Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેં ઘણીવાર સાંભળ્યું છે કે બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન અને આવે તો આવે બાકી ન આવે. પણ સ્વભાવ વિશે એવું છે કે મૂળગત સ્વભાવ તમે જે લોકો સાથે રહો એવો થવા માંડે. લગ્ન પછી પુરૂષો ઝઘડાળુ થવા માંડે છે.
અમે ૧૨મા ધોરણમાં એક ટ્યૂશન ક્લાસમાં જતા ત્યાં એક મહિલા કોલેજના પ્રોફેસર આવતા. જો ભૂલે ચૂકે પણ કંઈક ખોટું બોલાય જાય તો તરત જ મોઢામાંથી જીભ કાઢે, ચાલે તો ચાલમાં નજાકત ઝલકી આવે! આ રીતે જ એક કો-એડ કોલેજના પ્રોફેસર આવતા એમને થોડો પણ બ્રેક મળે એટલે વાળ ઓળાવવા ઊભા રહી જાય. એક બોય્ઝ કોલેજના પ્રોફેસર આવતા એમને ક્યારેય મેં સારા કપડામાં ક્યારેય નથી જોયા! જો કે મને એક આશ્ચર્ય તો હંમેશાં માટે રહેશે કે અમારો ચુનિયો એકવાર આફ્રીકાથી આવેલા લોકો સાથે ફરવા ગયેલો અને લગભગ એક મહિના પછી જોયો ત્યારે કોણ જાણે કેમ તેના વાળ પણ વાંકડીયા થવા લાગ્યા હતા અને કલર પણ ઘાટો કાળો થવા લાગ્યો હતો! એટલે શાન તો આવે એ સમજ્યા પણ અમારા ચુનિયાને અપવાદ ગણવો પડે કેમ કે એને વાન પણ આવવા લાગ્યો! આ જોયા પછી એક નિષ્કર્ષ તો કાઢી જ શકાય કે ગમે તેમ હોય જે ધંધા કે જે લોકો સાથે રહો તે આપણી બોલીમાં, સ્વભાવમાં, વર્તનમાં બધે જ અસર તો આપી જ જાય.
આ માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે. વચ્ચે વરસાદ બરાબર જામ્યો એટલે મને થયું કે લાવ થોડા મિત્રોને પૂછું.
અમારા મગન દરજીને વરસાદ કેવો એવું પૂછતા જ જવાબ આપ્યો અરે વાત પૂછોમાં.. ટેભા તોડી નાખે એવો મંડાણો છે..
આ પછીનો ફોન સુરેશ શેરદલાલને લગાડ્યો તો એણે કહ્યું ઉપલી સર્કીટ લાગી હો.
પછીનો ફોન જૈન બિલ્ડર્સના કમલભાઈને કર્યો તો એમણે કહ્યું વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહિનાનું બુકીંગ કર્યું હોય એમ લાગે છે.
એક કવિ મિત્રને પૂછ્યું તો કહે આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો છે. આમા છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.
ટપુ ટપોરીએ કહ્યું અરે ભાઈ વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડીગ્રીએ જ ચાલુ પડ્યો છે.
બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે અરે રોડ ઉજારી નાખ્યાં.
સૌથી વધારે તો અમારા મિત્ર જયરામ બિલ્ડર્સવાળા સંજયભાઈને ત્યાં પહેલો પ્રસંગ હતો. છોકરો યુવાન એટલે એનું ગોઠવવાનું હતું. એમની આ યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમની દરેક ભાષા રીયલ એસ્ટેટના ધંધા મુજબ જ હોય. મને ફોન કરીને કહ્યું કે તમે આવતા હો તો મારા છોકરાની સુથી દેવા જવાની છે પણ મને એમ છે કે પહેલા પ્લોટ તમે તમારી નજરે જોઈ લો, ફાઇલ ચેક કરી લો અને જો પ્લાન બેસે એવું લાગે તો પછી સુથી આપીએ. અમે ગયા પણ ખરા. કુટુંબ, કન્યા, સગાવહાલાઓને મળ્યા અને ખૂણામાં જઈને મસલત કરી અને એમનો અભિપ્રાય હતો કે મોકાનું છે. કાટખૂણાનું છે, ૩૦ના મોઢાવાળુ વેસ્ટ ઓપન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એટલે ગોળધાણા ખાવામાં વાંધો નથી. સુથી આપી કાચી ચીઠ્ઠી બનાવી લઈએ. થોડા સમય પછી ચૂંદડી ઓઢાડી શ્રીફળવિધી પતાવી મને ફરી ફોન કર્યો કે અત્યારે કબ્જા વગરનો કરાર કર્યો પણ વિધિ થઈ ગઈ હોય તો ફેન્સીંગ બાંધી શકાય એટલે કે આવરો જાવરો રહે. હવે પછીની મિટિંગમાં વેવાઇ સાથે બેસીને કબ્જાની વાત કરે લેશુ. આપણી ગણતરી ડિસેમ્બરમાં કબજો સોંપે એવી છે એટલે પાક્કો દસ્તાવેજ કરી લઈએ. આમ મોર્ડન એરાનું બાંધકામ છે એટલે બહુ રીતરિવાજમાં માનતા નહીં હોય છતા આજુબાજુમાં તપાસ કરી લેશું કે લોકોલીટી કેવી છે. થોડા દિવસો પછી એમણે જણાવ્યું કે સાટાખત ભરાઈ ગયું અને આપણે વાત થયા મુજબ ડીસેમ્બરમાં કબજો સોંપી દેશે. આપણા કબજામાં આવ્યા પછી જરૂરી ફેરફાર કરી લેશુ. થોડા સમયમાં જ કોઈ મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સગાઈ તોડી નાખી એટલે સ્વાભાવિક રીતે મેં ફોન કરી ખબર અંતર પૂછ્યા. સંજયભાઈએ જવાબ આપ્યો ભાઈ, આપણે ઉત્તરોતર ચેક કરવામાં ભૂલ ખાય ગયા. કન્યાના ઘણાં લફરા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આમાં તો ચાર-પાંચ બાનાખત ઓલરેડી છે એટલે સરવાળે સોદો ફોક કર્યો. વેવાઇ આપણને ભરેલ કબજે માલ પરોવવાની તૈયારીમાં હતા પણ આ તો માર્કેટમાં આપણી શાખ સારી એટલે જગ્યાનું વર્ણન કરતા જ ૭/૧૨ના ઉતારા સહિત બધી જ માહિતી આવી ગઈ. આ તો ઠીક છે કે આપણે વર્ષોથી ધંધામાં છીએ બાકી આજકાલ આવા જ લોકો છે. દલાલને પણ બરાબર ખખડાવ્યો કે હવે આવી પ્રોપર્ટી દેખાડી છે તો કાયમ માટે ધંધો બંધ કરાવી દઇશ. આ આખી વાતમાં જો છોકરીને બાદ કરી નાખો તો એમ જ લાગે કે કોઈ પ્રોપર્ટીનો સોદો છે! પણ આને કોણ સમજાવે કે એમનો છોકરો એવી પ્રોપર્ટી છે કે તેજીની માર્કેટમાં મંદીના ભાવે વેચવા મૂકો તો પણ ખરીદનાર ન જ મળે!!!
અમારા પ્રિય મિત્ર ગોપાલ કંદોઈ પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે એનો લખેલો લેટર મને હજુ પણ યાદ છે.
પ્રિય રસમલાઈ,
જેમ ડાયાબિટીઝના દર્દી જલેબી જોઈને લલચાય એ રીતે જ તને જોઈને હું લલચાવ છું. ભલે મારૂ શરીર પેંડા જેવું છે પણ તને પામવા હું કાજુકતરીની હદ સુધીનું ઘટાડવા તૈયાર છું. તારો સ્વભાવ મને મીક્સ મીઠાઈ જેવો લાગ્યો છે. તારા શબ્દોમાં મને રસગુલ્લાની મીઠાશ અનુભવાય છે. તારા હોંઠ એટલે સંગમ કતરી પર મૂકેલી ચેરી. તારા અંગૂર રબડી જેવા જીવનમાં હું સુકા મેવાની જેમ ભળી જઈશ અને આપણા લગ્નની મીઠાઈરૂપે બધાને ખુશી આપીશું. મારા પપ્પા મને લીસા લાડવાની જેમ જાહેરમાં વેંચી નાખવા માંગે છે અને ખાટા પડી ગયેલા શીખંડ જેવી છોકરીઓ બતાવે છે. મને આશા છે કે તું આપણા સંબંધોની મીઠાઇ પર હરખ કરીને વરખ ચોપડી હાં જ કહીશ. મને ખબર છે માખીઓ તો આવશે જ પણ આપણે ગમે તેવા વિઘ્નોને માખી ઉડાડીએ એમ ઉડાડી દઇશું.
આમ પણ શિયાળો ચાલે છે એટલે આપણે બંને મળીને પ્રેમના અડદિયા બનાવી લઈએ. બસ હાં પાડ એટલે કીલો કીલોના બોક્સ તૈયાર જ રાખ્યા છે એ લઈને તારા પરિવારને મીઠાઇથી ધરાવી દઉં.
લિ. તારો ગોપાલ
જો કે છોકરી ટીચરની દીકરી હતી એટલે ગોપાલના મીઠા મધૂરા પ્રેમ પત્ર પર બ્લેકબોર્ડ પર ડસ્ટર ફરે એમ ભૂંસી નાખ્યું અને લખ્યું અમારા ઘરમાં બધાં ફરસાણના શોખીન છે, મીઠાઈના નહીં લખીને વાત પૂરી કરી નાખી! આજની તારીખે ગોપાલ કુંવારો જ છે કેમ કે એ દુઃખમાં લગભગ ૧૧૦ કીલોનો થઈ ગયો છે અને પૂછીએ તો કહે દરજી કોઈ દિવસ જાડા ના હોય અને કંદોઈ કોઈ દિવસ પાતળો ન હોય અને લેખક કોઈ દિવસ બે પાંદડે ના હોય. આગલા બે વાક્યો માટે વિકલ્પો હતા પણ જેવી લેખકની વાત આવી એટલે આપણે પણ સ્વીકારી લીધું.
વિચાર વાયુ :'જે લોકોએ કુંભમાં સંગમ સ્થાને સ્નાન કર્યું છે તેઓને ઇન્કમટેક્સમાં રાહત મળશે'. આવી કોઈ એનાઉન્સમેન્ટ થાય તો કહેજો ને!!! બચેલા પૈસા સારા કાર્યમાં વાપરીશ, લોકોની સેવા કરીશ, મદદરૂપ થઈશ. ઘરે બેઠા ગંગા સ્નાન.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial