Advertisement
Author: નોબત સમાચાર

ઈજનેરી કૌશલ્યને પુનઃ જીવીત કરવા માટે ભગીરથ પ્રયાસો કરવા જ પડશે!

ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે

ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજો વધતી જાય છે, પરંતુ માળખાકીય સુવિધાઓ દિન પ્રતિદિન નબળી પડતી જાય છે! આમ કેમ? ગુજરાતમાં એક તરફ રોડ નેટવર્ક વધી રહ્યું છે ત્યારે ચોમાસામાં રસ્તાઓ તૂટવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બીજી કરુણતા એ છે કે, પૂરગ્રસ્ત ગુજરાતમાં મોદી સરકાર નલ સે જલ યોજના ચલાવી રહી છે. આમ રોડ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ બાબતે આપણે નબળા અને દૃષ્ટિહીન સાબિત થઈ રહ્યા  છીએ. ચાલુ ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ ૧૫૦ ટકા વરસાદ પડ્યો. રોડ ધોવાઈ જવા અને પૂર આવવા માટે સરકાર અને તંત્ર એવો બચાવ કેરી રહ્યું છે કે, વધુ વરસાદ પડવાથી સમસ્યા સર્જાઇ છે!

એન્જિનિયરીંગ

ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલના રાજમાં એન્જિનિયરીંગ કોલેજોનો રાફડો ફાટ્યો. ગલીએ ગલીએ આવી કોલેજો ધમ ધમવા લાગી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ તરફ દોડ મૂકી. ખાનગી કોલેજ સંચાલકોએ  આ દોડનો ભરપૂર લાભ લીધો. તગડી ફી વસૂલી, પરંતુ શિક્ષણમાં ગુણવત્તા આપી નહીં. ગણી ગાંઠી કોલેજો એન્જિનિયરીંગ ક્ષેત્રે નામના મેળવી શકી. સરકારે સંખ્યા તરફ જ ધ્યાન આપ્યું, ગુણવત્તા વિસરી જવાઈ. શિક્ષણ નબળું રહેતા તેની સીધી અસર સમાજ ઉપર દેખાવા લાગી છે. સિવિલ એન્જિનિયર બનતા વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી, મળે છે તેને પૂરતું વેતન મળતું નથી અને બધું મળે તો નોકરી લાંબી ટકતી નથી!

ગુજરાત સરકારે તાજેતરમાં જણાવ્યું કે, વર્તમાન ચોમાસા દરમિયાન ૩૬ હજાર કિલોમીટર લાંબા માર્ગોને નુકસાન થયું છે. ભારે વરસાદમાં ટકી રહે તેવા માર્ગો નિર્માણ કરવાનું કેમ આપણે ચૂકી ગયા છીએ? ગુણવત્તા નબળી છે કે નિયત ખોટી છે? ગુજરાતમાં હવે એન્જિનિયરિંગ ક્ષેત્રે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. નબળા એન્જિનિયરો સબળ રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકે.

તાજેતરમાં એન્જિનિયરીંગના ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું, તેમાં ૮૦ કોલેજમાંથી ૧૬,૪૬૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પૈકીનાં ૮૩૫૦ નાપાસ થયા! આમ ૫૦ ટકા પણ પાસ થઈ શક્યા નથી. નાપાસ થનાર ઉપરાંત માંડ માંડ પાસ થનારાઓની સંખ્યા જાહેર કરવામાં નથી આવી, પરંતુ તે પણ ઘણાં હશે.

જામનગરની એક કોલેજમાંથી ૪૧ ટકા પાસ થયા, એટલે કે ૪૯ ટકા નાપાસ થાય!

ગુજરાતનાં વહીવટકર્તાઓ જો ગંભીર નહીં બને તો, ભવિષ્યમાં નબળા પરિણામોના પરિણામ ગંભીર આવશે!

નલ સે જલ

ગુજરાતમાં બીજી કરુણતા એ છે કે, છેલ્લા ૧૫ વર્ષથી જોરદાર વરસાદ પડે  છે. ચારે તરફ પાણી પાણી થઈ જાય છે. એન.ડી.આર.એફ. બોલાવવી પડે છે. સેનાના હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે ઊડાઊડ કરે છે. માલ  મિલકત ધોવાઈ જાય છે. આમ છતાં સરકાર દ્વારા નલ સે જલ યોજના ચલાવવામાં આવે છે. નબળા લોકોને ઘરમાં પાણી મળી રહે તે માટે જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. શું આપણી પાસે વોટર એન્જિનિયરીંગ નથી? વોટર મેનેજમેન્ટ કરી શકે તેવા નિષ્ણાતો નથી? ઈજનેરી વિદ્યાશાખામાં વોટર મેનેજમેન્ટ કે વોટર એન્જિનિયરીંગ નામનો વિષય કે શાખા નથી? ગુજરાત સરકારમાં જળ સંપત્તિ વિભાગ છે. કેન્દ્રમાં પણ આ વિભાગ છે અને તેના  મંત્રી આપણા સી.આર. પાટીલ છે. પાટીલજીના મત વિસ્તારમાંથી જંગી નદી તાપી પસાર થાય છે, જેના પાણી સુરતમાં હાહાકાર મચાવે છે. તેના નજીકના જિલ્લા વડોદરામાં વિશ્વામિત્ર નદી તોફાને ચડે છે. આપણા જામનગરમાં પણ રંગમતિ નદીના પાણી અડધા શહેરમાં ફરી વળે છે. દર ચોમાસે ઘેડ પંથક દરિયો બની જાય છે. તો પછી.. નલ સે જલ યોજના કેમ?

હજારો ઇજનેરો તૈયાર થતા હોવા છતાં રોડ અને પાણીની આ પરિસ્થિતિ હોય તો.. આ સમાજ સાથે છલ છે!

ભૂમિકા

ઈજનેરોની ભૂમિકા શું? બહુ સાદી અને સ્પષ્ટ છે. આયોજન અને બાંધકામ વ્યવસ્થિત થાય, ગુણવત્તાયુક્ત થાય, વ્યાજબી ભાવે થાય, કરકસરપૂર્વક અને સારા, ટકાઉ માલ સામાનનો વપરાશ થાય. બીજા સાદા અર્થમાં કહીએ  તો, તે બાંધકામ ક્ષેત્રના ચોકીદાર પણ છે. ગ્રાહકોના હિતના રક્ષકો પણ છે. નિર્માણ કરતાં લોકો માટે પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણ ક્ષેત્રે ઈજનેરી શાખા સૌથી વધુ બ્રાન્ચ ધરાવે છે. તેમાં સિવિલ, મિકેનિકલ,  ઇલેકટ્રીકલ સૌથી જૂની બ્રાન્ચ છે. હવે અવકાશ વિજ્ઞાન, નેનો ટેકનોલોજી, એ.આઈ. ટેકનોલોજી, મેડિકલ એન્જિનિયરીંગ જેવા અનેક નવા-નવા વિષયો ઉમેરાયા છે.

ઈજનેરી ભણતરની ગુણવત્તા ઘટે એટલે સમગ્ર માનવજીવન ઉપર તેની સીધી કે આડકતરી અસરો પહોંચે. વર્તમાન સમયમાં નવા નિર્માણ પામતા સંકુલો, ભવનો, માર્ગ, પુલ બાબતે વ્યાપક અસંતોષ જોવા મળે છે.  તાજેતરમાં અમારા એક મિત્રએ જીવન મૂડી ખર્ચી ફ્લેટ લીધો તેમાં પ્રથમ વરસાદે જ પાણી ટપકવા લાગ્યું! કેમ? જ્યાં ગુણવત્તા નબળી હોય ત્યાં ઇજનેરની જવાબદારી બને છે. બિલ્ડર જો કચાસ રાખવા માંગે તો ઈજનેરે  નૈતિકતાના ધોરણોને અનુસરવું જોઈએ. ચોમાસામાં પાણી ભરાય જાય તેવા માર્ગો શા માટે બને છે. નદીના વહેણ ઉપર મેગા મોલ કેમ બની જાય છે? તાજમહાલ અડીખમ ઊભો રહે અને ગરીબોના આવાસો કેમ ખખડધજ બની  જાય છે? ખાનગી બિલ્ડરના મકાન સારા બને અને હાઉસિંગ  બોર્ડના મકાનો કેમ નબળા બને છે?

ગુજરાતમાં ઈજનેરી શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરંતુ ગુણવત્તા અને નૈતિકતા ઘટી છે.

યોગદાન

એન્જિનિયરીંગ એ ભારતનો સૌથી મોટી આર્થિક પ્રવૃત્તિ છે, જે દેશના અર્થતંત્રમાં લગભગ ૧૭.૫% યોગદાન આપે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સથી લઈને ટકાઉ ઊર્જા ઉકેલો સુધી, ઉદ્યોગો જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે જ્ઞાન ધરાવતા પ્રતિભાશાળી ઈજનેરો તૈયાર થાય છે. આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને સાયબર સિક્યુરિટીમાં નિપુણ એન્જિનિયરોની માંગ વધી રહી.

દેશમાં સાત હજાર ઈજનેરી કોલેજો, છેલ્લા દાયકાઓમાં એન્જિનિયરોને આકાર આપવામાં ભારતની ભૂમિકા પ્રભાવશાળી રહી છે. આથી,  ઈજનેરીનું ક્ષેત્ર લાભદાયી ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈજનેરી અભ્યાસક્રમોમાં વ્યાપક  શક્યતાઓ છે.

ઈજનેરી ભણતરમાં સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કેમિકલ, કમ્પ્યુટર, એરોસ્પેસ, બાયોમેડિકલ, સાયબર સિક્યુરિટી, એન્વાયર્નમેન્ટલ, ઔદ્યોગિક, મટિરિયલ અને પેટ્રોલિયમ એન્જિનિયરીંગનો સમાવેશ થાય છે. આશ્ચર્યની બાબત એ છે કે, ક્યાંય વોટર એન્જિનિયરીંગ અભ્યાસ બાબતે વાચવા નથી મળ્યું! જળ વ્યવસ્થાપન બહુ જૂનો અને વ્યાપક વિષય છે.

પ્રસિદ્ધ

ભારતમાં ઇજનેરો દિવસ દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરના એન્જિનિયર્સ ડે પ્રખ્યાત ભારતીય એન્જિનિયર અને રાજનેતા સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. એન્જિનિયરીંગના ક્ષેત્રમાં, સર વિશ્વેશ્વરાય એક અગ્રણી હતા જેમણે ભારતના માળખાકીય વિકાસને નોંધપાત્ર રીતે પ્રદાન કર્યું  હતું. સિવિલ એન્જિનિયરીંગને તમામ એન્જિનિયરીંગ શાખાઓની માતા પણ કહેવામાં આવે છે, કારણ કે તે સૌથી જૂની શાખા છે.

વર્તમાન

ગુજરાતમાં વર્તમાન સમયમાં વારંવાર પુલ ધસી પડવા, માર્ગો તૂટી જવા, ચોમાસામાં પાણી ભરાઈ જવા જેવી ઘટનાઓ સાંભળવા મળે છે. અમદાવાદની પોળમાં કેમ પાણી ભરાતું નથી? જામનગરમાં જૂના વિસ્તારોમાં કેમ વરસાદી પાણી ભરાતાં નથી! અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં   ગમે તેટલો વરસાદ પડે કોઈ સમસ્યા થતી નથી. પશ્ચિમના નવા વિસ્તારો ડૂબી જાય છે. જામનગરમાં કેમ રંગમતિ નાગમતિ નદીના પાણી ઘૂસીને હાહાકાર મચાવે છે? ગુજરાતમાં ભારે વરસાદ થાય તો પાણીનો નિકાલ કેમ  ઝડપથી થતો નથી? આપણી ઈજનેરી ક્ષમતામાં ગરબડ વધી રહી છે.

દૂરદૃષ્ટિ

ગુજરાતનાં ઈજનેરી કૌશલ્યમાં દૂરદૃષ્ટીની મોટી ઉણપ સર્જાઇ છે. ઈજનેરી શાખા તાંત્રિકની સાથે કલા પણ છે. માત્ર ડ્રોઈંગ બોર્ડ, પરિકર, ડ્રોઈંગ સીટ, પ્રોટેક્ટર, ફૂટપટ્ટી, પેન્સિલ, કંપાસ, ટી-સ્ક્વેર હાથમાં પકડી લેવાથી સિવિલ  ઇજનેર બની નથી જવાતું! આવી વાસ્તવિકતા બધી શાખાઓમાં છે. પાના-પક્કડથી મિકેનિકલ ઇજનેર કે ટેસ્ટર-ડિસમીસ પકડવાથી ઇલેકટ્રીકલ ઇજનેર નથી બનતું. તેમાં બુદ્ધિ અને દૃષ્ટિનો સમન્વય કરવો પડે છે. થોમસ આલ્વા એડિસને વીજળીનો બલ્બ શોધ્યો ત્યારે તેની પાસે દૂરદૃષ્ટિ પણ હતી. એલેન મસ્કએ ઇલેકટ્રીક કાર દોડતી કરી ત્યારે તેની પાસે ભવિષ્યનું દર્શન હતું. સરદાર સરોવર નર્મદા ડેમ બાંધનાર લોકો પાસે જ્ઞાનની સાથે દૃષ્ટિ પણ હતી. આપણે રણજીતસાગર ડેમમાં ૫૦ ટકા કાંપ ભર્યો છે, તેને દૂર કરી ડેમને કેમ પુનઃ જીવિત નથી કરી શકતા? આઝાદીના ૭૫ વર્ષ પછી પણ કેમ વાવાઝોડાં કે પૂરમાં વીજ લાઈનો ધોવાઈ જાય છે અથવા મોટું નુકસાન ભોગવે છે? ઈજનેરી ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યાં છે, પરંતુ તે બહુ ધીમા અને ક્ષુલ્લક છે.

ગુજરાત સરકારને સૂચન છે કે, દર વર્ષે ઈજનેરી ક્ષેત્રે નવીન કરનાર ઈજનેરોનું પુરસ્કારથી સન્માન કરવું જોઈએ.

સંગઠન

જીઆઈસીઈએ-ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ. જીઆઈસીઈએ વર્ષ ૧૯૪૭ માં સ્થપાયેલ અને હવે એક અનન્ય વ્યાવસાયિક સંસ્થા  છે. આજે જીઆઈસીઈએ એ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની અગ્રણી સંસ્થા છે અને ચેરિટેબલ ટ્રસ્ટ અને સોસાયટી હેઠળ નોંધાયેલ બિન-સરકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે. સંસ્થાના નામ ઉપરથી એવું લાગે છે કે તે માત્ર સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ સભ્યો જ ધરાવે છે. ઈજનેરીની બીજી શાખાઓના સભ્યો આ સંગઠનમાં છે? ન હોય તો ગુજરાત સરકારે તેની રચના કરવા માટે આગળ આવવું જોઈએ. સિવિલ એન્જિનિયર્સ સંગઠને વારંવાર તૂટી જતા અને નબળા બાંધકામોના કારણો બાબતે જાહેર જનતાને વાકેફ કરવી જોઈએ. જાહેર સુખ  સુવિધાના કામો, કે જે પ્રજાના કરવેરાના નાણામાંથી બને છે તે ઉચ્ચ ગુણવત્તાવાળા બને તે માટે આગળ આવવું જોઈએ. નબળા બાંધકામોને કારણે ઈજનેરોની છાપ પણ ખરડાઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય ઉદાહરણ લઈએ તો, સ્માર્ટ મોબાઇલના પ્રારંભ કાળમાં તે હેન્ગ થતાં હતા, ચોંટી જતા હતા, આ ક્ષેત્રેના ઈજનેરોએ તે ખામી સિફતથી દૂર કરી દીધી. આજે સ્માર્ટ ફોનમાં આ સમસ્યા નથી. આપણે પણ વિવિધ  ક્ષેત્રોની ઈજનેરી ક્ષતિઓ દૂર કરવા માટેની માનસિકતા અને દૃષ્ટિ કેળવવી પડશે.

ઈજનેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા અને શિક્ષણ આપતા અને મેળવતા તમામ લોકોને નૈતિકતા, દૂરદૃષ્ટિ, પ્રામાણિકતા વધે તેવા પ્રયાસો કરવા અનુરોધ છે. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મજબૂત બાંધકામો બહુ જરૂરી છે.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh