Advertisement
Author: નોબત સમાચાર

દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થાય પણ એટલું ખ્યાલ રાખો કે બાળકો સામે ન થાય

વહેલી સવારનો સમય હતો, વૃદ્ધાશ્રમના દરવાજા હજી ખુલ્યા નહોતા, હળવી હળવી મંદ હવા ચાલતી હતી, પંખી કલરવ કરતા હતા વૃદ્ધશ્રમના બંધ બારણાની અંદરથી પ્રભાતિયું સંભળાતું હતું. એટલામાં ગાય દોહવા વાળો હરજી આવ્યો અને મુખ્ય ડેલો  ખખડાવવા જતો હતો ત્યાં ઓટલા ઉપર એક દસ બાર વર્ષના બાળકને સૂતેલો જોયો. એને થયું કે નવજાત શિશુને અનાથ આશ્રમની બહાર કોઈ મૂકી જાય એ સાંભળ્યું છે પણ આ દસ બાર વર્ષના બાળકને કોઈ મૂકી તો ન જાય એ જાતે આવીને સૂતું હશે, વળી લાગે છે સારા ઘરનું, કોઈ ગરીબ નથી.એણે ડેલો ખખડાવ્યો અને ચોકીદારે ખોલ્યો એટલે હરજી બોલ્યો કે બાબુલાલ આ ઓટલા પર બાળક સૂતું છે, કોઈ મૂકી તો ન જાય. માં બાપ થી વિખૂટા પડી રસ્તો  ભુલ્યુ હશે અને  ક્યાંકથી આવ્યું હશે. બાબુલાલે કહ્યું કે ભલે હરજીભાઇ હું કરું છું, તમે ગમાણમાં જાવ ગાયો દોહવા. આ વૃદ્ધાશ્રમ બહુ સરસ હતો, એના સ્થાપક એકલા રહેતા ધરમવીર દાદા હતા. ધરમવીર દાદા પાસે અઢળક મિલકત હતી એમાં સૌથી મોટો મહેલ, આ મહેલ અંદરથી વિશાળ હતો બત્રીસ તો રૂમ હતા. મોટું રસોડું અને પાછળ ગમાણ જયાં ગયો હતી. જેનું દૂધ દોહવા આ હરજી આવતો અને વૃદ્ધાશ્રમમાં આ જ દૂધ બધાને અપાતું અને આ જ દૂધમાં ચ્હા કોફી બનતા. દહીં જમાવાતું છાશ  બનતી અને માખણ બનતું અને ઘી પણ અહીં જ. દર ત્રીજા દિવસે આ વિસ્તારના લોકોને મફત છાશ અપાતી અને બધા લેવા આવતા. આ દાદાના  બાળકો બધા વિદેશમાં હતા. એમને કોઈ આ મિલકતમાં કે દાદાના  પૈસામાં રસ હોય કે ન હોય એમણે એ બધાને બે દખલ કરી દીધેલા. એ શુ કામ ? શું થયું? એ વાત લાંબી છે એ અત્યારે નહિ. દાદાએ મહેલમાં  આ વૃદ્ધાશ્રમ બનાવેલો. ટ્રસ્ટ બનાવી એમના બે મિત્રો જે એમના જેવા જ શ્રેષ્ઠી હતા એમને ટ્રસ્ટી બનાવેલા. આ વૃદ્ધાશ્રમમાં અંદર જવા આ એક જ મોટો  ડેલો હતો. સવારે બાબુલાલ એ ખોલે  અને રાત્રે અગિયાર વાગે એ બંધ થાય. આ ડેલા ના ઓટલે આ બાળક સૂતું હતું. ચોકીદારે અંદર જઈને  ધરમવીર દાદાને કહ્યું કે  ને કહ્યું કે  બહાર ઓટલે એક બાળક સૂતું છે. દાદા તરત ઊભા થયા અને કહ્યું કે  ચાલો એને અંદર લઇ આવીએ. બાળકને બહાર જઈ ઉઠાડવા પ્રયત્ન કર્યો. બાળક ઝબકીને ઊભું થઇ ગયું. દાદાને  બે હાથ જોડી કહેવા લાગ્ય ું કે મને અહીંથી કાઢતા નહીં. મને ભૂખ લાગી છે , થોડું ખાવા દ્યો, પછી હું ચાલ્યો જઈશ પણ ઘેર નથી જવું. દાદા કહે દીકરા કાંઈ નહિ થાય. તું  ચિંતા નહિ કર ચાલ અંદર. દાદા એને એમના રૂમમાં લઇ ગયા. એને ફ્રેશ થવા બાંધી વ્યવસ્થા કરી આપી. ચ્હા નાસ્તો આપ્યો , દાદાએ નામ પૂછ્યું તો એ બાળકે કહ્યું કે મારુ નામ અમિત છે, મને એવી જગ્યાએ કલાક બે કલાક  રહેવા દેજો કે હું કોઈને દેખાઉં નહિ અને  કોઈ પૂછતું આવે તો કહેતા નહિ કે હું અહીં છું. દાદા એ કહ્યું કોઈ નહિ કહે. અહીં કોઈ અંદર સુધી આવી જ ન શકે. બહાર ઓફિસમાં કહી દેશું. અને કલાક બે કલાક નહિ આખો દિવસ રહેજે, પછી વિચારશું. એ નાસ્તો કરતો હતો  ત્યાં બારીમાંથી ડાઇનિંગ હોલ મા ં ઘણા વૃદ્ધ દાદા દાદી ને જોયા , એ જોઈ દાદા ને પૂછ્યું કે આ બધા કોણ છે? આ કઈ જગ્યા છે? દાદા કહે કે આ વૃદ્ધાશ્રમ છે, અહીં વૃદ્ધો એમના સંતાનો થી કોઈના કોઈ કારણે અલગ થઈ એમની પાછલી જિંદગીમાં શાંતિ માટે અહીં રહે છે, કોઈ એમની મેળે સંતાનોથી ત્રાસીને અહીં  આવ્યા હોય તો કોઈ ને  એમના સંતાનોએ ન રાખ્યા હોય એટલે આવ્યા હોય. અમિત આ સાંભળી રહ્યો અને ચહેરો ઉદાસ થઈ ગયો. એ પછી એણે બહુ હૃદય સ્પર્શી વાત કરી. * દાદા એક વાત કહું? આ વડીલો સંતાનોના ત્રાસથી કે સંતાનોની હકાલપટ્ટીથી અહીં આવ્યા હોય એમના માટે  વૃદ્ધાશ્રમ હોય, કોઈ યુગલે બાળકને જન્મતા જ ત્યાગી દીધું હોય એમના માટે અનાથ આશ્રમ હોય તો મારા જેવા કે જે અનાથ નથી અ ને  જેને માં બાપે ત્યાગી ન દીધા હોય, જાતે  માં બાપ થી છૂટું પડ્યું હોય પણ વૃદ્ધ ન હોય એવા મારા જેવા માટે કોઈ જગ્યા છે? આ સાંભળી દાદાની આંખમાં આંસુ આવી ગયા, એમણે વિચાર્યું કે આટલો નાનો  બાળક કેટલો સમજદાર છે. નક્કી બાળકો માં બાપ ના વર્તન જોઈ હેબતાઈ જાય, અસલામતી અનુભવે  એમ આ બાળક વિચારશીલ થયું હશે. અમિતે નાસ્તો કરી લીધો પછી એણે જ કહ્યું કે હું બધા દાદા દાદી ને મળવા જાઉં? દાદા કહે હમણાં બધા નાસ્તો કરી સભાખંડમાં જ આવશે આપણે ત્યાં જાશું.

થોડીવારમાં સોમા દાદા ધરમ દાદા ને કહેવા આવ્યા કે ચાલો સભાખંડમાં. દાદા એ અમિત ને કહ્યું કે ચાલ બેટા , દાદા જેવા અમિત ને લઇ સભા ખંડ  માં દાખલ થયા અને રજની બા ઉભા થઇ ગયા.બોલી ન શક્યા.જોવા જ મંડ્યા,  એમની આંખોમાં અશ્રુધારા વહેવા માંડી, આ ધરમ દાદા એ જોયું બધા બેઠા એટલે  દાદાએ બોલવાનું શરૂ કર્યું, આ બાળક છે અમિત , આજે સવારે આપણા ડેલા ની બહાર હરજી ભાઈએ આને  ઓટલા પર સૂતેલો જોયો અને બાબુલાલ ને જાણ કરી. બાબુલાલે મને કહ્યું, આ બાળકને મેં જગાડ્યો એટલે પહેલાં તો એણે હાથ જોડીને  વિનંતી કરી કે મને અહીંથી કાઢી ના મુકતા , મારે ઘેર નથી જવું. મને એમ વિચાર આવે કે વૃદ્ધો વડીલો સંતાન થી થાકી જાય એટલે આ આશરે આવે પ ણ આ બાળક એના માં બાપ થી થાકી જાય ? એવું તે શું હશે કે  આ બાળક આમ અહીં આવ્યું? આ અમિતે સરસ વાત કરી , એણે મને પૂછ્યું કે * કોઈ નવજાત બાળકને કોઈએ ત્યજી દીધું હોય એના માટે અનાથ આશ્રમ હોય, વડીલો ને બાળક ત્યજી દે તો વૃદ્ધાશ્રમ હોય , હું નથી ત્યજેલ નવજાત કે નથી દુઃખી  વૃદ્ધ , અમારા  જેવા માટે કોઈ આશ્રય હોય? હમણાં એવું ઉલટું  બનતું હોય છે કે  માં બાપ બાળક ના વર્તન થી થાકી, ત્રાસી  જવાને બદલે બાળકો માં બાપ ના વર્તનથી થાકી જાય, ત્રાસી જાય. બાળકને પોતાની અસલામતી લાગે. મને લાગે છે કે આ બાળકની વ્યથા કથા એવી જ હશે. આપણે પછી વાત કરીએ, એ પછી પ્રાર્થના વગેરે થઇ અને બધા  વડીલો ચ્હા નાસ્તો કરવા ડાયનિંગ હોલ તરફ  ગયા, દાદાએ રાજની બા ને બોલાવ્યા રજની બા નજીક આવ્યા કે તરત  અમિત જોઈને વળગી પડ્યો બા તમે ક્યાં હતા? ધ્રુસકે ચડી ગયો. રજની બા રોતા હતા. એમણે દાદા ને કહ્યું કે મારો પૌત્ર છે. દાદાને રજની બાની આપવીતી ખબર હતી. બા એ પૂછ્યું કે બેટા તારી બહેન અમી દીકરી ક્યાં છે? અમિત કહે કે એ માસી ને ત્યાં ગઈ, મારે માસીને બેયનું ભારણ નહોતું આપવું એટલે છોટી ને ત્યાં મૂકી આવ્યો, એને આમ પણ માસી સાથે વધારે ફાવે છે. તમને તો ખબર છે ને કે મમ્મી ગુસ્સે થાય , વઢે એટલે માસી જ છોટી ને સાચવી લે. તમને તો ખબર છે ને? મારા મમ્મી પપ્પા કેવું ઝગડતા હોય છે? તમે ગયા પછી અમે બેય એકલા પડી ગયા, તમને શોધ્યા પણ તમે જડયા જ નહિ. મારે અમી ને સાચવવી પડે, અમી તો કેવી ગભરુ છે. એનાથી કાંઈ થઇ જાય તોય એ ગભરાઈ  જાય, એ વિચારથી કે હમણાં મમ્મી મારા પર તૂટી પડશે. એ પછી દાદા અને રજની બા મંદિરના ઓટલે બેઠા અને અમિતે વાત શરુ કરી, ભરત ભાવિની બંને સારું ભણેલા, બન્ને એમના ક્ષેત્ર માં નિપુણ હતા અને એમના કાર્ય થી સફળતાને વર્યા.એમના  લગ્ન પ્રેમ - એરેન્જ હતા, લગ્ન વિષયક સાઇટ પર પરિચય પછી નેટ પર ચેટ દ્વારા એકબીજાને ગમી ગયેલા અને વડીલોની મંજુરીથી લગ્ન થયેલા. શરૂઆતમાં બહુ જ સરસ ચાલતું હતું. અમિત ના જન્મ પછી ધીરે ધીરે ખટરાગ શરૂ થયા. બંને વચ્ચે બોલાચાલી થાય અને હદ બહાર થાય. અમિત સાવ ના સમજ પણ બૂમાબૂમથી  હેબતાઈ જાય, ક્યારેક રોવા પણ માંડે. આમ ને આમ અમિત થોડો આંતરમુખી થઇ ગયો. એ એનામાં મસ્ત હોય. ચાર વર્ષ પછી અમિતને બહેન મળી , ભરત ભાવિની ને દીકરી જન્મી , નામ રાખ્યું અમી , અમી આમ બહુ મજાની હસતી રમતી અને દરેક વાતમાં આગળ પડતી, રમત ગમત , ઈતર પ્રવૃત્તિ અવ્વ્લ જ હોય, પણ આમ અત્યંત લાગણીશીલ , શરૂઆતમાં મમ્મી વઢે તો દાદી સાચવી લેતા , એ પછી ભાઈ અમિત સાચવી લેતો. અમી ને એની માસી સાથે બહુ ફાવે, માસી ની પણ એ વહાલી. ઘણીવાર માસી એના ઘેર લઇ જતા. પણ સતત તો ત્યાં રહે નહિ. અહીં આ ભાઈ બહેન સાથે જ હોય એ બન્ને એકબીજાને સાચવી લે. સાથે જ સુવે, નાસ્તો, સ્કૂલે જવાનું , આવી જમવાનું બધું સાથે અને એ એમના રૂમમાં હોય, મમ્મી પપ્પા ના ઝગડાઓ થી બંને હેબતાઈ જાય. જેવો મમ્મી નો જોરથી અવાજ આવે  *ભરત આ નહિ ચાલે, મેં કહ્યું એ ફાઇનલ, નહિ તો આમ તેમ વગેરે વગેરે ,* આ સાંભળતા જ અમી ભાઈ ને વળગી પડે. એકવાર તો એવું થયું કે  અમી નાહવા ગઈ હતી અને બાથરૂમમાં એનાથી કાંઈક થ ઇ ગયું , એ ગભરાઈ ગઈ , મમ્મી ખૂબ વઢી , પછી એ અડધો કલાક બહાર ન નીકળી. પછી ભાઈએ બધું કરી આવ્યું. આવું થયા કરે , ભરત ભાવિની ઝગડે એટલે બન્ને બાળકો એક તરફ વળગીને ઊભા રહે. એક વાર તો ભાવિની ની બહેનને  ભરતે કહ્યુ કે દીદી આને સમજાવો. દીદી કહેતી કે તમે લોકો બાળકો સામે ન ઝગડો . એમાં એમની પ્રગતિ રૃંધાશે. પણ એ થોડો વખત સરખું રહે પછી એમનું એમ. દાદી પણ કહેતા કે તમે આટલું સરસ બન્ને કમાઓ છો, આટલા સરસ બાળકો છે ,પરસ્પર ઘણું જતું કરી  પ્રેમ થી જીવો. એ બધું થોડા વખત પછી પાછું યુદ્ધ ફાટે. એમાં ને એમાં એક દિવસ એમના ઝગડામાં દાદી બોલ્યા અને એ લોકોએ કહ્યું કે તમે વચ્ચે ના બોલો. શાંતિ રાખો નહિ તો જતા રહો. અને સાચે દાદી  પોતાની બેગ તૈયાર કરી ચાલ્યા ગયા, એ પછી બાળકો સાવ જાણે નોધારા થઈ ગયા. એક સમયે હદ થઈ ગઈ. બાળકો  રમતા હતા અને ભરત ભાવિની વચ્ચે  બોલાચાલી    શરૂ થઈ અને બોલ્યા હવે હદ થઇ, આપણે જુદા થઇ જઈએ* આ સાંભળી બાળકો વધુ હેબતાઈ ગયા, એમને થયું કે આપણું શું થશે? બસ આ એમના હૃદયમાં કોતરાઈ ગયું. બન્ને બાળકો એમના રૂમમાં હતા. મમ્મી પપ્પા સુઈ ગયા એટલે બન્ને પહેરે લુગડે નીકળી ગયા ઘરમાંથી. પહેલા અમિતને યાદ આવી માસી, સિધા ત્યાં ગયા. માસીને બધી વાત કરી, અમી ને ત્યાં રાખી અને એ નીકળ્યો માસીએ કહ્યું કે આટલી રાત્રે તું ક્યાં જઈશ? પણ એ નીકળી ગયો. અમી તો માસીને વળગી સુઈ ગઈ. અમિત ચાલી ને થાક્યો પછી આ વૃદ્ધાશ્રમના ઓટલ ે સુઈ ગયો. અને સવારે દાદા ને મળ્યો.આખી વાત સાંભળી રજની બા ની આંખ તો છલકાઈ ગઈ , સાથે દાદા અને અન્ય વડીલો પણ રોવા લાગ્યા. બધાએ કહ્યું કે કાંઈ નહિ બેટા અહીં રહેજે. આ તરફ ભરત ભાવિની સવારે ઉઠયા અને બાળકોના રૂમ તરફ આવ્યા તો જોયું કે અમિત અમી છે જ નહિ, આખું ઘર , જોઈ લીધું પછી જોયું કે મુખ્ય દરવાજો ખુલ્લો છે. બહાર જોયું તો ક્યાંય નહિ. એમાં સામે એક બહેન બોલ્યા કે  બાળકોને શોધો છો? એ લોકો એકબીજાના ખભે હાથ મૂકી આમ જતા હતા. હવે ભાવિન ભરત  ગભરાઈ ગયા. પહેલા દોડીને દીદી ને ઘેર ગયા. ભાવિની કહે *અમિત અમી અહીં આવ્યા છે?* પહેલા  અમી બહાર આવી હતી પણ મમ્મી નો અવાજ સાંભળ્યો એટલે અંદર જઈ ઓઢીને સુઈ ગઈ. ભાવિની એ પૂછ્યું અમિત ક્યાં? દીદી કહે એ તો અમી ને મૂકી ક્યાંક ગયો. ત્યાં ભાવિની આદત મુજબ ગુસ્સે થઇ કે * એમ જવા દેવાય?

રોકાય નહીં તારે? ક્યાં ગયો હશે?* હવે દીદી ગુસ્સે થઇ * ત મારે ધ્યાન ના રખાય? ઘરમાંથી નીકળે એ ખબર ન પડે? કેટલી વાર કહ્યું છે કે બાળકો સામે ઝગડો નહિ , તમે સુધરો પછી મને કહો* ભરતે ક્ષમા માગી પછી એ ત્રણેય અમિત ને શોધવા નીકળ્યા. અને પૂછતાં પૂછતાં વૃદ્ધાશ્રમ પહોંચ્યા , અમી ભાઈને જોઈને દોડી વળગી પડી. ભાવિની એ કહ્યું કે ચાલો બેટા, સોરી. અમિત કહે ના અમે અહીં બરાબર છીએ, તમે જુદા થાવ પછી અમારે જુદા નથી થવું , અમારે બંને એ સાથે તમારા બન્ને સાથે જ રહેવું છે. પછી શું થયું ખબર નથી. પણ એટલું તો છે જ કે પતિ પત્નીમાં મતભેદ થયા જ કરતા હોય, દરેક ઘરમાં વાસણ ખખડે જ.

બાળકો સામે આમ ઉગ્ર બોલાચાલી ના કરો. સંસાર સુખી રાખવો હોય તો જતું કરો, ચલાવી લો. એકબીજા પ્રત્ યે સમજૂતી ભાવ રાખો પણ હદ બહાર છુટા પડવાની વાત અને એ પણ બાળકો સામે? સંસાર બગડે જ છે, બાળકોનો માનસિક વિકાસ રૃંધાશે અને  વિકાસ અટકશે. આ બધું ઢળતી ઉંમરે આકરું લાગશે, અત્યારે સમજી જાવ.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh