Advertisement
Author: નોબત સમાચાર

એલા વાંચજો નહીં તો મોરે મોરો આવશે...

અત્યારનું વાતાવરણ એવું છે કે દિવસે તડકો મોરે મોરો દે છે અને રાત્રે હજી થોડી ઠંડક મોરે મોરો રહે છે.

અત્યારે કોઈને આ મોરે મોરો શબ્દ સમજાવવાની જરૃર લાગતી નથી. અમારા ડાયરાના ફિલ્ડમાં ઘણાં લોકો મોરે મોરા  માટે પ્રખ્યાત થઈ ગયા છે. શબ્દની તાકાત છેલ્લા બે મહિનામાં સમજાણી.

પણ આ શબ્દ એટલો પ્રચલિત કરી દીધો કે ખુદ ગુગલ પાસે તમે કંઈ પણ વિગત માગો તો પહેલા તો મોરે મોરાનો અર્થ જ  સમજાવે છે.

પરંતુ કોઈને ખબર નહીં હોય કે આદિ કાળથી આ મોરે મોરા ની પદ્ધતિ ચાલી આવે છે. અમારા ચુનિયાએ હમણાં જ એક  *મોરે મોરો* સેમિનાર રૃા. ૩૦૦-૩૦૦ની ટિકિટ રાખી અને આયોજન કર્યું હતું.

ગુગલ કરતા પણ વધારે જ્ઞાન ધરાવતો અમારો ચુનિયાએ સ્ટેજ ઉપર પણ ઠોઠિયા ગાડી નો આગલો મોરો (ફ્રન્ટ ભાગ) લઈ ભાષણની શરૃઆત કરી હતી.

હજી તો કાર્યક્રમની શરૃઆત થઈ હતી ત્યાં માઈકવાળા, લાઈટવાળા, સેટવાળા તથા બેક સ્ટેજના કલાકારો આવા જ બીજા  ભાંગલા ટુટલા ફ્રન્ટ સાથે એટલે કે મોરા સાથે ચુનિયાને ફરતા ગોઠવાઈ ગયા.

લોકોને હવે સમજાઈ ગયું હતું કે આ મોરે મોરો એટલે શું ચુનિયાની ભાંગલી ગાડીનો મોરો અડધો પણ ન રહૃાો ત્યાં સુધી  આ બાકીના ઠોઠિયા ફ્રન્ટ વાળાઓએ મોરે મોરો  ભટકાડ્યો.

જોકે આવું પ્રેક્ટીકલી સમજાવવા માટે ચુનિયો એક જ એવો છે જે જોખમ લઈ શકે.

ઇન્ટરવલ પછી આ શબ્દ પારિવારિક છે તેવું સાબિત કરવા માટે બે ચાર કપલને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા. ૮૦  વર્ષથી માંડી અને તાજા પરણેલા એવા ચાર કપલ ડાયા ડમરા થઈ અને મંચ પર ગોઠવાયા.

ચુનિયાએ આડાઅવળા એકબીજાને એવા પ્રશ્નો પૂછયા કે એમને અંદરો અંદર એકબીજા ઉપર વિશ્વાસ ન રહૃાો. એકબીજા  ઉપર શંકાની નજર અષાઢી વાદળાની જેમ ઘેરી બની.

ભૂતકાળના એકબીજાના પત્તા ચુનિયો સ્ટેજ ઉપરથી ખોલવા માંડ્યો અને પરિસ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે સૌથી મોટું  કપલ જેણે તાજેતરમાં જ લગ્નજીવનના ૫૦ વર્ષ હોંશે હોંશે ઉજવ્યા હતા તે જૂની વાતો પર છુટ્ટા દાંતના ચોકઠા એકબીજાને  મારી હાંફી ગયા ત્યાં સુધી બથમ બથી જગાડ્યા.

નવા પરણેલાઓએ તો એકબીજાના ઇન્સ્ટા સ્નેપ ચેટ વિગેરે ચોપડા ખોલી નાખ્યા અને  બંનેએ હાથમાં જે વસ્તુ આવી  તેના ઘા કરવા માંડ્યા.

ચુનિયો માંડ વચ્ચે પડ્યો અને કહૃાું કે આ નિયર એક્સપાયરી કપલથી લઈ અને શીમલાના લાલઘુમ સફરજન જેવું કપલ  જે કરી રહૃાું હતું તેને મોરે મોરો કહેવાય.

યુદ્ધ કેવું હોય તે જાણવા માટે થઈ અને કંઈ બોમ્બમારો કે મિસાઈલ ન છોડાય. તેને શાબ્દિક રીતે પણ સમજાવી શકાય.  પણ ચુનિયાએ પ્રેક્ટીકલી આ સમજાવ્યું. ૮૦ વર્ષના ભાભાને પણ તમે પૂછો તો કહેશે કે ઘરવાળાને વતાવવા નહીં, નહીં  તો મોરે મોરો આવે અને તેમાં નુકસાન તમને જ થાય.

આ નવી પેઢીને શબ્દ સમજાવવા માટે કસરત કરવી પડે. પરંતુ હવે તેને સમજાયું હશે તેમ છતાં કહી દઉં કે તમારો વાંક ન હોય છતાં તેને તમારી સાથે ડખ્ખો કરવો હોય તો ગમે ત્યારે મોરે મોરો આવશે. એટલે કે તમારી સાથે મગજમારી કરશે  અને તમારા મોરાને ભાંગી-તોડીને ભૂકો કરી નાખશે.

સ્ત્રી એ શક્તિ છે. હમણાં ૮ તારીખે મહિલા દિન છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધા જ માધ્યમ પર બહેનોની  પ્રશસ્તી ચાલુ થશે. અમૂક લોકો દિલથી વખાણ કરે ને અમુક લોકો ભવિષ્યમાં મોરે મોરો ન આવે એટલા માટે વખાણ કરે.  હકીકત એ છે કે આપણા મોરાને સાચવવાવાળો મોરો એ આપણા ઘરના સ્ત્રી પાત્રનો મોરો હોય છે.

પુરૃષ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે ઘરની સ્ત્રી ફુલ સ્પીડમાં સામેવાળાને મોરે મોરો અડાડી દે. એ એમની તાકાત છે.

મોરે મોરો શબ્દની તાકાત એ છે કે આ એક જ શબ્દ બીજા કેટલાય શબ્દો ને ભુલાવી શકે છે અને એ છે મોંઘવારી, બેરોજગારી, તંગી, માંદગી... જેવા અનેક શબ્દો સોશિયલ મીડિયા ઉપર ભુલાઈ જાય અને ટ્રેન્ડિંગમાં ચાલે મોરે મોરો...

અત્યારે તો પરીક્ષાની સિઝન પણ છે વિદ્યાર્થીઓ જો વાંચશે નહીં અને આવા ખોટા શબ્દો પાછળ કે ઘટના પાછળ સમય  બગાડશે તો જીવનમાં ન કલ્પેલી નિષ્ફળતા મોરે મોરો જીકશે.

આ શબ્દ છે એ સંસ્કૃતિ ને ભુલાવી શકે એવો સુર સાંઢ જેવો છે.

પહેલા ડાયરો મીઠો લાગતો હતો હવે મોરો (મોળો)લાગે છે.

નજીકના ભવિષ્યમાં જો ડાયરા બંધ થઈ જાય તો તેના માટે યાદ રાખજો આ શબ્દ *મોરે મોરો* જ કારણભૂત હશે.

આ લખતો તો ત્યાં કિરણ મોરે (ભૂતપૂર્વ ક્રિકેટર) તેનો ફોન આવ્યો કે મિલનભાઈ આ ડાયરાવાળા મને કેમ યાદ કરે છે?  મેં કીધું અમારા ફળિયામાં ઝાઝા બધા મોર આવ્યા હતા એટલે કહૃાું હશે કે મોરે, મોરો (મોરનું બહુવચન)આવ્યા છે.

મોરે મોરો ભટકાડવાવાળા એકલા બેસીને વિચારે તો ક્યારેય આવો ભંગાર વિચાર આવે નહીં. પરંતુ અમારા ચુનિયાને  આજુબાજુવાળા, સાવ નવરી બજાર, મફતીયા, ચડાવે એટલે આવા મોરે મોરા ના વિચાર આવે.

વિચારવાયુઃ તમારી પ્રતિષ્ઠા રૃપી ગાડી નો મોરો ગમે તેવડો વીમો હોય તો પણ આડેધડ કોઈની સાથે ભટકાડાય નહીં.  તેને નુકસાન કરવા જતા તમારી ગાડીને પણ નુકસાન તો થાય જ.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh