાઓ પણ લોકડાઉન માટે ઘરમાં પૂરાયા છે. સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદાર હોય તે સિવાયના મોટાભાગના નેતાઓ ઘરમાં જ રહીને સોશ્યલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરી રહ્યા છે, જ્યારે ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ પણ ઘેર રહીને પોતાના કામકાજ ઓનલાઈન કે ટેલિફોન દ્વારા કરી રહ્યા છે, કારણ કે આ વાઈરસ વીઆઈપીને બાકાત રાખતો નથી. માખીથી પણ કોરોના ફેલાતો હોવાના અમિતાભ બચ્ચનના ટ્વિટે પણ ધ્યાન ખેંચ્યું છે અને તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, જો કે બચ્ચને આ સંદેશ દ્વારા સ્વચ્છતા રાખવા પર ભાર મૂક્યો છે. પ્રેસ-મીડિયા દ્વારા લોકોને સાચી માહિતી મળતી રહે છે અને વ્હોટ્સએપ-ફેસબૂક-ઈન્સ્ટ્રાગ્રામ-યૂટ્યુબના માધ્યમથી પણ જનજાગૃતિ થઈ રહી છે. આમ છતાં સોશ્યલ મીડિયાના માધ્યમથી આવતી ઘણી માહિતી અધુરી અથવા અનધિકૃત હોય છે, તેથી અખબારો અને જવાબદાર મીડિયાના માધ્યમોથી આવતા અહેવાલોનો જ લોકો વિશ્વાસ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા દ્વારા અખબારો બંધ કરવા લોકોને જણાવાઈ રહ્યું છે, પરંતુ હવે તો સરકાર અને વર્લ્ડ બેંકે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અખબારોથી કોરોનાનો ચેપ લાગતો જ નથી. ત્યારે આ પ્રકારની ફેઈક ન્યૂઝથી સાવધ રહેવું જોઈએ. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીની પ્રેસકોન્ફરન્સમાં મોજુદ એક પત્રકાર તથા તેની પુત્રીને કોરોના થયો હોવાથી ત્યાં હાજર રહેલા તમામ પત્રકારોના રિપોર્ટ લેવાયા, તે ઉદાહરણમાંથી બોધપાઠ લેવો જોઈએ.

close
Nobat Subscription