Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય હેમંતભાઈ ખવા "ખોટી જમીન માપણી રદ્ કરો"નું સૂત્ર લખેલુ ટી-શર્ટ પહેરી પહોંચ્યા ગૃહમાં...!

વિધાનસભામાં મહેસુલ વિભાગની માંગણીઓની ચર્ચા સમયે

ગાંધીનગર તા. ૧૮: જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આજે ગુજરાત વિધાનસભામાં મહેસુલ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ખેડૂતો માટે માથાનો દુઃખાવો બની ગયેલ જમીનની ખોટી માપણી અંગે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા 'ખોટી જમીન માપણી રદ્ કરો'ના સૂત્ર લખેલુ ટી શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતાં, જેથી હંગામો મચી ગયો હતો અને ટી શર્ટ બદલીને આવો તેવી અધ્યક્ષે સૂચના આપી હતી. આમ છતાં હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા તેમને વિધાનસભાગૃહની બહાર કાઢવામાં આવ્યા હતાં. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ભૂલ ભરેલી જમીન માપણીના કારણે આજે ખેડૂત વર્ગમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે, કોઈની જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું છે, તો કોઈના કબજા અદલ-બદલ થઈ ગયા છે. જમીન માપણીમાં રહેલી ભૂલો ખેડૂતોને સમજાવવા માટે ગામડે ગામડે પ્રોજેક્ટ દ્વારા સ્ક્રીન પર વિગતવાર ખેડૂતોને માહિતગાર કરી, રપ,૦૦૦ હજારથી વધુ અરજીઓ કરાવી હતી. પ૦૦ થી વધુ બાઈક સાથે ૧૦૦ કિલોમીટરની બાઈક રેલી યોજી અને અર્ધનગ્ન હાલતમાં ડી.એલ.આર. કચેરીમાં આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. આવા તો અનેક આંદોલનો છેલ્લા દસ વર્ષથી સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે, તો શા માટે સરકાર આ જમીન માપણી રદ્ નથી કરતી?

લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની ૪.પ વીઘા જમીન રેકર્ડ પર ઘટી ગઈ છે. ચોટીલાના નાથાભાઈ નારણભાઈની જમીન ઘટી ગઈ છે. થરાદના કરનભાઈ બાબુજી ખોડાની ૧૦ એકર જમીન ઘટી ગઈ છે. ધ્રોળના લીલાબેન કોળી અને ચતુરબેન કોળીની બન્નેની કુલ ૧ર વીઘા જમીન ગાયબ ગઈ ગઈ છે. આવા તો સમગ્ર ગુજરાતમાં કેટલાય લોકો છેલ્લા દસ વર્ષથી ટી.એલ.આર. કચેરીના ધક્કા ખાય છે.

જામનગર જિલ્લામાં પ્રમોલગેશન પછી ક્ષતિઓ સુધારવા માટેની છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૮૩,૪૬૭ અરજીઓ ડી.એલ.આર. કચેરીએ જમા થઈ, જેમાંથી માત્ર ૧૩,પ૦૦ જેટલી અરજીઓમાં ૭-૧ર માં અસર આપવામાં આવી, જ્યારે ગામ નક્શામાં તો એક પણ અરજીમાં અસર આપવામાં આવી નથી. જ્યાં સુધી ગામના નક્શામાં અસર ના આવે ત્યાં સુધી ભૂલ સુધરી ગઈ તેવું ના કહી શકાય.

જમીન માપણીના મુદ્દામાં એક વાત સમજવા જેવી છે કે કોઈ એક ખાનગી એજન્સી દ્વારા ગુજરાતમાં વર્ષ ર૦૦૯-૧૦ મા પ્રમોલગેશન હેઠળ માપણી ચાલુ કરવામાં આવી અને વર્ષ ર૦૧૪ માં એટલે કે માત્ર ૪ વર્ષમાં પ્રમોલગેશન પૂરૂ કરવામાં આવ્યું, જ્યારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે આપણી સરકાર ૧૦ વર્ષથી સુધારે છે અને હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે.

એવું લાગી રહ્યું છે કે આ જમીન માપણી એ ભૂલ નહીં પણ જાણી જોઈને કરવામાં આવેલું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ છે. અમુક લાગતા વળગતા મળતિયાઓના ફાયદા માટે તેમની સસ્તી અને ગામથી કે રોડથી દૂરની જમીનને કિંમતી અને રોડ ટચ બનાવવાનું કૌભાંડ છે તેમ ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh