Advertisement
Author: નોબત સમાચાર

ગરબડકારોના સ્વાર્થ અને સત્તાના મોહમાં લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે!

રાજકીય પક્ષોમાં સેવાના નામે સલામતી શોધતા ગરબડકારોથી બચવું પડશે!: સયુંકત રાષ્ટ્રના મતે માત્ર ૨૪ દેશમાં જ સંપૂર્ણ લોકશાહી છે!

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બિરુદ ધરાવતા આપણાં ભારતમાં અને વિશ્વના સૌથી મોટા શક્તિશાળી દેશ અમેરિકામાં ૨૦૨૪ નું વર્ષ ચૂંટણીનું છે. બન્ને દેશના રાજકારણીઓ અને મતદારો ચર્ચામાં છે. જો કે બન્ને દેશની ભૌગોલિક, સામાજિક, આર્થિક, વ્યાવહારિક, રાજકીય પરિસ્થિતિ તદ્દન ભિન્ન છે. આમ જોવા જઈએ તો, ભારત અને અમેરિકાની ચૂંટણીની સરખામણી થઈ શકે તેમ નથી, પરંતુ સાથે યોજાતી હોવાથી દરેક જાગૃત નાગરિકે તેનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. હું મારા વ્યવસાય અને શોખ બન્નેને કારણે ભારતની ખાસ કરીને ગુજરાતની તમામ રાજકીય ચૂંટણીઓની નજીક રહ્યો છું. અભ્યાસ કર્યો છે.

કેલિડોસ્કોપ

સાવ સાદું કહી શકાય તેવું, દેશી કેલિડોસ્કોપ નામનું સાધન છે, તેને જેટલું ગોળ ગોળ ફેરવો, દર વખતે તેમાં જુદા રંગોના આકાર, આકૃતિઓ જોવા મળે. તેમાં ક્યારેય રંગો કે આકૃતિઓનો અંત ન આવે અને રિપીટ ન થાય. ચૂંટણી પણ આ કેલિડોસ્કોપ જેવી છે, દર વખતે અલગ અનુભવ, નીત નવા રંગ! મતદારો બિચારા કેલિડોસ્કોપ ગોળ ગોળ ફેરવે રાખે છે, ક્યારેય સંતોષ નથી થતો કે ફાઇનલ ચિત્ર નથી મળતું. નાનીમોટી દરેક ચૂંટણીમાં રાજકારણીઓ નવા નવા રૂપ, વિચારો અને વાયદાઓ લઈને આવે છે. મતદાર પણ ત્રણ કલાકની ફિલ્મ જેવો અનુભવ કરી સંતોષ માને છે. ખાય પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારહ આના જેવી હાલત હોય છે. કેલિડોસ્કોપ હાથમાંથી મૂકો, ત્યારે જ રમત પૂરી થાય! ભારતના ૯૦ કરોડ મતદારો મેળાના ઊંચક નિચકમાં ફરી રહ્યા છે. આ ફજેત ફાળકો ગમે તેટલો ઊંચો જાય, અંતમાં તો જમીન ઉપર જ ઊભો રહે છે. મતદારોએ પણ ફજેત ફાળકાની જેમ છેલ્લે જમીન ઉપર ઊતરવું જ પડે છે!

આ ચૂંટણીમાં મારા મતે બે બાબતો બહુ ધ્યાનાકર્ષક રહી. ભારતમાં ઇલેક્ટરોલ બોન્ડની પોલ જોઈએ તેટલી ખૂલી નહીં! સત્તાધારી પક્ષ તેને દબાવવામાં સફળ રહ્યો અથવા વિપક્ષ તેનો યોગ્ય અપપ્રચાર કરી શક્યું નહીં. બીજી બાબત એ કે, અમેરિકામાં મહારથી ઉદ્યોગપતિ એલોન મસ્કએ પોતાની માલિકીના એક્સ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી સ્પષ્ટતા કરી કે અમેરિકાની ચૂંટણીમાં અમે બન્નેમાંથી કોઈ પાર્ટીને દાન આપ્યું નથી! ભારતમાં કોઈ મોટો, નામાંકિત કે ફસાયેલો ઉદ્યોગપતિ આવું ખૂલીને જાહેરમાં લખી કે બોલી શકે તેમ નથી! આદર્શ લોકશાહી એટલે, લોકો માટે, લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા!

સ્વાર્થ

રાજકારણમાંથી સેવા લુપ્ત થઈ રહી છે. સ્ટેજ ઉપર ભજવતા નાટક કરતાં નેપથ્યમાં ભજવતા દૃશ્યો કંઈક જુદા અને ચોંકાવનારા હોય શકે છે, ત્યાં રામ અને રાવણ કદાચ એક ટિફિનમાંથી જમતા જોવા મળે. વર્તમાન રાજકારણમાં મોટાભાગે લોકો સ્વાર્થ, સલામતી અને સત્તા માટે જોડાય છે!

રાજ્યો

ભારતમાં બે શાસન વ્યવસ્થા છે. (૧) કેન્દ્ર સરકાર (૨) રાજ્ય સરકાર. જે રાજકીય રીતે સંચાલન કરે છે. આઝાદી પછી જેમ જેમ જરૂર પડી અને અનુભવો થયા તેમ તેમ રાજ્યોના વિભાજન કરવામાં આવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રની રચના ૧૯૬૧ માં કરવામાં આવી. જૂની વાતો હવે જવા દઈએ તો પણ છેલ્લા કેટલાંક દશકાઓમાં બન્ને રાજ્યોએ રાજકીય ક્ષેત્રે અનેક ચડ-ઉતર જોયા છે. રાજકીય અસ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો આયારામ ગયારામ વાક્ય પણ ટૂંકું પડે તેમ છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, આમ છત્તા છેલ્લી ઘટનામાં વિજયભાઇ રૂપાણીના આખા મંત્રીમંડળને અડધી રાત્રે આશ્ચર્યજનક રીતે ઉતારી મૂકવામાં આવ્યું.

બિહાર, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારો તેનો કાર્યકાળ પૂરો નથી કરી શકતી. ધારાસભ્યો અને સાંસદો ચાલુ કાર્યકાળે પક્ષો બદલાતા હોવાના બનાવો વધી રહ્યા છે. રાજકીય ઠેકડા ઠેકડી વિષય ઉપર ઘણું લખી શકાય, પરંતુ અહી ઉદ્દેશ માત્ર લોકશાહીના પાતળા પડી રહેલા પોતને ઉજાગર કરવાનો છે.

મજબૂત લોકશાહી

મજબૂત લોકશાહીની વ્યાખ્યા શું? દરેક સરકાર તેનો કાર્યકાળ પૂરો કરે, પક્ષાંતર ન થાય, દરેક રાજકીય પક્ષો અને રાજકીય લોકોની ચોક્કસ વિચારધારા હોય, આદર્શો અને સિદ્ધાંતોને વરેલા લોકો ખુરશી ઉપર બેઠા હોય અને ટ્રસ્ટી શિપના સિદ્ધાંતોને આધારે વહીવટ ચલાવતા હોય, ચૂંટણીઓ સંપૂર્ણ નિષ્પક્ષ અને તટસ્થ હોય, રાજકીય પક્ષો કે ઉમેદવારો મતદારોને અવાસ્તવિક પ્રલોભનો ન આપે, મતદારો પ્રભાવિત થાય તેવા કર્યો ન કરે, જે જે વચનો આપે તે સાચા અર્થમાં પૂરા કરે, નબળા કે સામેના ઉમેદવારને માન સન્માન આપે, કાયમ રાજ્યને વફાદાર હોય તેને મજબૂત લોકશાહી ગણી શકાય!

લોકશાહીમાં આક્ષેપો, પ્રતિ આક્ષેપો હોય તે સામાન્ય બાબત છે, પરંતુ કૉઇને ઉતરી પાડવા, સરકારી તંત્રનો ઉપયોગ કરી પરેશાન કરવાની બાબત લોકશાહી માટે સારી નિશાની નથી.

મતદાતાઓ પણ જાગૃત બને, પ્રલોભનો ન સ્વીકારે, પક્ષ પલટુઑને પક્ષ બદલવાની હિમ્મત ન થાય તેટલી હદે સક્રિય બને, આર્થિક લાભો માટે નહીં, પરંતુ પક્ષ અને ઉમેદવારની વિચારધારાને પ્રાધાન્ય આપે, મતદાર પોતાની વ્યક્તિગત વિચારધારાને વળગી રહે તેને મજબૂત લોકશાહી ગણી શકાય.  અભ્યાસ ઉપરથી અનુમાન લગાવી શકાય કે, આદર્શ આચરણ કરવાનું રાજકીય લોકો અને મતદારો મહદ્અંશે ચૂકી ગયા છે.

વિશ્વ

લોકશાહીનું પોત પાતળું પાડવાની દશા માત્ર ભારતમાં જ ઝડપી બની છે, તેવું નથી. સમગ્ર વિશ્વમાં લોકશાહી પાનખરનો અનુભવ કરી રહી છે. શક્તિશાળી રાજકીય નેતાઓને કારણે શાસન વ્યવસ્થા હીણ બની રહી છે. ધનિક અને બહુબલી લોકો ખુરશી ઉપર ચડી ગયા છે અથવા ચિટકી ગયા છે. આપણાં પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘનિસ્તાનમાં માત્ર કહેવા પૂરતી લોકશાહી અમલમાં છે. વિશ્વના બે મોટા અને માથાભારે દેશ રશિયા અને ચીનમાં સામ્યવાદ છે, પરંતુ ત્યાંનાં શાસકો પણ દેખાડા ખાતર લોકમત પ્રક્રિયા કરે છે. સત્તા ન છોડવા માટે ઇકડમ તિકડમ કરે છે! રશિયા અને ચીનમાં અસંખ્ય વિરોધીઓ કે વિપક્ષી નેતાઓ જેલમાં છે અથવા અકુદરતી મોતને ભેટે છે. વિશ્વના ૫૦ ટકા કરતાં વધુ દેશોમાં કહેવા પૂરતી લોકશાહી છે, બાકી શાસન વ્યવસ્થા સરમુખત્યારોના હાથમાં છે!

પ્રજાના પ્રતિનિધિનો મુખવટો પહેરીને સામંતો, શક્તિશાળી લોકો વહીવટ ઉપર કબજો જમાવે છે. બાપડી, બિચારી પ્રજા આજે ઉધાર થશે, કાલે ઉધાર થશે, તેવા દીવા સ્વપ્નોમાં અથવા ડર કે લોભમાં સરમુખત્યાર નેતાઓને થોકડાબંધ મતો આપી ગાદી સોંપે છે. પાકિસ્તાનના લશ્કરી શાસક અને ત્યારબાદ વડાપ્રધાન પદ ઉપર ચઢી બેઠેલા જનરલ પરવેઝ મુશરફે કહ્યું હતું કે, હું લોકશાહી ઢબે ચૂંટાયેલો ન હોવા છતાં મારા નામ પહેલાં જનરલ શબ્દ લગાવીશ જ, જેથી મારી ધાક કાયમ રહે!

માપદંડ

જ તે દેશ ક્યાં પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવે છે, તે માટે સયુંકત રાષ્ટ્ર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તેને સ્કોર કહે છે. જે શૂન્યથી ૧૦ સુધી ક્રમ ધરાવે છે ૧૦ સ્કોર ધરાવતો દેશ સંપૂર્ણ લોકશાહી ધરાવતો દેશ કહેવાય. અમેરિકા, બ્રિટન અને ભારત સહિત ૨૪ દેશ ૧૦ નો સ્કોર ધરાવે છે. ૫ થી ૪ નો આંક ધરાવતા દેશોની સંખ્યા ૫૧ છે, જે હાયબ્રીડ વર્ગમાં આવે અને ત્યાં લોકશાહીના દેશમાં તાનાશાહી હોય તેમ માનવામાં આવે છે

લોકશાહી

''લોકશાહી'' શબ્દ ગ્રીક શબ્દ ''ડેમોસ'' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ''નાગરિક'', અને ''ક્રેટોસ'', જેનો અર્થ થાય છે ''સત્તા'' અથવા ''શાસન''. તેના સૌથી મૂળભૂત રીતે, લોકશાહી એ સરકારનું એક સ્વરૂપ છે જેમાં રાષ્ટ્રના નાગરિકોને તેઓ કયા કાયદા હેઠળ જીવશે તે નક્કી કરવાની સત્તા ધરાવે છે. આ નિર્ણયો કાં તો ''પ્રત્યક્ષ લોકશાહી''માં લોકોના મત દ્વારા લેવામાં આવે છે (જેને ''સાચી'' અથવા ''શુદ્ધ'' લોકશાહી પણ કહેવાય છે), અથવા ''પ્રતિનિધિ લોકશાહી''માં તેમના ઘટક વતી મત આપતા ચૂંટાયેલા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે.તમામ લોકશાહી સમાન હોતી નથી. અસંખ્ય લોકશાહી પેટા પ્રકારો અસ્તિત્વમાં છે, જેમાં બંધારણીય લોકશાહી, લીલી લોકશાહી, ડિમાર્ચી, ઉદાર લોકશાહી, ઔદ્યોગિક લોકશાહીનો સમાવેશ થાય છે. હકીકતમાં, એક વિદ્વાને લોકશાહીની બે હજારથી વધુ વિવિધતાઓને ઓળખી કાઢી છે.

ચિંતા

આજના આર્થિક પ્રભુત્વવાળા યુગમાં લોકશાહી ઉપર અર્થ સત્તા હાવી થઈ ગઈ છે. લોકશાહીનું પોત પાતળું થઈ રહ્યું છે. રશિયામાં વ્લાદિમીર પુટીન સામે ચૂંટણીમાં કોઈ ઊભું જ ન રહ્યું. પુટીન ૮૮.૭ ટકા જંગી મતો મેળવી સત્તા ઉપર ટકી ગયા. ચીનના પ્રમુખ ક્ષી પિંગે બહુમતીના જોરે પોતાની વ્યક્તિગત સત્તા ૨૫ વર્ષ માટે લંબાવી દીધી! અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન આફ્રિકાના મોટા ભાગના દેશો, પાકિસ્તાન જેવા અનેક દેશો માત્ર નામની લોકશાહી ધરાવે છે. સયુકતં રાષ્ટ્રનો નિયમ છે કે, જે દેશમાં ચૂંટાયેલી સરકાર હોય તે ને જ વિશ્વ બેંકની આર્થિક, તાંત્રિક, ખાધ્ય, આરોગ્યઅને લશ્કરી સહાય આપવામાં આવે છે. આથી પાકિસ્તાન જેવા દેશો સમયાંતરે ચૂંટણીના નાટકો કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મળતી મદદ ભોગવે છે.

મોટો ચિંતાનો વિષય એ છે કે, શાસન ગમે તેનું હોય, ગમે તે પ્રકારનું હોય, પરંતુ માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. ખોરાક, શિક્ષણ, આરોગ્ય, સલામતી, ન્યાય જેવી પાયાની સવલતો સામાન્ય લોકોને મળતી નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા અને ચીનનું પ્રભુત્વ છે. યુક્રેનમાં લાખો લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. આફ્રિકાના અસંખ્ય દેશોમાં ભૂખમરો છે, દારુણ ગરીબીથી લોકો કૃશ કાય બની ગયા છે.

રીંગણાં લઉં બે ચાર અને બળિયાંના બે ભાગ જેવી પરિસ્થિતિ વ્યાપક બની રહી છે. સત્તામાં બેઠેલા પાંચ દસ લોકોને સાચવી લેવાના, પછી મલાઈ તારવી લેવાની માનસિકતા મોટી ચિંતાનો વિષય છે. રાજકીય પક્ષોમાં સેવાના નામે સલામતી શોધતા ગરબડકારોથી બચવા માટે લોકોએ જ જાગૃત થવું પડશે.

જાગતા રહો

મતદારો માટે બહુ કપરો સમય ચાલે છે. નીર અને ક્ષીર જુદા તારવવા કપરું છે. ૧૯૭૦ માં દિલીપ કુમારની ફિલ્મ ગોપીનું યાદગાર ગીત બહુ યાદ આવે તેવું છે. રામચંદ્ર કહે ગયે સિયા સે, ઐસા કલયુગ આયેગા, હંસ ચૂગેગા દાના દૂનકા, કૌવા મોતી ખાયેગા! જ્યારે પણ રાજકીય પ્રતિનિધિ પસંદ કરવાનો સમય આવે ત્યારે, મતદાતા એ પોતાનું ભવિષ્ય પસંદ કરતાં હોય તેટલી જાગૃતિ અને કાળજીથી મતદાન કરવું જોઈએ.

'નોબત'ના વાચકો અને ચાહકોને લોકશાહીના સૌથી મોટા પર્વની હાર્દિક શુભકામના.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh