Advertisement
Author: નોબત સમાચાર

મનોરંજનના મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે ઓટીટી ઉપર છે તિવ્ર હરીફાઈ

પુષ્પા-૨, પાતાળ લોક, હિસાબ બરાબર, મહેતા બોય્ઝ અને મિસિસ મુખ્ય રજૂઆતોઃ

પાપ-પુણ્યના કુંભમાં ડૂબકી મારવી હોય તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવું પડે, પરંતુ મનોરંજનના મહાકુંભમાં રસ  તરબોળ થવું હોય તો ઘર બેઠા ગંગા છે! ટેલિવિઝનનો નાનો પડદો હવે મોટા મનોરંજનનું માધ્યમ બની ગયો છે.  ઑટીટી એપ્લિકેશન દ્વારા મનફાવે તે સમયે ફિલ્મો, શ્રેણીઓ સહિતના જથ્થાબંધ કાર્યક્રમો રિકલાયનર સોફામાં પોપ કોર્ન આરોગતા માણી શકાય છે. પુષ્પા-૨ મોટા પડદા ઉપર ૮૦૦ કરોડની કમાણી કરે તો પણ નાના પડદે પણ રજૂ કરવી  પડે છે. મારા જેવા દર્શકો હવે ઘરે બેઠાં બેઠાં મનોરંજનની દુનિયામાં જૂજ ખર્ચે પગ પખાળી લે છે!

નાના પડદે ફેબ્રુઆરી મહિનો ગરમ રહ્યો અને આગામી સમયમાં ૫૬ ભોગ મળવાનું આયોજન થઈ ચૂક્યું છે. બે દાયકા  પહેલા નિષ્ફળ રહેલી ફિલ્મ સનમ તેરી કસમ (કમલ હસનવાળી નહીં) હમણાં ઓટીટી ઉપર ફરી રજૂ થઈ અને સફળ રહી. મોટા પડદે નિષ્ફળ રહેલી ફિલ્મો હવે ધામધૂમથી અહી આવી રહી છે. જંગી કમાણી કરનાર અલૂ અર્જુનની ફિલ્મ પુષ્પા-૨ થોડી લાંબી કરી રીલોડ ટેગ લાઇન સાથે રજૂ કરવામાં આવી.

ઇમરજન્સી

કંગના રનૌત સ્ટારર ફિલ્મ ઇમરજન્સી નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કંગનાએ માહિતી આપી છે કે આ ફિલ્મ ૧૭ માર્ચે  પ્રીમિયર થશે. આ જાહેરાત પછી, કંગનાના ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. કંગના રનૌતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. ઇન્દિરા ગાંધી અને તેના કટોકટીકાળ ઉપર આ ફિલ્મ બની છે.

છાવા

વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મ મોટા પડદે ધૂમ મચાવી રહી છે. માર્ચના અંતમાં નાના પડદે રજૂ થવાની ધારણાં છે. પુષ્પા-૨ ની જેમ અહીં પણ તેની લંબાઈ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મસાલા મનોરંજન

ક્રાઈમ થ્રિલર પ્રેમીઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ ઝી-ફાઇવ પર રજૂ થયેલી વેબ સિરીઝ 'ક્રાઈમ બીટ' ચોક્કસ ગમે તેવી છે. આ શ્રેણીની વાર્તા એક પત્રકાર પર કેન્દ્રિત છે જે બદલાની આગમાં એક ખતરનાક ગેંગસ્ટરનો સામનો કરે છે અને છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને રાજકારણના જાળમાં ફસાઈ જાય છે. શ્રેષ્ઠ ક્રાઈમ જર્નાલિસ્ટ બનવા માટે તે મુશ્કેલ પડકારોનો સામનો કેવી રીતે કરશે? તેની વાર્તા મજા પડે તેવી છે. આ ફિલ્મમાં  સાકિબ સલીમ, સબા આઝાદ, રાહુલ ભટ્ટ, સાઈ તામહણકર અને આદિનાથ કોઠારે જેવા નવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

'ઉપ્સ.. અબ ક્યા' એ ગિના રોડ્રિગ્ઝ અને જસ્ટિન બાલ્ડોનીના પ્રિય શો 'જેન ધ વર્જિન'ની હિન્દી રિમેક છે. આ એક રોમેન્ટિક કોમેડી છે જેમાં એક કુંવારી યુવતી તેના ગાયનેકોલોજિસ્ટની ભૂલને કારણે તેના બોસના બાળકથી ગર્ભવતી બને છે, જેના કારણે તે તેના બોસ અને તેના બોયફ્રેન્ડ સાથે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ જાય છે. આ શોમાં શ્વેતા બાસુ પ્રસાદ, આશિમ ગુલાટી, જાવેદ જાફરી અને સોનાલી કુલકર્ણી જેવા કલાકારો જોવા મળશે. આ વેબમાં અભિનેત્રી અમી અલ્યા કે જે કેટરીના કૈફની હમસકલ લાગે છે તે પણ મુખ્ય ભૂમિકામાં છે. ૮ હપ્તાની આ વેબ શ્રેણી જીઓ હોટસ્ટારમાં રજૂ થઈ છે.

ઝીરો ડે એ એક અંગ્રેજી રાજકીય થ્રિલર શ્રેણી છે જેમાં રોબર્ટ ડી નીરો, લિઝી કેપલાન, જેસી પ્લેમોન્સ અને એન્જેલા બે સેટ અભિનીત છે. ૨૦ ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી શકો છો.

બહુચર્ચિત વેબ સિરીઝ આશ્રમ ૩ ભાગ ૨ની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે. પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલની ક્રાઈમ ડ્રામા વેબ સિરીઝ 'આશ્રમ ૩ પાર્ટ ૨'નું ટ્રેલર લોન્ચ થયા પછી, હવે તે ૨૭ ફેબ્રુઆરીએ મેક્સ પ્લેયર ઉપર રજૂ થઈ. આ ઓટીટી સંપૂર્ણ ફ્રી ટ્રાન્સમિશન છે. ધાર્મિક બાબાઓના આશ્રમમાં ચાલતી ગરબડીઓ, મહિલાઓનું શારીરિક શોષણ, ડ્રગ્સ, માફિયાગીરી જેવા પાસાઓને આવરી લે છે.

મહેતા બોય્ઝ

બોલિવૂડના કસાયેલ કલાકાર બોમન ઈરાનીએ  મહેતા બોય્ઝ દ્વારા નિર્માણ કાર્યમાં પણ ઝુકાવ્યું છે. પિતા પુત્ર વચ્ચેના  મતભેદોને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અમેઝોન ઉપર આ ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા છે. બોમન જૂના ઘરને છોડવા નથી માંગતા અને પુત્ર પોતાની કારકિર્દી વિકસવવા માટે મુંબઈ જતો રહે છે. પુત્રી લગ્ન કરી વિદેશમાં સ્થાઈ હોય છે. પિતા અને પુત્ર વચ્ચેના ગંભીર મતભેદોને કારણે પુત્રી પિતાને પોતાની સાથે વિદેશ લઈ જવા ઈચ્છે છે. પરંતુ આકસ્મિક કારણોસર બોમને હવાઈ મથકથી સીધા પુત્રના નાના જૂના ઘરમાં જવું પડે છે. અહી બનતી ઘટનાઓ દર્શકોને ભરપુર મનોરંજન પૂરૃં પાડે છે.

મિસિસ

મહેતા બોયઝની જેમ આ ફિલ્મ પણ પારિવારિક છે. નવપરીણિત પતિ અને પત્ની વચ્ચેના તંગ સંબંધો ઉપરની આ એક વધુ ફિલ્મ કહી શકાય! નૃત્યમાં રૂચિ ધરાવતી સાન્યાને તબીબ પાત્ર મળવાથી ખુશ છે. પતિ ઉચ્ચ ડિગ્રીધારી હોવાથી પોતાના મુખ્ય શોખ નૃત્યને પણ તિલાંજલિ આપે છે. દરેકના દાંપત્યજીવનમાં બને છે તેમ થોડા વખત પછી સાન્યા સસરા અને પતિની કચકચથી તંગ આવી જાય છે. લગ્ન પછી તે મોટાભાગે રસોડામાં જ પસાર કરવો પડે છે, ઉપરથી બે પુરૂષોની ટકટક તેને નીરસ કરી દે છે. રિચાની ભૂમિકામાં સાન્યા મલ્હોત્રા, દિવાકરની ભૂમિકામાં નિશાંત દહિયા, સસરાની ભૂમિકામાં કંવલજીત સિંઘ છે. મિસિસ ફિલ્મ મલયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન કિચન (૨૦૨૧)ની રિમેક છે.

બ્લેક વારંટ

દેશની નામચીન તિહાર જેલમાં ૩૫ વર્ષ ફરજ બજાવનાર સુનિલ ગુપ્તા નામના જેલર દ્વારા લખાયેલ પુસ્તક બ્લેક વારંટ ઉપર આ શ્રેણી આધારિત છે. દર્શકોમાં તે લોકપ્રિય ફિલ્મ બની છે. સાત હપ્તાની આ શ્રેણીમાં કુખ્યાત ગુનેગાર ચાર્લ્સ શોભરાજ અને રંગા બિલાની વાર્તા છે. સુનિલ ગુપ્તાની ભૂમિકામાં ઝહાન કપૂર છે. જેલની દીવાલો પાછળની જિંદગી અહીં બખૂબી દર્શાવવામાં આવી છે.

ધૂમ ધામ

આપણાં ગુજરાતી સુપરસ્ટાર પ્રતિક ગાંધીની આ ફૂલ લેન્થ હિન્દી ફિલ્મ છે. યામી ગૌતમ અને પ્રતીક ગાંધીની એક્શનથી ભરપૂર ફિલ્મ 'ધૂમ ધામ' નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. 'ધૂમ ધામ'ની વાર્તા વીર ખુરાના અને કોયલ ચઢ્ઢાની આ સપાસ ફરે છે, જેઓ એક મનમેળ ન ખાતુ દંપતી છે અને ગોઠવાયેલા લગ્નમાં બંધાય છે.

ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ

હિન્દી ફિલ્મ ''ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ''ની વાર્તા એક ગુપ્ત સમાજની આસપાસ ફરે છે જે છત્રપતિ શિવાજી મહારાજના ૧૭મી સદીમાં છુપાયેલા ખજાનાને શોધી કાઢે છે, હીરો રાજીવ તેને ખોટા હાથમાં ન જવા દેવાના મિશનનું  નેતૃત્વ કરે છે, અને અંતે શિલેદાર્સના વડા તરીકે ઉભરી આવે છે. ''ધ સિક્રેટ્સ ઓફ ધ શિલેદાર્સ'' ડિઝની પ્લસ  હોટસ્ટાર પર છે.

હિસાબ બરાબર

આ ફિલ્મ હિન્દી ભાષાની વ્યંગાત્મક એક્શન કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં આર. માધવન મુખ્ય ભૂમિકામાં છે. નીલ નીતિન મુકેશ, કીર્તિ કુલ્હારી, રશ્મિ દેસાઈ અને ફૈઝલ રશીદ સહાયક ભૂમિકાઓમાં છે. આ વાર્તા એક રેલ્વે ટિકિટ ચેકરની છે જે નાના બેંક વ્યવહારોમાં વિસંગતતાઓ ઉજાગર કરે છે, જે તેને ઊંડા પ્રણાલીગત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તરફ દોરી જાય છે. આ ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયો અને એસપી સિનેકોર્પ દ્વારા કરવામાં આવ્યું છે. ઝી-૫ની આ ફિલ્મમાં મુખ્ય હીરો આર. માધવન બેંકમાં માત્ર ૧૭.૨૫ રૂપિયા ઓછા જમા થતાં બેન્ક સામે લડાઈ કરે છે, અને કરોડોનું કૌભાંડ બહાર આવે છે. નાના નાના હિસાબોથી તેના નજીકના લોકો પણ પરેશાન રહે છે, પરંતુ  તે હિસાબ બરાબર કરે છે.

પાતાળલોક-૨

મારધાડ અને એક્શન પેક વેબની આ બીજી સિઝન છે. સ્વર્ગમાં દેવતાઓ રહે છે, ધરતી ઉપર માનવો રહે છે અને પ ાતાળ લોકમાં ગંદા કીડા રહે છે તે થીમ છે. ફિલ્મો હીરો પોતાના નવા સહકર્મીને કહે છે કે આપણું પોલીસ સ્ટેશન પાતાળ લોકમાં આવેલું છે અને ગંદા કિડાઓ સાથે જ પનારો પડ્યો છે. બીજી સિઝનમાં વાર્તા નાગલેન્ડની અંધારી આલમ ઉપર  આધારિત છે. હાથીરામ ચૌધરીની મુખ્ય  ભૂમિકામાં જયદીપ આહલાવતનો અભિનય કાબિલે દાદ છે.

આર્થિક કટોકટી

આ કોઈ વેબ સિરિઝનું નામ નથી, પરંતુ ઓટીટી એપ્સ ની વર્તમાન હાલત છે. મોટા ભાગની એપ્સ નફો રળતી નથી. આંતરરાષ્ટ્રીય એપ નેટફલીકસને  દર્શકો ન મળતાં મહિને ૫૦૦ રૂપિયાને ઘટાડીને ૧૯૯ કરી નાખ્યા, પરંતુ તે મોટા  ખોટના ખાડામાં ઉતરી ગઈ. જો કે વિશ્વના ૧૫૦ દેશોમાં તેનું પ્રસારણ હોવાથી તેની પાસે કન્ટેન્ટનો દુકાળ નથી અને  ભારતની ખોટ પણ નડતી નથી. ભારતના ટોચના ધનિક મુકેશ અંબાણીની ઓટીટી એપ વૂટનું તો બાળમરણ થઈ ગયું. ત્યારબાદ જીઓ સિનેમા લોન્ચ કર્યું અને આઈપીએલના મફત પ્રસારણને કારણે થોડો સમય ટકી ગયું. મોટા ટેક ઓવર કરવા માટે જાણીતી રિલાયન્સે વિશ્વની માતબર ડિઝની હોટસ્ટારનો ભારતનો ધંધો ખરીદી લીધો. તેના બીજા સાહસ જીઓ સિનેમાને પણ તાળાં લાગી ગયા પછી હવે ત્રીજા પ્રયાસમાં જીઓ હોટસ્ટાર શરૂ કર્યું છે. જીઓએ વિશ્વ વિખ્યાત મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લેનો અમદાવાદનો બીજા દિવસનો જલસો સંપૂર્ણ મફત લાઈવ કર્યો હતો. ડિઝની હોટસ્ટાર જેવી કન્ટેન્ટ સમૃદ્ધ કંપની પણ ભારતમાં નફો રળવામાં ટૂંકી પડી છે. સોની લિવ અને ઝી-૫ હચુડચુ છે. ભારતમાં ક્રિકેટની બાબતમાં પણ માત્ર આઈપીએલને ટીવી વ્યૂઅરશીપ મળે છે, બાકીની મેચોમાં બહુ કમાણી થતી નથી! શિવરાત્રિ પર્વ પ્રસંગે પણ સોમનાથથી લઈ સદગુરૂ ઈશાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ કર્યું છે.

ભારતમાં એમેઝોન પ્રાઇમ, નેટફલીક્સ, જીતેન્દ્રની પુત્રી એકતા કપૂર સંચાલિત અલ્ટ બાલાજી (એડલ્ટ કન્ટેન્ટ), મેક્સ પ્લેયર (ટાઈમ્સ જૂથનું ફ્રિ એપ), શેમારૂ, ઇરોઝ નાવ જેવા ૧૦ ઓટીટી પ્લેટફોર્મ છે.

બાળ અવસ્થા

ભારતમાં ઓટીટી (ઓવર ધ ટોપ) મનોરંજન હજુ બાલ્યા અવસ્થામાં છે. સામાજિક શ્રેણીઓમાં પણ અચાનક ગંદા દૃશ્યો અને શબ્દો આવવા લાગે છે, પરિવાર સાથે બેસીને જોવામાં સંકોચ થાય તેવું છે. કેટલીક એપ તો ભારતીય સંસ્કૃતિને ન શોભે તેવું મનોરંજન બેફામ પીરસે છે.

'નોબત'ના વાચકો અને ચાહકોને નીતનવીન મનોરંજન મુબારક.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh