વીકેન્ડનો વિકલ્પ ખૂલ્લો...? નગરજનો નારાજ કેમ...?

ગઈકાલે જામનગરમાં કોરોનાના કેસો ૧પ૦ થી પણ વધી જતા જિલ્લા કલેક્ટર રવિશંકરે ફરીથી લોકોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય સાવધાનીઓ માટે "હાથ જોડીને" આજીજી કરી છે, તેમ કહેવું ખોટું નથી. આ સ્થિતિ કેમ ઊભી થઈ, તેમાં પડવાના બદલે સામે આવેલી સંકટમય સમસ્યાની સામે કેવી રીતે ઝઝુમવું અને કોરોનાનો સામનો કરતા કરતા જિંદગીને કેવી રીતે ધબકતી રાખવી, તે આપણે સૌએ પણ વિચારવું જ પડે તેમ છે. આપણે બધા જો નક્કી કરી લઈએ કે કોઈ મોટા મેળાવડા, ભીડભાડ કે ઉજવણીઓમાં આપણે જોડાવું જ નથી, તો કોઈપણ રાજકીય, સામાજિક કે સરકારી કાર્યક્રમોમાં નિયમભંગ કરીને એકઠી થતી જનમેદનીની સમસ્યા જ ઊભી થતી અટકી શકે છે.

આ માત્ર જામનગરના કલેક્ટરની મુંઝવણ નથી, મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ સત્તાધીશો પણ પ્રવર્તમાન સંજોગોમાં કામ-ધંધા - રોજગારને બહુ માઠી અસર કર્યા વગર કોરોનાનું સંક્રમણ ફેલાતું કેવી રીતે અટકાવી શકાય, તેની મથામણમાં પડ્યા છે, અને તેમાં સક્રિય જનસહયોગ અને તંત્રોની વ્યવહારૃ અભિગમ સાથેની સક્રિયતાની સામેલગીરી થવી અનિવાર્ય છે.

હાઈકોર્ટની સલાહ કહો કે ફટકાર કહો, આકરા શબ્દોમાં થયેલી ટકોર પછી ગઈ રાત્રે રાજય સરકારે કરેલા નિર્ણયો મુજબ આજથી જામનગર સહિત આઠ મહાનગરો અને વીસ નગરોમાં રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધી ૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરફયૂની જાહેરાત કરી છે, જેના મિશ્ર પ્રત્યાઘાતો પણ સામે આવ્યા છે.

જે મહાનગરો અને નગરોમાં રાત્રિ કરફયૂની જાહેરાત થઈ છે, ત્યાંની વેપારી સંસ્થાઓ, સંગઠનો, નાના-મોટા વ્યવસાયકારો, શ્રમિકો તથા હોટલ, રેસ્ટોરન્ટ, પરિવહન જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો તો વીકેન્ડ કરફયૂનો અમલ કરીને રાત્રિ કરફયૂને મધ્યરાત્રિથી જ લગાડવા અથવા હટાવવાની રજૂઆત કરી રહ્યાં છે. વીકેન્ડ કરફયૂમાં શુક્રવારે સાતથી સોમવારની સવાર સુધી જો મૂવમેન્ટ ન થાય, તો વાયરસની સાયકલ તૂટવાની શક્યતા વધી જાય, અને લોકોના કામ-ધંધા ચાલતા રહે, રાત્રિના આઠ વાગ્યાથી જો કરફયૂ આવી જાય તો માત્ર કામ-ધંધા નહીં, પરંતુ વ્યવહારિક અને પારિવારિક પ્રવૃત્તિઓ પણ અટકી પડે તેમ છે. આ કારણે સરકારના નિર્ણયથી ઘણા નગરોમાં નગરજનો પણ નારાજ છે.

આજે રાજ્યની કેબિનેટની મિટિંગમાં જે કાંઈ નિર્ણયો લેવાયા, તે પણ સામે આવી રહ્યાં છે અને ગઈકાલે રાત્રે જે કાંઈ નવી જાહેરાતો થઈ અને કોરકમિટીમાં નિર્ણયો લેવાયા, તેના પર ગહન ચર્ચા-પરામર્શ પણ થયો હશે. હવે આજથી જે કાંઈ નવા નિયમો અમલી બની રહ્યાં છે, તેના અમલમાં અતિરેક પણ ન થાય અને લોકો પણ હવે બિન્ધાસ્ત રહેવાના બદલે કમસેકમ પોતાના પરિવારજનોના હિત માટે પણ જરૃરી સાવધાનીઓ રાખે અને ૪પ વર્ષથી વધુ ઉંમરના લોકો રસી મૂકાવી લ્યે, તે અનિવાર્ય છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit