Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડી રકમ માટે નકામી-નખાવા જેવી અથવા મિક્સ મેચ જેવી વાનગીને આ ફૂડ બ્લોગરો વખાણ કરી કરીને લોકોને-યંગ જનરેશનને ખોટા રવાડે ચડાવે છે.
ગુજરાતીઓ ખાવાપીવાના જબરા શોખીન છે. ગુજરાતીઓની સવાર ખાવાથી પડે છે અને મોડીરાત સુધી ખાતા હોય છે. આ ખવાય- આ ન ખવાય. મોડેથી ખાવાથી પાચન ન થાય, આ ખોરાક ભારે પડે-આ ખોરાક હળવો છે. એવી કોઈ સલાહ ગુજરાતીઓ માનતા નથી અને એટલે જ ગુજરાતના ગમે તે શહેરમાં જાવ. ગલીએ ગલીએ ખાવાપીવાની વાનગી મળી જ આવે. સવારે ચા, ગાંઠીયા, ખમણ, થેપલા, દાળપકવાન, પૌઆ, ઘુઘરા, મિક્સ કઠોળ, ભરેલી પુરીબપોરે ગુજરાતી ફૂલ થાળી, વળી સાંજ પડે ત્યાં પાછું કંઈક ફાસ્ટફૂડ અને રાત્રે તો ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ.. જે હોય તે ચાલે.. આ સિવાય આખો દિવસ ચા, પાન, મસાલા, સોડા એવું તો કેટલુંય પેટમાં પધરાવતા હોય.. ગુજરાતીઓ તો સવારે વોક કરવા જાય ત્યારે પણ એનર્જી ડ્રીંક, ઉકાળા પીતા હોય, તેમ રાત્રે બહાર જાય તો આઈસ્ક્રીમ-ગોલા, ખાવાપીવાની વાનગીનું જેટલું લાંબુ મેનુ છે તેનાથી વધારે લાંબુ લીસ્ટ ખાણીપીણીના ધંધામાં રોકાયેલા લોકોનું... ગલીએ ગલીએ, ફૂટપાથ પર, બાગ-બગીચામાં, શોપીંગ મોલમાં, કોઈ એક્ઝિબિશન આવે ત્યાં પણ... ગલી-રોડની સાઈડથી લઈથી રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ફૂડકોર્ડ.. બધે જ કોઈકને કંઈક મળી જ જાય અને આપણે ગુજરાતીઓ મોજથી બધું ઝાપટી જ લે છે.
ગુજરાતીઓને ખાવું એ જ સંસ્કૃતિ છે. વૈભવતાની નિશાની છે, ગુજરાતીઓને ખાવા માટે સમય નહીં સંતોષ જોવાય છે. જીભને ટેસડો પડે એવી વાનગી, પછી ભલે ને તંદુરસ્તીને નુકસાન કરે, તો પણ ખાય જ લેવી હોય... ચામા ચીઝ અને બટર પણ નાખી દે.. આઈસ્ક્રીમ ભજીયા કોઈએ વિચાર્યું હોય? તેવા આઈસ્ક્રીમ હોય? પણ ગુજરાતમાં હોય... દરેક પાર્ટી, દરેક મુલાકાત, દરેક મિટિંગ ખાવાપીવાની વસ્તુ વગર અધૂરી છે. ગુજરાતીઓના દિલમાં જવાનો રસ્તો પેટમાંથી નીકળે છે અને જીભને ભાવે એટલે દિલ સુધી પહોંચી જ જવાય.
ખાનપાનને વૈભવ માનવાવાળી ગુજરાતી પ્રજા કોઈ નવું રેસ્ટોરન્ટ આવ્યું નથી કે ત્યાં ગયા નથી. મિત્રો સાથે વાત કરવામાં પણ પોતે નવા ખુલેલા રેસ્ટોરન્ટમાં જઈ આવ્યા તે વાત ગર્વથી કરે છે. તેમાં પછી આ ફૂડ બ્લોગર આવ્યા પછી તો... આ બધું વધી ગયું છે. ફૂડ બ્લોગર ગમે તે હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા પર કે સ્ટ્રીટ ફૂડના આઉટલેટ કે લારી પર જઈને પણ... 'શું સ્વાદ છે..' 'કેવો સરસ ટેસ્ટ છે' 'આવું તો મેં ક્યારેય જોયું જ નથી.' 'આ પ્રકારની ડીશ આજ સુધી જોઈ જ નથી..' 'તમે ચોક્કસ ટ્રાય કરજો' એવું કહીને ચહેરા પર સ્વાદનો અનેરો આનંદ આવતો હોય તેવા હાવભાવ સાથે ખાવાના શોખીનોને પ્રોત્સાહન આપે છે. ફૂડ બિઝનેસની જેમ આ ફૂડ બ્લોગરનો બિઝનેસ પણ ખૂબ વધ્યો છે.
ખોરાક-વાનગી-ખાવાનું એ ગુજરાતીઓની નબળાઈ છે. આપણે ગુજરાતીઓ જીવવા માટે નથી ખાતા, પણ જાણે ખાવા માટે જીવતા હોઈએ છીએ અને આપણી આ નબળાઈનો ફાયદો ઉઠાવે છે. ફૂડ બિઝનેસ અને ફૂડ બ્લોગર.. ખાણીપીણીના ધંધાર્થીઓ થોડાક રૂપિયા આપીને આ ફૂડ બ્લોગરને બોલાવે છે અને આ બ્લોગર અનહેલ્ધી અને અન હાઈજેનિક વાનગીના એટલા વખાણ કરે છે કે, ખાવાના શોખીન અમે રહી ન જઈએ., એ વિચારે ખાવા પહોંચી જાય છે. પણ ખાધા પછી કદાચ સ્વાદ ન ભાવે એવું બને, અને ફૂડ બ્લોગરનો સંભળાવી દેવાનું મન થાય. પણ બ્લોગર આ બધી વાત જાણતા હોય છે એટલે જ તે કોમેન્ટ સેક્શન બંધ રાખતા હોય છે.
...અને ખાવાનું પણ કેવું? પરંપરાગત વાનગી બનાવતી ગૃહિણીને તો જોઈને વિચાર આવે કે આવું ખવાય? ગમે તેનું શાક, ગમે તેના ભજીયા, ગમે તેની સાથે ગમે તે વાનગી ભેગી કરી નાખી... જોઈને જ એમ લાગે કે આવું હોય? આવું ભાવે? પણ આ ખાણીપીણીના વખાણ કરવા વાળા તો ગમે ત્યાં ઉભા રહી જાય. ગમે તે ડીશ ઝાપટી લે અને વખાણ કરવા લાગે. ખરેખર તો આ ફૂડ બ્લોગર પોતાની ચેનલ બનાવીને આવા વીડિયો મૂકીને લાઈક, શેર માટે બીજાને ભલામણ કરતા રહે છે અને તેનાથી કમાણી કરવા લાગ્યા છે. સાથે હોટલ-રેસ્ટોરન્ટના માલિકને પણ ખંખેરી લેતા હોય છે. કોઈપણ જાતની પાક શાસ્ત્રની આવડત વગર દરેક વાનગીના ભરપુર વખાણ કરવા જ લાગે છે. જાણે બધી જ વાનગીના સ્વાદની તેમને જ ખબર હોય પણ તેમણે કહ્યું એટલે બધુ જ સારૂ, સ્વચ્છ ન હોય એ વિચાર્યા વગર તેના વીડિયો જોઈને બધા તે સ્થળે ખાવા પહોંચી જાય છે. મને એ નથી સમજાતું કે આ ફૂડ બ્લોગરની જીભ અને આપણી જીભ, સ્વાદ પારખવાની બંનેની શક્તિ અલગ અલગ હશે? ફૂડ બ્લોગરને બધી જ વાનગી અફલાતૂન, ભારે ટેસ્ટી, એકદમ સરસ કેમ લાગતી હોય છે?
ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા લોકો આવા લોકોને બોલાવીને, પોતાની ફૂડ આઈટમની માર્કેટીંગ કરતો વીડિયો બનાવે છે. વાનગીના ભારે વખાણ કરાવે છે. જો કે તેમની વાતો અને વાનગીના સ્વાદ કે ચોખાઈ વાસ્તવિકતાથી દૂર હોય છે. તેણે વખાણ કરેલી વાનગીમાંથી મોટા ભાગની વાનગી અનહેલ્થી અને અનહાઈજેનિક સાબિત થાય છે. કારણ એક પણ ફૂડ બ્લોગર એ ક્યારેક ચેક નથી કરતા કે જે વાનગીના તે ભરપુર વખાણ કરે છે. તે વાનગી અન્યને ભાવશે કે નહીં? તેના સ્વાસ્થ્ય માટે જોખમી તો નથી ને? પછી ખાનારાને ફૂડ પોઈઝનિંગ જેવી બીમારી નહી થાય ને? ફૂડ આઈટમનું માર્કેટીંગ કરતા પહેલા ફૂડ બ્લોગર જરા પણ તપાસ નથી કરતા. ખરેર તો જ્યાં જ્યાંની વાનગીના આ બ્લોગરોએ વખાણ કર્યા છે, ત્યાં ત્યાંથી જ ખરાબ, વાસી, અનહાઈજેનિક વસ્તુ પકડાય છે અને આવા રેસ્ટોરન્ટને ફૂડ હેલ્થ ડિપાર્ટમેન્ટનો દંડ પણ થયો છે. છતાં આપણે બધા સમજતા નથી. ફૂડ બ્લોગરના વીડિયો, રીલ જોઈને મિત્રો પરિવાર સાથે તેણે બતાવેલા સ્વાદના સરનામે પહોંચી જઈએ છીએ અને પછી બીમારીને આમંત્રણ આપીએ છીએ.
આપણે એક વાત સમજવાની જરૂર છે કે, લોભામણી જાહેરાત કે પ્રોફેશનલ માર્કેટીંગ કરતા ફૂડ બ્લોગરના વીડિયોની વાસ્તવિકતા જાણ્યા સિવાય ગમે તે જગ્યાએ પહોંચી ન જવું. આ લોકો તો ફોલોવર્સ ભેગા કરવા અને કમાણી કરવા જ વખાણ કરતા હોય છે. આ તેમનો બિઝનેસ છે. આવકનંુ સાધન છે. આપણે તેમાં ફસાવવું ન જોઈએ. બ્લોગરની વાતમાં આવીને નકામી, અનહેલ્થી વાનગી પેટમાં પધરાવીને બીમારીને આમંત્રણ આપવા જરૂર નથી. ચેતી જજો.
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial