જામનગર તા.૦૭ઃ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટની ગતિએ વધી ગયું છે. જેમાં હવે ધીમે ધીમે બાળકો પણ કોરોનાગ્રસ્ત બની ગયા છે અને સારવાર માટે જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. જે પૈકી હાલ ૯ બાળકો કોરોનાની સારવાર હેઠળ છે, ઉપરાંત ૯ આરોપીઓ પણ જી.જી. હોસ્પિટલના પ્રિઝનર કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર પ્રસરી રહી છે, અને અનેક લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. જે કોરોનાનું સંક્રમણ વયસ્કો ઉપરાંત હવે બાળકોમાં પણ જેટ ગતિએ ફેલાયું છે.
હાલમાં જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં કુલ ૧૦ વર્ષથી નીચેની વયના ૯ બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે અને તમામની સઘન સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત જામનગરની જેલમાંથી સંક્રમિત બનીને આવેલા ચાર કેદીઓ જ્યારે એડવોકેટ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીઓ સહિત કુલ નવ આરોપીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાથી તેઓ માટે અલગથી બનાવાયેલા પ્રિઝનર કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જેના પર યોગ્ય્ સુરક્ષા પહેરો પણ ગોઠવાયેલો છે.